શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2019

નજરુંંનું જોબનિયું ગીત

જઈં ઓલી નજરુંનું જોબનિયું ફાટફાટ થાય,
તઈં  બીડેલી  પાંપણોની ભીંત  કૂદી   જાય.

ગલીઓ ને શેરીઓમાં આમતેમ દોડી
               કો'ક ડેલીની આરપાર ઝૂમે,
લીંપાતી ભીંતોમાં ઊગતી હથેળીઓને
                        હળવે પંપાળીને  ચૂમે,
કૂવો ઉંચકતાં ઓલા હિલ્લોળતાં બેડાંમાં છલક છલકાય,
જઈં ઓલી નજરુંનું જોબનિયું ફાટફાટ થાય.

નદીએ ભીંજાતી જોઈ સૂની એકલતાને
                       વંઠેલી નજરું વીંટળાતી,
માછલીની જેમ થોડી ડૂબકીઓ ખાઈ
      કૂણી પાનીઓની સાથે  અથડાતી,
નીતરતી ઝૂલ્ફોમાં ભીંજાતી પીઠ ઉપર ધીમેથી લપસિયા ખાય,
તઈં  બીડેલી  પાંપણોની ભીંત  કૂદી   જાય.
- મુકેશ દવે
અમરેલી
તા.૧૩/૦૨/૧૯૮૭
શુક્રવાર

રવિવાર, 25 ઑગસ્ટ, 2019

કાંઠાની રેતી - ગીત

ગીત
દરિયો છલકાય ને ભેખડે અથડાય ત્યારે,
                          કાંઠાની રેતી ભીંજાય.
દરિયો ઉભરાય ને મોજાં ઉછળાય ત્યારે,
                            કાંઠાની રેતી ઢંકાય.
પૂનમની રાતમાં ચાંદની રેલાય ત્યારે,
                          કાંઠાની રેતી ચમકાય.
અમાસી રાતમાં દરિયો ખેંચાય ત્યારે,
                            કાંઠાની રેતી મુંઝાય.
ઠંડી સવારમાં દરિયો ઘુમરાય ત્યારે,
                           કાંઠાની રેતી અટવાય.
તપતા બપોરમાં દરિયો અટવાય ત્યારે,
                           કાંઠાની રેતી શેકાય.
મસ્તી તોફાનમાં વાયરો વિંજાય ત્યારે,
                           કાંઠાની રેતીઅકળાય.
ઢળતી એ સાંજમાં દરિયો રેલાય ત્યારે,
                           કાંઠાની રેતી હરખાય.
                મૂકેશ ટી.દવે
"અનાગત"માંથી
આ કવિ 1983 માં કાંઠાની રેતીને આવી રીતે ગીતમાં ન્યાય અપાવતા...એમનું કવિત્વ અને કવિતત્વ ત્યારે પણ વખણાતું.જે હવે પૂરબહારમાં ખીલ્યું છે... સતીષ જે દવે

રવિવાર, 18 ઑગસ્ટ, 2019

ફરી પધારેલ જુવાની - ગીત

હજુ હમણાં અઢારમુ બેઠું.
બાવડેથી ઝાલીને મોતિયાના ઝાળાને આંખથી ઉતારોને હેઠું,
હજુ હમણાં અઢારમુ બેઠું. 


ધોળાધફ્ફ વાળ એ તો ભ્રમણાનું મૂળ 
                             એ મૂળિયાને મૂળમાંથી વાઢો,
અંગઅંગ ધબૂકે એ ધસમસ ધ્રુજારીની
                               ધણધણતી ડાળોને બાંધો,
દલડામાં ફાટફાટ દરિયા ઉભરાયા ને ગઢપણ રહ્યું છે બહુ છેટું.
બાવડેથી ઝાલીને મોતિયાના ઝાળાને આંખથી ઉતારોને હેઠું,
હજુ હમણાં અઢારમુ બેઠું.

આંખોમાં કલરવતાં પંખીઓ બેઠાં ને
                              કાનમાં જઈ શમણાંઓ ઊગે,
ચહેરાની સળુઓમાં ઝરણાં થ્યા વ્હેતાં
                              વળી નસનસમાં ગીત એના ગૂંજે,
દેહનો દેખાવ હવે ડોસલો ભલેને હોય એમાં અઢારમુ પેઠું.
બાવડેથી ઝાલીને મોતિયાના ઝાળાને આંખથી ઉતારોને હેઠું,
હજુ હમણાં અઢારમુ બેઠું.

- મુકેશ દવે
અમરેલી
તા.૧૮/૦૮/૨૦૧૯, રવિવાર

મંગળવાર, 23 એપ્રિલ, 2019

રૂઢિચુસ્ત ઘરમાં કવિયિત્રી - ગીત

કૂણાં ટેરવેથી ઝગમગતાં ગાણાંનું અજવાળું
                        ઓરડાની વચ્ચે મૂરઝાય છે,
પછી કાળજામાં કાળુધબ્બ અંધારું થાય છે.

સોનાના પીંજરાની વચ્ચે રહી ને તોય
                  પાંખોને મળતો ના ખૂલવાનો માગ,
પાંખો ફફડાવી થોડું ટહુકી જઈએ તો
                    વળી ભીંતોમાં લાગી જાય આગ,
બારીએથી દેખાતાં ગુલમ્હોરે બેઠેલાં પંખીના
              કલરવમાં રહરહતાં ડૂંસકાં સંભળાય છે,
પછી કાળજામાં કાળુધબ્બ અંધારું થાય છે.

ભીતરમાં ફૂટેલાં ખળખળતા ઝરણાંએ
                   ભરવી હોય ઘૂઘવતા દરિયાને બાથ,
ખડકાળા મારગમાં ના છે ઢોળાવ
                         અને છૂટ્યો વનરાઈઓનો સાથ,
કાળમીંઢ પથરાની ઊંધમૂંધ ખીણોમા પડઘાતું -
                            અથડાતું સપનું રોળાય છે,
પછી કાળજામાં કાળુધબ્બ અંધારું થાય છે.
- મુકેશ દવે (અમરેલી) 
તા. ૨૩/૦૪/૨૦૧૯, ગુરુવાર

ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2019

પડછાયાનું ગીત




માણસને પડછાયો ફૂટે કાં પડખે કાં આગળ-પાછળ,
બે પાટામાં ચગદાયો તોયે કાયમ થાતો સળવળ સળવળ.

રંગ બદલતો માણસ લાગે ગુલમહોર-ગરમાળો
રંગીલા માણસનો કાયમ પડછાયો કાં કાળો ?
માણસથી તો માણસાઇમાં એ ડાઘ વિનાનો ઉજ્જ્વળ!
માણસને પડછાયો ફૂટે કાં પડખે કાં આગળ-પાછળ.

કાંટાની કાંટાઈ સાથે કોમળ કોમળ લાગે,
ત્રણ ખૂણિયો માણસ કેવો કુણો તોયે વાગે !
માણસમાં હો અપાર માણસ; એની છાંયા ધૃવ સમી અવિચળ !
માણસને પડછાયો ફૂટે કાં પડખે કાં આગળ-પાછળ.
- મુકેશ દવે
 અમરેલી
તા.૨૧/૦૨/૨૦૧૯ , ગુરુવાર

વિશેષ આભાર કવિશ્રી Vijay Rajyaguru સાહેબનો કે જેમણે ગીતને યોગ્ય દિશા આપી
અને કવિશ્રી Anil Vala સાહેબે ઉશ્કેર્યો અને કવિશ્રી Sanju Valaસાહેબે ચમક આપી........

ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2019

ગામગોકીરા રે'વા દ્યો - ગીત

કોઈ આછાંપાછાં અસ્તર વચ્ચે ઝાંખાંપાંખાં જીવે છે તો જીવવા દો; પણ ગામગોકીરા રે'વા દ્યો,
કોઈ ઝીણાં તાણાવાણા ગૂંથ્યાં વસ્તર નવલાં સીવે છે તો સીવવા દો; પણ ગામગોકીરા રે'વા દ્યો.

કોઈ નરબંકા આશાઓથી આંખ ભરી લઈ
દરિયાના તળિયા લગ જઈને મોતી ગોતી લાવે છે,
દાધારીંગા કોઈ બિચારા નિરાશામાં ડૂબકી મારી
કાંઠાના કાદવમાં ખૂંપી નિજના દુ:ખડાં ગાવે છે,
કોઈ મોતીમાળા ગૂંથે ને કોઈ શંખ - છીપને પ્રોવે છે તો પ્રોવા દો; પણ ગામગોકીરા રે'વા દ્યો.

કોઈ ભીનાંભીનાં વાદળ થઈને વરસે
ને કોઈ મૃગજળ લીપ્યાં રણ બનીને તરસે છે,
કોઈ ઝાકળબૂંદે મર્માળાં થઈ હરખે
ને કોઈ સરવરની લહેરોમાં બેસી કણસે છે,
કોઈ અમરતની પ્યાલીને છોડી ઝેરકટોરા પીવે છે તો પીવા દો; પણ ગામગોકીરા રે'વા દ્યો
- મુકેશ દવે
અમરેલી, 
તા.૧૫/૦૨/૨૦૧૯, શુક્રવાર

ગુરુવાર, 31 જાન્યુઆરી, 2019

તરહી ગઝલ

જાત માંહી ડૂબી જીવાતું નથી,
આપણાંથી એ જ તો થાતું નથી.*

છે લગન; મંઝિલ લગી પ્હોંચી જવું,
એટલે તો ડગલું લથડાતું નથી.

હોય જો પોતીકું તો હારી જવું,
જીતવાથી એય જીતાતું નથી.

કેમ જગશે સ્નેહનો દીવો અહીં ?
તેલ કોઈ સંપનું પાતું નથી.

એક ખોળો છૂટવાથી શું થશે ?
મા વગરનું બાળપણ ખાતું નથી.
- મુકેશ દવે
અમરેલી
તા.૩૧/૦૧/૨૦૧૯ ગુરુવાર

સોમવાર, 7 જાન્યુઆરી, 2019

બિસ્માર રસ્તા રોદણાં

ખાડા ને ખબડા તો રસ્તા પર હોય કાંઈ આભલે હોવાના ?
પછી શાને આ રોદણાં રોવાના !!

રસ્તો તો શું ? અહીં માણસ પણ તૂટે ને
                       ભાંગીને થાય સાવ ભૂક્કો,
રસ્તો મઠારવાને થીંગડાંય લાગે એમ
               લાગે ના મનખાને એકપણ તૂક્કો,
રસ્તાથી રળતરના રસ્તા તો થાય; કાંઈ ભવભવની ભૂખ ભાંગવાના ?

પછી શાને આ રોદણાં રોવાના !!

તૂટેલા મારગે લાગે લાગે તો થોડા હડદોલા લાગે
                          પણ; કાળના આ હડદોલા કેવા ?
કાળ થકી ભાંગેલાં ઓશિયાળાં એવાં કે
                             ઓલા જમડાય આવે ના લેવા,
ખાડાની જેમ અહીં તૂટેલાં માણસને તારવીને સૌ ચાલવાના.
પછી શાને આ રોદણાં રોવાના !!
- મુકેશ દવે
અમરેલી
તા. ૦૮/૦૧/૨૦૧૯, મંગળવાર