શનિવાર, 21 ડિસેમ્બર, 2024

ગીત તરંગો

મનમાં ગોરંભાય મતંગો
ઊઠે જળમાં જેમ તરંગો.

નિરવ જળમાં  કંકર પડતાં 
થાતી જાણે જળ પર ક્રીડા,
એ ક્રીડાના મૂળમાં વેઠે 
જળ અંજળની વસમી પીડા,
સમરણકંકર લગરિક અડતાં 
મનક્યારે સળવળ ભુજંગો.

જળની છાતી ઉપર ઊમટે 
તરંગોના ટોળેટોળાં,
મનડાની છાતીમાં છાયા 
કંઈ ચર્વણના કાળા ઓળા,
હવળ્યું દેતાં હોયે કાયમ 
મનના હણહણતા તુરંગો.
-  મુકેશ દવે
જામનગર
તા. ૨૦/૧૨/૨૦૨૪, શુક્રવાર

સોમવાર, 23 સપ્ટેમ્બર, 2024

ગીત - હેત ચડ્યું હિલ્લોળે

હેત ચડ્યું હિલ્લોળે,
નાજુક ચ્હેરે વિસ્મિત આંખો કિલ્લોલે જ્યાં ખોળે.
હેત ચડ્યું હિલ્લોળે.

સાગર ઉપર નભ ઝૂકીને 
નિત્ય કરે પયપાન,
વાદળનું પયપાન કરીને 
છલકાતાં ધનધાન,
ઝરણાં-પર્વત-પંખી-ફૂલડાં કુદરતના ઘરચોળે.
હેત ચડ્યું હિલ્લોળે.

ઝરણાઓથે ઝાકળ બેસી 
ડારો દે સૂરજને,
તરણાટોચે સાંજ વિરામી 
પમરાવે ગોરજને,
આથમણી દશ્ય રાતઘડૂલે અંધારાને ઢોળે.
હેત ચડ્યું હિલ્લોળે.

ડાળેડાળે ફૂલો દેતાં 
જોબનના વરતારા,
ચક્ષુપંખી લઈને ઉમટ્યાં 
મોહ્યાના અણસારા,
વાસંતીકોકિલ ટહુકીને હૈયાઓ ઢંઢોળે.
હેત ચડ્યું હિલ્લોળે.
- મુકેશ દવે
જામનગર
તારીખ :૨૩/૦૯/૨૦૨૪, સોમવાર

સોમવાર, 9 સપ્ટેમ્બર, 2024

ગીત - વાણીરાણી

એથી તો મેં કોમળઅંગી વાણીરાણી સોળેવાને કાયમ છે શણગારી, 
એ સરગમની જાણે ક્યારી હું તો એના રઢિયાળા કોઈ સૂરનો પૂજારી.

વાણીરાણી આમ જુઓ તો લચી પડેલા
ડોલરિયાનું મઘમઘતું એક ફૂલ,
હળવે ચૂંટી કીધું એને પ્રાંજલ આંખે 
બેસીને તું મોજ પડે એમ ઝૂલ, 
તારે આંગણ આવે જો કોઈ ગમતીલું જણ
એની સામે હોઠ સમાણી ખૂલ, 
રોજેરોજે વાણીરાણી કાજે હું તો વરસાવું છું નેહ નીતરતી ઝારી.
એ સરગમની જાણે ક્યારી હું તો એના રઢિયાળા કોઈ સૂરનો પૂજારી

ટહુકો એનો પાંખો પહેરી કોઈના કાને 
સોનલવરણું ઝૂમણું થઈને ઝૂલે, 
વરસે એનું મર્માળું એક સ્મિત હોઠે
ફૂલગુલાબી પરોઢ લઈને ખૂલે, 
કાગળ ઉપર ઠૂમકઠૂમક અંગ મરોડી
અક્ષરરૂપે ઊઘડે મોતીમૂલે, 
છે રાણીના પગલેપગલે મધરીમધરી મહેક ભરેલી લહેરાતી ફૂલવારી.
એથી તો મેં કોમળઅંગી વાણીરાણી સોળેવાને કાયમ છે શણગારી
- મુકેશ દવે

રવિવાર, 8 સપ્ટેમ્બર, 2024

ગઝલ - પરમનો ઘડેલો

શિખર પર ગયાનો નશો જ્યાં ચડેલો,
અહંના ધકેલાથી ગબડી પડેલો.

દિશાઓથી ભટક્યો પછી એનો ટહુકો,
નશીલો ઈશારો જરા શો અડેલો.

મને ખૂબ મારામાં શોધ્યો પરંતુ,
કશેથી હજુ ના મને હું જડેલો.

જતો જ્યારે આતમ પ્રભુના સમિપે,
પરંતુ ત્યાં એમાંનો માણસ નડેલો.

નથી ઓગળ્યો હું કદી ઝખ્મજળથી,
ઘડો છોને કાચો પરમનો ઘડેલો.
- મુકેશ દવે
જામનગર,
તારીખ : ૦૯/૦૯/૨૦૨૩, સોમવાર

ગઝલ - કવનમાં

પ્રણયનું સરોવર છલોછલ નયનમાં.
વહે છે હૃદય ત્યાં સુરીલા કવનમાં.

વિહગ જેમ ઊડે અચાનક વિટપથી,
ગવન ઊડી જાતું એ રીતે  પવનમાં.

અમસ્તી નથી થઈ આ કાયા મનોહર,
તપી'તી એ પ્હેલાં વિરહની અગનમાં.

હતાશામાં ડૂબી ઘણી કેદ પાંખો, 
કદી જે હરખથી મહાલી ગગનમાં.

રડે છે એ ઘરમાં તિરસ્કૃત થઈને,
'હતી શી અધૂરપ અમારાં જતનમાં !'

અરે ! દોસ્તથી જ્યાં પરાજિત થયેલો,
મળી'તી શીતળતા એ મીઠી જલનમાં.

કબર થઈ જવું કે ચિતા થઈ દહાવું,
અમર થઈ ગયાં જે અડ્યા'તાં વચનમાં.
- મુકેશ દવે
જામનગર
તા. ૦૮/૦૯/૨૦૨૪, રવિવાર

સોમવાર, 26 ઑગસ્ટ, 2024

બાલગીત

ક્યાંથી આવેલું કહો ગમતીલું ગીત ?
કોણે ગાયેલું કહો સુરીલું ગીત ?

વાદળીએ ગાયેલું,
વીજળીએ ગાયેલું,
આભલેથી ઝરમરઝર વરસ્યું'તું ગીત.

પાંદડાએ ગાયેલું,
છાંયડાએ ગાયેલું,
ઝાડવેથી ટપ્પટપ્પ ટપક્યું'તું ગીત.

કંદરાએ ગાયેલું,
પથ્થરાએ ગાયેલું,
ડુંગરેથી દડદડતું આવ્યું'તું ગીત.

હરણાએ ગાયેલું,
તરણાએ ગાયેલું,
ઝરણામાં ખળખળતું ઉછળતું ગીત.

વાયરાએ ગાયેલું,
વૈયાએ ગાયેલું,
ખેતર ને શેઢાનું લહેરાતું ગીત.

ખેચરોએ ગાયેલું,
ભ્રમરોએ ગાયેલું,
નાનેરા બાગ મહીં મ્હેકંતું ગીત.

માંજરોએ ગાયેલું,
ઝાલરોએ ગાયેલું,
વ્હેલાં પરોઢિયેથી રણઝણતું ગીત.

તારલાએ ગાયેલું,
તમરાએ ગાયેલું,
અંધારી રાતોએ ઘેરાતું ગીત.

