રવિવાર, 18 ઑગસ્ટ, 2024

ગઝલ - સૂર્ય ઊગે છે

ધરતી પર અજવાળા લઈને સૂર્ય ફરે છે,
અસ્ત-ઉદય રઢિયાળા લઈને સૂર્ય ફરે છે.

ઊષા-સંધ્યા નામે સુંદર કન્યાઓથી -
નભદૃશ્યો રૂપાળાં લઈને સૂર્ય ફરે છે.

ના અટકે, ના થંભે, તોપણ થાકે ક્યાંથી ?
અશ્વો બે પાંખાળા લઈને સૂર્ય ફરે છે.

કંઈક યુગોથી અવિરત નિયત આવનજાવન,
પળપળના સરવાળા લઈને સૂર્ય ફરે છે.

નળિયાં નીચે રમતાં નાના ખોબા માટે,
ચાંદરણાં નખરાળાં લઈને સૂર્ય ફરે છે.

તડકા ને પરસેવાના એ દ્વંદ્વ વચાળે,
અંગારા દાહાળા લઈને સૂર્ય ફરે છે

અંતરથી જયાં મૂંગી તરસો ચિત્કારે છે ,
વાદળ ત્યાં હેતાળા લઈને સૂર્ય ફરે છે.

એના મૃદુલ સ્પર્શે નમણી પલકો ઢળતી,
કર  કેવાં  નિરાળા  લઈને  સૂર્ય ફરે છે !

ગરમાળાની ડાળે તડકો કામણ ઢોળે,
નેણ-નયન અણિયાળા લઈને સૂર્ય ફરે છે.

રાત મનોહર હોય છતાં દિવસની સાથે,
સંબંધો હુંફાળા લઈને સૂર્ય ફરે છે.

એની કૃપા, એના આશિષ તેથી ફળતાં,
રન્નાદે અમિયાળાં લઈને સૂર્ય ફરે છે.
- મુકેશ દવે
જામનગર
તા. ૧૩/૦૮/૨૦૨૪, મંગળવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો