શનિવાર, 26 ઑગસ્ટ, 2017

ઈચ્છાની મોંકાણ - ગીત



અલી ઈચ્છલી ! શાને તું વળગી છો છાતીએ ?

ખાટલો જો હોય એમાં વાણલાં ગૂંથાવીએ
ને પાથરીએ મખમલ્લી ધડકી,
આભલે મઢેલા એ ય વિંઝીએ વિંઝણા
ને નિંદરની હાંકીએ હોડકી,
લાંબા પનાના આખાયે આયખાને ટૂંકી ચાદરમાં શું માપીએ ?
અલી ઈચ્છલી ! શાને તું વળગી છો છાતીએ ?

લખી દેવું છે મારે આખું આ ગામ અને
આપી દઉં દોમદોમ સાહ્યબી,
ઓવારી જાઉં હું સામટો ખજાનો ને
પહેરાવુ સાતરંગી કાચબી,
પણ; પહેરણના ગજવાં જ્યાં ફાટેલાં હોય ત્યાં આપીઆપીને શું આપીએ ?
અલી ઈચ્છલી ! શાને તું વળગી છો છાતીએ ?
-  મુકેશ દવે
તા. ૨૬/૮/૧૭

ગઝલ - ભેદ રેખા

(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)

ભેદ રેખા ઘણી પાતળી હોય છે,
આપણી મધ્યમાં ક્યાં વળી હોય છે !

સાંજ પણ શાંત ચિત્તે વહી એટલે,
મસ્ત થૈને નદી ખળખળી હોય છે.

આશનો અર્થ ત્યાં શોધવો ના પડે,
ધોમ ધખતો અને વાદળી હોય છે.

રોટલો વાસી હો તોય મીઠો હશે,
માતના હાથમાં તાંસળી હોય છે.

ભીતરે  વ્રજ પ્રગટતુું હવે જાય છે,
હાથમાં એક બસ કામળી હોય છે.

વાસના; સત ભલા એમ તોડી શકે ?
જ્યાં નમી આંખ સાથે સળી હોય છે.

દાંત ખાટા કરી ભોં પથારી કરી,
મર્દની લાશ પણ ઝળહળી હોય છે.
- મુકેશ દવે.
અમરેલી
તા.૨૬/૦૮/૧૭
શુક્રવારે


*વિશેષ આભાર કવિશ્રી વિજયભાઈ રાજ્યગુરુ.*
*જેમણે કાફિયા નિર્દેશ કરી આ ગઝલ લખવા પ્રેર્યો.*

શુક્રવાર, 25 ઑગસ્ટ, 2017

કજોડાનું ગીત

લાકડે માંકડું વળગ્યું, ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો.

ઓ ખેંચે ગામ આખું; એ ખેંચે સીમ,
મૂંગા મૂંગા બેઠાં ઢાળે એકબીજાનું ઢીમ,
કોઈઅે જીભનું તાળું તોડ્યું.... ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો.

ખોડંગાતી ચાલે ચાલે હંસ-કાગની જોડી,
બાજરાના ઢૂંવાને મેલી ઢૂંસે આંગળ ખોડી,
બાજકણાંનું ભૂત ધણણ ધુણ્યું... ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો

એક ટાંગે ચંપલ પેર્યા બીજી ટાંગે જોડો,
એક હાથે ઝાંઝર વાગે બીજા હાથે તોડો,
કઇ કૂતરીઅે ઠીકરું ભાંગ્યું ? ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો
- મુકેશ દવે
તા. ૨૫/૦૮/૨૦૧૭
ગુરુવાર

પ્રોત્સાહન માટે આભાર કવિશ્રી ડૉ. Anil Vala sir

ગુરુવાર, 24 ઑગસ્ટ, 2017

ગઝલ - તારણ હોય છે

મારું-તારું-સૌનું તારણ હોય છે,
જન્મ એ મૃત્યુંનું કારણ હોય છે.


શબ્દ ખુટ્ટલ સાવ પોકળ નીકળે,
બાકી સૌમાં એક ચારણ હોય છે.

રાતભર અંધાર વલખે છે અહીં,
પાંપણે પીડાનું ભારણ હોય છે.

ઝેરને ઘૂંટ્યા કરો, પીધાં કરો,
ઝેરનું તો ઝેર મારણ હોય છે.

એક નારાયણ નથી મળતો અને,
ગામમાં બે-પાંચ નારણ હોય છે.
- મુકેશ દવે (અમરેલી)
તા. ૨૪/૦૮/૨૦૧૭
ગાલગાગા ગાલગાગા ગાલગા

વિશેષ આભાર કવિશ્રી વિજય રાજ્યગુરુ