શનિવાર, 27 સપ્ટેમ્બર, 2025

બાલગીત : ટીશુકભાઈ

ટીશુકભાઈ છે નાના તોયે લાંબી એની વાતો,
વાત કદી ના પૂરી થાતી વીતી જાતી રાતો.

'પછી છેને' 'પછી છેને' વારેવારે આવે,
વાતોમાં વાતો કંઈ ગૂંથી વાતોને લંબાવે,
ના સમજે કોઈ એનું કહેવું તો ફટકારે લાતો.

મમ્મી કહેતી ટીશુકભાઈ તમે વાત કરોને ટૂંકી,
લાંબુલચ્ચક ના બોલો બસ બોલો ફૂંકી ફૂંકી,
મમ્મી જ્યાં શિખામણ દે તો થાતો પીળો રાતો.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૧/૦૯/૨૦૨૫, સોમવાર

ગીત : પાયરી ઉતારેલ અધિકારીનું ગીત

રોજ મને કહેતા જે 'જી સર' 'જી સર' એનેય કહેવું પડે 'જી',
ફૂટલા કરમ ! તેં તો મારાયે છીનવ્યા છે સાકર-કેળા ને વળી ઘી.

મારો રૂઆબ ભૈ ફાટફાટ ફાટીને
ખુરશીની બ્હારે છલકાતો,
ઓશિયાળા ચ્હેરાઓ આજીજી પાથરતા
તોય નહીં ચ્હેરો મલકાતો,
તીર જેવા નિસાસા વાગીને કહેતા કે 'તારા કુકર્મોને પી.'

ટણપો ચપરાસી મૂઓ મૂછ્યુમાં મલકીને
વાંકી નજરુંથી નીહાળે,
નઠ્ઠારા કારકૂનો ફાઈલોની આડશમાં
મારાં કંઈ લેખજોખ ચાળે,
ઉપરથી ખાતાનો અફસર આવે તો લાગે ભારેખમ ગોઝારો દી.
- મુકેશ દવે
અમરેલી
તા ૩૧/૦૮/૨૦૨૫, રવિવાર

ગીત : મો(તીઓ)(તિયો)

આંખ્યુંના દરિયામાં મોતીડાં પાક્યાં ને તરવૈયા ઊભા કિનારે,
વાટે ઉભેલા સૌ થાળીઓ વગાડે ને મરજીવો ડૂબક્યું મારે.

સમદર પેટ હોય ત્યાં જ મોતીડાં પાકે
હોય ખાબોચિયે કાદવ ને લીલ,
ઓલદોલ દરિયો તો રાજકોષ ખોલે
એય્ય.... ખોલીને પોતીકું દિલ,
ખબોચિયે ઊંધમૂંધ ડૂબકીઓ મારો તો કોણ આવી તમને ઉગારે ?

છીપલાંમાં છુપેલું મોતી દેખાય નહીં
તળિયાલગ પ્હોંચો તો પામો,
આઘેઆઘેથી થોડું ઝાંખું ને પાંખું
પણ ઝળહળના હોય છે મુકામો,
ટીપેટીપેથી થોડો મેઘરવો ટપકે તો દરિયોયે નજરું વિસ્તારે.
- મુકેશ દવે
અમરેલી
તા.૨૯/૦૮/૨૦૨૫, શુક્રવાર

સોમવાર, 9 જૂન, 2025

ગીત - આદરણીય કવિશ્રી મનોહર ત્રિવેદીને

કવિ તમારી કલમે વિલસે કાંઈ 'મનોહર-લીલા'
ઉજ્જડ વગડા વચ્ચે પાડ્યા સાવ અનોખા ચીલા.

કવિ તમારા પડછાયામાં રાતરાણીયે ખીલે,
મધરો મધરો અંધારાને પાંપણ વચ્ચે ઝીલે,
તળપદ ભોંની સોડમ લઈને વાતા હોય અનિલા.....

કવિ તમારા ચરણ સરતા જાય ગોખના દીવે,
ફળિયે ફોરેલ દાડમડી ને ડોલરિયાને પીવે,
કાળુભારના ઘૂનેઘૂને લ્હેરે નીલ સલિલા.....

કવિ તમારા ટેલિફોને દીકરીબાનો ટહુકો,
વળી તમારાં ડેલીખાને ગામમુખીનો હુક્કો,
હળખેડુની ધૂંસરી ઉપર સૂરજતેજ હઠીલાં......

કવિ તમારી સાલસતા તો શબ્દોમાં લહેરાતી,
મનખા નામે ભાવસરિતા આંખોમાં છલકાતી,
છંદોલયમાં એકેક ગીતો વ્હેતાં હોય સુરીલાં....

કવિ તમારાં રાંધણિયાની મ્હેક વહે મધમાતી,
ટાણે-અણટાણે ગુણીજનોની ગોઠડીઓ મંડાતી,
અણગમાની રેખ મળે ના, કાયમ હો મોઝીલા....
મુકેશ દવે
અમરેલી
તારીખ : ૦૯/૦૬/૨૦૨૫, સોમવાર

બુધવાર, 12 માર્ચ, 2025

ગીત - ભ્રમણા ૧ અને ૨

ભ્રમણા_૧

વરસોથી પીડ દેતી અણિયાળી સઘળી પળ છે
દરિયો ઘુઘવતો લાગે; પેટાળમાં અનળ છે.

