બુધવાર, 20 ડિસેમ્બર, 2017

વિગતનું વળગણ

ગીત*
લૂમોઝૂમો મૂછો માથે લૂખ્ખેલૂખ્ખો તાવ દઈને બેઠો છું,
ખૂલ્લંખૂલ્લા ઓટા માથે મારું આખું રાજ લઈને બેઠો છું.

પ્હેરણના કાણેથી ટપકે
સિંદૂરી ગાથાઓ,
ધડે ઉતારી લીધાંઅરિદળનાં
અગણિત માથાઓ,
તાતી તગતગતી તલવારે લોહીઝર્યો ઈતિહાસ ધરીને બેઠો છું.
લૂમોઝૂમો મૂછો માથે લૂખ્ખેલૂખ્ખો તાવ દઈને બેઠો છું,

પાદર - ખેતર - ગામસીમાડે
થઈને ઊભો ખાંભી,
સેંથીમાંથી પ્રગટી જ્વાળા
જતી આભને આંબી,
ઘરચોળાની ભાતો ફેંકી ખૂણામાં મીંઢોળ થઈને બેઠો છું.
લૂમોઝૂમો મૂછો માથે લૂખ્ખેલૂખ્ખો તાવ દઈને બેઠો છું,
- મુકેશ દવે

મંગળવાર, 3 ઑક્ટોબર, 2017

ચાલો,
આજ કંઈક
ચેન્જ લાવીએ,
ગાંધીગાંધી રમી લઈએ.
કાલથી
ફરી પાછાં
અંગ્રેજી રમકડાં
બની જઈશું.
- મુકેશ દવે
ર ઓક્ટોબર ૨૦૧૭

શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2017

નાદાર થયેલા સજ્જનનું ગીત ;-

હું લાચારીની રાંગ માથે સાવ અટૂલો ઊભો એકલવાયો છું,
મને લૂંટો રે, હજુ લૂંટો રે, હું ખૂલ્લેઆમ લૂંટાયો છું.

નેહ નીતરતી વડવાઈએ મેં કંઈક હરખ ઝૂલાવ્યા'તા,
મારી ઘેઘૂર ઘટાની વચ્ચમાં કલબલ માળા બંધાવ્યા'તા,
મારા ફળથી ભડભડ બળતાં ભૂખ્યાં પેટ ધરાયાં,તા,
મારી શીતળતાને રેડી બળબળતાં બહું ઠાર્યા'તા,
તેમ છતાંયે મારી કોઈ એક ડાળના હાથાથી હું કુહાડે કપાયો છું,
મને કાપો રે, હજુ કાપો રે, હું કટકેકટકે કપાયો છું.

મેં ઝલમલ અજવાળાની વચ્ચે અંધારાને તાક્યું'તું
રણઝણતું સંગીત ખોઈને ગીત ઉછીનું ગાયું'તું,
ફૂલ બીછાવેલ મારગ છાંડી અગોચરે ડગ માંડ્યું'તું,
સંબંધોની ગોખેગોખે જઈને ગજવું ઠલવ્યું'તું,
મારી દશેય આંગળના તીણાં ન્હોરે સળંગ આખો પીંખાયો છું,
મને પીંખો રે, હજુ પીંખો રે, હું રુંવેરુંવે  પીંખાયો છું.
- મુકેશ દવે
અમરેલી
તા.૨૯/૦૯/૨૦૧૭, શુક્રવાર

બુધવાર, 27 સપ્ટેમ્બર, 2017

ગઝલ - ધૂણી ધખવો


લો, આ બળબળતા સપનાની વેદી - ઘૂણી ધખવો,
હોમી દો સઘળા નિઃસાસા ફેંદી - ધૂણી ધખવો.
આવો સૌનો સાથ લઈ તોડીએ જેલ ભરમની,
મૂંઝાયો છે આતમ નામે કેદી - ધૂણી ધખવો.
લોહીના કણકણમાં વહેતું તારું નામ લઈને,
ઊગી આવ્યો હું પડળોને ભેદી - ધૂણી ધખવો.
ધસમસતી પીડાનાં ઝાળાં ઘેરે છે ચોતરફે,
ફૂલ લઈને એને નાખો છેદી - ધૂણી ધખવો.
આ પૃથ્વી, પંખી, નભ, પશુ ને સઘળું તેં તો,
કૌતુકવશ થૈ નાખ્યું એને રેઁદી - ધૂણી ધખવો.
- મુકેશ દવે
અમરેલી 
તા.૨૭/૦૯/૨૦૧૭, બુધવાર 

છંદ આવર્તન  ગા*૧૪

શનિવાર, 23 સપ્ટેમ્બર, 2017

ગઝલની પત્તર ફાડતા અ-ગઝલકારોને

તમે
શબ્દો પકડી લાવો છો
એને રદીફ કાફિયા વળગાડો છો
તો શું ગઝલ બજારું છે ?