અમ્મે સૌએ ગાયેલું,
તમ્મે સૌએ ગાયેલું,
વ્હાલી નિશાળમાં કલબલતું ગીત.
- મુકેશ દવે
અમરેલી
તા. ૨૪/૦૮/૨૦૨૪, શનિવાર

શુક્રવાર, 23 ઑગસ્ટ, 2024

ગીત - વાટ

હૈયું ન્હોતું હૈયામાં પણ આંખે બેસી કરતું ધકધક,
ઉભડક શ્વાસે વાટ નીરખતું જાણે કોઈ તરસ્યું ચાતક.

વાયુ ઉપર બેઠા લ્હેરે 
પગરવના જ્યાં ભણકારાઓ,
આંખોમાંથી ટપકી પડતાં 
ભીનાભીના અણસારાઓ,
અણસારાથી ચેત્યા તીણા સણકારાના અંગારક,
હૈયું ન્હોતું હૈયામાં પણ આંખે બેસી કરતું ધકધક.

આઠેય પહોર આઠ જનમના
પંથ બની લંબાયે જાતા,
ઉજાગરાથી ભરચક આંખે
અશ્રુજળ પણ છલકે રાતા,
તોપણ વિહ્વળ હૈયું પૂરે મેઘધનુના રંગો અણથક.
હૈયું ન્હોતું હૈયામાં પણ આંખે બેસી કરતું ધકધક.
- મુકેશ દવે
જામનગર
તારીખ : રર/૦૮/૨૦૨૪, ગુરુવાર

મંગળવાર, 20 ઑગસ્ટ, 2024

ગઝલ : હું જ મારો રસ્તો

હું જ મારી કેડી ને હું જ મારો રસ્તો,
હું ખુમારી ત્યાગી કદી ન થાઉં સસ્તો.

જિંદગાની આખી રહ્યું અહીં ટીંચાવું,
સુખ અને આ દુખ તો છે  ખાંડણી ને દસ્તો.

ના વધે એ રોપો જો ભાર હો છાયાનો,
બાળ ક્યાંથી ફાલે ? ઉપાડી મોટો બસ્તો.

મંચ પર છીએ તો(ય) અમે ન ધ્યાને આવ્યા,
એ અમસ્તાં આવ્યાં તો તાનમાં ગુલદસ્તો !

મોત પણ ધ્રૂજીને ઘડીક થંભ્યું ત્યારે,
વેદનાઓ વળગી રહી પ્રસારી હસ્તો.
- મુકેશ દવે
જામનગર
તારીખ : ૧૮/૮/૨૦૨૪, રવિવાર

ગાલગાગા ગાગા લગાલ ગાગા ગાગા

રવિવાર, 18 ઑગસ્ટ, 2024

ગઝલ - સૂર્ય ઊગે છે

ધરતી પર અજવાળા લઈને સૂર્ય ફરે છે,
અસ્ત-ઉદય રઢિયાળા લઈને સૂર્ય ફરે છે.

ઊષા-સંધ્યા નામે સુંદર કન્યાઓથી -
નભદૃશ્યો રૂપાળાં લઈને સૂર્ય ફરે છે.

ના અટકે, ના થંભે, તોપણ થાકે ક્યાંથી ?
અશ્વો બે પાંખાળા લઈને સૂર્ય ફરે છે.

કંઈક યુગોથી અવિરત નિયત આવનજાવન,
પળપળના સરવાળા લઈને સૂર્ય ફરે છે.

નળિયાં નીચે રમતાં નાના ખોબા માટે,
ચાંદરણાં નખરાળાં લઈને સૂર્ય ફરે છે.

તડકા ને પરસેવાના એ દ્વંદ્વ વચાળે,
અંગારા દાહાળા લઈને સૂર્ય ફરે છે

અંતરથી જયાં મૂંગી તરસો ચિત્કારે છે ,
વાદળ ત્યાં હેતાળા લઈને સૂર્ય ફરે છે.

એના મૃદુલ સ્પર્શે નમણી પલકો ઢળતી,
કર  કેવાં  નિરાળા  લઈને  સૂર્ય ફરે છે !

ગરમાળાની ડાળે તડકો કામણ ઢોળે,
નેણ-નયન અણિયાળા લઈને સૂર્ય ફરે છે.

રાત મનોહર હોય છતાં દિવસની સાથે,
સંબંધો હુંફાળા લઈને સૂર્ય ફરે છે.

એની કૃપા, એના આશિષ તેથી ફળતાં,
રન્નાદે અમિયાળાં લઈને સૂર્ય ફરે છે.
- મુકેશ દવે
જામનગર
તા. ૧૩/૦૮/૨૦૨૪, મંગળવાર

બુધવાર, 14 ઑગસ્ટ, 2024

ગીત - અલબેલી નગરી અમરેલી

 ઉબડખાબડ રસ્તા ઉપર  હાલકડોલક નગરી છે અમરેલી.
તોયે ના ફરિયાદ કરે ને મસ્તીમાં બસ ઝૂમે રે અલબેલી.

ઘરની નીકો સિગ્નલ તોડી; ટ્રાફિક થઈને રસ્તે વળતી ટોળે,
ગટરકૂંડના ભાવપ્રેમથી  સઘળા રસ્તા પાવનતાને ખોળે,
વિહ્વળ ગાયો ડસ્ટબીનો જ્યાં છલકાતી ત્યાં ભાંભરતી થઈ ઘેલી.
ઉબડખાબડ રસ્તા ઉપર હાલકડોલક નગરી છે અમરેલી.

મૂળદાસની ગૌરવવંતી ગાથા અહીંયા ઠેબીજળમાં વ્હેતી,
ભોજાભગતની  ચાબખવાણી વડીનદીયે આછાં વ્હેણે કહેતી,
બેઉ કાંઠે  કૂડાકચરા લ્હેર કરે ને જળમાં ગાંડીવેલી.
ઉબડખાબડ રસ્તા ઉપર હાલકડોલક નગરી છે અમરેલી.

શ્હેર વચોવચ અડીખમ  ઊભા ટાવરની એ કાળચકરડી તૂટે,
કાળની વસમી ઝાપટ  ખાતાં રાજમહેલનાં થળથી અંજળ ખૂટે,
નાગનાથ પર અમરવલ્લીનું ગૌરવ ગાતી  ધજાયું છે ફરકેલી.
ઉબડખાબડ રસ્તા ઉપર હાલકડોલક નગરી છે અમરેલી.

ગલ્લાઓ ને ચાના કીટલે દેશની એકેક કફર્યુંના હલ  મળતા,
વાળુથી પરવારી ઓટા તેજખબર લઈ ડિબેટોમાં ઢળતા,
લૂખ્ખેલૂખ્ખી સુવાણ્ય કરે ત્યાં નીંદર આવી ખખડાવી દે ડેલી.
ઉબડખાબડ રસ્તા ઉપર હાલકડોલક નગરી છે અમરેલી.

શૂરાઓની જેમ જ અહીંયા ખમીરવંતા કવિઓ પણ કોળાયાં,
ઊગીને આથમિયા કોઈ,  કોઈ વિરલા કાળજડે કોરાયાં,
તેમ છતાંયે કવિઓની ગાથાઓ મૂંગી તકતી પર ચિતરેલી.
ઉબડખાબડ રસ્તા ઉપર હાલકડોલક હલકે છે અમરેલી.
- મુકેશ દવે
જામનગર
તા.૧૧/૦૮/૨૦૨૪, રવિવાર

શુક્રવાર, 9 ઑગસ્ટ, 2024

ગઝલ - પ્યાલી ધરી

તમે જ્યાં ગાલ પર લાલી ધરી,
પ્રભાતે સૂર્યને તાલી ધરી,

નજર બહેકી અને ઝૂમી રહી,
તિલસ્મી હોઠ શી પ્યાલી ધરી.

અમે બેઠા તમારી રાહમાં,
હૃદયની સેજ સુંવાળી ધરી.

વિહગની જેમ ઊડી ના જશો,
કુસુમને ઝૂલવા ડાળી ધરી.

