સોમવાર, 16 ઑગસ્ટ, 2021

ગઝલ : દોડવાનું

 

ખીલતાં આ આયખાને આપણે બસ મોડવાનું,

વળગણોનું પોટલું બાંધી પછીથી છોડવાનું.
 
દ્વારને રાખી ઉઘાડાં; પાથરી નજરો હવે તો,
કોઈ આવી ઉંબરાને કંકુ-ચોખા ચોડવાનું.
 
વેગવંતી કો' નદીને પાર કરવા પૂલ બાંધો,
એમ ક્યાં આસાન હોતું બેઉ હૈયા જોડવાનું !
 
ધર્મની આડશ લઈને ચેતવો ધૂણી પછી તો,
લોકહૈયે સાવ સ્હેલું છે ધજાઓ ખોડવાનું.
 
જિંદગીના સુખ બધાંએ મેળવીને ઝંપવા દે,
શ્વાસને છોડ્યા પછી શું કૂદવાનું - દોડવાનું ?
- મુકેશ દવે
 અમરેલી
તારીખ ;૧૬/૦૮/૨૦૨૧, સોમવાર 
 
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

ગઝલ : બહેની

 

એ પછી રેલ્યા કરે છે લાગણી

હાથ પર મંડાય જ્યારે આંખડી,
 
બેઉ આંખો પણ વહે છે સામટી
હાથ પર બંધાય જ્યારે રાખડી.
 
ગોળમાં મીઠાશ ત્યારે ઊમટી,
બેનડી આપે જરા શી કાંકરી.
 
ખૂશ થઈને ભાઈ આપે તો જ લે,
બેનની ક્યાં હોય છે કંઈ માંગણી.
 
હોય પોતાને ઘણીએ મૂંઝવણ,
તોય બોલે વીરને ખમ્મા ઘણી.
 
બેન છે વઢશે કદી, લડશે કદી,
વાતમાં તો પણ ઝરે છે ચાસણી
 
ચીખ તારી આથડે છે પથ્થરે,
તો હવેથી તું જ બનજે જોગણી.
-     - મુકેશ દવે
અમરેલી 
તારીખ : ૦૯/૦૮/૨૦૨૧, સોમવાર
 
ગાલગાગા ગાલગાગા ગાલગા

ગીત : રાખડીને મામૂલી ધાર મા

 

સુતરના તાંતણામાં પ્રોવેલી લાગણીનું મૂલ કદી થાય ના બજારમાં,

જીવ અલ્યા ! રાખડીને મામૂલી ધાર મા.
 
રાખડીમાં છલકાતો બ્હેનીનો નેહ
વળી રાખડીમાં બાંધવ લહેરાતો,
સુતરના ધાગાનું એવું આ બંધન
કે લીલોછમ્મ રહેતો  આ નાતો,
સાચૂકલાં મોતીની માળાની જેમ સૌ જોડાયા રે'તા સંસારમાં,
જીવ અલ્યા ! રાખડીને મામૂલી ધાર મા.
 
રાખડીનું મૂલ નંદલાલાને પૂછો કે;
શાને થયો કુરુક્ષેત્રે ઊંદર,
રાખડીનું મૂલ રાણી કર્ણાને પૂછો કે;
શાને કર્યું શીલ માટે જૌહર,
રાખડી નું સત અડીખમ આવી ઊભું રે' પીંખાતી ચીસના પોકારમાં,
જીવ અલ્યા ! રાખડીને મામૂલી ધાર મા.
-     - મુકેશ દવે
અમરેલી 
તારીખ :૦૯/૦૮૨૦૨૧, સોમવાર

શુક્રવાર, 30 જુલાઈ, 2021

ગીત : ચાંદ મઢેલી રાત

 

જામી ચાંદ મઢેલી રાત; એમાં ગમતીલો સંગાથ;
જાણે સરગાપુરીમાં અમે ઘૂમીએ,
ઊઠ્યો ઝાંઝરનો ઝણકાર; પગમાં પ્રગટેલો થનગાટ;
જાણે ગાંધર્વતાલે અમે ઝૂમીએ. 
 
નદીનો કિનારો ને તમરાંનું સંગીત;
બેઉ મન ડોલી રહ્યાં થઈ જઈને તલ્લીન,
હૈયાની વાણીને હૈયાએ ઝીલી તો
તાલ અનેરો વાગ્યો તાધીન્નાતાધીન,
રાખી ખભ્ભા ઉપર હાથ; મનડાં ઊડે છે સંગાથ;
જાણે નભના ખાલીપા અમે પૂરીએ........ જામી0
 
સોળે શણગાર સજી રાતરાણી મ્હેકે;
જાણે ભરી મહેફીલે છલકેલી પ્યાલી,
વરણાગી વાયરો છેડીને સરગમ;
ડાળેડાળે ઘૂમીઘૂમી દેતો જાય તાલી,
છોડી સઘળી માયાજાળ; થઈને આપસમાં ગૂલતાન;
જાણે મનના ઝૂલામાં અમે ઝૂલીએ.............જામી0
- મુકેશ દવે
અમરેલી
તા. ૩૦/૦૭/૨૦૨૧, શુક્રવાર

શુક્રવાર, 23 જુલાઈ, 2021

ગીત : આપસિદ્ધ લોલુપ સર્જક માટે નવોદિતાનું સંબોધન

 

(પ્રથમ બે પંક્તિ અમરમા ગુરુ સંત દેવીદાસના  પુણ્ય સ્મરણ સાથે)

 
મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા,
મેં તો બુદ્ધ રે જાણીને તમને સેવિયા,
તમારી આંખ્યુંમાં  જોયા કાળા નાગ;
એ જી નાગ;  આવા રે નો'તા જાણીયા.
 
ગુરુજી શબદ વરાહે તમે મને નોતરી,
ઘેલી થઈને દોડી જાણે કે તમ દીકરી,
મેલાં ટેરવે ફૂટ્યા'તા નોખા રાગ;
હે જી રાગ; સર્યાં ત્યાં સાપોલિયા.
મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા.
 
એવા દુરિજન ભોંકાયા મારી આંખમાં,
મારો ભરોસો ભાંગીને ભળતો રાખમાં,
તમારાં છાજિયાં કૂટીશું સૈયરું સાથ
હે જી સાથ;  ભર્યા હૈડે વિખોણિયાં.
મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા.
 
સખીયું સામૈયા કરો રે નોખી ભાતના,
સખીયું રંગોને ઉડાડો કાળી રાતના,
એને પહેરાવો જોડા કેરો હાર;
હે જી હાર; બોલાવો પાછળ હુરિયા.
મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા.
- મુકેશ દવે
અમરેલી 
તા.૨૩/૦૭/૨૦૨૧ શુક્રવાર