ગુરુવાર, 25 મે, 2023

ગીત : બોદો રૂવાબ

બોલ, બોલ બોદા બૂંગિયાનો હળવેથી  કાન ઝાલી બોલ,
કે, દેડકાનાં ચામડેથી વાગે નઈ ઢોલ.

પાંપણ પછવાડમાં  સંતાડી રાખ્યો'તો
ચાડિયાએ વીંછિયો સ્વભાવ, 
શબ્દોના ખેડૂને પોતીકા ખેતરનો
આમ કદી જાગે કુભાવ ?
ખોલ, ખોલ જરા ચીતરેલી વાડ્યુંની ઢાંકેલી પોલ 
હવે સાચૂકલી ઝાંપલીથી ખોલ.

સૂરજની સામે જોઈ ડચકારા શેનો દેય
રેઢિયાળ ધણનો ગોવાળ ?,
કોરી ગમાણે બાંધી ખીલા નીચોવે ને 
બોઘરાંમાં  વેચે વરાળ,
તોલ, તોલ જરા સપનાં વલોવ્યાનો જાણીને મોલ 
પછી નીપજેલાં માખણ ને તોલ.

પરપોટો પાણી પર છાંટે રૂઆબ એનું
હોવાપણું કેવું ને કેટલું ?
વાયુની આછેરી ટપલી પડેને બસ
ફૂટી જાવું એવું ને એટલું,
ફોલ, ફોલ જરા પરપોટો હોવાની ઘટનાને ઠોલ
પછી જળનુંયે જળપણું ફોલ.
- મુકેશ દવે
અમરેલી
તારીખ : ૨૫/૦૫/ર૦૨૩

સોમવાર, 24 એપ્રિલ, 2023

ગઝલ - ચૂપ હું રહેતો નથી

હો ધાકનો વિસ્તાર જ્યાં; ત્યાં ચૂપ હું રહેતો નથી,
ને મૌન પરના વાર જ્યાં; ત્યાં ચૂપ હું રહેતો નથી.

હા, આંગળી જો દોષને ચીંધે; તો એ મંજૂર છે,
ખૂંચે કદી તલભાર જ્યાં; ત્યાં ચૂપ હું રહેતો નથી.

ફાલી જશું, પડશું લચી, સૌના ઉદર ઠારી જશું,
ઝંઝેડતાં દેમાર જ્યાં; ત્યાં ચૂપ હું રહેતો નથી.

બહુ સૌમ્ય છું ને ઘૂંટ કડવા પી શકું છું, તે છતાં-
બેધારી તલવાર જ્યાં; ત્યાં ચૂપ હું રહેતો નથી.

ભડકે બળે આ આયખું તો પણ કશી પરવા નથી,
સળગાવતાં ઘરબાર જ્યાં; ત્યાં ચૂપ હું રહેતો નથી.

ઉત્સુક હોઉં સત્કારવા સૌ દોસ્તને ખૂલ્લાં દિલે,
મન હો કપટની ધાર જ્યાં; ત્યાં ચૂપ હું રહેતો નથી.

નિર્દોષતાની સાબિતી લઈને ભલે આવો તમે,
પણ જૂઠનો આધાર જ્યાં; ત્યાં ચૂપ હું રહેતો નથી.
- મુકેશ દવે
અમરેલી
તા. ૨૫/૦૪/૨૦૨૩, મંગળવાર

ગાગાલગા ×૪

રવિવાર, 19 માર્ચ, 2023

ગીત - શું કહેશો ?

કાલ ઊઠીને કોઈ પૂછે કે, આંસુનાં એક બૂંદની અંદર તળિયાં લગની ડૂબકી દેતા આવડે છે ? તો શું કહેશો ?
કાલ ઊઠીને કોઈ પૂછે કે, કોરીમોરી આંખો વચ્ચે ઝરણાં જેવું નિર્મળ વહેતા આવડે છે ? તો શું કહેશો ?

એમ બને છે, ઘૂવડ એની પીળી આંખે સૂરજ આંજી ભોંયની પીઠે કાજળકાળી રાતનું ખંજર ઘચ્ચાક દઈ ભોંકાવે,
એમ બને છે, નજરો ઊપર પલાણ થઈ અંધારું આવે ને પછી તો પાંપણ માથે નીંદર બેઠી રોફ જમાવે,
કાલ ઊઠીને કોઈ પૂછે કે, અજવાળાને ખભ્ભે નાખી રવિકિરણને ભેટી પડતા આવડે છે ? તો શું કહેશો ?

એમ બને કે, સાવ અચાનક સુખસાગરના ટાપુ ઉપર ભડકે બળતો આભનો ટુકડો ધડામ કરતો આવે હેઠો,
એમ બને કે, એ ધરણી પર જળતરસતાં તરૂવર હેઠળ છાયતરસતો હાંકોબાંકો કરમફૂટલો ટળવળતો બેઠો,
કાલ ઊઠીને કોઈ પૂછે કે, એ તરસ્યાને વાદળમાંથી ખોબેખોબે ટાઢક પાતાં આવડે છે ? તો શું કહેશો ?

એમ બને કે, ભરઉનાળે ધોમધખેલા ઉજ્જડ રસ્તે અંકાયેલા પગલાંઓને લીલાલીલા ફણગા ફૂટે,
એમ બને કે, ભરચોમાસે ઝરમર ઝીલતી હરિયાળીની મોજ ભરીને ચાલ્યાં જાતાં પગલાંઓના અંજળ ખૂટે,
કાલ ઊઠીને કોઈ પૂછે કે, સાવ અનૂઠી કેડી ઉપર પગલાં માંડી આગળ ધપતા આવડે છે ? તો શું કહેશો ?

એમ બને કે, દશ્યભટકેલું કોઈ બિચારું ઊંટ પોતાની પીઠની ઉપર રણને લાદી છલકાતાં સરવરમાં નાખે,
એમ બને કે, રાજહંસો ધોળીધોળી પાંખ ભરીને આખેઆખું માનસરોવર પ્રાણતરસ્યાં રણમાં છાંટે,
કાલ ઊઠીને કોઈ પૂછે કે, પીડારણમાં ઊમટી પડતાં મૃગજળ ખાળી જીવી લેતા આવડે છે ? તો શું કહેશો ?
- મુકેશ દવે
અમરેલી
તા.૧૮/૦૩/૨૦૨૩, શનિવાર

બુધવાર, 15 માર્ચ, 2023

ગીત - ગૃહિણી

સખી, એથી તો લીલપ છવાઈ ગઈ,
હાં રે હું તો આંગણામાં આખી રોપાઈ ગઈ.

આંગણામાં લજ્જાળું લ્હેરાતી જૂઈ
મને મોગરાની ફોરમ વીંટળાતી,
કેળ અને ચંપાના શીતળ ઓથારે હું
ઝીણીઝીણી કુંપળે કોળાતી,
કેવી વ્હાલપથી લથપથ થઈ !
હાં રે હું તો ફૂલડાંથી હરખે પોંખાઈ ગઈ.

ટોડલા ને તોરણમાં મોતીડે પ્રોવાઈને
ચાકળાના આભલે ગૂંથાતી,
વગડાથી મઘમઘતાં ઘેરાં લીંપણમાં હું
રઢિયાળી ભાતે ચીતરાતી,
હું તો ઓકળીએ ઓળપાઈ ગઈ,
હાં રે હું તો ભીત્યુંના રંગમાં રોળાઈ ગઈ.

ખોરડે ખમ્માયું ઝીલતાં રાંધણિયાંની
મીઠી સોડમ થઈને રેલું,
ચૂલાની આગમાંથી પ્રગટાવી સ્વાદ
ભૂખ્યાં ઉદરની આગને ઠારું,
ઠર્યાં અંતરનો ઓડકાર થઈ,
હાં રે હું તો આંધણમાં આખી ઓરાઈ ગઈ.

સૌના સમણાંમાં ડૂબ્યાં મારાયે સમણાં 
ને સૌની પીડામાં હું ઓગળી,
કાળની થપાટે હવે ખભળેલાં ખોરડાંમાં
અડીખમ ઊભી હું ઓરડી,
ઘેરા અંધારે ઘેરાઈ ગઈ,
હાં રે હું તો મારાથી આખી ખોવાઈ ગઈ.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા.૦૯/૦૩/૨૦૨૩
ગુરુવાર

સોમવાર, 6 માર્ચ, 2023

આસ્વાદ - પ્રજ્ઞાબેન ધારૈયા દ્વારા

 પીડિતાનું ગીત

ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ને ફફડે પારેવું

મોટાઘરના માતેલાને લાગી'તી મધલાળ ને ઝાલ્યું પારેવું,
જળછલોછલ વીરડીની તોડી નાખી પાળ ને પીંખ્યું પારેવું,
રાતાંરાતાં પાણીડામાં ચીખોનો ઓવાળ ને ફસક્યું પારેવું,
લીરેલીરા ચુંદડીની માથે નાખ્યું આળ ને ધ્રુજ્યું પારેવું,
ગોજારા અંધારે ડંસ્યું કાળમુખાળું વિષ ને લથડે પારેવું.
ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ને ફફડે પારેવું.

મોટા ઘરના મોભિયાએ કહી દીધું છીનાળ ને નફ્ફટ પારેવું,
માતેલાને દોડવાનો એણે આપ્યો ઢાળ ને નટખટ પારેવું,
અદકપાંસળી વાયરાએ ફેલાવીતી ઝાળ ને ભડભડ પારેવું,
અફવાઓના ટોળેટોળા થઈને આવ્યા કાળ ને હડબડ પારેવું,
વેરણછેરણ માળા ઉપર બોલે કાદવઘીંસ ને રગડે પારેવું.
ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ને ફફડે પારેવું.
- મુકેશ દવે

યસ....
પારેવું એટલે ભોળું, ભીરૂ અને ગભરુ પંખીડું. પારેવાના પ્રતિકરૂપે અહીં ગરીબ ઘરની, સામાન્ય સ્ત્રીના શોષણની વાત કવિએ મર્મવેધક રીતે રજુ કરી છે. સમાજના વિકાસની સાથે સાથે સ્ત્રીઓ માટે પણ શિક્ષણ અને કારકિર્દીની દિશાઓ ખુલી ગઈ. સ્વતંત્રતા વધી. અને સ્ત્રીઓની સ્વપ્નની આંખ ખુલી અને ઉડવાને પાંખ પણ ખુલી. અરે દસે દિશાઓ એના માટે ખુલી  ગઈ. પણ પંખિણીને ક્યાં ખબર છે કે અવરોઘ આકાશમાં પણ હોય!
   ઇસ્મત ઉપર ક્રૂર પંજો પડે ત્યારે તેનું મોં બંધ થઈ જાય છે. ગોકીરો જ એવો થાય છે    કે એની કેફિયત સાંભળે પણ કોણ?
      નફ્ફટ નબીરાઓને છાવરવા માટે ગામનાં મોટાં માથાઓ પણ એ અબળાનું જ મલીન ચિત્ર ચીતરે છે. છિનાળ, કુલટા જેવા વિશેષણો સ્ત્રીને સાવ લાચાર કરી મૂકે છે‌.
      "અદકપાંસળી વાયરો ..." વાહ! કાનોપકાન થતી વાત માટે કેવો સરસ શબ્દ પ્રયોગ  કવિએ પ્રયોજ્યો છે!
   સત્યનું એક વજન હોય છે.પણ રે વિજ્ઞાનનો નિયમ! હલકું જલ્દી ઉંચકાય એ ન્યાયે સ્ત્રીની સચ્ચાઈ કરતાં એની બદનામી જલ્દી ફેલાઈ જાય છે. બસ પછી શું? વેરણ છેરણ માળો અને વેરણ છેરણ જિંદગી!
    પ્રસ્તુત ગીત માટે લોક બોલીની શૈલી પસંદ કરવા બદલ મુકેશજીને દાદ આપવી પડે. સ્ત્રીના અંદર બહારના ઉઝરડાં પ્રસ્તુત શૈલી સિવાય ઉજાગર થઈ શક્યા હોત કે કેમ એ સવાલ છે. મીઠી વીરડીની તૂટેલી પાળ, રાતાં ચોળ પાણી તો લીરેલીરા થઈ ગયેલી ચુંદડી જેવા શબ્દ પ્રયોગ પીડિતાનાં અંગ અને ઇજ્જત પર થયેલા જોરજુલમને વર્ણવવા માટે સક્ષમ છે.
     અતિ સંવેદના સભર ગીત પ્રસ્તુત કરવા બદલ દિલથી 
   ધન્યવાદ, દવે સાહેબ....💐💐💐💐
    પ્રજ્ઞા ધારૈયા,
  ૬/૩/૨૦૨૩.

શનિવાર, 4 માર્ચ, 2023

ગીત - પીડિતાનું ગીત

ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ને ફફડે પારેવું.

મોટાઘરના માતેલાને લાગી'તી મધલાળ ને ઝાલ્યું પારેવું,
જળછલોછલ વીરડીની તોડી નાખી પાળ ને પીંખ્યું પારેવું,
રાતાંરાતાં પાણીડામાં ચીખોનો ઓવાળ ને ફસક્યું પારેવું,
લીરેલીરા ચુંદડીની માથે નાખ્યું આળ ને ધ્રુજ્યું પારેવું,
ગોજારા અંધારે ડંસ્યું કાળમુખાળું વિષ ને લથડે પારેવું.
ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ને ફફડે પારેવું.

મોટા ઘરના મોભિયાએ કહી દીધું છીનાળ ને નફ્ફટ પારેવું,
માતેલાને દોડવાનો એણે આપ્યો ઢાળ ને નટખટ પારેવું,
અદકપાંસળી વાયરાએ ફેલાવીતી ઝાળ ને ભડભડ પારેવું,
અફવાઓના ટોળેટોળા થઈને આવ્યા કાળ ને હડબડ પારેવું,
વેરણછેરણ માળા ઉપર બોલે કાદવઘીંસ ને રગડે પારેવું.
ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ને ફફડે પારેવું.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા. ૦૪/૦૩/૨૦૨૩, શનિવાર

ગુરુવાર, 2 માર્ચ, 2023

ગીત - છલકેલાં નેણ

બોલેલાં વેણ ભલા સૌ કોઈ સમજે પણ છલક્યાં આ નેણને સમજે તો સારું,
છલકેલાં નેણમાં એવું શું ભળતું કે વહેતું પણ જળ એનું ખારુંખારું ?

સરવરની પાળ રખે તૂટે તો બાંધીને
ધસમસતા પૂર તમે રોકી શકો,
જિહ્વાના બંધ રખે ખૂલે તો વ્હાલપથી
ફાટફાટ વાણીને રોકી શકો,
આંખેથી ઉભરાતાં ઊના આ વ્હેણમાં ડૂબેલાં લોકને કેમ ઉગારું ?
બોલેલાં વેણ ભલા સૌ કોઈ સમજે પણ છલક્યાં આ નેણને સમજે તો સારું.

હૈયામાં ધરબેલી પીડાઓ પીગળીને
આંસુની ધાર થઈ દદડી પડે,
હળાહળ પીનારા શંભુની જેમ કોઈ 
એને પીનારોય વિરલો જડે,
શીતળધારામાં તો સૌ કોઈ ન્હાય પણ ફળફળતું બૂંદ રહ્યું સાવ નોધારું.
બોલેલાં વેણ ભલા સૌ કોઈ સમજે પણ છલક્યાં આ નેણને સમજે તો સારું.
- મુકેશ દવે
અમરેલી
તા. ૦૧/૦૩/૨૦૨૩

ગઝલ - ચૂપ થઈ જાઉં છું

પ્રસ્તાવ જ્યારે હો વિફળ તો ચૂપ ત્યાં થઈ જાઉં છું,
એના નયન દેખું સજળ  તો ચૂપ ત્યાં થઈ જાઉં છું.

ચાહું; છતાં ના કહી શકું એ વાત એને બેધડક,
જો મૌન; સામે હો અકળ તો ચૂપ ત્યાં થઈ જાઉં છું.

એને ઉમળકાથી હવે તો હાલ ના પૂછી શકું,
એ થાય જો આકળવિકળ તો ચૂપ ત્યાં થઈ જાઉં છું

સંધાન ના સાધી શકું; દાવાદલીલો શું કરુ?
જે વાતનું ના હોય તળ તો ચૂપ ત્યાં થઈ જાઉં છું.

મન જાણવાના સૌ પ્રયાસો વ્યર્થ રહી જાશે હવે,
ચ્હેરા ઉપર જોઉં પડળ તો ચૂપ ત્યાં થઈ જાઉં છું.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા. ૨૮/૦૨/૨૦૨૩, મંગળવાર

મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2023

ગીત : ટેરવાની કમાલ

ટેરવાંને આંખો જો ફૂટે; ને હેય્ય પછી કાગળની છાતી પર રોપે પલાશ.
વાયરોય સાંતીએ જૂતે; ને હેય્ય પછી ઝાકળ પર પાડી દે ઊંડેરા ચાસ.