તમે છંદે એને ચડાવો છો,
પછી કુછંદે એને ચૂંથો છો,
તો શું ગઝલ બજારું છે ?

તમે કોઈના સપના ચોરો છો,
વળી એ એંઠવાડ આરોગો છો,
તો શું ગઝલ બજારું છે ?

તમે
લીલામી પોકારો છો,
પછી મોટેથી લલકારો છો,
તો શું ગઝલ બજારું છે ?

તમે
પોતે જ તાળીઓ પાડો છો,
એને ગળે ટૂંપો લગાવો છો,
તો શું ગઝલ બજારું છે ?

તમે
એ જ રૂપને ભાળો છો
ને રૂપ બીજાં ધિક્કારો છો,
તો શું ગઝલ બજારું છે ?

તમે
અજવાળાને ઢાંકો છો,
ને અંધારા શણગારો છો,
તો શું ગઝલ બજારું છે ?
- મુકેશ દવે 
અમરેલી 
તા.૨૩/૦૯/૨૦૧૭, શનિવાર

બુધવાર, 20 સપ્ટેમ્બર, 2017

*દિશા ભટકેલ યૌવન - ગીત*



ખળખળતું મનમોજી ઝરણું ખેતર વચ્ચે નીક થઈને વહે જુઓને છે ને કળજગ !
નદી થવાનું શમણું ખેતરશેઢે ઝાકળબૂંદ બનીને રહે જુઓને છે ને કળજગ !

પથ્થર ફાડી ઊગવાની ભરી હામ છે તોયે
ડાભોળા થઈ ઊગી નીકળતા બંજર ભોંયે,
લોહી લીલપનું નસનસમાં લઈ જન્મે છે પણ જઈ પીળપને લહે
જુઓને છે ને કળજગ !

છોને ઘટમાં ઘોડા થનગન ને ખચ્ચરની અસવારી,
આતમ પાંખો ફોગટ વિંઝે ફફડે મારીમારી,
આંખો એવી ભોમને બદલે કરમફૂટલી આંગળીઓ ને ચહે જુઓને છે ને કળજગ !!

ખાબોચિયે જઈ ડૂબકી મારી શંખ છીપલાં લાવે,
સાચુકલાં મોતી ન પરખે ફટકિયા લઈ આવે,
સાતે સાગર વગર વલોણે પોતે વલોવ્યા - જઈ દુનિયાને કહે
જુઓને છે ને કળજગ !
- મુકેશ દવે

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2017

ર.પા.ના ગીતનો આસ્વાદ



આસ્વાદ- (By -મુકેશ દવે)
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું
આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં
જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
રમેશ પારેખ