જ્યાં ઝાંઝવાનાં ધાડાં ઉમટ્યા અફાટ મનમાં,
હાંફી રહેલ પગલાં પીગળ્યાં છે પીડાગનમાં,
બ્હારે જે ચમકતું; આંખોનું ખાલી છળ છે.

હૈયુંય બોલે ઉછળી; - જીવ્યા'તા એ છે ભ્રમણા,
વ્હેતી નદીમાં દોર્યા જીવતરનાં જાણે સમણાં,
શ્વાસો ને ઉચ્છવાસો કાયમ અહીં અકળ છે.
- મુકેશ દવે

ભ્રમણા_૨

વરસોથી જે પીડા દેતી સૌ અણિયાળી પળ છે,
લાગે કે ત્યાં દરિયા ઘુઘવે ભીતર વડવાનલ છે.

દસ દશ્યેથી ધાડેધાડાં મૃગજળ ઉમટ્યા મનમાં,
હાંફી રહેલાં દિગ્મૂઢ પગલાં દાઝ્યાં પીડાગનમાં,
હોય નિખરતું જે જે બ્હારે તે આંખોનું છળ છે.

ઊછળી ઊછળી હૈયું બોલે જીવ્યા'તા એ ભ્રમણા !
વ્હેતાં જળમાં દોર્યા જાણે જીવતર રંગ્યાં સમણાં !
આતમ બેઠો શ્વાસ ગણે પણ શ્વાસોનું ક્યાં તળ છે !
- મુકેશ દવે
જામનગર
તા.૧૧/૦૨/૨૦૨૫, મંગળવાર

શનિવાર, 11 જાન્યુઆરી, 2025

ગીત - જીવતરના ફંગોળા

બાળપણાના ઝૂલે ઝૂલ્યાં ફંગોળાતાં ફંગોળાતાં,
મોટપણું ઝાલ્યું ત્યાં ડૂલ્યાં ફંગોળાતાં ફંગોળાતાં.

હાલરડાં ગાઈને માએ સપનાંઓ પીવડાવ્યા'તાં,
કંધોલે બેસાડી બાપે એ સપનાં જીવાડ્યા'તાં,
અગસરની આંધીમાં ઊડ્યાં ફંગોળાતાં ફંગોળાતાં.

અંજળના ઓછાયા ઓઢી ઘટઘટ પાણી પીધા'તાં,
લીલીવાડી માટે કેવા લાખ ઉધામા કીધા'તા !
સપનાં-અગસર સઘળું ભૂલ્યાં ફંગોળાતાં ફંગોળાતાં.
- મુકેશ દવે
અમરેલી
તા. ૧૧/૦૧/૨૦૨૫,શનિવાર

ગીત નાતતેડાનું ગીત

ભાવેણાની ધીંગી ધરા; જ્યાં નાત્યતેડું થાય,
નાત્યગંગામાં ડૂબકી દઈ; ખેડાવાળ ભીંજાય.

હે ખમીરવંત ! હે ખેડાવાળ ! જય બોલો ક્ષીરજંબમાતની,
ભાવેણાની ધરણી આજે ઝળહળ નોખીભાતની.

કલમ, ખડિયા, કડછાને અમે ગળથૂથીમાં પીધાં છે,
સાદગી, રખપત,હાથખેંચના સદાયે નર્તન કીધાં છે,
નિજ ગૌરવને કાજે પરવા ના કરતાં મિરાતની.
જય બોલો ક્ષીરજંબમાતની.

મયાબાપા ને નારણજીએ શિક્ષણ જ્યોત જલાવી'તી,
મનહરલાલ ને નરભેરામે ભાગવત ગાથા ગવરાવી'તી
ઋત્વિજોના મુખથી પ્રગટે સરવાણી સાક્ષાતની.
જય બોલો ક્ષીરજંબમાતની...

ધૂમકેતુએ અલીડોસાને દુનિયામાં પ્રસરાવ્યો'તો,
નાથાલાલે ભીની એ ધરતીને સાદ પડાવ્યો'તો,
સાક્ષરજનની કલમે વહેતી કવિતાઓ નિરાંતની.
જય બોલો ક્ષીરજંબમાતની.

બાલકૃષ્ણના કંઠે વહેલી ગીરકન્યા ભુલાતી નથી,
પ્રફુલ દવેના મણિયારાની હલક હજુ વિસરાતી નથી,
કંઈ કસુંબલ કંઠથી વહેતી હાંકલ છે મધરાતની.
જય બોલો ક્ષીરજંબમાતની....

સાથે મળીને કરશું વાતો યુવાના ઉત્થાનની,
જનજનના હૈયામાં પ્રગટે જ્ઞાતિના સન્માનની,
જ્ઞાતિના હરેક ક્યારામાં ઊગતાં એ પરભાતની.
જય બોલો ક્ષીરજંબમાતની.
- મુકેશ દવે
જામનગર
 તા. ૨૪/૧૨/૨૦૨૪, મંગળવાર