શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

પ્રણયના રંગમાં રંગાઈને બાગી થઈ ગયો.
બાકી રહ્યાં સંબંધમાંસાવ ત્યાગી થઈ ગયો.

અડક્યું જરી સ્મિતથી તીરછી નજરનું તીર,
ને કામણગારી નારનો અનુરાગી થઈ ગયો.

જોતો હતો સ્વપ્નો લઈ રંગીન દુનિયાને,
ખૂદને રહી ના ખબર; ને બહુરંગી થઈ ગયો.

પ્રણયની અસર જુઓ કેવી અજબ થઈ !
સીધોસાદો આ છોકરો વરણાગી થઈ ગયો.

નજરનો જામ વસમો હજુ માંડ પીધો'તો,
દુનિયાની નજરમાં એ હતભાગી થઈ ગયો.
- મુકેશ દવે

૨૬/૨/૧૩
ઓ સમય તું પણ વાર કરી લે,
ઘા ભલેને દસ - બાર કરી લે.

ત્રાંસકે મારી જાત ધરી છે,
પાર આ કે ઓ - પાર કરી લે.

હું તને ક્યારે કેદ કરું છું ?
પાંખ છે ને ? વિસ્તાર કરી લે.

જીતવું મુશ્કેલ લાગે તને તો,
હારનો તું સ્વીકાર કરી લે.

હું જ ખુદ ફરુ છુ થઈને કફન,
મોત પણ છો ને પડકાર કરી લે.
- મુકેશ દવે

૨૭/૨/૧૩
આ જગતમાં અવસર થઈને આવ્યો છે તો મોજ કરી લે.
ગીત - ગઝલના તોરણ બાંધી લાવ્યો છે તો મોજ કરી લે.

માઝમ રાતે તમરાંઓના તંબુર સાથે આલાપ પીધો છે
રામરસને રામગરીમાં તામ્રવર્ણો ઘૂંટ્યો છે તો મોજ કરી લે.
મુકેશ દવે
વાતમાંથી વાત નીકળે
એમ જો આઘાત નીકળે.

કોઈ ખૂણો ડૂસકાં ભરે
આંખમાંથી રાત નીકળે.

શબ્દને ફોલી જુઓ જરી,
આખી કવિની નાત નીકળે.

સૌ બિબાઢાળ મળે અહીં,
કોઈ નોખી ભાત નીકળે.

સૌ જનાજો કેમ તાકતા !
જાણે કે બારાત નીકળે.

- મુકેશ દવે

૫/૩/૧૩
માણસ માણસને નડતો હોય છે
કોઈ દુ:ખતી નસ અડતો હોય છે.

કોઈની ચડતીમાં પાળો બની,
ખૂદ બંધ આંખે ચડતો હોય છે.

આખેઆખું ઊંટ થ્યું ગાયબ,
ને પૂણી પાછળ રડતો હોય છે.

અધ્ધર અધ્ધર હાંવા મારે ભલે,
અંદર અંદરથી જડતો હોય છે.

લાલચ આખેઆખી નાખી ખભે,
કોઈના ઠેબે દડતો હોય છે.

હાથે કર્યા હૈયે વાગ્યા પછી,
મોટેમોટેથી રડતો હોય છે.

-- મુકેશ દવે

૬/૩/૧૩
મારી અરધી સદીની જીવનયાત્રા પૂરી.
ક્સોટીઓય થઈ ખરી,
લાયકાત કરતાં પણ વધુ આપ્યું ઈશ્વરે.....
સંસ્કારી અને ભક્તિભર્યું ખાનદાન,
કર્તવ્યનિષ્ઠ શિક્ષક મા- બાપ અને પરિવાર ,
સુશીલ અને વ્યવહાર કુશળ પત્ની,
આગ્નાંકિત,ડાહ્યાં અને તેજસ્વિ પુત્ર-પૂત્રી,
મોભાદાર અને પવિત્ર આચર્યપદ,
સ્થિર અને સલામત નોકરી,
ખભેખભો મિલાવી કામ કરતા સહકર્મચારી મિત્રો,
લંગોટિયા મિત્રો
અને આ ફેઈસબૂકના માધ્યમથી સહજ પ્રાપ્ત
દુનિયાભરમાં પથરાયેલ મિત્રો.....
આથી વિશેષ જોઈએ પણ શું ???
બહુ દીધું નાથ ! હવે માંગુ પણ શુ ???

-મુકેશ દવે ૯/૩/૧૩

ગઝલ- મિત્રોય એવા

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

મિત્રોય એવા ખૂબ મળતા હોય છે,
ઠંડા કલેજે સાવ; છળતા હોય છે.

ખાલી જગા રાખી છે હૃદયમાં અહીં,
ને ત્યાં ગયા વિણ પાછાં વળતા હોય છે.

હા, સૂર્ય સામે ઊગવું - લિજ્જત છે,
પણ તોય સાંજે દોસ્ત; ઢળતા હોય છે.

આંખો જરી મીંચુ ને સ્વપ્ન ખૂલતાં,
જ્યાં આંખ ખોલું; આંસુ ખળતાં હોય છે.

હું રાખમાંથી ઊભો છું સ્વયં બળે,
એ રાખને માટે જ બળતા હોય છે.
-મુકેશ દવે

૧૩/૩/૧૩