શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

નમણાં અંજળ - ગીત

અંધારાના ઓળા ફેડી પાલવડે જ્યાં ફૂટી કૂંપળ,
ગઢપણના ઓવારે ઊભું હૈયું છલક્યું ખળખળ ખળખળ.

રાતીરાતી ભીંતો ભેદી
               અજવાળાં બહુ પીધાં,
ત્યજી ઓઢણી પરાવલંબી
               શ્વાસ મલીરો લીધા,
આંખો મીચી ગયા જનમના બંધન તોડે હરપળ.
અંધારાના ઓળા ફેડી પાલવડે એક ફૂટી કૂંપળ,

કલબલતરસ્યાં ઘરમાં પ્રગટ્યા
                   ઝગમગ તેજ ફુવારા,
આંસુ થઈને દડદડ વહેતી
                     નિર્મળ અમરતધારા,
ભોળપણાંનાં ઝરણાં ઝીલી ઊભાં અંજળ પળપળ
ગઢપણના ઓવારે ઊભું હૈયું છલક્યું ખળખળ ખળખળ.
- મુકેશ દવે 
 અમરેલી 
તા. ૨૨/૧૨/૨૦૧૮, શનિવાર

રવિવાર, 9 ડિસેમ્બર, 2018

પૌત્રાગમન



ઉત્કંઠાભર્યો
હું
બેઠો હતો
ઑપરેશન થિયેટર પાસે.....

ઝપાટાભેર આવીને
નર્સ બોલી ગઈ
"દીકરો"

અને......
અને....


એકાએક
ઉત્સાહભર્યો
હું
વૃદ્ધ
થઈ ગયો
મધમીઠાં
બાળપણને
મમળાવતો... મમળાવતો.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૮/૧૨/૨૦૧૮

શનિવાર

ગુરુવાર, 8 નવેમ્બર, 2018

કંગાલિયત - ગીત

ફૂત્કારે ફૂત્કારે ઝેરીલી દૂબળાયું ડંખે ને વિંધાઈ જાય હાય કાયા,
કાંચળીની જેમ હવે આયખાના ઓરતાની ઉતરી ગઈ વળગેલી માયા .

પેટે પથરાઈ ઊંડી કાળમુખી ખીણો ને
                         માથા પર કાળમીંઢ ડુંગરા,
સરવરના જળ સાવ છલી વહ્યાં ને પછી
                           આંખોમાં ખટકે છે છીપરાં,
કોઠી 'ને ધાનનાં બંધાયા વેર, થયા ચૂલાના દેવતા પરાયા.
કાંચળીની જેમ હવે આયખાના ઓરતાની ઉતરી ગઈ વળગેલી માયા .

અધપધ આ ખોરડાંને ઢાંક્યું છે આભ
                             ત્યાં ક્યાંથી હોય શીળી રે છાંયડી !!
પાઘડીમાં વલખે છે લાચારી બાપની ને
                               ખોળો લઈ વલખે છે માવડી,
આબરુની માને તો પૈણી ગ્યો શેઠ પછી દીકરીના આણાં ઠેલાયાં.
ફૂત્કારે ફૂત્કારે ઝેરીલી દૂબળાયું ડંખે ને વિંધાઈ જાય હાય કાયા.
- મુકેશ દવે 
અમરેલી 
તા. ૦૮/૧૧/૨૦૧૮, ગુરુવાર 
બેસતું વરસ

શનિવાર, 6 ઑક્ટોબર, 2018

મોજે હિલ્લોળા - ગીત

ચાલોને મનમોજી જીવડાં મોજે હિલ્લોળા ભણીએ રે,
બથમાં લઈ આખાં આ નભને પંખીટૌકા ચણીએ રે.

હોઠેથી છટકેલું ગાણું આંગળીઓમાં
                           અક્ષર થઈને ફૂટે,
હળવેહળવે હથેળીઓમાં કેસરવરણો
                           રંગ કસુંબલ ઘૂંટે,
શ્વાસેશ્વાસે લહેરી જાતાં શબ્દ કણસલાં લણીએ રે.
ચાલોને મનમોજી જીવડાં મોજે હિલ્લોળા લઈએ રે,

આંખોમાં સપનાં તો ઊગે- તૂટે -
                           ફૂટે- બટકે ને લટકે,
સાલ્લી એની જાત જ એવી તું
                           શાને એની પાછળ ભટકે ?
ભીતરમાં ઝંખનાના મૃગલાં એને શાથી હણીએ રે !
બથમાં લઈ આખાં આ નભને પંખીટૌકા ચણીએ રે.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૬/૧૦/૨૦૧૮ શનિવાર

ગુરુવાર, 5 એપ્રિલ, 2018

જીવતરનું પોટકું - ગીત

જડબેસલ્લાક એવી વાળેલી ગાંઠોથી ઠાંસીઠાંસીને બાંધ્યું પોટકું,
હવે કેમ કરી ફંફોસું આયખું.

માંડમાંડ શોધેલું ચપટીક વ્હાલ અમે
            સાચવીને સાવ નીચે નાખ્યું,
કોઈએ દીધેલી થોડી દુઆની ચાદરથી
                   હળવે રહીને એને ઢાંક્યું,
સંકેલી મૂક્યું પછી આભલે મઢેલું એક અવસર ટાંક્યાનું અંગરખું.
હવે કેમ કરી ફંફોસું આયખું.

પોટલાંમાં ઠાંસી'તી ફાટેલી ઈચ્છા 'ને
                લટકી પડેલા કો'ક સપ્પના,
છાનાખૂણેથી બે'ક ટપકેલાં આંસુ જે
                અમનેય હોય થોડાં ખપ્પના,
એકએક ખેંચું તો સામટું ખેંચાઈને આવી જાય હાથમાં ઝૂમખું.
હવે કેમ કરી ફંફોસું આયખું.
- મુકેશ દવે 
અમરેલી 
તા.૦૫/૦૪/૨૦૧૮, ગુરુવાર

રવિવાર, 25 માર્ચ, 2018

લફરાળો કૂવો - ગીત

છોક્કરીની આંખમાં ભમ્મરિયો કૂવો
એમાં સરપંચનો છોક્કરો ડૂબી મૂઓ,
ગામ તળિયું ડખોળે -ગામ મીંદડીને બોળે- ગામ કૂવો ઉલેચે.

છોક્કરીની પાંપણ એ કૂવાનો કાંઠો
                  ત્યાં દીઠી પારેવડાની જોડ,
ચાંચ મૂકી ચાંચે ને ઘૂટર ઘૂ નાદે
                થઈ ઓળઘોળ થાવાની હોડ,
બાયું બેડાં ઝબોળે - બાયું આંખ્યું ઉલ્લાળે - બાયું સિંચણિયા સિંચે.
છોક્કરીની આંખમાં.......

કૂવેથી ઘોડાપૂર એવા કૈં ઉમટ્યા કે
                ગામ આખું બબ્બે વાંભ પાણી-પાણી,
છોક્કરીની ખડકીએ કાદવકિચડ અને
               સરપંચની ડેલી ધૂળધાણી - ધાણી,
લોક ધજ્જા ફરકાવે - લોક શંખલા ફૂંકાવે - લોક ઝાલરને ટીંચે.
છોક્કરીની આંખમાં..........
 -મુકેશ દવે
અમરેલી, 
તા.૨૬/૦૩/૨૦૧૮, સોમવાર

બુધવાર, 21 માર્ચ, 2018

મોજ કરી લે - ગીત

સાંઈ ! જગતમાં રૂડોરૂડો અવસર થઈને આવ્યો છે; તો મોજ કરી લે,
ગીત-ગઝલના લીલાલીલાં તોરણ બાંધી લાવ્યો છે; તો મોજ કરી લે.

માઝમ રાતે તમરાંઓના રણઝણતા આ
                તંબૂરેથી ટપકેલો આલાપ પીધો છે,
તારાઓની ફૂલછાબડી ફોરમ સાથે માથે મેલી
                              ગબ્બરગોખે રાસ લીધો છે,
રામરસને રામગરીમાં તામ્રવરણો ઘૂંટીઘૂંટી પાયો છે; તો મોજ કરી લે.

ગઢ ગિરનારી- શગ દાતારી- ચેત મછંદર
                             બોલીને તું અલખ જગા દે,
અલખ ને તારે હાથવેંતનું છેટું છે તો -
                             ચોરે બેસી ચલમ જલા લે,
દામોદરમાં ડૂબકી દઈને રાગ કેદારો ગાયો છે; તો  મોજ કરી લે.
- મુકેશ દવે 
અમરેલી 
તા.૨૨/૦૩/૨૦૧૮, ગુરુવાર