હજુ ઓઢ્યો અમે અંધારને,
તમે ત્યાં રાત અજવાળી ધરી.
- મુકેશ દવે
જામનગર
તા.૦૫/૦૮/૨૦૨૪, સોમવાર

શુક્રવાર, 2 ઑગસ્ટ, 2024

ગીત - યૌવનપ્રવેશ

બાપુના ઝૂલે હું તો ઝૂલતી’તી ને મૂઆ વાયરાએ હેઠી પછાડી,
જોબનનાં ફોરાં હું તો ઝીલતી’તી ને મૂઆ મેહુલાએ આખી પલાળી.

ચાંદાએ અજવાળું ઓરીઓરીને મુને 
            વાવી દીધેલું અંગેઅંગમાં,
ફાગણિયા ફાલે રંગરંગના ફુવારે મુને 
             ઝબકોળી દીધી ઉમંગમાં,
શીળાં કેસૂડાં હું તો વીણતી’તી ને મૂઆ તડ્યકાએ આખી દઝાડી. 

સુંવાળી સેજ મારી ડંખીલી થઈ મુને 
             કાળઝાળ પીડાયું આપે,
અધરોએ ડંખી; મારાં કાળજડે ડંખી મુને 
              કાયામાં અડાબીડ વ્યાપે,
મીઠી નીંદર હું તો માણતી’તી ને મૂઆ સોણલાએ ઝબ્બક જગાડી. 
- મુકેશ દવે
- મુકેશ દવે
જામનગર
તારીખ: ૦૨/૦૮/૨૦૨૪
શુક્રવાર

ગુરુવાર, 16 મે, 2024

ગઝલ - આપણે છે

આયખાને જાળવીને ગાળવાનું આપણે છે,
શ્વાસની હદમાં રહીને હાંફવાનું આપણે છે.

ચૌ દિશાઓ ધૂંધળી છે ને પવન પણ છે ઘણો વિપરીત,
લક્ષ્ય મળશે ક્યાં હવે ? એ ધારવાનું આપણે છે.

છે ફળાઉ આ જમીં ને છે જળાશય તરબતર પણ,
જે હશે લણવાનું તેને વાવવાનું આપણે છે.

આવવાની કાલ પણ હોતી નથી કંઈ આપણી , તો-
જે મળી છે આજ એમાં રાચવાનું આપણે છે.

યંત્રથી શોધી શકાશે ક્યાં છુપાયાં છે ઝખો સૌ,
માંહ્યલો છે કેટલે એ તાગવાનું આપણે છે.

ચક્રવ્યૂહો ભેદવાની હોંશિયારી હો ભલેને,
જિંદગીના વ્યૂહમાં તો હારવાનું આપણે છે.

દેહ જ્યારે સોડ તાણીને  સદાયે પોઢવાનો,
તે પછી ચક્ષુ વગર બસ જાગવાનું આપણે છે.
- મુકેશ દવે
અમરેલી
તા.૩૦/૦૪/૨૦૨૪, મંગળવાર

મંગળવાર, 30 એપ્રિલ, 2024

ગીત - પાદરનો વડલો


પરોઢ સાથે શિતળ વાયુ વાય ઘટોઘટ ગામને પાદર વડલા હેઠે,
પ્રાગડટાણે કલબલટાણું થાય લગોલગ ગામને પાદર વડલા હેઠે.

દી ચડેને ગામઆખાના વાવડ આવી ઠલવાતા જાય બ્હેરા કાને,
પનિહારીનાં ઠૂમકઠૂમક ઝાંખાપાંખાં જાય ઝીલાતાં નેજવાધારે, 
નિશાળિયાના દે-દેકારા થાય અડોઅડ ગામને પાદર વડલા હેઠે.

