બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

છાલકાં - અછાંદસ

જિંદગીના
ઢળતા મધ્યાહ્ને પહોંચેલાં
અમે
સમી સાંજે
બે-ઘડી
સંસારભારનું છાલકું ફગાવીને,
શહેર બહાર
હાંફતા હાંફતા
નીકળતા રસ્તાને કાંઠે આવેલ
નાળાની પાળીએ
નિરાં.....તે બેસીએ.....'ને
ત્યાંથી પસાર થતાં
રાહદારીઓને
જોતાં જોતાં
હું ;
કવિતાકર્મને પ્રેરક
એમના સંવેદનો
ગજવામાં ભરુ;
અને
સ્ત્રી સહજ કુતૂહલવૃત્તિથી સભર
એ,
એમના વર્તનોને
પાલવના છેડે બાંધ્યા કરે,
અંતે
વાહનોની હેડલાઈટોને
આંખમાં આંજી
બન્ને
ફરી પાછાં
છાલકા ઉપાડવા
માળા તરફ
ઊડી જઈએ,
-મુકેશ દવે

તા.૨૪/૦૨/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો