મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2020

નજરોનું ધોધમાર ચોમાસુ - ગીત

 


તારી નજરોનું ચોમાસુ વરસે છે ધોધમાર,
વરસીવરસીને મને ભીંજવતું આરપાર.

વરસે બ્હાર તોયે ભીતરને ભીંજવે,
ઉન્માદી શ્વાસ મારા  અંતરને પજ્જવે,
હેય્ય હૈયું દેહની દીવાલોથી કૂદીને બ્હાર,
એમ,વરસીવરસીને મને ભીંજવતું આરપાર.

ઓળઘોળ ભીંજાવું કોને ના ગમતું ?
દેહછૂટ્યું દલ્લ એ...ય જાય રમરમતું,
હેય્ય ઓલ્યો મેઘ જેમ ધરણીને ચૂમે અપાર,
એમ,વરસી વરસીને મને ભીંજવતું આરપાર.
-     - મુકેશ દવે
-            અમરેલી
તા.૦૧/૦૯/૨૦૨૦, મંગળવાર

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2020

જરાં પૂછી લો - ગીત

 

ડાળખીથી વિખૂટા થઈને શું થાય ?  જરાં પૂછી લો ખરતાં એ પાનને,

લીલપને છાંડીએ તો કેવું જીવાય ? જરાં પૂછી લો તરસ્યા વેરાનને,
 
ધરતીથી મૂળિયાને અળગા કરીને જ્યારે
આભથીય ઊંચા થઈ ગ્યા'તા,
ઓતરાદા વંટોળની હડફેટ ચડીને પછી
ઊંધમૂંધ ભોંભરિયા થ્યા'તા,
માના પાલવને ત્યજવાથી કેવું તડપાય ? જરાં પૂછી લો તૂટ્યા યુવાનને.

સપનાં પર સપનાંઓ ગોઠવતાં ગોઠવતાં

ભીંતડાંમાં જીવતર ધબકાવ્યું,
વ્હાલપનાં લીંપણને લીંપીલીંપીને વળી
ફળિયાને મઘમઘ મ્હેકાવ્યું,
પછી લાગણીનો કાળ પડ્યે શું શું કરમાય ? જરાં પૂછી લો ખભળ્યાં મકાનને.
- મુકેશ દવે
અમરેલી 
તા.૨૮/૦૮/૨૦૨૦, શુક્રવાર

સોમવાર, 17 ઑગસ્ટ, 2020

અજવાળું ખોલ - ગઝલ

તારા અંતરમાં અંધાર પડ્યો; અજવાળું ખોલ,
ને હૃદિયો માંહે ઠેબે ચડ્યો; અજવાળું ખોલ,

એમાં એનો દોષ નથી; એના સ્થાને એ ઊભો,
એ પથ્થરને તું શું કામ નડ્યો ? અજવાળું ખોલ.


તારા પગની હેઠળ જેને કચડીને રગદોળી,
ભૈ એ માટીએ જ તને ઘડ્યો; અજવાળું ખોલ.

ભીતરમાં લપાઈને બેઠો; તો પણ ઘાયલ થઈ ગયો,
તું, તું સાથે ધૂંઆધાર લડ્યો; અજવાળું ખોલ.

સૌ છે ઝળહળ ઝળહળ ને તું ડમ્મર થઈને લથડે,
એવો અંધારાનો કેફ ચડ્યો; અજવાળું ખોલ.
- મુકેશ દવે
અમરેલી
તા. ૧૭/૦૮/૨૦૨૦, સોમવાર


૧૪ * ગા

ગુરુવાર, 13 ઑગસ્ટ, 2020

ઘૂસી ગયું - ગઝલ

કેવી રીતે ? ક્યાંથી ? આ ઘરમાં ઘૂસી ગયું !!
ઈચ્છાનું એ ઝૂમ્ખું બિસ્તરમાં ઘૂસી ગયું.

પૂરો એ ભીંજાયો પનધટ જોઈ જોઈ,
જ્યારે પ્યાસુ હૈયું ગાગરમાં ઘૂસી ગયું  

માટે આજે વ્હેલો જાગી ના શક્યો હું
એવું મીઠું ! સપનું નિંદરમાં ઘૂસી ગયું,
 
ડાળે ટૌકાના ઊઠી રહ્યા છે પડઘા,
પંખીનું એક પીંછું તરુવરમાં ઘૂસી ગયું.
 
આંખો થોડી ઝૂકી, ગાલે ટશરો ફૂટી,
કોઈ કામણગારું અંતરમાં ઘૂસી ગયું.

એથી એની કાયા જીવે છે લથડાતી,
આખું ઝૂંડ ક્ષુધાનું ઉદરમાં ઘૂસી ગયું.

લાંબા જીવન માટે ઉત્પાતો કીધા'તા,
મૃત્યુ આવી આજે નસ્તરમાં ઘૂસી ગયું.
- મુકેશ દવે
અમરેલી
તા. ૧૩/૦૮/૨૦૨૦ ગુરુવાર

સોમવાર, 10 ઑગસ્ટ, 2020

તૂટી ગયેલો માણસ - ગઝલ

 



ચોળાયેલી ચાદર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે,
તકિયે છલક્યું સરવર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે.

ધોમધખેલા તડકામાં એ પરસેવાને વાવ્યા કરતો,
છાયો ધરતું તરુવર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે.
 
ચકમકતાં વસ્ત્રોની હેઠળ વીત્યો વૈભવ ઢાંકી ફરતો,
ઝીરણશીરણ અસ્તર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે.

રણ સંગ્રામો ખૂબ જીત્યો પણ જીવન જંગે લથડી પડતો,
ખીંટીટાંગ્યું બખ્તર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે.

સંધ્યા ઢળતાં ઝાલર ટાણે ઝાલર ઝાલી આરત ધરતો,
મૂર્તિ થયેલો ઈશ્વર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે.
- મુકેશ દવે
અમરેલી
તા.૧૦/૦૮/૨૦૨૦, સોમવાર

ગા X 16

મંગળવાર, 4 ઑગસ્ટ, 2020

ખરે - ગઝલ

મેળાપની જ્યાં પળ ખરે,
એકાંત થઈ વાદળ ખરે

જો પાનખર આવી ચડે
તો કેટલાં આંગળ ખરે ?

તારા નયનનું છું હરણ,
પણ ઝાંઝવાનું જળ ખરે.

વરસાદ અફવાનો પડે
ને ગામમાં અટકળ ખરે.

નભ યાદનું ખોતર જરાં,
શબ્દો બધા કોમળ ખરે.
- મુકેશ દવે
હાથબ બંગલા
તા.૦૩/૦૯/૧૯૮૪, સોમવાર

ગાગાલગા ગાગાલગા

સોમવાર, 3 ઑગસ્ટ, 2020

વરસાદી ગીત

વિંઝાતા વાયરાની ફૂંકાતી લ્હેરે મન આમતેમ ડોલતું ઊડે,
વાદળાંની દોડ સંગ ફંગોળી હિંચકો ઉછળતી મોજે અંગ ઝૂલે.

ખેતરના શેઢામાં રોમરોમ કંપેલો
આમતેમ દોડે છે તડકો,
વાયરાનો સ્પર્શ અંગમાં રેલાવીને
ઠાવકી મોલાત કરે લટકો,
વાદળાની આડશમાં સૂરજ સંતાઈને રમણીની જેમ કંઈક રૂઠે.
વાદળાંની દોડ સંગ ફંગોળી હિંચકો ઉછળતી મોજે અંગ ઝૂલે.

સૂકીભઠ્ઠ નદીઓમાં જોબન વરસ્યું
ને ઓલા ભીંજાતા કાંઠાઓ ઝૂમ,
વરણાગી નદીઓએ મેલી મરજાદ
પછી દરિયાની બાહોંમાં ગૂમ,
નદીઓએ વિંટાળીને મસ્તીના ઘેનમાં દરિયો દરિયાવ દિલ ભૂલે.
વાદળાંની દોડ સંગ ફંગોળી હિંચકો ઉછળતી મોજે અંગ ઝૂલે.
- મુકેશ દવે
હાથબ બંગલા
તા.૦૨/૧૨/૧૯૮૫, રવિવાર