ધોમધખેલો વગડો આવી પાણી પી'ને ટાઢા છાયે સીમ વાગોળે,
જોડિયો પાવો વડવાયુના ઝૂલે ઝૂલી મીઠુંમીઠું વાય ભાગોળે,
વ્હેતી લૂમાં પિયાવાની શિતળ માણ્યું તરસ્યાં પંથીઓને ખોળે,
ગંજીફાઓ પત્તાં ચીપ્યે જાય ચપોચપ ગામને પાદર વડલા હેઠે.

ગોધૂલિની ડમરી થઈને બાળખેલંદા હડી કાઢતા મંદિરદ્વારે,
કેફ તરસતાં લથડે પગલાં પાદર છોડી આથડતાં કોઈ અવડ ઓવારે,
ભૂતાવળની સજીવ થાતી દંતકથાઓ કાચાપોચા જણને ડારે,
ઘૂવડ-ભેરબ-વડના વાગોળ પાંખોમાં અંધાર ભરીને આંખ પસારે,
પાછલા પ્હોરે મોરપગાના ભાગ વડોવડ ગામને પાદર વડલા હેઠે.
- મુકેશ દવે
જામનગર
તા.૨૩/૦૪/૨૦૨૪, મંગળવાર
હનુમાન જયંતી

શનિવાર, 13 એપ્રિલ, 2024

ગીત - શાને લમણાઝીંક !

પોતાની મરજીના હરકોઈ સાધક છે તો શાને લમણાઝીંક હશે આ !
નોખીનોખી ફોરમના સૌ વાહક છે તો શાને લમણાઝીંક હશે આ !

સૌને દીધેલું અજવાળું ખુદને સાચું લાગે તો પણ બીજાને જૂઠ્ઠાણું છે,
સૌને કંઠે વ્હેતું ગાણું  ખુદથી એ પોંખાશે તોયે બીજાને ઉખાણું છે,
અજવાળાં-અંધારાં અહીંયા વ્યાપક છે તો શાને લમણાઝીંક હશે આ !

હરિના ગાડે હરિના ધોરી, હરિનો મારગ, હરિએ દીધું લીલું ખેતર,
ખેડુ જ્યારે હરિરસ તરસે - હરિરસ વરસે, હરિરસથી મ્હોરે વાવેતર,
હરિના દ્વારે ઊભેલાં સૌ યાચક છે તો શાને લમણાઝીંક હશે આ !
- મુકેશ દવે
તારીખ -૧૨/૦૪/૨૦૨૪
શુક્રવાર
જામનગર

બુધવાર, 27 માર્ચ, 2024

ગીત - સાહ્યબાનો અણસાર


સાહ્યબો આવ્યાનો અણસાર; નજરું તાકે પે'લે પાર; હું વ્હેતી થઈ સોણાની મોઝાર જો,
ફાલ્યો પ્રીત્યુનો વિસ્તાર; ખૂલ્લાં મેલી દીધાં દ્વાર; હું તો ઊભી સજીને શણગાર જો.

વાસંતી વાયરો તોરણીયે ઝૂલે ને
ચોઘડિયાં ટોડલામાં મીઠેરું મ્હેકે,
કુંકુમના  સાથિયાઓ ઉંબરમાં  સોહે ને
ચાકળામાં ગૂંથેલા મોરલાઓ ગ્હેકે,
આંગણ છાંટ્યો છે ગુલાલ; ફૂલો વેર્યાં છે ચોપાસ; ફોરમ વરસી રહી છે ધોધમાર જો.

ઓરડાનાં લીંપણમાં ઓકળીઓ લ્હેરે ને
ભીંત્યુંમાં મ્હેકંતા વગડાઓ ઝૂલે,
ઢોલિયાના ગાલીચે ફૂલવેલી પાંગરે ને
લાજ્યુંનો માર્યો આખો અંબોડો ખૂલે,
ચૂડી-ઝાંઝરનો ઝણકાર; ગાલે ફૂટ્યો છે નિખાર; હૈયું ઝાલ્યું રહે ના પલવાર જો.
- મુકેશ દવે
જામનગર
તા.૨૩/૦૩/૨૦૨૪, શનિવાર