ગુરુવાર, 18 ફેબ્રુઆરી, 2016

હનુમાન પ્રતીક્ષા ( અછંદસ)

હનુમાન પ્રતીક્ષા ( અછંદસ)
*******************

હનુમાન જયંતીથી
આકર્ષિત
અમરેલીનો લાઠી રોડ
આગલી સાંજથી જ
કેટલીક આસ્થા.
કેટલીક મોજ....થી
સભર
પગપાળા
ભુરખિયા હનુમાન તરફ
વેગે ધસી રહ્યો છે....
પગપાળાની ગતિ કરતાં
ધૂમ સ્ટાઈલ ગતિથી
કૌવત બતાવતા
ત્રીપલસવારી બાઇકો
ચાલી જતી આસ્થાને કચડતા
સર્પાકારે ઘૂમી રહ્યાં છે....
રસ્તાની બન્ને બાજુના
ઓટલાની આંખો
નફટાઈ ભરેલ લોલૂપતા છલકાવી રહી છે,,,,
માર્ગમાં
આંતરે-આંતરે
ઊભા થયેલા
ખાણી-પીણી-સારવાર સ્ટૉલ
પૂણ્યની જોળી છલકાવવા
થનગની રહ્યા છે...
મંદિરના
ગર્ભગૃહની આગળ
મોટા ખાલી તાંસ
લક્ષ્મીજીથી
છલોછલ થવાના શમણે છે....
અને
હનુમાનજી.....????

માનવલીલાને
ઊકેલવા
મથે છે
કોઈ
રામરંગ્યા
હૈયાની
પ્રતીક્ષામાં..........
- મુકેશ દવે

હું અને તું - રિવ્યુ

કવિશ્રી Paras S. Hemaniનો પ્રથમ કાવ્ય સંગ્રહ "હું અને તું" માં ડોકિયું કરવાનો અવસર મળ્યો.
પારસભાઈએ જીવનની વિટંબણાઓ,સંઘર્ષો અને વિરોધાભાસ જેવા પાસાઓને બરાબર પારખીને તેમના લઘુ કાવ્યો અને ગઝલમાં ઇમેજાવ્યા છે.... ચાલો માણી જ લઈએ.
(૧)
ચાર માણસોનું કુટુંબ
મંદીમાં
ખાવા ધાન નથી
ને
ભાડાના મકાનનું નામ
"લીલાલહેર" છે !
(૨)
હૉસ્પિટલથી
કાયમ દૂર રહેવું
એવું
ગયા જન્મે નક્કી કરેલું
છતાં
આ જન્મ
હૉસ્પિટલમાં જ થયો !!
(૩)
આલીશાન બંગલામાંથી
પપ્પાની કાર ઑફિસ તરફ ચાલી ગઈ
મમ્મીની કાર ક્લબ તરફ જવા નીકળી
હવે હાશ થી હોય એમ
બધો સ્ટાફ આડો અવળો થી ગયો,
આયા મોબાઈલમાં વ્યસ્ત થી ગઈ
બાળ
રમકડું પડતું મૂકી સૂઈ ગયું
ભૂખ્યું અને ભીનું....!!!
(૪)
તળાવની પાળે
સ્વપ્ન જોયા'તા

દહેજની હોળીમાં
સળગી ગયાં !
(૫)
હૉસ્પિટલમાં આરામ શોધતો 'લાચાર' દર્દી...!!
(૬)
નગ્ન બાળકોને
જોઈ
થયું કે
કાશ!
ઈશ્વર
કાપડનો
વેપારી હોત તો !!!
(૬)
"તાકીદે રક્તદાન કરવા જઈ રહેલા
માડીજાયાનું રક્ત પી જતો અકસ્માત !!!"
(૭)
રૂમની
ચાર દીવાલો વચ્ચે
પલંગ પર પડેલ
લક્વાગ્રસ્ત શરીરમાં
ચેતનાનો સંચાર દેખાયો,
વિલમાં
ફેરફાર કરાવવાની
મથામણમાં
આજનું જનરેશન.
(૮)
રડી લઈએ તો હળવા થવાય
ફરી
એ જ
દુ:ખનો
સામનો કરવા !!!
(૯)
૨૫ X ૨૫ નો ડ્રોઈંગ રૂમ
૨૦ X ૧૪ નો ફેમીલી રૂમ
૨૫ X ૨૫ નું રસોડું
૨૦ X ૧૬.૫ ના ૩ બેડરૂમ
૧૦ X ૧૨ ના બાથરૂમ
અહાહાહા !!!
ત્યાં જ
સસ્ફળો જાગે
૬ X ૮ ની ઓરડીમાં ટૂંટિયું વાળીને
સૂતેલો માણસ !!
(૧૦)
આંખોના
તળાવમાં
તરતા-તરતા
પૂરો થાય
પિયર-પ્રવાસ.
(૧૧)
સપનાઓ
રંગીન
આવે છે...
પણ

માણસ
રતાંધળો છે.
(૧૧)
દેહ પર
અપૂરતા
કપડાં
હોવા છતાં
શરીર ઢાંકવા
પ્રયાસ કરતી
ગરીબ સ્ત્રી
આજે
ટીવીમાં
હિરોઈનને
એકીટશે તાકી જ રહી..!!
(૧૨)
આથમણી દિશા
ફરીવાર
ગોરજથી ઊભરાઈ ગઈ
કતલખાનામાં
આજે
બંધનું
એલાન હતું !!!
(૧૩)
બંગલો તોડી
ફ્લેટની સ્કીમ મૂકાતા
રડતો ઝરુખો.
(૧૪)
આંખોમાં નિષ્ફળતાના
વાવેતર
અર્થાત આંસુ !!!!
(૧૫)
સખાવત કેવી
બેખબર હોય !!!!!
(૧૬)
ઘડિયાળને કાંટે
દોડતો
માણસ
પરિવારમાં
જ મહેમાન !!!!!
(૧૭)
જાહોજલાલીમાં
આખી જિંદગી જીવ્યા
વરસોના વરસો....
આજે એ
હિંચકે ઝૂલે છે

વૃદ્ધાશ્રમમાં,
વાર-તહેવારે
કોઈ ખબર અંતર
પૂછી જાય છે.
(૧૮)
સપનાંઓ
તો
ઘ...ણાં છે
પણ
ઊંઘવાનો
સમય ક્યાં ??

(૧૯)
કેટલાંયે
સપનાંઓ
બાજુમાં
મૂકી દીધેલી
ફાઈલ નીચે કચડાઈ જતા હોય છે !
(૨૦)
બંને
દીકરા ને વહુઓ
મિલકતો માટે લડી પડ્યા
જર-જમીન-ઝવેરાતના ભાગ થયા
પણ
લાચાર પિતાને
વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા
માટે
સર્વ સંમતિ છે !!!!
(૨૧)
અરજદારોની લાંબી કતાર હતી,
ઑફિસરોની હાજરી પાંખી હતી,
ઉપરથી
ભાદરવાની કાળઝાળ ગરમી હતી,
ને
એક ગરીબની ઠંડા પીણાંની લારી હતી,
કેટલાં વર્ષો પછી
આજ
એના ઘેર
ઉજાણી થઈ !!

(૨૨)
સાચે જ
સ્ત્રીનું જીવન


લે
આજીવન
અગ્નિ સાથે દોસ્તી...

થોડ શે'ર:-
(૧)
પૂછવું શું એને 'પારસ' સુખ વિષે
જેની હરપળ રાહમાં વીતી ગઈ
(૨)
રોજ બેસે બધા ભાર લઈને અહીં
જિંદગી એટલે હાંફતી જાય છે.
(૩)
કેટલા આયાસ 'પારસ' મેં કર્યા ઉકેલવા
જિંદગીના પ્રશ્ન સામે ધૂંધવાતો જાઉં છું.
(૪)
પથ્થરોનો કદી તો પડશે ખપ
બે'ક આંસુનું દાન કરવા દે.
(૫)
વ્હેમ પાછા કેટલા તાજા થયા
હાથ જૂની ડાયરી આવી ગઈ
(૬)
વિપદાઓ આવે ત્યારે સામટી આવે
શી ખબર કે ક્યારે ને ક્યા નામથી આવે
(૭)
જેએ સમયને હાથતાળી આપતો,
એ જ માણસ કેટલો મૂંઝાય છે !
- શ્રી પારસ હેમાણી

