શુક્રવાર, 24 ફેબ્રુઆરી, 2017

અછાંદસ -

આવું તે કેવું કૌતુક !!!!
૧૦'બાય ૧૦'ની ઓરડીમાં ઘોડા દોડે ?
આંસુનાં એક ટીપાંથી સાગર ખારો થાય ?
ભમરો તડકો લઈને ઊડે ?
માછલીની આંખમાં દરિયો ઘૂઘવે ?
પાંપણના પછવાડે નદીઓ વહે ?
જામને અડકો કે કલમને પકડો ને હાથ બળે ?
ચાંચમાં આકાશ લઈને પંખી ઊડે ?
રાખમાંથી કોઈ સજીવન થઈ બેઠું થાય ?
કાનથી કવિતા વાંચી શકાય ?
સૂર્ય ખૂદથી દાઝે ?
ચશ્માના લેન્સ સાફ કરીએ તો રાતરાણીની સુગંધ આવે ?
ઝાકળબૂંદમાં સૂરજ ડૂબે ?
પોતાના ખભે પોતાની જ લાશ ઉંચકાય ??
શ્વાસનું હાડપીંજર હોય ?
મૃગજળમાં નાવડી તરે ?
પંખીને જોઈને દરિયો ઊડે ?
મ્હેંક પર લીસોટો કે ઘસરકો પડે ?
તરણું ઝાકળની ઝાંઝરી પહેરે ?
આ બધું કૌતુક કરવું
ના જાદુગરના ખેલ ..
એ તો
શબ્દસોદાગરના ખેલ....
ભૈ
કવિ થઈ જન્મવું પડે
કે જન્મીને
કવિ થવું પડે .....
- મુકેશ દવે
અમરેલી તા.૨૫/૦૨/૨૦૧૭

ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2017

ગીત - શબ્દોનું વાવેતર

ગીત - શબ્દોનું વાવેતર
વીંખી-ફેંદી હૈયાસ્પર્શ્યું લોક લોકનું જીવતર,
દલડે-દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર.

અશ્રુજળના સિંચન સીંચી
હેતે ધરતાં છાંયું જી,
ટેરવેથી ટશરોને ફોડી
લોહીભીનું ગીત ગાયું જી,
હૃદયે હૃદયે મ્હોરી ઊઠ્યાં શમણાંના લ્હેરાતાં ખેતર.
દલડે-દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર.

કૌતુકછલકી આંખો દોડી
લાગણીઓને લણવા જી,
આંગળીઓને ફૂટી વાચા
ગઝલોને ગણગણવાજી,
જીભના શેઢે ટહુકી ઊઠ્યાં કોયલ મોર બપૈયા તેતર.
દલડે-દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર.
- મુકેશ દવે (અમરેલી) તા.૨૩/૦૨૨૦૧૭

ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2017

એ વાત અલગ છે - શૈલેન રાવલ

"એ વાત અલગ છે"- કવિશ્રી શૈલેન રાવલ કૃત ગઝલ સંગ્રહ સપ્રેમ મળ્યો અને એટલાં જ પ્રેમથી વાંચ્યો.પ્રકૃત્તિના ખોળે ઉછરેલ આ કવિની ગઝલોમાં કોઈ ને કોઈ શૅ'ર પ્રકૃત્તિ સાથે સંધાન લઈ આવે છે.આ પ્રાકૃત્તિક સંધાન ધરાવતા શૅ'રની સફર કરીએ - by  Mukesh Dave
*
મારું ગણું શું, સૂર્યને હું અવગણી શકું ?
ઝાકળની જાત છું,બે ઘડીનો મિજાજ છે.
*
આવશે તો મન મૂકીને આવશે;
પંખીઓ થોડા પૂછીને આવશે ?
*
ક્યાંકથી ભીની હવા આવી,
ડાળ ડાળો નાચતી થઈ ગઈ.
*
કેટલું વરસી પડાયું, પૂછવાનો અર્થ શો ?
એક ભેરુ આંગણે વરસાદ પર આવી ગયો.
*
ચાલ ખોબો ધર,તને ફૂલો દઉં,
છળ ઉગાડીને કદી જીવ્યો નથી.
*
ફૂલ, પંખી,પર્ણનો આદર કરું છું;
નોખી ઢબથી ધર્મનો આદર કરું છું.
*
સાંભળ્યું ચીં... ચીં... જરા માળા વિશે
ઓરડે પછી પડઘા કેવા પડ્યા ?
*
વાયરો ચૂમી અને ચાલ્યો ગયો,
ઝાકળી પગલાં અહીં એવા પડ્યા.
*
પછી કેમ પંખીઓ ના ચહેકે મસ્તીમાં આવી,
અરે, વૃક્ષથી નીતર્યા લાડનો મામલો છે.
*
પર્ણ હીન તો પર્ણ હીન પણ વૃક્ષ તો છે;
આંગણા માટે ગજબનો આશરો છે.
*
કૈં જ સ્પર્શી ક્યાં શકે જળ કે પછી કાદવ ?
સંત સમજણને કમળનો તર્ક તેં દીધો.
*
પળો બધી યે પતંગિયા શી,
કેમે સપને સમાઈ ભૈયા !
*
બેઉ કાંઠે રહી વાત વહેતી;
બોલ ક્યારે નદી ચણભણી છે ?
*
પાસ પાસે સાંપડે ટહુકા અને ચિત્કાર પણ;
કૈં નહીં વૃક્ષાળ વય બાબત ખૂલીને બોલજે !
*
પોતપોતાની રીતે લડતા સમસ્યાથી;
કાગડો નળ પર ઘસે છે ચાંચ વસ્તીમાં.
*
ઊભા છે ઝાંઝવાઓ માર્ગમાં મારા;
નહીંતર આખ સામે તો સરોવર છે.
*
નથી ધૂળ, વંટોળ ગ્રીષ્મનો;
નિરંતર સુગંધિત ગુલાલ છું.
*
જીવ મારો ઘણો સંતોષી છે;
ચપટી માટી મેં ગજવે ખોસી છે.
*
માણસો આસમાન લઈ જાશે;
પંખીઓની ઉડાન લઈ જાશે.
*
ફૂલ જેવા વર્ષ માણ્યા ગણગણી;
શી રીતે એ કારમી ક્ષણ તોડશે ?
*
છે હવાની એ શરારત હોય; પણ
બુદબુદા સંભાળવા સહેલા નથી.
*
એ જ રસ્તા મને દોરી ગયા
વૃક્ષ જે અત્તરના ફાયા થઈ ગયા.
*
કંટકોને નથી ખબર એની,
ફૂલ તો ઝાકળી મલમ રાખે.
*
જામતી રાતે મહેંકવાની છે;
આ ગઝલ દોસ્ત, રાતરાણી છે.
*
રોજ એ તાજા ફૂલો દીધા કરે છે;
હસ્તરેખા થોડી સુક્કી ડાળખી છે ?
*
વૃક્ષના વિચ્છેદની ઘટના પછીથી
પંખીના પડછાયા અવસાદી ફરે છે.
*
પીંજરેથી પંખી ગાયબ થઈ ગયું છે
પીંજરામાં સ્તબ્ધ આઝાદી ફરે છે.
*
એ રીતે લલચાવવું ફાવી ગયું છે;
ઝાંઝવાનાં જે રીતે પગલાં પડે છે.
*
અનોખા વિસ્મયો માળા વિશે જાણી,
પવન થંભી ગયો'તો ડાળખી પાસે.
*
અહીં આભ ધરતીને અર્પિત થયું છે;
ને પ્રત્યેક ઢેહું સુગંધિત થયું છે.
*
ગંધ માટીની ભરી છે ફેફસા અંદર
તો ય ખેતર કાં હજી રાશ'વા લાગે ?
*
મોસમી કલરવ સમો છું !
શબનમી પગરવ સમો છું !
*
બે'ક શબ્દોથી નવાજે તું, ખરેખર
વૃક્ષ અંગે પંખીઓ પ્રતિભાવ દેશે.
*
પૂર્વજોની હાજરી વર્તાય એના સ્પર્શમાં;
આજ ઘેઘૂર છાંયડાથી મન મનાવી જોઈએ.
*
હજુ પણ કેમ પંખી ડાળ પર પાછું નથી આવ્યું ?
સતત ચિંતિત રહેલા ઝાડવાની વાત શી કરવી ?
*
ઘાસ માફક ઝૂકવું ડહાપણ ભરેલું;
વાયરો ફૂંકાય છે માથા ફરેલો.
*
એ નદીથી પણ બચે એવું નથી
ઝાંઝવાનો ગાળિયો છે ડોકમાં.
*
શક્ય ક્યાં છે ખુશ્બૂ બંધાય એ;
જ્યાં સુધી હળવે હવા ચાલ્યા કરે.
*
જે નદીના ગાન સામે આંગળી ચીંધે;
એ ધરમ ને ધ્યાન સામે આંગળી ચીંધે.
*
લ્હેરખીએ કાનમાં કીધું;
આજ ટહુકા ઘેરથી આવે.
*
એક ખિસકોલી તરત પાછી ફરી ગઈ,
તરફડે છે સ્પર્શ સૂના બાંકડામાં.
*
વૃક્ષ માફક જીવવું ફાવી ગયું એને
ઝકળી સંગાથ નિર્વિવાદ રાખે છે.
*
તરસ મારી ફક્ત ખોબે ચડે છે
નદીઓ પણ તને ઓછી પડે છે.
*
એક તો દેણું ઘટી શકતું નથી
ને વળી વરસાદપણ માઠો પડે.
*
પવનને પૂછવું પડશે; કે ડાળી ને -
ખરેલા પાંદડા શું ગણગણી આવ્યા ?
*
જીવવા માટે જરૂરી હોય છે,
બે'ક મિત્રો વૃક્ષ સરખા રાખીએ.
*
કૈં નદી માગી નથી, સાચું કહું ?
માત્ર મેં ખોબો ધર્યાનું આળ છે !
*
તને કેમ ખાલી જણાયો ?
મેં તડકેથી ખોબો ભર્યો છે.
*
છીનવી લીધાં નદી - સરવર, ઘણું યે,
ને હવે એ ઝાંઝવા - રણ છીનવે છે !
*
શી રીતે માપસર જીવવાનું ?
શીખવે પાનખર જીવવાનું !
*
પંખીઓને આશરો દેતી,
ડાળખી દીવાસળી થઈ ગઈ.
*
આભ ખોયું, બારણાંથી દૂર થઈને શું મળ્યું ?
એકદમ તાજી હવાથી દૂર થઈને શું મળ્યું ?
*
ગામડાની એ હવા પાછળ મૂકી આવ્યો
ગોઠિયાને આવ-જા પાછળ મૂકી આવ્યો.
*
આંગણું તો ખીલશે
ત્યાં પારેવું જોઈએ.
*
સૂર્ય ભીંજાતો રહ્યો
આંખથી આંસુ ઢળ્યું.
*
બે'ક ટહુકાને સ્પર્શી શકાય
શીત દાયક મલમ લાગશે.
*
પંખીએ પાંદડાને કહ્યું
પાનખરમાં મારું શું થશે ?
*
ચાંદની ઊતરી આંખમાં
સ્વપ્ન સહુ રાતરાણી થશે.
*
ફૂલ માફક ખીલવાનું હોય છે,
એટલે પથરાળમાં રહેવું પડે.
*
માણસો જાણે કુહાડીના ફણાં,
લીલકાતી નાતમાં સોપો પડ્યો.
*
સાંભળું તો સાંભળું કોને હવે ?
ક્યાંકથી ટહુકો ભળ્યો છે ગાનમાં.
*
કંટક વચ્ચે શ્વાસ ભર્યા છે
ફોરમનો આસ્વાદ કરું છું
*
એમને વૃક્ષો દુઆ દેશે
પંખી પ્રેમીઓ નગરમાં છે !!!
*
પંખીઓ ચહક્યા અને અજવાસનો મહિમા થયો
જોતજોતામાં આખિલના વ્યાપનો મહિમા થયો.
- શ્રી શૈલેન રાવલ

