રવિવાર, 28 જૂન, 2026

ગઝલ : પાડ તાલી

 એક ચિત્તે સાંભળે મારી કથા તો પાડ તાલી,
ને પછી જો વીસરે તારી વ્યથા તો પાડ તાલી.

રૂઢિઓમાં જીવવાનું ખૂબ દુષ્કર હોય છે, પણ-
ઝાટકે તોડી શકે સઘળી પ્રથા તો પાડ તાલી.

ચોતરફથી આવશે અંધાર ઘેરો ઘેરવાને,
એ સમે અજવાળું તારું તું જ થા તો પાડ તાલી.

બન્ટી - બબલુ -પિન્ટુ -ચિન્ટુ નામ રાખે, છોને રાખે,
એય  પાછા નીપજે ડાલામથા તો પાડ તાલી.

'હું તથા તું'ની વચાળે આટલું અંતર રહ્યું બસ,
બેઉ વચ્ચે દૂર કર જો આ 'તથા' તો પાડ તાલી.
-- મુકેશ દવે
અમરેલી 
તા.૧૭/૦૬/૨૦૨૬,  બુધવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો