મંગળવાર, 23 એપ્રિલ, 2019

રૂઢિચુસ્ત ઘરમાં કવિયિત્રી - ગીત

કૂણાં ટેરવેથી ઝગમગતાં ગાણાંનું અજવાળું
                        ઓરડાની વચ્ચે મૂરઝાય છે,
પછી કાળજામાં કાળુધબ્બ અંધારું થાય છે.

સોનાના પીંજરાની વચ્ચે રહી ને તોય
                  પાંખોને મળતો ના ખૂલવાનો માગ,
પાંખો ફફડાવી થોડું ટહુકી જઈએ તો
                    વળી ભીંતોમાં લાગી જાય આગ,
બારીએથી દેખાતાં ગુલમ્હોરે બેઠેલાં પંખીના
              કલરવમાં રહરહતાં ડૂંસકાં સંભળાય છે,
પછી કાળજામાં કાળુધબ્બ અંધારું થાય છે.

ભીતરમાં ફૂટેલાં ખળખળતા ઝરણાંએ
                   ભરવી હોય ઘૂઘવતા દરિયાને બાથ,
ખડકાળા મારગમાં ના છે ઢોળાવ
                         અને છૂટ્યો વનરાઈઓનો સાથ,
કાળમીંઢ પથરાની ઊંધમૂંધ ખીણોમા પડઘાતું -
                            અથડાતું સપનું રોળાય છે,
પછી કાળજામાં કાળુધબ્બ અંધારું થાય છે.
- મુકેશ દવે (અમરેલી) 
તા. ૨૩/૦૪/૨૦૧૯, ગુરુવાર

ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2019

પડછાયાનું ગીત




માણસને પડછાયો ફૂટે કાં પડખે કાં આગળ-પાછળ,
બે પાટામાં ચગદાયો તોયે કાયમ થાતો સળવળ સળવળ.

રંગ બદલતો માણસ લાગે ગુલમહોર-ગરમાળો
રંગીલા માણસનો કાયમ પડછાયો કાં કાળો ?
માણસથી તો માણસાઇમાં એ ડાઘ વિનાનો ઉજ્જ્વળ!
માણસને પડછાયો ફૂટે કાં પડખે કાં આગળ-પાછળ.

કાંટાની કાંટાઈ સાથે કોમળ કોમળ લાગે,
ત્રણ ખૂણિયો માણસ કેવો કુણો તોયે વાગે !
માણસમાં હો અપાર માણસ; એની છાંયા ધૃવ સમી અવિચળ !
માણસને પડછાયો ફૂટે કાં પડખે કાં આગળ-પાછળ.
- મુકેશ દવે
 અમરેલી
તા.૨૧/૦૨/૨૦૧૯ , ગુરુવાર

વિશેષ આભાર કવિશ્રી Vijay Rajyaguru સાહેબનો કે જેમણે ગીતને યોગ્ય દિશા આપી
અને કવિશ્રી Anil Vala સાહેબે ઉશ્કેર્યો અને કવિશ્રી Sanju Valaસાહેબે ચમક આપી........

ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2019

ગામગોકીરા રે'વા દ્યો - ગીત

કોઈ આછાંપાછાં અસ્તર વચ્ચે ઝાંખાંપાંખાં જીવે છે તો જીવવા દો; પણ ગામગોકીરા રે'વા દ્યો,
કોઈ ઝીણાં તાણાવાણા ગૂંથ્યાં વસ્તર નવલાં સીવે છે તો સીવવા દો; પણ ગામગોકીરા રે'વા દ્યો.

કોઈ નરબંકા આશાઓથી આંખ ભરી લઈ
દરિયાના તળિયા લગ જઈને મોતી ગોતી લાવે છે,
દાધારીંગા કોઈ બિચારા નિરાશામાં ડૂબકી મારી
કાંઠાના કાદવમાં ખૂંપી નિજના દુ:ખડાં ગાવે છે,
કોઈ મોતીમાળા ગૂંથે ને કોઈ શંખ - છીપને પ્રોવે છે તો પ્રોવા દો; પણ ગામગોકીરા રે'વા દ્યો.

