બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

એક કપ કૉફી - રિવ્યુ

કવિ શ્રી Dinesh Kanani શ્વાસ, જીવ,જિંદગી અને જીવનને પોતાના આગવા અંદાજમાં પ્રસ્તુત કરે છે- મૂલવે છે.
એમના ગઝલ સંગ્રહ "એક કપ કૉફી અને..."માંથી આવા કેફી ઘૂંટડા તારવી રજુ કર્યા છે.

***
કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણવા
રાત આખી જાગવાનો વારતાના અંતમાં.
***
કૈં અજબ ખેંચાણ લઈને જીવતા'તા,
હાથમાં સૌ પ્રાણ લઈને જીવતા'તા.
ડૂબવા દીધી નહીં આ જિંદગીને,
બસ, ગઝલનું વ્હાણ લઈને જીવતા'તા.
***
આંસુઓના ધક્કે-ધક્કે આગળ જઈને બેસે,
જીવ મૂકી મઝધારે માણસ રમતા કાતર કાતર.
મુઠ્ઠીમાં અંધારું લઈને સૂરજ સામે ફેંકે,
શ્વાસોના પડકારે માણસ રમતા કાતર કાતર.
ગમતું પંખી પાડોશીની ડાળે બેસી ટહુકે,
જીવન લાગે ભારે માણસ રમતા કાતર કાતર.
***
એટલી મેં ચૂપકીદી ત્યાં નિહાળી,
એમ લાગે શ્વાસ ભરવાની મના છે !
***
જીવવાનું હોય કાયમ કૂંપળો જેમ,
તું ઠઠારો પાનખરનો કેમ રાખે !
***
એટલો તો મનમાં છે વૈભવ મળ્યો કે,
જીવ જાજરમાન કરતા આવડે છે.
***
ઊંચકીને કાં બધાં હાંફી ગયા ?
જીવ મારો આમ તો ફોરો હતો.
***
રોજ દિલમાં એ જ રાખી ઝંખના કે,
જીવની સૌ ઝંખનાઓ રામ બોલે.
***
એ તરંગો થઈ બધે લહેરાય છે,
જિંદગી ક્યાં કોઈને સમજાય છે ?
હાથ લંબાવું અને પીડા મળે,
આમ ને આમ જ ઘણું જીવાય છે.
***
આ હયાતી પાઘડીના વળ નથી,
જિંદગીને જીવવાની કળ નથી.
***
હળવું, મળવું ઝાકળ જેવું ને જંતર મંતર,
જીવશું પળ પળ વાદળ જેવું ને જંતર મંતર.
***
જીવવાના સેંકડો ઉન્માદ લઈ,
આપણે બસ કાળમાં બેસી ગયા.
***
આખે આખું જીવતર અગડમબગડમ,
મળશે ક્યાંથી વળતર અગડમબગડમ.
કારણ આવે ખોટા લઈને મબલક,
માણસ જીવે બદતર અગડમબગડમ.
***
થાય, એવું બધાને થાય છે,
જીવ્યા એવું ક્યાં ફરી જીવાય છે !
જિંદગી ઘૂંટાય છે એવું ન માન,
આ સમયથી આયખું ભૂંસાય છે.
***
જંગ પૂરો ક્યાં થતો આ શ્વાસનો,
હક અને હિસ્સોય ક્યારે માંગવો !
***
પૂર્વજોની માલમિલકત ભાગમાં આવી નથી,
એટલે તો જિંદગીને ક્યાંય લલચાવી નથી.
***
પર્વતો, વૃક્ષ, ઝરણાં, સમંદર, નદી,
એમ હું પણ જીવું છું અપેક્ષા વગર.
***
જિગરની વચોવચ ખુમારી પડીછે,
મને જિંદગીની સવારી નડી છે.
***
કૈંક ખૂટે છે ખરેખર જીવમાં,
તું મને પહેલા સમું હરખાવ 'મા' !
***
આવકારો જિંદગીને આપવો જો હોય,
આ હૃદયમાં વાંસળીના સૂર રાખીએ.
***
કોક અંદર અવતરે છે ક્યાંક તો,
કોક જીવે ને મરે છે ક્યાંક તો.
***
એટલે દરિયાના જળ કાયમ મળે છે,
જન્મથી હું મીન રાશિ લઈ ફરું છું.
***
ત્યાં વહેલાસર બધાં આવી ગયાં,
શ્વાસમારા ધીરેથી સરતાં હતાં.
***
જીવવાનું બળ મળે એટલે તો,
સાચવું છું જીવ જેમ વિશ્વાસ મારા.
***
ઝીણું ઝીણું જીવમાં કંતાય છે,
મન પછીથી કાવ્યમાં સંધાય છે.
***
હાડપિંજર થઈ ગયેલા શ્વાસમાં,
હું જીવું છું જિંદગીની પ્યાસમાં.
***
જીવનામે સાવ સીધો ને સરળ,
આપણાંમાં એક ચોકીદાર છે.
***
આજનું આજે નહીં પણ કાલ પર,
જીવવાનો એ જ શું આધાર છે ?
***
એ જ સાચા ને સહજ છે મિત્ર જ,
જીવવાનું બળ બનીને આવતા.
***
પીપળાના પાન જેવા શ્વાસ છે,
જિંદગીના જર્જરિત આભાસ છે.
***
ને સ્મરણની ચાંદનીમાં લીન થઈને,
શ્વાસ મારા, બે ઘડી ખોયા કરું છું.
***
એટલે તો મેં ઉઠાવી આંગળી,
પ્રશન પણ જીવન મરણ જેવા હતા.
***
જિંદગીનું રૂપ પણ કેવું હશે ?
જઈ નિકટ ને દૂર ભાગે છે બધાં.
***
થોડી થોડી એય પજવે,
જિંદગીને કાળી માખી.
***
જિંદગીને જીવવાની હોંશમાં,
દ્રૌપદીના ચીર થાતા જાય છે.
***
સૌ ઊભા પોતપોતાની વ્યથા કઈ,
જીવ લાચાર ને હું એકલોછું.
એકલો છું એકલો છું એ જ છે બસ-
જિંદગીનો સાર ને હું એકલો છું.
***
મોત સામે શ્વાસની
ખેંચતાણી થઈ જશે.
***
જિંદગીથી બસ જરી અળગા થયા,
રંગભૂમિના પછી પડદા થયા.
***
કેમ દઉં આ શ્વાસ મારા હું તને,
મારી અંદર આ જગતનું ઝેર છે.
***
ડૂબાવી દઈએ જીવનને
સમયના પ્રવાહો તરીને
હવે માણસો તો જીવે છે
સવારે બપોરે ખરીને !
***
રોજ સાંજે ઘર તરફ પાછો વળું,
આમને આમ, જિંદગી જીવાય છે.
***
અંતવેળા ઊંઘથી જાગી જવું,
જિંદગીનો સાર લાગે છે મને.
***
રોજ રાખે આચરણને હાંફતા,
જિંદગી મૃગજળની ડેલી હોય છે,
***
એટલે અકબંધ છે શ્વાસ મારા,
શ્વાસ મારા સૌ જવાનો ભરે છે.
- શ્રી દિનેશ કનાણી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો