રવિવાર, 9 નવેમ્બર, 2025

ગઝલ : જપતો હશે

આભ પરથી શુક્રતારો જે સમે ઢળતો હશે, ભક્ત ઘરમાં એકતારો ત્યારે પણ બજતો હશે. બેસતો એ જાપમાં તો યાદ એની આવતી, ચિત્તના ચકડોળમાં એ મંત્ર શું જપતો હશે ! શ્વાસમાં ફોરમ લઈને વાયરો વ્હેતો રહ્યો, છે નવાઈ બાગને - આ શ્વાસ ક્યાં ભરતો હશે ! દેહ ના પામી શકે ઈશ્વર અહીં યુગો સુધી, એટલે એ દેહધારી શિલ્પીને ઘડતો હશે ! મોત આવ્યું પણ અચંબિત થઈ અને પાછું ફર્યું, કેટલું આ જણ અહીં જીવી જીવી મરતો હશે ! - મુકેશ દવે અમરેલી તા. ૦૮/૧૦/૨૦૨૫, બુધવાર ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ગઝલ : બેડી પડી

લાગણીને જ્યારથી છેડી હતી, ત્યારથી તો કેટલી બેડી પડી ! બેસવાથી માર્ગ એને ના મળ્યો, ને અમે ચાલ્યા કર્યાં; કેડી બની. મા જે રીતે દીકરીને ઉંચકે, એમ ડાળો ફૂલને તેડી રહી. તે પછી એ ઓરડો ઝગમગ થયો, ઉંબરે જ્યાં એમની એડી અડી. એ ઝરૂખેથી જરા ઝૂક્યાં નહીં એટલે સામે અમે મેડી ચણી. એકપણ સત્કર્મ ત્યાં ઉગતું નથી, ચિત્તની જે ભોમકા ખેડી નથી. આયખાનો ફાલ બસ પૂરો થયો, શ્વાસ રૂપી કેરીઓ વેડી ઘણી. - મુકેશ દવે અમરેલી તા.૧૯/૦૯/૨૦૨૫, શુક્રવાર ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ગીત : ભણતરનો ભાર

દોથા જેવડી દેડકડી ને માથે અધમણ ભાર, ડગમગ દેડકડી. વેંત સમાણું કૂદતી ને કુદાવે છે વાર, ડગમગ દેડકડી. એને તળાવે તરવું છે, ડૂબકી મારી રમવું છે, વમળો વચ્ચે ભળવું છે, કમળ પાને ચડવું છે, તોયે પાંખો આપી ઉડાડે ને ઊડે એ લાચાર ડગમગ દેડકડી. ગમતું એને પાણી છે, કરવી ત્યાં ઉજાણી છે, ડ્રાંઉં ડ્રાંઉં એની વાણી છે, પણ 'કુહૂં કુહૂં'માં તાણી છે, એનાં મનની રાણી તોયે થાશે તાબેદાર ડગમગ દેડકડી. કોણ આમાં એને તારે ? કોણ એના મનસૂબા મારે ? કોણ એને ચાબૂક ફટકારે ? કોણ રેસમાં રોજ ઉતારે ? નિજ સપનાંઓ માથે ઝીલે ક્યા સપનાનો ભાર ? ડગમગ દેડકડી. - મુકેશ દવે અમરેલી તા. ૧૪/૦૯/૨૦૨૫, રવિવાર

