શનિવાર, 1 ઑગસ્ટ, 2020

રણ હશે - ગઝલ

આ પણ હશે; તે પણ હશે,
ઈચ્છા બધી નાગણ હશે.

ઘર છીપલાંથી હો મઢ્યું,
દરિયા લગી આંગણ હશે.

દૃશ્યો બનીને હું ખરું,
પણ આંખ પર પાંપણ હશે.

લે, શ્વાસને હોઠે પકડ,
છાતી હતી ત્યાં રણ હશે,

લાવે નિશાચર મ્હેંક તો,
રાતો બધી ફાગણ હશે.
- મુકેશ દવે
હાથબ બંગલા 
તા.૨૬/૦૮/૧૯૯૪, રવિવાર. 

ગાગાલગા ગાગાલગા

પ્યાલી ધરી - ગઝલ

પ્રભાતે સૂર્યને તાળી ધરી,
દિશાએ હોઠ પર લાલી ધરી.

ગયો ઊડી અચાનક ગૂંજરવ,
કુસુમને ઝૂલવા ડાળી ધરી.

સમયનું ઘેન ચડવાનું સતત,
પળોના જામની પ્યાલી ધરી.

પવનને કેદ ના કરશો તમે,
હથેળી એમ સુંવાળી ધરી.

નિશાચર ઘૂઘવે અંધારને,
ભયાનક રાત જ્યાં કાળી ધરી.
- મુકેશ દવે
હાથબ બંગલા
તા.૧૬/૦૮/૧૯૯૪, ગુરુવાર

લગાગા ગાલગાગા ગાલગા

તોય શું ! - ગઝલ

જન્મને મોતની હો ખબર તોય શું!
મોતને હો દહન - હો દફન તોય શું !

ઝાંઝવાં સીમમાં તો ઝરે આભથી,
મૃગની પ્યાસ પર હો નજર તોય શું !

સ્વપ્ન તારાં મહીં ખંડિયેરો થતાં,
હું અહીં યાદનું હો નગર તોય શું !

જોઉ છું ને ઢળે પાંપણો એમની,
આંખમાં પ્રીતની હો અસર તોય શું !

શાહ ઘૂંટ્યા કરે ગઝલને તાજ પર,
ત્યાં અધર મૌનથી હો સભર તોય શું !
- મુકેશ દવે
હાથબ બંગલા
તા.૧૮/૦૪/૧૯૮૫, ગુરુવાર


ગાલગા ગાલગા ગાલગા ગાલગા

શુક્રવાર, 31 જુલાઈ, 2020

શમણાં બધાયે આંખને ચૂભ્યા કરે,
યાદો અમારી સામટી સૂંઘ્યા કરે.

દૃશ્યો વિશેની વારતા ખૂટી જશે
કે ? પાંપણો આ આંખને પૂછ્યા કરે,

નિ:શ્વાસ ઓઢીને પડેલો ઢોલિયો,
એકાંત એના હીબકાં લૂછ્યા કરે,

અજવાસ સંકેલી લઈને રાતભાર,
ખંડેરમાંની ભવ્યતા ઘૂમ્યાં કરે.

અંધારને પૂછે નિશાચર સાનમાં,
"આ રાત શાને સૂર્યથી રૂઠ્યા કરે ?"
- મુકેશ દવે
હાથબ(બંગલા)
તા. ૧૨/૦૨/૧૯૮૭, ગુરુવાર

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

ગુરુવાર, 30 જુલાઈ, 2020

ગ્રામ્ય પ્રભાત - ગીત

વલ્લોણાંના નાદ ને માંજરના સાદ
ગામ થઈ ગ્યું રે આખું પ્રભાત.

ઝાકળમાં ન્હાતી આ સીમ દિયે દોટ
પાદરમાં વાયરાએ છોડી છે પોઠ,
ઊગ્યો છે ભાણ પણે સરવરની પાળ
ને પૂરવમાં પ્રગટી છે સિંદુરી ભાત,
ગામ થઈ ગ્યું રે આખું પ્રભાત.

ચાડિયાની આંખોમાં જાગ્યો છે ફેરફાર
ને ફળિયામાં વહી રહી કલબલની ધાર,
પાંખમાં અંધાર લઈ નિશાચર ફરારને
ચાડિયાની આંખામાં ડૂબી ગઈ રાત,
ગામ થઈ ગ્યું રે આખું પ્રભાત.
- મુકેશ દવે 
હાથબ(બંગલો) 
તા.૦૧/૦૪/૧૯૮૫, સોમવાર

શનિવાર, 2 મે, 2020

આસ્વાદ - ઈમ્તિયાઝ કાઝી


આંખમાં એવું શું ખટકે ?
હૈયું આખેઆખું બટકે !
ઠેકડા તેથી લગાવું !
ઝૂમ્ખું લાલચ કેરું લટકે.
એક સુખ ને બીજું સપનું
હાથમાં આવે ને છટકે.
આસપાસે છે છતાં પણ,
મોજની ખોજે સૌ ભટકે.
વીંટળાયા મોહપાશો,
નાખ તોડી એક ઝટકે.
- મુકેશ દવે
ટૂંકી બહેરની ગઝલમાં ઓછા શબ્દોમાં કાંઈક કહેવું એ પ્રમાણમાં વધુ કઠીન હોય છે. કવિ સંદેશો લાવનાર ટપાલી નથી કે સીધેસીધો ખુલ્લેઆમ સંદેશો આપીને ચાલ્યો જાય ! કવિ તો અદ્રશ્ય વાઇરસની જેમ આંતરમનમાં ઘૂસીને પોતાના શબ્દોનું કામણ એવું તો પાથરે કે ક્યારેક આંખોમાં બારે મેઘ ખાંગા થાય, તો ક્યારેક વલોણાની જેમ હૈયું ઘમરોળાય, તો ક્યારેક ઘંટીના બે પડ વચ્ચે દાણા દળાય એમ ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે આખેઆખો માણસ દળાય.
અહીં કવિ પ્રથમ શેરમાં જ આંખમાં કાંઈક ખટકવાની વાત કરે છે. આંખ અને હૈયાને સીધો જ સંબંધ છે. કણાની જેમ ખટકવું એવો રૂઢિપ્રયોગ પણ છે. મૂળે તો આંખ કોઈનું કંઈ સાચવતી નથી, એ હૃદયથી બિલકુલ વિરુદ્ધ રીતે વર્તે છે ! ઉદાસી હોય કે ઉલ્લાસ આંખમાંથી છતાં થયાં વિના રહેતા નથી અને હૃદય એવું છે કે ન જાણે કંઈ કેટલીય ગાથાઓને પોતાના ઊંડાણમાં સમાવીને એમ જ ધબકતું હોય છે ! હોઠ પર આવતાં સુધી કેટકેટલાં વર્ષો વીતી જતાં હોય છે, પણ આંખોનો હિસાબ તો સાવ રોકડો જ. એમાં ઉધાર જરાય ન ચાલે.
એટલે જ એક શેરમાં શૂન્ય કહે છે,
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનું રાજ્યાભિષેક છે.
એટલે કવિનો અભિપ્રેત સંભવિત એવો હોય શકે છે કે કોઈક બાબત એવી છે કે જે ઊંડે સુધી ખૂંચ્યા કરે છે , અને વાત માત્ર આંખોમાં ખટકવા સુધી સીમિત ન રહેતાં હૈયું આખેઆખું બટકતું હોય એવું અનુભવાય છે. તૂટવું અને બટકવું બન્ને બાબતો જૂદી છે. પીડા અનુભવવાની સ્થિતિ હજી ચાલુ હોય , ચોમેરથી અતીતના ઓછાયા આવીને અસ્તિત્વ પર એકસામટા એટેક કરે ત્યારે બટકવાની ઘટના સર્જાય. દર્દને વ્યક્ત થવા કવિ આંખ અને હૈયા પાસેથી કેવું ખૂબીથી કામ લઈ લે છે.
બીજા શેરમાં કવિ મિજાજ બદલીને જૂના સમયથી આવતી લૂચ્ચા શિયાળની વાત સાથે સંદર્ભ જોડી દે છે. દ્રાક્ષ માટે શિયાળ ઠેકડા લગાવે છે , પણ અંતે નિરાશ થઈને તે દ્રાક્ષને ખાટી કહે છે. માણસ પણ લોભ અને લાલચમાં ઠેકડા લગાવતો હોય છે , પણ અંતે હાથ કાંઈ આવતું નથી. શિયાળને તો બહુ વહેલું જ્ઞાત થઈ જાય છે કે આમ ઝાઝીવાર ઠેકડા લગાડવામાં ભલીવાર નથી, એટલે એ તો દ્રાક્ષને ખાટી કહીને પોતે વહેલું છૂટી જાય છે, પણ એક માણસ છે કે લાલચના ઝૂમખાંને કોઈ કાળે છોડવાનું નામ નથી લેતો !
ત્રીજા શેરમાં કવિ સુખને સપનાં સાથે સરખાવે છે. મીઠી ઊંઘમાં કોઈ મધુર સ્વપ્ન જોતાં હોઈએ અને એવું બને કે અચાનક આંખ ખુલી જાય ! સુખનું પણ એવું જ છે.
કવિ મનોજ ખંડેરિયાએ સિફતપૂર્વક કહ્યું છે કે,
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
સુખની શોધમાં બહાર ભટકતાં માણસને અંતે સમજાય છે કે સુખ તો ભીતર પડેલું હોય છે. એને શોધવાનું નથી હોતું, અનુભવવાનું હોય છે. પછીના શેરમાં કવિ એ વાત સ્પષ્ટ કરે છે. પ્રકૃતિનો એક અવિચળ નિયમ છે કે અહીં કશું કાયમ રહેતું નથી. પ્રભાત પછી સવાર અને મધ્યાહ્ન પછી સાંજ પડવાની જ છે.
બેફામ શું કહે છે,
તોય બેફામ કેટકેટલું થાકી જવું પડ્યું.
આમ તો રસ્તો હતો ઘરથી કબર સુધી,
જેઓ શોધવામાં રહ્યા છે તેઓ થાક્યા છે, અને જેમને ભીતરમાં એ અનુભૂતિ થઈ ગઈ છે તેઓ જીવી ગયાં છે . કહેવાય છે કે સિકંદર વિશ્વવિજેતા બનવાના સ્વપ્ન સાથે નીકળ્યો હોય છે ત્યારે ભારત આક્રમણ વખતે માર્ગમાં તેની મુલાકાત એક ફકીર સાથે થાય છે. ફકીરના તેજ અને આનંદને તે લાચાર બનીને નિહાળે છે. કહેવાય છે કે આ મુલાકાતની સિકંદર પર ભારે અસર થાય છે. તેના મૃત્યુ વખતે તે પોતાના બન્ને હાથ જનાજા ની બહાર રાખવાની વસિયત કરે છે.
છેલ્લા શેરમાં કવિ બધાં મોહપાશોને એક ઝાટકે તોડી નાખી આંતરમનમાં ડોકિયું કરવાનું કહે છે, એ માત્ર સલાહ નથી. પણ અનુભવોની એરણ પરથી મળેલો જ્ઞાનબોધ છે.
ગની દહીંવાળાએ કહ્યું છે,
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે , મુજ શત્રુઓ જ સ્વજન સુધી
કવિનું ભાવવિશ્વ ઠરેલ છે. અનુભવોની આંખોએ ઘણું જોયું છે, તુલસીદાસ જ્યારે મોહાંધ હોય છે ત્યારે સાપને નિસરણી સમજીને ચડે છે, પણ મોહપાશ છૂટતાં અમર રચનાઓનું સર્જન થાય છે.
ઈમ્તિયાઝ કે કાઝી
પુસ્તક પરબ માણાવદર
તા. ૦૧/૦૫/૨૦૨૦, શુક્રવાર

બુધવાર, 29 એપ્રિલ, 2020

શેરનો આસ્વાદ - ગોપાલ ધકાણ

નથી મળતું પ્રણય ત્રિકોણમાં એ મધ્ય બિંદુ,
કોઈ ભીંસાય છે કાયમ અહીં બે જણ વચાળે.
- મુકેશ દવે.

પ્રણય કવિતાનો એવર ગ્રીન વિષય રહ્યો છે. સ્થાપિતથી લઈને આજ દિવસ સુધીના નવોદિત કવિએ આ વિષયને પોતપોતાના દ્રષ્ટિકોણથી જોયો છે અને શબ્દો વડે ભાવક સુધી પહોંચાડયો છે. પ્રણયમાં બે જણાની વાતથી ઉપર ઉઠી અહીં કવિ કોઈ નવલકથાના પ્લોટ જેવું વાતાવરણ ઉભું કરે છે.
પ્રણય ત્રિકોણ શબ્દ જ આ શેરની સુંદરતાનો ભાર પોતે ઊંચકી લે છે. ત્રિકોણ ત્રણ બિંદુ વડે રચાય છે. જે ત્રણ વ્યક્તિનું પ્રતીક છે. જેમાં એક વ્યક્તિ એવી છે જેની પાસે બે વિકલ્પ છે જ્યારે બાકીની બે વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ નથી. આ ત્રણ જણ વચ્ચે એમનાં સંબંધોનું , લાગણીનું કેન્દ્ર બિંદુ વારા ફરતી ફર્યા કરે છે. કોઈ કેન્દ્ર સ્થાન ફિક્સ થતું નથી. જેને લીધે જે વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ નથી. એ એમનાં સ્થાને યોગ્ય છે. એમની લાગણીઓ , પ્રેમ વહાવે રાખે છે પણ જેની પાસે સામા બે વિકલ્પ છે જે બન્ને પોતપોતાના સ્થાન ઉપર યોગ્ય હોવાથી એ વ્યક્તિ આ બેમાંથી કોણ વધુ યોગ્ય એ બાબતે મુંજાય છે.
પ્રેમનું બીજું પાસું ત્યાગ છે. અહીં જો કે એવી કોઈ વાત કવિએ મૂકી નથી. પરંતુ આ ત્રણ બિન્દુમાંથી કોઈ એકને બાકી બન્નેના સુખ ખાતર સરી જવું યોગ્ય છે. માણસ હમેંશા વિકલ્પો મળતા મુંજારો અનુભવે છે. ખરો પ્રેમ પ્રિય પાત્રની ખુશી અને તેનું સુખ જોવાનો હોય છે. આપણને આ જવાબ વાસ્તવિક ઓછો અને ફિલ્મી વધુ લાગે એ શક્ય છે.
નથી મળતું શબ્દ જે તે વ્યક્તિની સતત મથામણ અને પ્રયત્નોને દર્શાવે છે. અહીં કેન્દ્ર બિંદુ શબ્દ મહત્વનો છે. જેની સાથે જોડાઈ શકાય અથવા જે પ્રણય ત્રિકોણની મુખ્ય વ્યક્તિ છે એ બન્ને અર્થ નીકળે. પરંતું જે કેન્દ્રમાં છે એ જ આ ભીંસ ભોગવી રહી છે. પોતે જ યથાયોગ્ય નિર્ણય લેવામાં પોતાની જાતને ધીમે ધીમે શિથિલ માનવા લાગે છે. જે તરફી ઢળવું છે તે માટે એને વિવેકબુદ્ધિ અને હૃદયની લાગણી બન્નેનો સુભગ સમન્વય સાધવો રહ્યો.
કવિએ બીજા મિસરામાં જે વાસ્તવિકતા મૂકી છે તે આંખ ખેંચે એવી છે. જ્યાં આવા પ્રણય ત્રિકોણ રચાય છે ત્યાં કોઈ એક વ્યક્તિને વલોણાની જેમ ભીંસમાં રહીને સમયને વલોવતું રહેવાનું છે. ત્યાંથી એ છટકી શકતી નથી.
મોટે ભાગે પ્રણય ત્રિકોણની શરૂઆતથી લઈને તેનો અંત પણ દુઃખદ હોય છે. ત્રણ બિંદુમાં ફરતો રહેતો પ્રણય કોઈ બે બિંદુ વચ્ચે સમય જતા પણ સ્થિર થતો નથી. તેથી સુખદ અંતની માત્ર આશા કરી શકાય પણ ખાતરી ન આપી શકાય. આ પ્રણય ત્રિકોણની પરિસ્થિતિમાં માણસ બાહ્ય કે આંતરિક દેખાવ, પ્રેમ કે દોસ્તી , સમૃદ્ધિ કે બુદ્ધિ ,પોતાના માટે વધુ યોગ્ય કે વધુ ફાયદાકારક જેવા પાસાઓને યોગ્ય રીતે મુલવતા શીખે છે.જે આગળ જતાં એના સંપૂર્ણ જીવનને પ્રભાવિત કરી શકે છે.
કવિશ્રી મુકેશ દવેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
✒️ ગોપાલકુમાર ધકાણ - અમરેલી
તા. ૨૩/૦૪/૨૦૨૦, ગુરુવાર