ગમતીલું શમણું - ગીત

ગીત :-

આંખ્યુંમાં આંજ્યું એક ગમતીલું શમણું
ને સાહ્યબો મારો એવો કંઈ હલક્યો
કે એવો કંઈ છલક્યો જાણે
બેઉ કાંઠે ઊછળતું - ઘૂઘવતું પૂર..!!!

સાહ્યબાની મેડીએ ટમટમતો દીવો;
હું બારણાંની આડશે ઊભેલી,
ઢાળેલા ઢોલિયાની મખમલ્લી ચાદરના
ગીત ગાઉં એકલી અટૂલી,
ધીમા ધીમા પગરવનું કાને અથડાવું પછી;
ધડકંતી છાતીમાં કળાયેલ મોરલા
એવું તો ટહુક્યા ને એવું તો ગહેક્યા કે
મેઘલી રાતમાં વરસે ચકચૂર...... આંખ્યુંમાં૦

ઊગમણી દશ્યમાં ફાટ્યો છે પોહ
તોય હું નીંદર વીંટાળીને સૂતી,
ઘોળી ઘોળીને ઘૂંટ્યા રાતના ઉજાગરાને
ઘટ્ટક-ઘટ્ટક કરી પીતી,
પાંપણના કાંગરેથી બોલતા બપૈયાના
'પિહૂ પિહૂ' ભણકારા એવા તો ખટક્યા
કંઈ એવાએવા ડંખ્યા કે
નિંદરને શમણું બેઉ ફૂટીને ચૂર... આંખ્યુંમાં૦
- મુકેશ દવે

અમે તો જીવીએ પુરાંત સાથે,-ગીત


કોઈ જીવે છે ખોટ ખાતાં; કોઈ જીવે છે લમસમ,
કોઈ જીવે છે લગભગ જેવું અંદાજા સંગાથે,
પણ અમે તો જીવીએ પુરાંત સાથે.

અંધારી કાજળકાળી કાળી રાતે
જ્યોતિ થઈ પથરાયા,
સૂકાં તરસ્યાં રણ વચાળે
નદી બની રેલાયા,
બળબળતી બપ્પોરી લૂમાં છાંયો ધરીએ માથે..... 

એમ અમે તો જીવીએ પુરાંત સાથે.

વાવ્યું એટલું ઊગી નીકળ્યું
નેહના પાણી પીને,
ભરુંસાનું ખાતર નાખ્યું
મ્હોર્યું રાત્રિ - દિને,
લણ્યું એટલું ખૂબ વાવલી વહેંચ્યું છૂટા હાથે.

 એમ અમે તો જીવીએ પુરાંત સાથે.

વગર મૂડીનો વેપાર માંડ્યો
વેચ્યા ફોરમ ફાયા,
ખોબે ખોબે દીધે રાખ્યું
જોખ કરે રઘુરાયા,
રોકડ ક્યાંયથી આવે નહીં 'ને માંડ્યું ના કોઈ ખાતે.....

તોય અમે તો જીવીએ પુરાંત સાથે.
- મુકેશ દવે

ચીંથરેહાલ હાથ (અછાંદસ) :-

ચીંથરેહાલ હાથ (અછાંદસ) :-
******************************

લાચારીભરી
દૃષ્ટિ
હથેળીમાં મૂકી
લંબાયેલા
ચીંથરેહાલ હાથમાં
રૂપિયાનો સિક્કો પડતાં
લાચારી
ખૂશી થઈને
ક્ષણિક ચમકી ગઈ
આંખમાં....
અને
સિક્કો
ચાલ્યો ગયો
સાંધેલા ખીસ્સાની
સમૃદ્ધિમાં વધારો કરવા,
પણ....!
હાથ
તો
ફરી;
બીજી દિશાઓ તરફ
વલખતો - ટળવળતો
ચીંથરેહાલ
ભટકતો રહ્યો.......!!!!!!

-મુકેશ દવે

સૂર પ્યાલો - ગઝલ

તારથી તંબૂર પર એવો ટપકતો હોય છે,
સૂરનો પ્યાલો ભજન થૈને છલકતો હોય છે.

દ્વાર નવમાં શોધવા એને જ ભટક્યા છો કરો,
દ્વાર દસમે એ મલપતો ને મલકતો હોય છે.

શબ્દને સાધ્યો ભલે; આરાધવો સાથે પડે,
હાથમાં આવી પછી કેવો છટકતો હોય છે !

એમ ના સહેલું કદી પણ બ્રહ્મ પાસે પ્હોચવું,
નાદ એથી નાભિ લગ ઊંડે ગરકતો હોય છે.

રત્ન સુખનું ભીતરે કાયમ ચમકતું ને છતાં,
શોધવા માટે 'મુકેશ' ક્યાં ક્યાં ભટકતો હોય છે.

મુકેશ દવે
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

અને તું - રિવ્યુ

કવિશ્રી Ashok Jani "આનંદ" સાહેબના ગઝલ સંગ્રહ "... અને તું" માં ડૂબકી મારવાનો અવસર મળ્યો. હકારાત્મક દૃષ્ટિકોણ અને હકારાત્મક જીવન માટેના નિર્દેશોથી ભરપૂર ગઝલ સંગ્રહ છે
પહેલાના વખતમાં કાંટો વાગે ત્યારે ગામના વાળંદ પાસે જતાં. એ ચીપિયા વડે આસ્તે આસ્તે કાંટા ફરતી ચામડી દૂર કરે અને પછી સટ્ટ દઈ કાંટો ખેંચી કાઢે...
અશોકભાઈની રચનાઓમાં આ જ વિશેષતા... હળવી રીતે વાત રજૂ કરે અને પછી ઊંડેથી એકાદ સંવેદન ખેંચી લાવે... આ જ ચમત્કૃત્તિ શૅ'રમાં ગઝ્લિયત ભરી દે છે.જૂઓ :-
*
આજે પણ રુંવાડે દીવા પ્રગટે,
બચપણની ઘટના એકાદ અને તું.
*
આઈનો રોજ પૂછ્યા કરે છે મને,
બહાર ઊભો બીજો કોણ છે શખ્સ આ.
આંખ બંધ થઈ ગઈ તોય દેખાય છે,
કોણ ચીતરી ગયું આંખમાં દૃશ્ય આ.
*
શ્વાસોના જુઓ સૂમસામ ખાલી શહેરમાં,
તું આવી ને વસંત પાલખી જો નીકળી
*
હળવી ક્ષણ જ્યાં મળશે ઊઠાવી લે,
હલકો કરશે તારા હૈયાનો બોજ.
*
ચાખ્યા તું કરજે ફળ મીઠાં કાયમ મજા લઈને અલ્યા,
આ જે ઊગ્યો આંબો નથી પણ મિત્રતાનું ઝાડ છે.
*
નથી હું પાર્થ-સુત, ના કૃષ્ણ મારા થાય છે મામા,
છતાં સાતે આ કોઠેથી નીકળતા આવડી ગયું છે.
*
એકાદ-બે મોતી મઝાના જો મળે તો રાજીપો,
જિન્દગીભર કેટલી તેં છીપો ચાળી હશે.
*
જો પ્રતીક્ષા બારીએ ડોકાય છે,
પણ ઉદાસી બંધ રાખે બારણું.
*
ચાલો ઉદાસીને હવે ખંખેરીએ,
પીંછાની જેમ કોઈના સ્પર્શ્યાની વાત છે.
*
સતત પંપાળી પંપાળીને જે મોટો કર્યો છે એ,
અહં નામનો સિક્કો હવે ક્યાં જઈ વટવું હું.
*
ક્યાં ક્યાં સુધી ગયા'તા બંસીન સૂરની પાછળ,
ભીના એ સૂરમાં છૂપો ચિત્કાર પણ હતો, ને !
*
ટાઢ, તડકો, વરસાદ, કાંટા ઝાંખરા,
આ બધાંથી પણ કદી રસ્તો અમે બાંધ્યો હતો.
*
જાતને હું છેતરું તો ક્યાં સુધી?
એક અંદર આંખ છે શું થઈ શકે?
*
સાવ કોરી સ્લેટમાં માંડ્યો'તો એ,
જિંદગીના દાખલાનું શું થયું ?
*
હવે કોલાહલોનું આ નગર એકાંતને ઝંખે,
અહીં એક આમ માણસ રોજ હપ્તેથી મરાયો છે.
*
આંખની ભીનાશ મિત્રો જોઈ ના લે એટલે,
મેં સતત વરસાદને વરસાવવાની હઠ કરી.
* હાથમાં લથબથ મળે છે રોજ એ તો,
છપું વાંચી રક્તની આદત પડી છે.
*
વ્યથા સાથે અમારી આમ તો પહેચાન જૂની છે,
તમે જોઈ શકો તો શબ્દમાં ડૂસકાંઓ સૂતા છે.
*
એટલે ના નજર મિલાવી મેં,
ક્યાંક મર્યાદા લોપાતી'તી લ્યો.
*
જાવું છે સામે પાર આ આંશી તુફાનમાં,
કરવું શું મારે આ છિદ્રાળુ નાવનું.
*
સાંભળી શકશો મને પણ બેસૂરાને,
કોઈ તૂટેલી વીણાના તાર જેવો.
*
યાદ મારા મનના પુસ્તકમાં રહે,
ડાયરીની ઓશિયાળી એ નથી.

*પછેડી વ્યથાની ઓઅઢી લઈને,
સહુને સુખોની સખાવત કરી છે.

* તમે આઈનો થઈને આવ્યા અને,
મને ખૂદને મળવાનો મોકો મળ્યો.
*
આમ તો સંબંધના બસ વિસ્તરે છે વર્તુળો,
તોય નાની ચાપ આ ત્રિજ્યા વિનાની થઈ ગઈ.
*
કાગડા-ચકલાં ખભા પર બેસીને કિલ્લોલતાં,
ચાડિયા માફક હવે ના ખોડ ખેતરમાં મને.
*
ચાલો પેલા બાળકની આંખોમાં જઈને રમીએ
એની આંખે વિસ્મય જેવું ટપકે કેવું છે !
*
ચોતરફથી ઉત્તરો પડઘાય છે,
પણ હવે લ્યો પ્રશ્ન જેવું કંઈ નથી

* આમ તો ચર્ચાઉં છું કાયમ અહીં,
તોય લોકો પૂછે મારું નામ છે.

* માંડ ઠારું આંસુ છાંટી આ ભભૂકતી આગને,
ત્યાં ફરી સળગ્યાં કરે છે જો ખરી છે વેદના.
*
ના નથી ગાદી ને તકિયા ના પલંગો પણ,
આ પછેડી ચી અને બસ એ જ ચાદર છે.
*
બાગમાં મહેંકી જવું ગમતું મને,
શીશીમાં પુરાઉં એવો હું નથી.
*
એકલી ભીંતો ચણીને શું કરું ?
બારણું, બારી ને છત પણ જોઈએ.
*
દોસ્ત, તારી આવડતની દાદ દું,
ઘોળીને પી જાય તું આઘાતને.
*
યાદની બે-ચાર ખીંટી મનભીંતે ખોડાઈ છે,
થઈને પહેરણ કોઈ ખૂદને ટાંગવામાં વ્યસ્ત છે.

*
છમ્મ દઈને સાવ ઠંડી પાડવા,
વાસના બેહદ જરા ભડકાવી જો.
*
પથ કદી હોતો નથી, કંડારવાનો હોય છે,
એટલે જીવન ઘણા કેડી બની અંકાય છે.
*
કેટલા યુગથી બનાવી માણસો થાક્યો હશે,
કોઈ નવતર આપણે ઈશ્વર બનાવી જોઈએ.
*
મનમાં છો તિરાડ હતી પણ,
ચહેરા પર તો આદર રાખ્યો.

.