                રમેશ પારેખ આ છ અક્ષરનું નામ બોલીએ ત્યાં આખું મોં ગીતોથી ગળચટ્ટું થઈ જાય. શ્રી રમેશ પારેખ જાતને દોર બાંધી ઉડાડનાર અને કંઈક ભાળી ગયેલો સર્જક. કવિતાના દરેક સ્વરૂપમાં ખેડાણ કરનાર આ કવિના ગીત અનોખી ભાત પાડે છે.એમના ગીતોમાં સોરઠી લય, ગ્રામ પરિવેશ, તળપદા લહેકાની તાજગીથી રમેશાઈ ખીલી ઊઠે છે. એમના ગીતોમાં ભાવક અર્થને હડસેલી લયાન્વેષમાં રત થઈ જાય છે.   આવા રમેશબ્રાંડ અનેક ગીતો લોકહૈયે સ્થાપિત થયાં છે જેમાંનું એક ગીત તે આ "ગાતાં ખોવાઈ ગયું ગીત,"
                શ્રી રમેશ પારેખનું આ નખશિખ સુંદર અને અનુભૂતિનું ગીત.એનો અર્થ કરવા બેસીએ તો અનર્થના અડાબીડ જંગલમાં ભટકી જવાનો ભય રહે. ભાષા અભિવ્યક્તિ, રૂપકપ્રયોજન અને લયથી લથબથ આ ગીત વાંચતા વેંત જ હૃદય સુધી પહોંચી જાય તેવું છે. શ્રી રમેશભાઈના સાથીદાર કવિ શ્રી અરવિંદભાઈ ભટ્ટ કહે છે કે આ ગીત કવિમુખે અનેકવાર સાંભળ્યું છે ને દરેક વખત આનંદ બસ આનંદ જ...... ગમ્યું એટલે બસ ગમ્યું, એનાઅર્થ વિસ્તારમાં પડવાનું ક્યારય મન જ ન થયું. એ આ ગીતની વિશેષતા.
                પહેલાં તો આ ગીત વાંચતા કવિશ્રી ઉમાશંકર જોષીનું "ગીત અમે ગોત્યં ગોત્યું ને ક્યાંય ના જ્ડ્યું." યાદ આવી જાય. પરંતું બન્ને ગીત જુદાંજુદાં સંવેદનોને તાકે છે. કવિશ્રી ઉમાશંકરની રચના ગીત શોધવા પ્રકૃતિ પાસે જાય છે. જ્યારે શ્રી ર.પા.ની આ રચના ગીતની દયનીય સ્થિતિનો ચિતાર આપે છે.
                કવિ ખૂબ સંવેદનશીલ છે. ગીત પ્રત્યેનો એમનો લાગાવ એટલો બળુકો છે કે ગીત ગાયેલું હોવા છતાં એને ખોઈ નાખ્યાનો વસવસો અભિવ્યક્ત કરે છે.કવિનું ગીત ગાતાગાતા કલરવની ભીડમાં ખોવાઈ ગયું છે એની શોધ કરવી છે અથવા નવું ગીત લખવાની સ્ફૂરણા પામવી છે .પ્રકૃતિમાં ગીતનું ભરોભાર અસ્તિત્વ રહેલું છે.ઝરણાંના ખળખળમાં ગીત, પવનનની મંદ ગતિમાં ગીત, વૃક્ષોના લહેરાવામાં પણ અલગ ગીત..... પ્રકૃતિના આ તમામ ગીતો કાન દઈને તલ્લીન થઈને સાંભળો તો જ સંભળાય. પંખીઓનો કલરવ તો મીઠો હોય પણ અહીં કલરવની ભીડનો નિર્દેશ કાગડાના ક્રાઉંક્રાઉંને સામે લાવી મૂકે છે જે કૃત્રિમતામાં અને માનવનિર્મિત ઘોંઘાટમાં આ ગીતો ખોવાઈ ગયાનો નિર્દેશ આ ગીત કરે છે.અને કવિની ગીતશોધનો પ્રારંભ થાય છે.
                રાત્રિનું સૌંદર્ય અને એનું ગીત માણવા કવિ ઘેઘૂર ઉજાગરો કરે છે એમને આ ગીત છટકી ન જાય એની ચીંતા છે ત્યાં પરોઢ થઈ જાય છે.અને ઉજાગરાનો ભાર આ પરોઢને ઝાંખું પાડી દે છે.એકાદા ગીતની સ્ફૂરણા માટે પંખીના માળામાં શોધવા જાય છે ત્યાં પણ ખાલી આકાશ છે પંખી નથી તો ગીત કેમ સંભવે ? માળામાં આકાશને બેસાડી શૂન્યવકાશ અને પ્રાકૃતિક અંગો અદૃશ્ય થયાનો નિર્દેશ અહીં સાંપડે છે.
                કવિની દુર્દશા જુઓ કેવી સંદિગ્ધ છે ? પ્રકૃતિનો નાશ કર્યા છતાં માણસ પ્રકૃતિનું સાન્નીધ્ય ઝંખે છે એટલે પથ્થર અને કાગળમાં તેને કંડારવાનો પ્રયાસ કરતો રહે છે. પણ આ કૃત્રિમતામાં કુદરતનું ગીત કેમ પ્રગટે ? પથ્થરમાં કંડારેલ દીવા આંગળીની ફૂંકથી ઓલવી ન શકાય,ચીતરેલાં તળાવ પાણીથી ગમે તેટલાં ફાટફાટ હોય પણ એ પી ન શકાય, દોરેલાં જંગલની લીલાશ અને ઝાકળ તરણાંને ભીંજવી ન શકે- જેવા અફલાતૂન રૂપકો દ્વારા કવિ આજની કૃત્રિમતામાં આ કુદરતી શાશ્વત ગીત ખોવાઈ ગયાનો નિર્દેશ કરે છે. જો એમ ના હોય તો કવિ કવિતાની વસૂકી ગયેલી પળને ફરી ઓધાનવતી કરી શકે  
                આમ, ગીતની દયનીય સ્થિતિનું નિરૂપણ કરતું આ ગીત નવું જ સંવેદન અને નવી જ ચેતના આપી જાય છે. એમ છતા આ ગીતને વિસારવા જતાં – આસ્વાદવા જતાં ગીત મમળાવવાની મજા ઓગળી જતી હોય એવું આટલા આસ્વાદ પરથી લાગે છે. આ ગીતને ગાવાને અને પઠવાની મોજ આસ્વાદથી ક્યાંય આગળ નીકળી ચૂકી છે.આ કવિની કલમની તાકાતનો પરચો છે, કવિએ ગુજરાતી ગીતોને વેવલાવેડાંમાથી બહાર કાઢીને આવા ગીતો દ્વારા નવી દિશા આપી છે એ બદલ ગુજરાતી ગીત સદાય એમનું ઋણી રહેશે.                    
                                                મુકેશ દવે
                                                                                ૧૫, પ્રગતિનગર, લાઠી રોડ,
                                                                                અમરેલી. ૩૬૫૬૦૧
                                                                                મો.નં. ૯૪૨૭૨૬૧૦૧૫
                                                                                       

ગુરુવાર, 14 સપ્ટેમ્બર, 2017

નેતાજી આવ્યા( શ્રી ર.પા.ના છંદે અછાંદસ)


લોકલાડિલા નેતાજી આવ્યા છ,
શેરી,ગલી,બજાર,રસ્તા ચોખ્ખાચણાક થઈ બેસી ગ્યા છ,
ઊબડખાબડા રસ્તાઓએ ડામરના આછાં વસ્ત્રો ધારણ કર્યા છ,
(હડદોલા વગર વાહન હાંકવાની સાલ્લી મજા નથી આવતી)
સડકની બન્ને બાજુએ ઘાસઝૂંડ દંડવત કરી ગ્યા છ,
ગાયો નેતાજીના કટઆઉટ થઈ વિજપોલ પર ગોઠવાઈ ગૈ છ,
તંત્ર શીર્ષાસન કરી બેઠું છ,
રોશનિયું બોશનિયું હિલ્લોળા લે છ,
નગર નવોઢા બની ગ્યું છ,
રૂટ પરના લારીગલ્લાં ભૂખ્યા ઘરમાં આરામ કરે છ,
કાર્યકરું હરખપદુડા થઈ હડિયાપાટી કરે છ,
ઉદઘાટનું અને સભાયું ધનધન થઈ ગ્યા છ,
ને
ભાંગતી રાત્યે હરખઘેલીપ્રજાને નેતાજી ટાટા કરી ગયા છ.

અને સવારથી
આઠ દિ'નો સામટો કચરો નગરચર્યા કરવા નીકળી પડ્યો,
ગાયો રસ્તા પર અડિંગો જમાવી બેઠી,
ખાડાખબડા જાયુંભાયું સાથે રસ્તાને હિલ્લોળવા લાગ્યા,
બેનર ધજાયું થઈ ફરફરવા લાગ્યા.........
હાંશ !!!!!
હવે કંઈક જીવવાની મોજ આવી.
- મુકેશ દવે
અમરેલી 
તા.૧૪/૦૯/૨૦૧૭, ગુરુવાર

રવિવાર, 10 સપ્ટેમ્બર, 2017

સાલ્લું
જન્મ્યા પછી
ઘણાં લેબલ ચોંટાડી
જીવવું પડતું હોય છે
મરતાં લગી.....
- મુકેશ દવે
તા.૧૦/૦૯/૨૦૧૭, રવિવાર
(કવિશ્રી Vinu Bamaniaની કવિતા પરથી)

શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

ખોંખારો ખા - ગીત



તું લમણા ઉપર હાથ મૂકીને બળબળતા નિ:સાસા નાખ'છ ? ખોંખારો ખા.
નડિંગ-ધડિંગની જેમ જીવીને પગ ઉપર ચ્યમ પગને રાખ'છ?ખોંખારો ખા.

અગમનિગમના આટેપાટે એમ ચડ્યો
કે ભ્રમણાની આંટીમાં ઊંધેકાંધ પડ્યો,
તું નવગ્રહને વીંટીમાં વીંટી બહુ  નડ્યો
પછી ખોબા જેવો દરિયો પામીનેય રડ્યો,
હસ્તરેખની થાળી પકડી ટાઢાવાસી ભાગ્યરોટલા શું ચાખ'છ ? ખોંખારો ખા.