કોઈ ભીનાંભીનાં વાદળ થઈને વરસે
ને કોઈ મૃગજળ લીપ્યાં રણ બનીને તરસે છે,
કોઈ ઝાકળબૂંદે મર્માળાં થઈ હરખે
ને કોઈ સરવરની લહેરોમાં બેસી કણસે છે,
કોઈ અમરતની પ્યાલીને છોડી ઝેરકટોરા પીવે છે તો પીવા દો; પણ ગામગોકીરા રે'વા દ્યો
- મુકેશ દવે
અમરેલી, 
તા.૧૫/૦૨/૨૦૧૯, શુક્રવાર

ગુરુવાર, 31 જાન્યુઆરી, 2019

તરહી ગઝલ

જાત માંહી ડૂબી જીવાતું નથી,
આપણાંથી એ જ તો થાતું નથી.*

છે લગન; મંઝિલ લગી પ્હોંચી જવું,
એટલે તો ડગલું લથડાતું નથી.

હોય જો પોતીકું તો હારી જવું,
જીતવાથી એય જીતાતું નથી.

કેમ જગશે સ્નેહનો દીવો અહીં ?
તેલ કોઈ સંપનું પાતું નથી.

એક ખોળો છૂટવાથી શું થશે ?
મા વગરનું બાળપણ ખાતું નથી.
- મુકેશ દવે
અમરેલી
તા.૩૧/૦૧/૨૦૧૯ ગુરુવાર

સોમવાર, 7 જાન્યુઆરી, 2019

બિસ્માર રસ્તા રોદણાં

ખાડા ને ખબડા તો રસ્તા પર હોય કાંઈ આભલે હોવાના ?
પછી શાને આ રોદણાં રોવાના !!

રસ્તો તો શું ? અહીં માણસ પણ તૂટે ને
                       ભાંગીને થાય સાવ ભૂક્કો,
રસ્તો મઠારવાને થીંગડાંય લાગે એમ
               લાગે ના મનખાને એકપણ તૂક્કો,
રસ્તાથી રળતરના રસ્તા તો થાય; કાંઈ ભવભવની ભૂખ ભાંગવાના ?

પછી શાને આ રોદણાં રોવાના !!

તૂટેલા મારગે લાગે લાગે તો થોડા હડદોલા લાગે
                          પણ; કાળના આ હડદોલા કેવા ?
કાળ થકી ભાંગેલાં ઓશિયાળાં એવાં કે
                             ઓલા જમડાય આવે ના લેવા,
ખાડાની જેમ અહીં તૂટેલાં માણસને તારવીને સૌ ચાલવાના.
પછી શાને આ રોદણાં રોવાના !!
- મુકેશ દવે
અમરેલી
તા. ૦૮/૦૧/૨૦૧૯, મંગળવાર

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

નમણાં અંજળ - ગીત

અંધારાના ઓળા ફેડી પાલવડે જ્યાં ફૂટી કૂંપળ,
ગઢપણના ઓવારે ઊભું હૈયું છલક્યું ખળખળ ખળખળ.

રાતીરાતી ભીંતો ભેદી
               અજવાળાં બહુ પીધાં,
ત્યજી ઓઢણી પરાવલંબી
               શ્વાસ મલીરો લીધા,
આંખો મીચી ગયા જનમના બંધન તોડે હરપળ.
અંધારાના ઓળા ફેડી પાલવડે એક ફૂટી કૂંપળ,

કલબલતરસ્યાં ઘરમાં પ્રગટ્યા
                   ઝગમગ તેજ ફુવારા,
આંસુ થઈને દડદડ વહેતી
                     નિર્મળ અમરતધારા,
ભોળપણાંનાં ઝરણાં ઝીલી ઊભાં અંજળ પળપળ
ગઢપણના ઓવારે ઊભું હૈયું છલક્યું ખળખળ ખળખળ.
- મુકેશ દવે 
 અમરેલી 
તા. ૨૨/૧૨/૨૦૧૮, શનિવાર

રવિવાર, 9 ડિસેમ્બર, 2018

પૌત્રાગમન



ઉત્કંઠાભર્યો
હું
બેઠો હતો
ઑપરેશન થિયેટર પાસે.....

ઝપાટાભેર આવીને
નર્સ બોલી ગઈ
"દીકરો"

અને......
અને....


એકાએક
ઉત્સાહભર્યો
હું
વૃદ્ધ
થઈ ગયો
મધમીઠાં
બાળપણને
મમળાવતો... મમળાવતો.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૮/૧૨/૨૦૧૮

શનિવાર