બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

ગણેશ - બે શૅ'ર

હવે પધારો નિજ ધામ ગણેશા,
છોડ્યા'તા સઘળાં કામ ગણેશા.

પંડાલો સઘળા વિખરાઈ પડ્યા,
વેચતા'તા તારું નામ ગણેશા.
- મુકેશ દવે તા.૧૪/૦૯/૨૦૧૬

ચેટીંગ - લઘુકાવ્ય

ચેટીંગ
એટલે
આંગળીના ટેરવે
થતો
મૂક્ સંવાદ
- મુકેશ દવે

ગઝલ - વસંત

ગ્રીષ્માગમન નવાજે વસંત
મસ્ત લ્હેરના રિયાજે વસંત.

રંગરંગના શમણાં ભરીને,
ફૂલડે ફૂલડે ગૂંજે વસંત.

આમ્રમંજરીની મહેક વચ્ચે,
ચૂપકે છૂપકે કૂંજે વસંત.

કેસરિયા વાઘાથી સજ્જ થઈ,
રંગ ઘેરૈયા અવાજે વસંત.

અલપ ઝલપ નજરો મળે ને,
પગલે પગલે લાજે વસંત
મુકેશ દવે( તા.૧૧/૦૧/૧૯૮૪)

ગુરુવાર, 12 જાન્યુઆરી, 2017

*ડૉ.અનિલ વાળા -એક ભાવ ચિત્ર

ડૉ. અનિલ વાળા -એક ભાવચિત્ર
 *ડૉ.અનિલ વાળા -એક ભાવ ચિત્ર*
- મુકેશ દવે
**************************
અનિલનો સ્વભાવ
વહેવું...... નિરંતર વહેવું.....,
એનું મંદ વહેવું
મંદમંદ સુગંધ દે ભરી
અને
વહે વેગે
તો
લૂગડાંય જાય ઉડાડી........
એ કોઈથી બંધાય ?
એ કોઈથી દબાય ?
એ વળી,
શબ્દોથી કવિઓને ચિતરે
અને
એવા રંગે..... એવા રંગે
કે
રંગબેરંગી પોપડીઓ જામે.
ઉખેડો એ રંગીન પોપડી
તો
મળે કવિની સડેલી ખોપડી.
એ તો
કવિનેય
ઍબ્સર્ડ - ઍબ્સર્ડ કરી મૂકે.
વળી,
વહેતો વહેતો જાય
ગલીપચી કરી;
વિધવાની સુતેલી ઈચ્છા જગાડવા,
ફરી એ ત્યાંથી
કયારે આવે
એની રાહ જોતો બેઠો છું
પંખો કરીને......
- મુકેશ દવે
બારમી
જાન્યુઆરીએ
સૌએ
વૉટ્સએપ
અને
ફેસબૂક પર
વિવેકાનંદ.... વિવેકાનંદ
રમી લીધું
પણ,
જીવનમાં ક્યારે ?????????

થયો વ્હેમ ...... ગીત

 થયો વ્હેમ ...... ગીત
શમણાં શા તેજ જેવું ટપક્યું;
ને અંધારૂં સ્હેજ એવું બટક્યું;
કે કોડિયાને સૂરજ હોવાનો થયો વ્હેમ.

વાયુને જળ થોડું સ્પર્શ્યું;
જળ જઈને આમતેમ ઉછળ્યું;
ખાબોચિયાને સાગર હોવાનો થયો વ્હેમ.

લાલચનું ઝૂમખું લટક્યું;
ઉછળી-કૂદીને એને અડક્યું;
'ને માણસને ઈશ્વર હોવાનો થયો વ્હેમ.

દડદડતું ગીત એક પ્રગટ્યું;
વાહવાહીમાં જઈ ભટક્યું,
ત્યાં 'મુકલા;ને સર્જક હોવાનો થયો વ્હેમ.
-મુકેશ દવે

રવિવાર, 9 ઑક્ટોબર, 2016

પરદેશી બાવળના કાંટા - ગીત

પરદેશી બાવળના કાંટા - ગીત

આપણે પરદેશી બાવળના કાંટા,
લીલીછમ્મલાગણીનીગૂંથેલીચાદરમાં ઘચ્ચ દઈ પાડીએ ફાંટા.
આપણે પરદેશી બાવળના કાંટા.

નીજનીય ડાળખીથી અળગા થઈ જઈએ ને
રસ્તે વેરાઈ ખટકીએ,
સેવાની ચાદરમાં મેવાની ગંધ લઈ
મોટપ ઓઢીને ભટકીએ,
ખોબાઓ ધરીએ ને ઝોળી લઈ દોડી
કંઈક મેળવવા થઈએ ભૂરાંટા.
આપણે પરદેશી બાવળના કાંટા.

સાધુતાની ઢગલીમાં સૂનમૂન સંતાઈએ ને
ભરોસાના પગમાં ખૂંચીએ,
ચપટી ભભૂત લઈ; ફૂટેલી ટશરોને
ફૂંકીફૂંકીને વળી લુછીએ,
ભલે ભગવા સજાવીએ ને ધૂણો ધખાવી
ભોળા હૈયામાં મારીએ આંટા.
આપણે પરદેશી બાવળના કાંટા
- મુકેશ દવે