મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2023

ગીત : ટેરવાની કમાલ

ટેરવાંને આંખો જો ફૂટે; ને હેય્ય પછી કાગળની છાતી પર રોપે પલાશ.
વાયરોય સાંતીએ જૂતે; ને હેય્ય પછી ઝાકળ પર પાડી દે ઊંડેરા ચાસ.

કાગળ તો જાણે કે રૂપેરી ફળિયું
ને ફળિયામાં ઉતરે શબ્દોના પંખી,
સુરીલું ગાશે કોઈ અવસરિયું ગાણું
ને ગાશે મરશિયાઓ શાતાને ઝંખી,
ટેરવાને પાંખો જો ફૂટે; ને હેય્ય પછી પાંખોમાં ફફડાવે આખું આકાશ.
ટેરવાંને આંખો જો ફૂટે; ને હેય્ય પછી કાગળની છાતી પર રોપે પલાશ.

ફળિયાંના ખૂણામાં ફૂલોની ક્યારી
ને ક્યારીએ છલકતાં રંગોના ઝરણાં,
ભમરા-પતંગાઓ આમતેમ ઊડે
ને પાંખડીઓ આવીને ત્રોફાવે છૂંદણાં,
ટેરવાને ફોરમ જો ફૂટે; ને હેય્ય પછી ખોબાભર છાંટશે સૌને સુવાસ.
ટેરવાંને આંખો જો ફૂટે; ને હેય્ય પછી કાગળની છાતી પર રોપે પલાશ.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા. ૨૭/૦૨/૨૦૨૩, સોમવાર

મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2023

ગીત : નિઃસંતાન દંપતિનું ગીત

અમે બોરડી ઝંઝેડી ખર્યાં ઝાકળના ટીપાં પણ એકેય બોરાં નવ પામિયાં હો જી રે,
અમે ખેતર લણ્યાં ને મળ્યા ભોથાના ખીપા પણ એકેય કણસલાં નવ જડિયાં હો જી રે.

મોટું ફળિયું સાવ સૂનું હાય ! નોધારા ઝાંપા,
નથી એકેય આંખ્યાળાં હાય ! ખોરડે અંધાપા,
રમે ખોળે ખાલીપા હાય ! હૈયે ઝુરાપા,
અમે અંજળ વચ્ચ ડૂબ્યાં હાય ! જડ્યા નૈ તરાપા,
અમે શ્રીફળ વધેરી ઝાર્યા અધમણ નિસાસા પણ એકેય દેવતા નવ રિઝિયા હો જી રે.

અમે ટૂચકા ફંફોળી હાય ! ઓસડિયાં ઘૂંટ્યાં,
અમે આશાવેલ સીંચી હાય ! ફૂલડાં ન ફૂટ્યાં,
હવે સરવરજળ ખૂટ્યાં હાય ! અશ્રુજળ છૂટ્યાં,
અમે મેણાંમાર ખાઈ હાય ! જીવતરને કૂટ્યાં,
અમે માથાં પછાડી કીધાં મંદિરિયાં રાતાં પણ ખોળામાં ટહુકા નવ ફૂટિયા હો જી રે.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા.૨૧/૦૨/૨૦૨૩, મંગળવાર

ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2023

ગીત - ખાલીપો


લીલુછમ લ્હેરાતાં વનમાં એક પછી એક પાન ખરે એમ પાંખર બેઠી ઘરમાં,
કલબલતાં પંખીના માળે વારાફરતી પાંખ ઊડે એમ સન્નાટાની ધાક જ પેઠી ઘરમાં.

હાલાવાલા અહીંયા હીંચ્યાં; ઝૂ્લ્યાં અહીંયા કાલાંવાલાં; માંડી અહીંયા પાપાપગલી,
અહીંયા કોરી પાટી ઉપર એક્કો-કક્કો ઘૂંટતાંઘૂંટતાં 
ફૂલગુલાબી દોરી સપનાંઢગલી,
પાંખાળી નજરોની ઘોડી ઊડી ઊડી એક પછી એક સમણાં વેરે જાતી દેશાવરમાં,
લીલુછમ લ્હેરાતાં વનમાં એક પછી એક પાન ખરે એમ પાંખર બેઠી ઘરમાં.

એકેક ખૂણે અહીં ઝળુંબે ભર્યાં જીવનનાં 
ખાટાંમીઠાં કંઈ સમરણના ઝાળાં,
અંધારઘેર્યાં આ ઘરમાંથી ઝરતી આંખો જોઈ રહી'તી
હરખવિહોણા આતપના ઉચાળા,
ખાલીપાના વસમા ભારે તોરણછાંડ્યા બારસાંખ પણ કડડભૂસ થઈ ભાંગી પડ્યાં અંતરમાં,
લીલુછમ લ્હેરાતાં વનમાં એક પછી એક પાન ખરે એમ પાંખર બેઠી ઘરમાં.
- મુકેશ દવે
પાન્ધ્રો, 
તારીખ : ૧૬/૦૨/૨૦૨૩, ગુરુવાર