ગીત : વાર્ધક્યનું દામ્પત્ય

વરસો વીત્યાં જાય ને દલમાં દલ ગુંથાતાં જાય સજનવા, કેવું જીવ્યાં ! તારાં-મારાં હોવાપણાના ભેદ ભુલાતા જાય સજનવા, કેવું જીવ્યાં ! વિધવિધ રંગોથી ખીલેલું આપણું આ સંસારકમલ, શરૂશરૂનો રંગ ગુલાબી ને અંતે હો પૂર્ણ ધવલ, લાલ, શ્યામળા ને હરિયાળા રંગ ભુંસાતા જાય સજનવા, કેવું જીવ્યાં ! જગના થાળે સ્વાદ અનોખા ખાટા-કડવા ને વળી તૂરા, હસતાં મોં રાખીને ચાખ્યા જાણે લાગે મસ્ત મધુરા, અંતે મોળાં ભાણે સઘળા સ્વાદ ઘુંટાતા જાય સજનવા, કેવું જીવ્યાં ! આપસના સથવારે ઝીલ્યા કેટકેટલા વાવંટોળા, તળિયાલગ જઈ નજરું પ્હોંચી; વહી ગયાં છે પાણી ડ્હોળાં, પાવક પ્રેમામૃતે વસમા ઘા રૂઝાતા જાય સજનવા, કેવું જીવ્યાં ! - મુકેશ દવે અમરેલી તા. ૧૩/૦૯/૨૦૨૫, શનિવાર

બાલગીત : ફૂગ્ગાની ભાઈબંધી

ભાઈ ! ઓલ્યા ફૂગ્ગાને મારી સાથે ભાઈબંધી, કૂતરાની ડોકે તો પટ્ટો ને સાંકળ પણ ફૂગ્ગાની ડોકે મેં દોરી બાંધી. ફૂગ્ગા પર દોર્યો મેં નટખટડો જોકર અડધી મૂછો ને વળી લાંબી દાઢી, એક આંખે કાણો ને જાડા હોઠવાળો હોઠોની વચ્ચેથી લાલ જીભ કાઢી, પહેરાવી ટોપી મેં લીલી ને પીળી, પહેરાવી દાદાની ખાખી બંડી. ભાઈ ! ઓલ્યા ફૂગ્ગાને મારી સાથે ભાઈબંધી. પાંચ-સાત ફૂંકોથી ફૂલ્યો સમાય નહીં અમને મૂકીને એ ક્યાંયપણ જાય નહીં, પવનમાં ઉડતો ને પાણી પર તરતો કાંટાને તડકામાં રેઢો મુકાય નહીં, રમી રમીને એ થાકતો ત્યારે સૂવરાવું હાળવેથી હવ્વા કાઢી. ભાઈ ! ઓલ્યા ફૂગ્ગાને મારી સાથે ભાઈબંધી. - મુકેશ દવે અમરેલી તા.૦૧/૦૯/૨૦૨૫, સોમવાર

ગીત : મુશાયરામાં અરસિક

મદીરાની માદકતા એના ચહેરા ઉપર થરકે છે, હોઠો લાગે જામભર્યા, ખંજનમાં મસ્તી છલકે છે. કોમળ સ્પર્શ ભરીને પ્યાલી પ્યાલીની સાથે ટકરાઈ, દુનિયાદારી સહજ ભુલાઈ રગરગમાં રણઝણ ઉભરાઈ, મસ્તક જાણે ધરતી પરથી ઈન્દ્રાસનને અડકે છે. કેફ છલોછલ નજરો વેરે ત્યાં રસ્તો પણ આખો ઝૂમે, તાલમાં લથડે પગલાં જાણે ગોરી કોઈ ગરબે ઘૂમે, અંબોડેથી નાગણ સરખી કેશલતાઓ સરકે છે. ચકચૂર થઈને નીંદર આવી પાંપણને ઝુકાવે છે, છાતી પર બેસીને શ્વાસો મધુરાં ગીતો ગાવે છે, શાંત સરોવર જેવાં વદને સપનાં આવી મલકે છે. - મુકેશ દવે અમરેલી તા.૦૬/૦૯/૨૦૨૫, શનિવાર

ગીત : નશામાં સુંદરી

મદીરાની માદકતા એના ચહેરા ઉપર થરકે છે, હોઠો લાગે જામભર્યા, ખંજનમાં મસ્તી છલકે છે. કોમળ સ્પર્શ ભરીને પ્યાલી પ્યાલીની સાથે ટકરાઈ, દુનિયાદારી સહજ ભુલાઈ રગરગમાં રણઝણ ઉભરાઈ, મસ્તક જાણે ધરતી પરથી ઈન્દ્રાસનને અડકે છે. કેફ છલોછલ નજરો વેરે ત્યાં રસ્તો પણ આખો ઝૂમે, તાલમાં લથડે પગલાં જાણે ગોરી કોઈ ગરબે ઘૂમે, અંબોડેથી નાગણ સરખી કેશલતાઓ સરકે છે. ચકચૂર થઈને નીંદર આવી પાંપણને ઝુકાવે છે, છાતી પર બેસીને શ્વાસો મધુરાં ગીતો ગાવે છે, શાંત સરોવર જેવાં વદને સપનાં આવી મલકે છે. - મુકેશ દવે અમરેલી તા. ૦૫/૦૯/૨૦૨૫, શુક્રવાર

શનિવાર, 27 સપ્ટેમ્બર, 2025

ગઝલ : વલખાં લમણે રે'વાનાં

ધરતીના રસકસ લૂંટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં, તળતળના અંજળ ખૂટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં. ધરણીની લાજ સદાયે લૂંટી લીલી ચૂનર ખેંચીને, આવા પાપઘડૂલા ફૂટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં. વસ્ત્રો કેવળ ના પ્હેરવાની અણકથ એવી ઈચ્છા લાગે, મર્યાદાબંધો તૂટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં. પરસેવાનાં ટીપેટીપાં પર-સેવાને નામે ચૂસે, નેતાઓ એવા ચૂંટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં. ગણતર અળગું રાખી જ્યારે ભણતરના ચીલાઓ પાડ્યા, બસ કાળા અક્ષર ઘૂંટ્યા છે તો વલખાં લમણે રે'વાનાં. - મુકેશ દવે અમરેલી તા.૦૩/૦૯/૨૦૨૫, બુધવાર ૧૬ ગા

બાલગીત : ટીશુકભાઈ

ટીશુકભાઈ છે નાના તોયે લાંબી એની વાતો, વાત કદી ના પૂરી થાતી વીતી જાતી રાતો. 'પછી છેને' 'પછી છેને' વારેવારે આવે, વાતોમાં વાતો કંઈ ગૂંથી વાતોને લંબાવે, ના સમજે કોઈ એનું કહેવું તો ફટકારે લાતો. મમ્મી કહેતી ટીશુકભાઈ તમે વાત કરોને ટૂંકી, લાંબુલચ્ચક ના બોલો બસ બોલો ફૂંકી ફૂંકી, મમ્મી જ્યાં શિખામણ દે તો થાતો પીળો રાતો. - મુકેશ દવે અમરેલી તા.૦૧/૦૯/૨૦૨૫, સોમવાર

ગીત : પાયરી ઉતારેલ અધિકારીનું ગીત

રોજ મને કહેતા જે 'જી સર' 'જી સર' એનેય કહેવું પડે 'જી', ફૂટલા કરમ ! તેં તો મારાયે છીનવ્યા છે સાકર-કેળા ને વળી ઘી. મારો રૂઆબ ભૈ ફાટફાટ ફાટીને ખુરશીની બ્હારે છલકાતો, ઓશિયાળા ચ્હેરાઓ આજીજી પાથરતા તોય નહીં ચ્હેરો મલકાતો, તીર જેવા નિસાસા વાગીને કહેતા કે 'તારા કુકર્મોને પી.' ટણપો ચપરાસી મૂઓ મૂછ્યુમાં મલકીને વાંકી નજરુંથી નીહાળે, નઠ્ઠારા કારકૂનો ફાઈલોની આડશમાં મારાં કંઈ લેખજોખ ચાળે, ઉપરથી ખાતાનો અફસર આવે તો લાગે ભારેખમ ગોઝારો દી. - મુકેશ દવે અમરેલી તા ૩૧/૦૮/૨૦૨૫, રવિવાર

ગીત : મો(તીઓ)(તિયો)

