શનિવાર, 26 ઑગસ્ટ, 2017

ઈચ્છાની મોંકાણ - ગીત



અલી ઈચ્છલી ! શાને તું વળગી છો છાતીએ ?

ખાટલો જો હોય એમાં વાણલાં ગૂંથાવીએ
ને પાથરીએ મખમલ્લી ધડકી,
આભલે મઢેલા એ ય વિંઝીએ વિંઝણા
ને નિંદરની હાંકીએ હોડકી,
લાંબા પનાના આખાયે આયખાને ટૂંકી ચાદરમાં શું માપીએ ?
અલી ઈચ્છલી ! શાને તું વળગી છો છાતીએ ?

લખી દેવું છે મારે આખું આ ગામ અને
આપી દઉં દોમદોમ સાહ્યબી,
ઓવારી જાઉં હું સામટો ખજાનો ને
પહેરાવુ સાતરંગી કાચબી,
પણ; પહેરણના ગજવાં જ્યાં ફાટેલાં હોય ત્યાં આપીઆપીને શું આપીએ ?
અલી ઈચ્છલી ! શાને તું વળગી છો છાતીએ ?
-  મુકેશ દવે
તા. ૨૬/૮/૧૭

ગઝલ - ભેદ રેખા

(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)

ભેદ રેખા ઘણી પાતળી હોય છે,
આપણી મધ્યમાં ક્યાં વળી હોય છે !

સાંજ પણ શાંત ચિત્તે વહી એટલે,
મસ્ત થૈને નદી ખળખળી હોય છે.

આશનો અર્થ ત્યાં શોધવો ના પડે,
ધોમ ધખતો અને વાદળી હોય છે.

રોટલો વાસી હો તોય મીઠો હશે,
માતના હાથમાં તાંસળી હોય છે.

ભીતરે  વ્રજ પ્રગટતુું હવે જાય છે,
હાથમાં એક બસ કામળી હોય છે.

વાસના; સત ભલા એમ તોડી શકે ?
જ્યાં નમી આંખ સાથે સળી હોય છે.

દાંત ખાટા કરી ભોં પથારી કરી,
મર્દની લાશ પણ ઝળહળી હોય છે.
- મુકેશ દવે.
અમરેલી
તા.૨૬/૦૮/૧૭
શુક્રવારે


*વિશેષ આભાર કવિશ્રી વિજયભાઈ રાજ્યગુરુ.*
*જેમણે કાફિયા નિર્દેશ કરી આ ગઝલ લખવા પ્રેર્યો.*

શુક્રવાર, 25 ઑગસ્ટ, 2017

કજોડાનું ગીત

લાકડે માંકડું વળગ્યું, ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો.

ઓ ખેંચે ગામ આખું; એ ખેંચે સીમ,
મૂંગા મૂંગા બેઠાં ઢાળે એકબીજાનું ઢીમ,
કોઈઅે જીભનું તાળું તોડ્યું.... ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો.

ખોડંગાતી ચાલે ચાલે હંસ-કાગની જોડી,
બાજરાના ઢૂંવાને મેલી ઢૂંસે આંગળ ખોડી,
બાજકણાંનું ભૂત ધણણ ધુણ્યું... ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો

એક ટાંગે ચંપલ પેર્યા બીજી ટાંગે જોડો,
એક હાથે ઝાંઝર વાગે બીજા હાથે તોડો,
કઇ કૂતરીઅે ઠીકરું ભાંગ્યું ? ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો
- મુકેશ દવે
તા. ૨૫/૦૮/૨૦૧૭
ગુરુવાર

પ્રોત્સાહન માટે આભાર કવિશ્રી ડૉ. Anil Vala sir

ગુરુવાર, 24 ઑગસ્ટ, 2017

ગઝલ - તારણ હોય છે

મારું-તારું-સૌનું તારણ હોય છે,
જન્મ એ મૃત્યુંનું કારણ હોય છે.


શબ્દ ખુટ્ટલ સાવ પોકળ નીકળે,
બાકી સૌમાં એક ચારણ હોય છે.

રાતભર અંધાર વલખે છે અહીં,
પાંપણે પીડાનું ભારણ હોય છે.