મંગળવાર, 14 ફેબ્રુઆરી, 2017

આજે
વેલેન્ટાઈન ડે...
સૌએ
ખૂબ ગાયો પ્રેમ...
વોટ્સએપ પર,
ફેસબૂક પર,
ગૃપમાં
અરે !!
વૈયક્તિક રૂપે પણ...
પ્રેમ ..
પ્રેમ...
અને
પ્રેમ જ.
અતિરેક પ્રેમનો..
ઊકરડો થઈ
ગંધાઈ ઊઠ્યો...
એમાં
આટલાં બધાં
કીડાઓ ખદબદતાં હશે.. !!
ખબર પડી
આજે.
કાલિદાસે
ખોટો ગાયો
વસંત વૈભવ.
હવે તો
ઉબકાઈ ગયો
આ શબ્દથી
અને
નરી નફરત,
હા !
નફરત થઈ ગઈ
પ્રેમથી.....
કાશ !
હીર-રાંઝા,
શીરી-ફરહાદ
જીવિત હોત તો...??
હવે
કદાચ
નહીં લખુ
પ્રેમના ગીત
- મુકેશ દવે.
તા.૧૪/૨/૨૦૧૭

રવિવાર, 12 ફેબ્રુઆરી, 2017

ગીત
*મોડા જાગેલા કવિમિત્ર ડૉ. Anil Valaને..*


હવે તો મહૂડો ઉતારો રાજ.

ઝગમગ ઓરતા લઈને બેઠો
સૂરજડાડો મોભે,
ચોળાયેલી ચાદર થઈને
શમણાં કયાંથી થોભે !
ડગમગતા ડગલાં મથે છે સ્થિર થવાને કાજ,
હવે તો મહૂડો ઉતારો રાજ.

છતી આંખે અંધાપો ઝૂરે
દેખ્યાઓનો દેશ,
રાતી આંખ્યું નફ્ફટ નકટી
ભજવે વરવો વેશ,
પાંપણ પર વળગેલું ઘારણ ઝટ ઉતારો આજ,
હવે તો મહૂડો ઉતારો રાજ.
- મુકેશ દવે
તા.૧૩/૦૨/૨૦૧૭

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2017

*ગીત* બચલી ડોસી


બચલી ડોસી સો વરસની તોય હજુએ જીવે,
ઝળેલ સાડલે બખિયા મારી જીવતર આખું સીવે.

ઘાઘરી-પોલકું મીંડલે વીંટી
ઝૂલે આંબા ડાળે,
શૈશવ આખું છબ્બો છબ્બો
પાંચીકે ઉછાળે,
નોંધારી ભીંત્યુંને ટેકો આપ્યો'તો એક દીવે,
બચલી ડોસી સો વરસની તોય હજુએ જીવે.

બોખાં મોંએ ચગળાતું આ
જોબનિયું ગળચટ્ટું ,
ઓરડાનું અંધારું ઓઢી
ધનને મેલ્યું છૂટૂં
બારસાંખના તોરણ સઘળાં ફૂલો થઈને ખીલે,
બચલી ડોસી સો વરસની તોય હજુએ જીવે.

દાણા-છાણાં વીણીવીણી
સેવી નીજની આંખો,
ઊડી ગઈ ગઢપણની આશા
ફૂટી જ્યાં બે પાંખો,
થૂ-થૂ-થૂ-થૂ ખારી-કડવી એકલતાને પીવે,
ઝળેલ સાડલે બખિયા મારી જીવતર આખું સીવે.
- મુકેશ દવે
તા.૧૦/૦૨/૨૦૧૭

શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

અમર થવાના
હવાતીયા મારતી ધર્મશાળાઓ
ફક્ત ચોડ્યા કરે છે પોતાના નામ.

બસસ્ટોપના
બાકડા,દીવાલો અને જાજરૂ
ધુળેટી રમે છે પાનની પિચકારીથી.

દોડધામ કરતા
વાહનો,ઓફિસો અને કોલેજો
હડતાલ પાડે છે તૂટી જઈ, સળગી જઈ.

ખાઉધરા
ભ્રષ્ટાચારી ગોડાઉનો
ભરે રાખે છે પોતાના ફૂલેલા પેટ.

નિરાશ થયેલ
કૂવા,તળાવ અને રેલ્વેલાઇનો
ક્યારેક આપઘાત કરી લે છે.

અને બિચારાં
આપણે - માણસ !
ક્યાં રોકી શકીએ છીએ આ બધાને ?
- મુકેશ દવે(અમરેલી)