બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

"ખરેખર" ગઝલસંગ્રહ - રિવ્યુ

વિદેશમાં રહીને ગુજરાતી ગઝલમાં ધબકતું કવિશ્રી ડૉ. મહેશ રાવલ સાહેબનું હૃદય પોતાની રચનાઓમાં લાગણી, વહાલ,સ્નેહ, સંસ્મરણ, સંબંધ જેવા સંવેદનશીલ ભાવો સહજ રીતે ઉગાડે છે.
તેમના ગઝલ સંગ્રહ "ખરેખર"માંની ગઝલોમાં આ સ્પંદનો સોળે કળાએ ખીલી ઊઠે છે જુઓ :-
***
કાંકરીચાળો કરી ગઈ એક વીતી ક્ષણ, પછી
સંસ્મરણનો કાચ તૂટ્યો 'ને કથા આરંભ થઈ,
થઈ નિમાણાં કંટકોએ પુષ્પને નત મસ્તકે
લાગણીનો અર્થ પૂછ્યો 'ને કથા આરંભ થઈ.
રોજ ખાંપો આવતો ગ્યો લાગણીના પોત પર,
એકધારો સ્નેહ ખૂટ્યો 'ને કથા આરંભ થઈ.
***
જો ખરેખર હોય દાનત ઊજળી
લાગણીને, છળની વચ્ચે રાખ મા !
***
તું લાગણીમાં શબ્દને નખશિખ ઝબોળી લખ ગઝલ
મત્લા અને મક્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે.
***
વહાલસોયા સાદનો પડઘો ય વહાલો લાગશે,
ઘર સુધી દોરી જતો રસ્તો ય વહાલો લાગશે.
મા વગરની જિંદગીના સંસ્મરણની હૂંફને
ગોદડીનો, જર્જરિત કટકો ય વહાલો લાગશે.
જઈ અનાથાશ્રમ, પરત ફરતાં જજો વૃદ્ધાશ્રમે,
એ પછી, મા-બાપનો ઠપકો ય વહાલો લાગશે.
***
જરૂરી હોય છે સંબંધમાં અનુબંધનું હોવું,
ક્ષણિક ઉભરા થકી સંબંધ કંઈ, સધ્ધર નથી બનતા.
***
સાચી કસોટી પ્રેમની દુ:ખમાં જ થઈ શકે
સુખમાં તો ખુદ, ખુદા ય તરફદાર લાગશે.
***
નથી કંઈ હસ્તગત કે નહીં અપેક્ષા હસ્તગતતાની
હતું, એ સાંભરણમાં છે અને હું શાંત બેઠો છું.
***
સહુનાં થવાની લાહ્યમાં એ થઈ શક્યા નહીં કોઈનાં
અમને બધાએ સાંકળ્યા તો એમને તકલીફ થઈ.
***
સગવડ તમામ હોય એને ઘર ન કહી શકો
એ ઘરને, ઘર બનાવવા ઘરનાં ય જોઈએ !
***
પછી એ બધાં ડાઘુઓ થઈ જવાના
સ્વજન જેને હું ઓળખાવી રહ્યો છું !!
***
લાગણીનો અર્થ સીધો, મેં કર્યો'તો - લાગણી
એમણે બીજો કર્યો પણ તોય હું તો મૌન છું!
નામ પણ શું આપવું આ તૂટતાં સંબંધને ?
આમ દરિયો, આમ છે રણ તોય હું તો મૌન છું.
***
એ અલગ છે કે દિલાસા ખોતરે છે ઝખ્મ, પણ
દર્દ કરતાં તો દવાએ દોડતો રાખ્યો મને !
***
અનુભવની આંખોથી જોયું સંબંધોના જાળા પાછળ
જોયેલું-જાણેલું સઘળું, સરખાવીને બેઠો છું હું.
***
દાયીત્વ કોનું હોય છે સંબંધની ભીનાશમાં
'ને લાગણી, વ્યવહાર વચ્ચે કોણ આવે-જાય છે ?
***
સપનું ગણી ભૂલી જવા લોકો દિલાસા દઈ ગયાં
પણ ક્યાં કશું ભૂલાય છે, તમને મળ્યો છું ત્યારથી.

***
જીવથી વ્હાલા ગણેલાં સગપણો મોંઘા પડે
થાય બમણાં વાર-પરબે ભાર, માણસ જાય ક્યાં !
***
અલગ છે કે નિભાવ્યે જાય છે લોકો પરસ્પરને
છતાં સંધાય ને તૂટ્યા કરે એ તંગ લેખાશે !
***
આમ તો બેફામ ઉભરાતી પ્રસંગોપાત, એ
લાગણી ઓછી પડી'તી એ પછીની વાત છે.
***
લાગણીના પોત પર અંકિત થયેલા નામ અંગત
આંસુઓ સાથે વહ્યા, હું એમને શોધી રહ્યો છું.
***
પરખતાં આવડ્યું નહીં કોઈને સંસ્કારિતા એની
ગુણીયલ લાગણી નીકળી અભાગણ, છોડવી પડશે.
***
રહ્યું છે ક્યાં મનુષ્યોમાં હવે કંઈ લાગણી જેવું
મનુષ્યો, માત્ર એના સ્વાર્થની દરકાર રાખે છે.
***
ઘરોબો કેળવ્યો તો આંસુઓ પણ બોલતાં લાગ્યા
પછી, સંબંધના એકેક પ્રકરણ બોલતા લાગ્યા.
***
સંબંધના ઘેરાવ વચ્ચેથી ટપકવાની ગઝલ
અંગતપણાની આડ વચ્ચેથી ટપકવાની ગઝલ.
***
છે લાગણીની કાંધ પર બોજો બધા સંબંધનો
સંબંધના સહુ ભારથી નીકળી જવાનો છું હવે.
***
વ્હાલ વિના જીવવું બહું આકરું થઈ જાય છે,
એકબીજાના થવું બહું આકરું થઈ જાય છે.
લાગણી જેવું કશું જો હોય નહી સંબંધમાં
સગપણો નિભાવવું બહું આકરું થઈ જાય છે.
***
સ્મરણ સંજીવની થઈ જીવાડે મને, નહીંતર
જગતમાં કોઈએ બીજો કશો આધાર રાખ્યો નહીં.
***
લાગણી જેવી જરા ભીનાશ વરતાણી, અને
સહેજ અમથું ખોતર્યા તો જાત પર આવી ગયા.
***
આયનો થઈ ગઈ અચાનક, પારદર્શક પાત્રતા
લાગણી ડૂસ્કે ચડી તો શૂન્યતા વ્યાપક બની.
તૂટવા આરે હતો સંબંધ ખૂદ દુર્ભાગ્યવશ
તડ નવી બે-ત્રણ પડી તો શૂન્યતા વ્યાપક બની
.***
નથી કંઈ લાગણી જેવું રહ્યું સંબંધમાં, અક્સર
જરૂરત જોઈને હર વ્યક્તિ, શિષ્ટાચાર રાખે છે.
***
અધકચરા છે જ્યાં સગપણ ત્યાં, વાદળ શંકાના ઘેરાશે
સંબંધોના સંશય બાળે હું એવો દીવો શોધું છું.
***
અમે સંબંધ સાથે લાગણીને જોડતાં શીખ્યા
પ્રથમ ખુદને મઠારી અન્યને ઢંઢોળતાં શીખ્યા.
***
સંબંધોની રેશમતાથી ગુંથાશે માળા સગપણની
મણકો, મણકાને સાંકળશે તું માણસ વત્તા માણસ કર.
***
હર્યં-ભર્યું હશે હૃદય અગાધ લાગણીસભર
એ આમ માનવી ય ધનકુબેરમાં ગણાય છે.
***
સુકાતા, લાગણીના મૂળને બહુ વાર લાગે છે
ટળે વૈશાખ તો ભરપૂર શ્રાવણ આવશે સામે.
***
સ્વજન પણ પારકા થઈ જાય છે ટાણે ઘણી વેળા
પ્રસંગો તૂટતા દેખાય ત્યારે મૌન પાળુ છું.
***
જોડવા મથતી રહે છે લાગણી, સંબંધને
વળ ચડે વળ ઉતરે ગાંઠમાં ને ગાંઠમાં.
***
અર્થ અંગીકાર હો તો બારણાં ખુલ્લા જ છે
લાગણી આધાર હો, તો બારણા ખુલ્લા જ છે.
***
મન વગરના માળવા કોણ વેઠે છે હવે !
સંસ્મરણ પણ ભાંગલા કોણ વેઠે છે હવે !