ઝેરને ઘૂંટ્યા કરો, પીધાં કરો,
ઝેરનું તો ઝેર મારણ હોય છે.

એક નારાયણ નથી મળતો અને,
ગામમાં બે-પાંચ નારણ હોય છે.
- મુકેશ દવે (અમરેલી)
તા. ૨૪/૦૮/૨૦૧૭
ગાલગાગા ગાલગાગા ગાલગા

વિશેષ આભાર કવિશ્રી વિજય રાજ્યગુરુ

મંગળવાર, 4 જુલાઈ, 2017

બેઠાં - ગઝલ

એવું તો કૈં ભાળી બેઠાં.
અંતરને અજવાળી બેઠાં !

ચ્હેરા ઊપર ચ્હેરો મૂકી,
આસુંઓને ખાળી બેઠાં.

વૃક્ષો સઘળાં માનો ખોળો,
કલરવને સંભાળી બેઠાં.

સગપણનાં આ જંગલ વચ્ચે,
જાત અમારી બાળી બેઠાં.

એથી તો આ સાંજ ઢળી છે,
પાંપણને એ ઢાળી બેઠાં.

શાતા ક્યાંથી મળશે અમને !
અંગારા પંપાળી બેઠાં.

અક્ષરના અજવાળે જોયું,
મૂકેશમાં વનમાળી બેઠાં.
- મુકેશ દવે
તા.૦૫/૦૭/૨૦૧૭

વિશેષ નોંધ - કવિશ્રી લાલજી કાનપરિયાસાહેબની ગઝલ - ";સપનાઓને પાળી બેઠાં" ના રદીફ-કાફિયા પરથી .......

યોગ સાધના (અછાંદસ)

વૅસ્ટર્ન ટોયલેટમાં
આરામદાયક બેઠાબેઠા
એક કુપ્રશ્ન ટપકી પડ્યો.

આના પર
કેમ ન બનાવી કોઈએ કવિતા ??

ન ગોઠણને જોર..
સેન્દ્રીય જુગુપ્સા પ્રેરક દૃશ્યથી આંખનો બચાવ..
 અને
છૂટતી- વછૂટતી ગંધથી સલામત ઘ્રાણેન્દ્રીય...
કરકસર હેન્ડવોશ અને સાબુની..
સમય બચાવવા ન્યૂઝ પણ
આવી પહોંચે પાસે..
હા
એટલું ખરું
કે
ઊર્ધ્વ બળ અશક્ય..
સહજ છૂટે તે ત્યાગવું પડે..
પણ,
આ જ યોગસાધના....
- મુકેશ દવે
તા.૨૭/૬/૨૦૧૭

મંગળવાર, 13 જૂન, 2017

અનિર્ણિત શબ્દયુદ્ધ (અછાંદસ)

અનિર્ણિત શબ્દયુદ્ધ (અછાંદસ)
***********×*+*******
પથારીમાં પડુ છું
ને મન
શબ્દ-સંગ્રામગ્રસ્ત
થઈ જાય છે. રોજ રાત્રે શબ્દોનું આક્રમણ,
કતારબંધ ગોઠવાય
એકબીજાને હડસેલે,
કેટલાય ઘાયલ થાય, મરે
અને મેદાન છોડી ભાગે પણ ખરાં.
કલાકો સુધી ચાલે આ ઘમસાણ

હું
તંદ્રાઈ જાઉં
નિંદ્રાઈ જાઉ.

વહેલી સવારે
મોબાઈલનો ઍલાર્મટોન સૂંઘીને
કાન મને જગાડે
આંખો પર
શબ્દોના ક્ષિત-વિક્ષિત શબોના ઢગલાનું ભારણ,
ચિત્તમાં શબ્દરક્તની નદીઓ વહેતી હોય,
આ બધું ખંખેરતો ભાગું છું
ફરીથી રાત્રિનું
આ અનિર્ણિત ઘમસાણ જોવા.
- મુકેશ દવે

તા.ક. - કવિશ્રી Sanju Vala સાહેબનો સ્પર્શ થકી ઝગમગતી થયેલી રચના