આંખ્યુંના દરિયામાં મોતીડાં પાક્યાં ને તરવૈયા ઊભા કિનારે, વાટે ઉભેલા સૌ થાળીઓ વગાડે ને મરજીવો ડૂબક્યું મારે. સમદર પેટ હોય ત્યાં જ મોતીડાં પાકે હોય ખાબોચિયે કાદવ ને લીલ, ઓલદોલ દરિયો તો રાજકોષ ખોલે એય્ય.... ખોલીને પોતીકું દિલ, ખબોચિયે ઊંધમૂંધ ડૂબકીઓ મારો તો કોણ આવી તમને ઉગારે ? છીપલાંમાં છુપેલું મોતી દેખાય નહીં તળિયાલગ પ્હોંચો તો પામો, આઘેઆઘેથી થોડું ઝાંખું ને પાંખું પણ ઝળહળના હોય છે મુકામો, ટીપેટીપેથી થોડો મેઘરવો ટપકે તો દરિયોયે નજરું વિસ્તારે. - મુકેશ દવે અમરેલી તા.૨૯/૦૮/૨૦૨૫, શુક્રવાર

સોમવાર, 9 જૂન, 2025

ગીત - આદરણીય કવિશ્રી મનોહર ત્રિવેદીને

કવિ તમારી કલમે વિલસે કાંઈ 'મનોહર-લીલા' ઉજ્જડ વગડા વચ્ચે પાડ્યા સાવ અનોખા ચીલા. કવિ તમારા પડછાયામાં રાતરાણીયે ખીલે, મધરો મધરો અંધારાને પાંપણ વચ્ચે ઝીલે, તળપદ ભોંની સોડમ લઈને વાતા હોય અનિલા..... કવિ તમારા ચરણ સરતા જાય ગોખના દીવે, ફળિયે ફોરેલ દાડમડી ને ડોલરિયાને પીવે, કાળુભારના ઘૂનેઘૂને લ્હેરે નીલ સલિલા..... કવિ તમારા ટેલિફોને દીકરીબાનો ટહુકો, વળી તમારાં ડેલીખાને ગામમુખીનો હુક્કો, હળખેડુની ધૂંસરી ઉપર સૂરજતેજ હઠીલાં...... કવિ તમારી સાલસતા તો શબ્દોમાં લહેરાતી, મનખા નામે ભાવસરિતા આંખોમાં છલકાતી, છંદોલયમાં એકેક ગીતો વ્હેતાં હોય સુરીલાં.... કવિ તમારાં રાંધણિયાની મ્હેક વહે મધમાતી, ટાણે-અણટાણે ગુણીજનોની ગોઠડીઓ મંડાતી, અણગમાની રેખ મળે ના, કાયમ હો મોઝીલા.... મુકેશ દવે અમરેલીત ારીખ : ૦૯/૦૬/૨૦૨૫, સોમવાર

બુધવાર, 12 માર્ચ, 2025

ગીત - ભ્રમણા ૧ અને ૨

#ભ્રમણા_૧ વરસોથી પીડ દેતી અણિયાળી સઘળી પળ છે દરિયો ઘુઘવતો લાગે; પેટાળમાં અનળ છે. એ ઝાંઝવાનાં ધાડાં ઉમટ્યા અફાટ મનમાં, હાંફી રહેલ પગલાં પીગળ્યાં છે પીડાગનમાં, બ્હારે જે ચમકતું; આંખોનું ખાલી છળ છે. હૈયુંય બોલે ઉછળી; - જીવ્યા'તા એ છે ભ્રમણા, વ્હેતી નદીમાં દોર્યા જીવતરનાં જાણે સમણાં શ્વાસો ને ઉચ્છવાસો કાયમ અહીં અકળ છે. - મુકેશ દવે ભ્રમણા_૨ વરસોથી જે પીડા દેતી સૌ અણિયાળી પળ છે, લાગે કે ત્યાં દરિયા ઘુઘવે વડવાનલ છે. દસ દશ્યેથી ધાડેધાડાં મૃગજળ ઉમટ્યા મનમાં, ાંફી રહેલાં દિગ્મૂઢ પગલાં દાઝ્યાં પીડાગનમાં, હોય નિખરતું જે જે બ્હારે તે આંખોનું છળ છે. ઉછળી ઉછળી હૈયું બોલે જીવ્યા'તા એ ભ્રમણા ! વ્હેતાં જળમાં દોર્યા જાણે જીવતર રંગ્યાં સમણાં ! આતમ બેઠો શ્વાસ ગણે પણ શ્વાસોનું ક્યાં તળ છે ! - મુકેશ દવે જામનગર ા.૧૧/૦૨/૨૦૨૫, મંગળવાર

શનિવાર, 11 જાન્યુઆરી, 2025

ગીત - જીવતરના ફંગોળા

બાળપણાના ઝૂલે ઝૂલ્યાં ફંગોળાતાં ફંગોળાતાં, મોટપણું ઝાલ્યું ત્યાં ડૂલ્યાં ફંગોળાતાં ફંગોળાતાં. હાલરડાં ગાઈને માએ સપનાંઓ પીવડાવ્યા'તાં, કંધોલે બેસાડી બાપે એ સપનાં જીવાડ્યા'તાં, અગસરની આંધીમાં ઊડ્યાં ફંગોળાતાં ફંગોળાતાં અંજળના ઓછાયા ઓઢી ઘટઘટ પાણી પીધા'તાં, લીલીવાડી માટે કેવા લાખ ઉધામા કીધા'તા ! સપનાં-અગસર સઘળું ભૂલ્યાં ફંગોળાતાં ફંગોળાતાં. - મુકેશ દવે અમરેલી< તા. ૧૧/૦૧/૨૦૨૫,શનિવાર

ગીત નાતતેડાનું ગીત

ભાવેણાની ધીંગી ધરા; જ્યાં નાત્યતેડું થાય,
નાત્યગંગામાં ડૂબકી દઈ; ખેડાવાળ ભીંજાય.

હે ખમીરવંત ! હે ખેડાવાળ ! જય બોલો ક્ષીરજંબમાતની,
ભાવેણાની ધરણી આજે ઝળહળ નોખીભાતની.

કલમ, ખડિયા, કડછાને અમે ગળથૂથીમાં પીધાં છે,
સાદગી, રખપત,હાથખેંચના સદાયે નર્તન કીધાં છે,
નિજ ગૌરવને કાજે પરવા ના કરતાં મિરાતની.
જય બોલો ક્ષીરજંબમાતની.

મયાબાપા ને નારણજીએ શિક્ષણ જ્યોત જલાવી'તી,
મનહરલાલ ને નરભેરામે ભાગવત ગાથા ગવરાવી'તી
ઋત્વિજોના મુખથી પ્રગટે સરવાણી સાક્ષાતની.
જય બોલો ક્ષીરજંબમાતની...

ધૂમકેતુએ અલીડોસાને દુનિયામાં પ્રસરાવ્યો'તો,
નાથાલાલે ભીની એ ધરતીને સાદ પડાવ્યો'તો,
સાક્ષરજનની કલમે વહેતી કવિતાઓ નિરાંતની.
જય બોલો ક્ષીરજંબમાતની.

બાલકૃષ્ણના કંઠે વહેલી ગીરકન્યા ભુલાતી નથી,
પ્રફુલ દવેના મણિયારાની હલક હજુ વિસરાતી નથી,
કંઈ કસુંબલ કંઠથી વહેતી હાંકલ છે મધરાતની.
જય બોલો ક્ષીરજંબમાતની....

સાથે મળીને કરશું વાતો યુવાના ઉત્થાનની,
જનજનના હૈયામાં પ્રગટે જ્ઞાતિના સન્માનની,
જ્ઞાતિના હરેક ક્યારામાં ઊગતાં એ પરભાતની.
જય બોલો ક્ષીરજંબમાતની.
- મુકેશ દવે
જામનગર
 તા. ૨૪/૧૨/૨૦૨૪, મંગળવાર