***
લાગણીને કોઈ મજબૂરી ગણે ત્યારે 'મહેશ'
એમને પરચો બતાવી સાચવી લેવું પડે.
***
જીવથી વ્હાલા ગણી જેણે ઉછેર્યા હોય છે સંતાનને
એ અવસ્થાવાન ઝાંખી આંખને, ચોધાર રડતી જોઈ છે.
***
વહુઓ સહિત દિકરાઓએ 'બેઠક' કરી હિસ્સા વિષે
બસ, મા વિષે ચર્ચા હતી પણ કોઈ કંઈ જ બોલ્યું નહીં.
કોનો હશે એ હાથ જે હાથો બની ગ્યો પારકો ?
ઘરનાં વિષે ચર્ચા હતી પણ કોઈ કંઈ બોલ્યું જ નહીં.
***
હિસાબો માંડશો સંબંધની ઉપલબ્ધિઓના,તો
અમસ્તા સાવ ખરપાયેલ મળવાના તમે તમને.
***
છે લાગણી તો - છે, નથી તો - ના કહી શકો
હોવા છતાં, આવું કરો એ વ્યાજબી નથી.
***
એકાદ બે કિસ્સા મળ્યા અપવાદમાં
સંબંધ અધકચરા મળ્યા અપવાદમાં.
***
હોય જો સંબંધ તો, સંબંધ પર
લાગણીનો ભાર હોવો જોઈએ.
***
એવું નથી કે કોઈ પ્રયત્નો કર્યા નથી
બરછટપણાંને, વ્હાલથી લીંપી રહ્યા છીએ.
***
મેં કેળવી છે લાગણી મારા હિસાબથી
એવું નથી કે, અશ્રુની ઘટના ઘટી નથી.
***
શીખ્યા હશો થોડુંઘણું સંબંધ બાબતે
પણ, લાગણીની વાતમાં પગભર નથી તમે.
***
સંબંધમાં એવુંય ઘણીવાર લાગશે
આધાર હોય એ જ ,નિરાધાર લાગશે.
જે લાગણી નો અર્થ તમે લાગણી કરો
ત્યાં પહોંચવું ઘણાંને ગજાબહાર લાગશે.
***
છે એટલે સંબંધમાં વ્યાપક તનાવ, કે
ટાળી શકાયું હોત એ ટાળી શક્યા નથી.
***
મેં તો કરી'તી વ્યક્ત ઉલટભેર લાગણી
ઉત્તર સચોટ એણે, વિગતવાર ના ગણ્યો.
***
નિસ્બત વગર નિભાવશો તો વેઠ લાગશે
સંબંધ, લાગણીથી ઉલટભેર લાગશે !
***
સંબંધ બાબતે અમે સરખામણી કરી
તો કોઈ, લાગણીથી ખચાખચ ન નીકળ્યા.
***
બિચારી જન્મથી બાળોતિયાની છે બળેલી, પણ
હજુ આ લાગણીના હાથમાં ગંભીર મુદ્દા છે !
***
અને તો લાગણી જેવું હૃદયમાં રાખજો, નહીંતર
તમારા પ્રત્યે પણ લોકો, કૂણો વે'વાર નહીં રાખે.
***
લાગણીની સ્હેજ અમથી હૂંફ આપો કે તરત
આખેઆખા પીગળે,જ્યાં મીણના સંસ્કાર છે.
***
એ કેમ સમજે લાગણીને, મૂળ રૂપમાં
જેને ખરેખર લાગણી સમજાણી છે જ નહીં.
***
સ્વજન છો તો સ્વજનની જેમ રાખો, વાણી-વર્તનને
પરાણે પુણ્ય જેવા વ્હાલનો વિસ્તાર રે'વા દ્યો !
***
તફાવત નીકળ્યો છેલ્લે, તફાવતમાં
રહ્યું નહીં કંઈ પછી સંબંધ બાબતમાં.
***
પ્રણયના તરબતર કિસ્સાય ટાંક્યા છે લખાવટમાં
અધિકતર તો, જલદ સંભારણાએ લખાવ્યું છે !
દસેદસ આંગળે ફૂટે ટચાકા હેત નીતરતાં
મને એ લાગણીના તાંતણાએ લખાવ્યું છે.
- ડો. મહેશ રાવલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો