ગુરુવાર, 26 માર્ચ, 2026

ગઝલ : જપતો હશે

આભ પરથી શુક્રતારો જે સમે ઢળતો હશે,
ભક્ત ઘરમાં એકતારો ત્યારે પણ બજતો હશે.

બેસતો એ જાપમાં તો યાદ એની આવતી,
ચિત્તના ચકડોળમાં એ મંત્ર શું જપતો હશે !

શ્વાસમાં ફોરમ લઈને વાયરો વ્હેતો રહ્યો,
છે નવાઈ બાગને - આ શ્વાસ ક્યાં ભરતો હશે !

દેહ ના પામી શકે ઈશ્વર અહીં યુગો સુધી,
એટલે એ દેહધારી શિલ્પીને ઘડતો હશે !

મોત આવ્યું પણ અચંબિત થઈ અને પાછું ફર્યું,
કેટલું આ જણ અહીં જીવી જીવી મરતો હશે !
- મુકેશ દવે
અમરેલી
તા. ૦૮/૧૦/૨૦૨૫, બુધવાર

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા