બુધવાર, 22 ડિસેમ્બર, 2021

ગઝલ - દોડ્યા કરો

બન્ને ખભા પર ઊંચકીને આશ; બસ દોડ્યા કરો,
ક્યારેય ના પૂરી થવાની કાશ; બસ દોડ્યા કરો.

નિઃશ્વાસની આ ચેહ પર જોહર કરીને જીવતાં,
વેંઢારવાને જીવતી એ લાશ; બસ દોડ્યા કરો.

નાથી બળદ; સંસારગાડે જોતરી વ્હેતા કર્યા,
હાંકી રહ્યાં છે મોડિયો ને રાશ; બસ દોડ્યા કરો.

રણમાં જઈ કૂદી પડ્યાં; અંદરથી જે દાઝી ગયાં,
દાઝ્યા પછી ફૂંકીને પીવા છાશ; બસ દોડ્યા કરો.

સંસારસાગરને વલોવી રત્ન ના પામો છતાં,
ત્યાં ઝીલવાને એકઠી ખારાશ; બસ દોડ્યા કરો.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૯/૧૧/૨૦૨૧, મંગળવાર

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

બુધવાર, 3 નવેમ્બર, 2021

ગઝલ - માણસ છું

 સાદ ન પાડો તો પણ સામેથી મળતો માણસ છું,
સબરસ જેવું જીવ્યું મારું; સૌમાં ભળતો માણસ છું.

આ હાથોને કોઠે પડ્યું; તંગીમાં કાયમ રહેવું,
સંકડામણ ક્યાંથી નડશે ? આશિષ રળતો માણસ છું.

કસકસમાં આપીને લિજ્જત; રાખ બનીને ખરતો,
ખાખી બીડી જેવો હું ઠરતો-બળતો માણસ છું.

કેમ કરીને સરવર જેવું નિશ્ચલ મારે રહેવું ?
નિર્મળ ઝરણાં જેવો મોજે ખળખળતો માણસ છું.

હૈયા પર પથ્થર મૂકીને મારાં આંસુ ખાળું,
કોઈના બે આંસુમાં હું ઓગળતો માણસ છું.
- મુકેશ દવે
અમરેલી
મૂળ ; તા..૨૯/૧૧/૨૦૧૩
સુધારો : ૨૬/૧૦/૨૦૨૧,  મંગળવાર

ગઝલ - વચાળે

 દારૂ - દારા - દામ  વચાળે,
છું નિર્લેપ તમામ વચાળે.

અવઢવ કાયમ એની એ છે
હોઠ અને આ જામ વચાળે

એક પતંગિયું આવી બેઠું,
મારાં તારાં નામ વચાળે.

ભૂખ હજી પણ ત્યાંની ત્યાં છે,
હકડેઠઠ   ગોદામ   વચાળે.

જંપ નથી આ ચંચળ મનને,
કામ અને વિશ્રામ વચાળે.

જીવણ શોધે શ્વાસ પગેરું,
આરંભ ને અંજામ વચાળે.

"મૂકેશ" કેમ કરીને બચવું ?
આંખોના ઈલ્ઝામ વચાળે
 - મુકેશ દવે
પાંધ્રો,તા.૨૧//૧૦/૨૦૨૧, ગુરુવાર

૮ગા

ગઝલ - દ્વિરૂપ

 હું દુરાચારી અને હું સંત છું,
હું જ પામર જીવ 'ને ભગવંત છું.

ભાગ્યરેખા ના ઉગાડી તેં ભલે,
ભાગ્ય મારું સર્જવા બલવંત છું.

ના હણાતો આત્મા હણવા છતાં,
એટલે તો આદિ અને બેઅંત છું.

પ્હાડ પીડાનો ઉઠાવી લાવું છું,
હું જ લક્ષ્મણ ને વળી હનુમંત છું.

હાથ જોડીને તું ઊભો દ્વાર પર,
ગર્ભગૃહે હું જ મૂર્ત્તિમંત છું.
- મુકેશ દવે
પાંધ્રો તા.૧૮/૧૦/૨૦૨૧, સોમાવાર

ગાલગાગા લાલગાગા  ગાલગા

ગઝલ -- જો લાગે

 જો કણેકણમાં સદાયે રામ લાગે,
ઝૂંપડી પણ મોટું તીરથધામ લાગે.

એક મનસૂબો અમે રોપી જવાના,
આજ વાવેલું કદી તો કામ લાગે !

જે હથેળીમાં સતત ઘૂંટ્યા કરેલું,
કો' સમે એ પણ તિરસ્કૃત નામ લાગે.

ચાહનારા આંખમાં તો સ્નેહ દેખે,
મયકશોને એ છલકતો જામ લાગે.

વાંસળી રાધાપણું ત્યારે જ રેલે,
ફૂંક એમાં પૂરનારો શ્યામ લાગે.
- મુકેશ દવે
પાંધ્રો, તા. ૧૫/૧૦/૨૦૨૧ , ગુરુવાર

ગાલગાગા ગાલગાગા ગાલગાગા

મંગળવાર, 2 નવેમ્બર, 2021

ગીત - પ્રીતોત્સુકા

 
પાલવડે ઝરણાં બાંધી ઘૂમતીતી રે લોલ,
દલ્લ મારું ખળખળતું જાય જો
ઓચિંતા સાતે સાગર ઉમટ્યા રે લોલ.

હૈયે મોજાઓ લાખ ઊછળે રે લોલ,
નજરુંમાં વાદળાં ઘેરાય જો
આંખોએ ચોમાસા આદર્યા રે લોલ
.
છાલક સોંસરવી મુને ભીંજતી રે લોલ,
અંતરમાં ઊતર્યો નિતાર જો
ઘેલા થઈને ભોગળ ખૂલિયા રે લોલ.

સણસણતા સૂસવાટા ઝીલતી રે લોલ,
હળવેથી બારણાં ભીડાય જો
બત્રીસ કોઠામાં દીવા ઝગમગ્યા રે લોલ.
- મુકેશ દવે
પાંધ્રો, તા.૦૯/૧૦/૨૦૨૧, શનિવાર

ગઝલ - તક મળે

કોઈને પણ ના તોડવાની તક મળે,
સંબંધ એવો જોડવાની તક મળે.

રાખી ભલે તું ચાલતી નીચી નજર,
મારા તરફ એ મોડવાની તક મળે.

જેવી નજરથી તું મને તાક્યા કરે,
એ તીર સામા છોડવાની તક મળે.

તું સાદ દઈ બોલાવજે ને એ પછી,
બાંહો પસારી દોડવાની તક મળે.

સદ્ભાગ્ય મારું એ હશે કે તું મળે,
દુર્ભાગ્યને તો ફોડવાની તક મળે.
- મુકેશ દવે
પાંધ્રો, તા.૦૯/૧૦/૨૦૨૧, શનિવાર

ગાગાલગા ગાગાલગા ગાગાલગા