કાગળ તો જાણે કે રૂપેરી ફળિયું
ને ફળિયામાં ઉતરે શબ્દોના પંખી,
સુરીલું ગાશે કોઈ અવસરિયું ગાણું
ને ગાશે મરશિયાઓ શાતાને ઝંખી,
ટેરવાને પાંખો જો ફૂટે; ને હેય્ય પછી પાંખોમાં ફફડાવે આખું આકાશ.
ટેરવાંને આંખો જો ફૂટે; ને હેય્ય પછી કાગળની છાતી પર રોપે પલાશ.

ફળિયાંના ખૂણામાં ફૂલોની ક્યારી
ને ક્યારીએ છલકતાં રંગોના ઝરણાં,
ભમરા-પતંગાઓ આમતેમ ઊડે
ને પાંખડીઓ આવીને ત્રોફાવે છૂંદણાં,
ટેરવાને ફોરમ જો ફૂટે; ને હેય્ય પછી ખોબાભર છાંટશે સૌને સુવાસ.
ટેરવાંને આંખો જો ફૂટે; ને હેય્ય પછી કાગળની છાતી પર રોપે પલાશ.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા. ૨૭/૦૨/૨૦૨૩, સોમવાર

મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2023

ગીત : નિઃસંતાન દંપતિનું ગીત

અમે બોરડી ઝંઝેડી ખર્યાં ઝાકળના ટીપાં પણ એકેય બોરાં નવ પામિયાં હો જી રે,
અમે ખેતર લણ્યાં ને મળ્યા ભોથાના ખીપા પણ એકેય કણસલાં નવ જડિયાં હો જી રે.

મોટું ફળિયું સાવ સૂનું હાય ! નોધારા ઝાંપા,
નથી એકેય આંખ્યાળાં હાય ! ખોરડે અંધાપા,
રમે ખોળે ખાલીપા હાય ! હૈયે ઝુરાપા,
અમે અંજળ વચ્ચ ડૂબ્યાં હાય ! જડ્યા નૈ તરાપા,
અમે શ્રીફળ વધેરી ઝાર્યા અધમણ નિસાસા પણ એકેય દેવતા નવ રિઝિયા હો જી રે.

અમે ટૂચકા ફંફોળી હાય ! ઓસડિયાં ઘૂંટ્યાં,
અમે આશાવેલ સીંચી હાય ! ફૂલડાં ન ફૂટ્યાં,
હવે સરવરજળ ખૂટ્યાં હાય ! અશ્રુજળ છૂટ્યાં,
અમે મેણાંમાર ખાઈ હાય ! જીવતરને કૂટ્યાં,
અમે માથાં પછાડી કીધાં મંદિરિયાં રાતાં પણ ખોળામાં ટહુકા નવ ફૂટિયા હો જી રે.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા.૨૧/૦૨/૨૦૨૩, મંગળવાર

ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2023

ગીત - ખાલીપો


લીલુછમ લ્હેરાતાં વનમાં એક પછી એક પાન ખરે એમ પાંખર બેઠી ઘરમાં,
કલબલતાં પંખીના માળે વારાફરતી પાંખ ઊડે એમ સન્નાટાની ધાક જ પેઠી ઘરમાં.

હાલાવાલા અહીંયા હીંચ્યાં; ઝૂ્લ્યાં અહીંયા કાલાંવાલાં; માંડી અહીંયા પાપાપગલી,
અહીંયા કોરી પાટી ઉપર એક્કો-કક્કો ઘૂંટતાંઘૂંટતાં 
ફૂલગુલાબી દોરી સપનાંઢગલી,
પાંખાળી નજરોની ઘોડી ઊડી ઊડી એક પછી એક સમણાં વેરે જાતી દેશાવરમાં,
લીલુછમ લ્હેરાતાં વનમાં એક પછી એક પાન ખરે એમ પાંખર બેઠી ઘરમાં.

એકેક ખૂણે અહીં ઝળુંબે ભર્યાં જીવનનાં 
ખાટાંમીઠાં કંઈ સમરણના ઝાળાં,
અંધારઘેર્યાં આ ઘરમાંથી ઝરતી આંખો જોઈ રહી'તી
હરખવિહોણા આતપના ઉચાળા,
ખાલીપાના વસમા ભારે તોરણછાંડ્યા બારસાંખ પણ કડડભૂસ થઈ ભાંગી પડ્યાં અંતરમાં,
લીલુછમ લ્હેરાતાં વનમાં એક પછી એક પાન ખરે એમ પાંખર બેઠી ઘરમાં.
- મુકેશ દવે
પાન્ધ્રો, 
તારીખ : ૧૬/૦૨/૨૦૨૩, ગુરુવાર