રંગબેરંગી ફૂલ ભરેલી છાબડિયું તું લેતો આવ્યો
તોય કશી ના મનમોહક કે મદભરેલી  ફોરમ લાવ્યો,
પૂનમની રઢિયાળી રાતે મનભરીને તનેય ચાહ્યો
પણ શીતળતાનાં સરવરકાંઠે બેસીને તું કેમ ન નાહ્યો ?
સામે ખુલ્લું આભ હોય ત્યાં ફરફર ફૂટેલી પાંખોને શું કામ વાખ'છ ? ખોંખારો ખા.
- મુકેશ દવે (અમરેલી)
તા.૦૮/૦૯/૨૦૧૭
શુક્રવાર


ડો.અનિલવાળા સાહેબનો વિશેષ આભાર 


બુધવાર, 6 સપ્ટેમ્બર, 2017

નવોઢાનું હૈયું - ગીત


સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું ગભરું હૈયું,
ફૂલપથારી પર બેસીને હલક્યું ગભરું હૈયું.

બંધ બારણે નજરને ટાંગી
            સાંકળ થઈને ખમકે,
ધીમાધીમા પગરવ ભાળી
              પાંપણ હેઠળ ચમકે,
ભોગળરવમાં ઘૂંઘટ આડે મલક્યું ગભરું હૈયું.
સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું ગભરું હૈયું.

શરમશેરડા ગાલે ટહુકી
         પાનીલગ જઈ ઊતર્યા,
મણમણ તાળાં જીભે લાગ્યા
               વેણ એકે ન ઊચર્યા,
ભીનાઊના ધસમસ શ્વાસે થડક્યું ગભરું હૈયું.
સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું ગભરું હૈયું.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૬/૦૯/૨૦૧૭
બુધવાર

સોમવાર, 4 સપ્ટેમ્બર, 2017

સમયની કમાલ (ગઝલ)

સમય તું પણ ભલા કેવી કમાલ કરે છે !
સજાવ્યા બાદ તું અમને હલાલ કરે છે.

નથી જોતા અમારે તો કશા વિખવાદો,
તું આવીને અહીં સઘળી બબાલ કરે છે.

અમારે તો સદા તૈયાર રહેવું પડે છે,
ન ઉત્તર હોય છે એવા સવાલ કરે છે.

મને તો થાય તુજમાં મા તણાં દરશન પણ,
પહેલાં માર મારીને વહાલ કરે છે.

બધે હો ઘોર અંધારું; વળી ન કૈં સૂઝે,
તિમિર આ દૂર કરવાને મશાલ કરે છે.
- મુકેશ દવે (અમરેલી)
તા.૦૪/૦૯/૨૦૧૭

સોમવાર

(લગાગા ગાલગાગા ગાલગાલ લગાગા)

શનિવાર, 2 સપ્ટેમ્બર, 2017

વિદાય લેતી કન્યાનું ગીત

આંખોમાં મૈયર આંજી નીકળી રે લોલ,
પાછળ વળગ્યો આંગણાનો સાદ જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

 હેતભર્યું પારણિયું ઝૂલતું રે લોલ,
હાલરડાં કાંઈ ઓળઘોળ થાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

પગલી થઈને ઝાંઝર છમકતાં રે લોલ,
પિતાની આંગળીઓ છલકાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

પાંચીકા ફળિયું ઉછાળતાં રે લોલ,
છબ્બોછબ્બો સખીએ ઘેરાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

રાખડીબંધ હાથને તેડિયો રે લોલ,
કાંખે બેઠો જવતલિયો મલકાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

અક્ષર પાટીના બધાં ઉકલ્યા રે લોલ,
મલક આખો ઝળહળ થાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

થનગતી પાંખ ફૂટી સામટી રે લોલ,
પિયૂડાના દેશમાં મંડરાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

કંકુ છાંટેલ કાગળ મોકલ્યો રે લોલ,
ઢબૂક્યો કાંઈ હૈયા માહેં ઢોલ જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

રઢિયાળો સાફો આવી મલપતો રે લોલ,
મંગલિયાંમાં  ડૂસકાં સમાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.
- મુકેશ દવે (અમરેલી)
તા.૦૧/૦૯/૨૦૧૭ શુક્રવાર

શનિવાર, 26 ઑગસ્ટ, 2017

ઈચ્છાની મોંકાણ - ગીત



અલી ઈચ્છલી ! શાને તું વળગી છો છાતીએ ?

ખાટલો જો હોય એમાં વાણલાં ગૂંથાવીએ
ને પાથરીએ મખમલ્લી ધડકી,
આભલે મઢેલા એ ય વિંઝીએ વિંઝણા
ને નિંદરની હાંકીએ હોડકી,
લાંબા પનાના આખાયે આયખાને ટૂંકી ચાદરમાં શું માપીએ ?
અલી ઈચ્છલી ! શાને તું વળગી છો છાતીએ ?

લખી દેવું છે મારે આખું આ ગામ અને
આપી દઉં દોમદોમ સાહ્યબી,
ઓવારી જાઉં હું સામટો ખજાનો ને
પહેરાવુ સાતરંગી કાચબી,
પણ; પહેરણના ગજવાં જ્યાં ફાટેલાં હોય ત્યાં આપીઆપીને શું આપીએ ?
અલી ઈચ્છલી ! શાને તું વળગી છો છાતીએ ?
-  મુકેશ દવે
તા. ૨૬/૮/૧૭

ગઝલ - ભેદ રેખા

(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)

ભેદ રેખા ઘણી પાતળી હોય છે,
આપણી મધ્યમાં ક્યાં વળી હોય છે !

સાંજ પણ શાંત ચિત્તે વહી એટલે,
મસ્ત થૈને નદી ખળખળી હોય છે.

આશનો અર્થ ત્યાં શોધવો ના પડે,
ધોમ ધખતો અને વાદળી હોય છે.

રોટલો વાસી હો તોય મીઠો હશે,
માતના હાથમાં તાંસળી હોય છે.

ભીતરે  વ્રજ પ્રગટતુું હવે જાય છે,
હાથમાં એક બસ કામળી હોય છે.

વાસના; સત ભલા એમ તોડી શકે ?
જ્યાં નમી આંખ સાથે સળી હોય છે.

દાંત ખાટા કરી ભોં પથારી કરી,
મર્દની લાશ પણ ઝળહળી હોય છે.
- મુકેશ દવે.
અમરેલી
તા.૨૬/૦૮/૧૭
શુક્રવારે


*વિશેષ આભાર કવિશ્રી વિજયભાઈ રાજ્યગુરુ.*
*જેમણે કાફિયા નિર્દેશ કરી આ ગઝલ લખવા પ્રેર્યો.*

શુક્રવાર, 25 ઑગસ્ટ, 2017

કજોડાનું ગીત

લાકડે માંકડું વળગ્યું, ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો.

ઓ ખેંચે ગામ આખું; એ ખેંચે સીમ,
મૂંગા મૂંગા બેઠાં ઢાળે એકબીજાનું ઢીમ,
કોઈઅે જીભનું તાળું તોડ્યું.... ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો.

ખોડંગાતી ચાલે ચાલે હંસ-કાગની જોડી,
બાજરાના ઢૂંવાને મેલી ઢૂંસે આંગળ ખોડી,
બાજકણાંનું ભૂત ધણણ ધુણ્યું... ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો

એક ટાંગે ચંપલ પેર્યા બીજી ટાંગે જોડો,
એક હાથે ઝાંઝર વાગે બીજા હાથે તોડો,
કઇ કૂતરીઅે ઠીકરું ભાંગ્યું ? ભાયું દોડો રે ભૈ દોડો - ભાયાતું દોડો રે ભૈ દોડો
- મુકેશ દવે
તા. ૨૫/૦૮/૨૦૧૭
ગુરુવાર

પ્રોત્સાહન માટે આભાર કવિશ્રી ડૉ. Anil Vala sir

ગુરુવાર, 24 ઑગસ્ટ, 2017

ગઝલ - તારણ હોય છે

મારું-તારું-સૌનું તારણ હોય છે,
જન્મ એ મૃત્યુંનું કારણ હોય છે.


શબ્દ ખુટ્ટલ સાવ પોકળ નીકળે,
બાકી સૌમાં એક ચારણ હોય છે.

રાતભર અંધાર વલખે છે અહીં,
પાંપણે પીડાનું ભારણ હોય છે.

ઝેરને ઘૂંટ્યા કરો, પીધાં કરો,
ઝેરનું તો ઝેર મારણ હોય છે.

એક નારાયણ નથી મળતો અને,
ગામમાં બે-પાંચ નારણ હોય છે.
- મુકેશ દવે (અમરેલી)
તા. ૨૪/૦૮/૨૦૧૭
ગાલગાગા ગાલગાગા ગાલગા

વિશેષ આભાર કવિશ્રી વિજય રાજ્યગુરુ

મંગળવાર, 4 જુલાઈ, 2017

બેઠાં - ગઝલ

એવું તો કૈં ભાળી બેઠાં.
અંતરને અજવાળી બેઠાં !

ચ્હેરા ઊપર ચ્હેરો મૂકી,
આસુંઓને ખાળી બેઠાં.

વૃક્ષો સઘળાં માનો ખોળો,
કલરવને સંભાળી બેઠાં.

સગપણનાં આ જંગલ વચ્ચે,
જાત અમારી બાળી બેઠાં.

એથી તો આ સાંજ ઢળી છે,
પાંપણને એ ઢાળી બેઠાં.

શાતા ક્યાંથી મળશે અમને !
અંગારા પંપાળી બેઠાં.

અક્ષરના અજવાળે જોયું,
મૂકેશમાં વનમાળી બેઠાં.
- મુકેશ દવે
તા.૦૫/૦૭/૨૦૧૭

વિશેષ નોંધ - કવિશ્રી લાલજી કાનપરિયાસાહેબની ગઝલ - ";સપનાઓને પાળી બેઠાં" ના રદીફ-કાફિયા પરથી .......

યોગ સાધના (અછાંદસ)

વૅસ્ટર્ન ટોયલેટમાં
આરામદાયક બેઠાબેઠા
એક કુપ્રશ્ન ટપકી પડ્યો.

આના પર
કેમ ન બનાવી કોઈએ કવિતા ??

ન ગોઠણને જોર..
સેન્દ્રીય જુગુપ્સા પ્રેરક દૃશ્યથી આંખનો બચાવ..
 અને
છૂટતી- વછૂટતી ગંધથી સલામત ઘ્રાણેન્દ્રીય...
કરકસર હેન્ડવોશ અને સાબુની..
સમય બચાવવા ન્યૂઝ પણ
આવી પહોંચે પાસે..
હા
એટલું ખરું
કે
ઊર્ધ્વ બળ અશક્ય..
સહજ છૂટે તે ત્યાગવું પડે..
પણ,
આ જ યોગસાધના....
- મુકેશ દવે
તા.૨૭/૬/૨૦૧૭

મંગળવાર, 13 જૂન, 2017

અનિર્ણિત શબ્દયુદ્ધ (અછાંદસ)

અનિર્ણિત શબ્દયુદ્ધ (અછાંદસ)
***********×*+*******
પથારીમાં પડુ છું
ને મન
શબ્દ-સંગ્રામગ્રસ્ત
થઈ જાય છે. રોજ રાત્રે શબ્દોનું આક્રમણ,
કતારબંધ ગોઠવાય
એકબીજાને હડસેલે,
કેટલાય ઘાયલ થાય, મરે
અને મેદાન છોડી ભાગે પણ ખરાં.
કલાકો સુધી ચાલે આ ઘમસાણ

હું
તંદ્રાઈ જાઉં
નિંદ્રાઈ જાઉ.

વહેલી સવારે
મોબાઈલનો ઍલાર્મટોન સૂંઘીને
કાન મને જગાડે
આંખો પર
શબ્દોના ક્ષિત-વિક્ષિત શબોના ઢગલાનું ભારણ,
ચિત્તમાં શબ્દરક્તની નદીઓ વહેતી હોય,
આ બધું ખંખેરતો ભાગું છું
ફરીથી રાત્રિનું
આ અનિર્ણિત ઘમસાણ જોવા.
- મુકેશ દવે

તા.ક. - કવિશ્રી Sanju Vala સાહેબનો સ્પર્શ થકી ઝગમગતી થયેલી રચના

બુધવાર, 19 એપ્રિલ, 2017

અછાંદસ - વતનની વાટે

વતનનાં ગામડે જઈ આવું.....
જરાંક અમથું એવું વિચાર્યું
ત્યાં તો.........!!!!!!!!!
આંબાવાડિયા સોંતી સીમ આવીને વીંટળાઈ ગઈ ગળે;
'ને કહે - લ્લે !! તું હવે ક્યાંથી મળે ???

સૂકીભઠ્ઠ નદી વહેવા લાગી કલકલ.... કલકલ.....
નદીના વહેણ વચ્ચે છીપરાં બાનો હાથ થઈ
મારાં મેલાઘેલાં લૂગડાં મંડ્યા ધોવા,
ને બાજુનાં છીંછરાં પાણી નાગોડિયા થઈ કરે છબછબિયાં,

તળાવમાં અડધી ડૂબેલી ભેંસો
તેજા ગોકળીને પીઠપર બેસાડી લલકારવા લાગી દૂહા......
અને કાંઠાના પાંચ છ ઝાડવાં મંડ્યા મોઈદાંડિયો ને ઓળકોળામડું રમવા,

ભાગી ગયેલી રૂપાળી છોકરીની વાતમાં
૧૦-૧૨ બેડાં ખાવા લાગ્યાં ડૂબકીઓ ભાડિયા કૂવામાં,

પાદરના વડલાં હેઠે ગઈકાલના છાપાં
આજના તાજા સમાચાર  ઉડાડવા લાગ્યા ગોરજમાં,

બજાર વચ્ચે કપૂરચંદની દુકાન બાવડું પકડીને કહે -
" કે'જે તારા બાપાને ખાતું ચૂક્તે નો'ય થાય;
પણ દાણા વગર કંઈ ભૂખે મરાય !!!!!

ચાર-પાંચ ભાભલાને લઈ બેઠેલો ચોક નેજવું કરીને
છમછમતા ઝાંઝરને ઓળખવાની મથામણમાં પડી ગયો,

ચોરે રામજી મા'રાજ ઝાલર વાગવાની રાહ જોતા
બેસી ગયા નીજગૃહે,

શેરીના નાકે  છીંકણીની ૫-૬ ડબ્બીઓ
ચપટી નાકે અડાડતી બેસી ગઈ,

પીયર આવેલી સૈયરોની કાંખમાં
રાસડા તાલીઓની ઝપટ દેવા લાગ્યા,

ઘરની ખડકી મારા સાંભળીને પગરવ
"આવ્યો મારો સાવજ" કહેતી ઉઘડી ગઈ

અને ત્યાં........જ.
બેસી પડ્યું મન ખીન્ન થઈને........
નથી જવું...........
પાછલા વરસોમાં જ્યારે ત્યાં ગયો ત્યારે
આમાનું કોઈ ક્યાં મળેલું ...!!!!!!!
 - મુકેશ દવે
તા.૧૯/૦૪/૨૦૧૭



શનિવાર, 15 એપ્રિલ, 2017

ગીત - મૂઓ મૂકલો


જોજો, થઈ જાશે બૂરે હાલ, મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા,
સાવ બગડીને થૈ ગ્યો બેહાલ,મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

આકાશના તારાને તોડીતોડીને વળી
                      નદીયુંના નીરમાં ઝબોળે,
નદીઓને તેડીને કાંખમાં; દરિયા લૈ બાથમાં
                             ડૂંગરની ટોચને ખોળે,
એનો મારગ છે ભૂંડો પથરાળ,મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

ટગલીશી ડાળીએ કાગડાના માળામાં
                         ડૂબકી દઈને મોતી લાવે,
માછલીની આંખમાંથી પાંખ લઈ ઊડે ને
                          મોભારે બેસીને ગાવે,
સૌને પીરસે અક્ષરિયો થાળ,મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

સેંથીના સિંદૂરની બળબળતી આગને
                         છાતીએ વળગાડતો ઝૂમે,
ચૂડલીના ખણખણતા નિ:સાસા ચોરીને
                          ગજવે ખખડાવતો ઘૂમે,
પછી ગૂંથે છે શબ્દોની જાળ, મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

હાથમાં કુહાડી જોઈ ઝાડવાંની આંખમાં
                             દોથો ભરીને રણ છાંટે,
લીલુડી કૂંપળને દેખે જ્યાં અમથો
                       ત્યાં ખોબેખોબેથી વન બાંટે,
એ શાનો થાશે માલામાલ ? મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.
- મુકેશ દવે
તા.૧૫/૦૪/૨૦૧૭
ગઈ રાતે
હનુમાનજી આવ્યા
સપનામાં....
ગદા મૂકી
બાજુ પર...
ભગવાન રામ સામે
જોડેલ હાથમુદ્રામાં
બેઠા હોય તેમ બેસીને
બોલ્યા કરગરતા..
"વત્સ,
સવારથી જ
ઊજવાશે
મારો બર્થ ડે
વોટ્સએપ અને ફેસબક પર...
હું થાકી જઈશ- તૂટી જઈશ
એક વૉલ પરથી બીજી વૉલ પર,
એક ઍકાઉન્ટ પરથી બીજા ઍકાઉન્ટ પર....
ઠેકડા મારી મારીને......
પ્લીઝ..!!
કહી દે લોકોને...
મને લેવા દે શ્વાસ....
તારી પાસે મારી એક જ આશ..."

હાય રે !!!!
હું આજે જ
જાગ્યો મોડો(ફટ્ટ છે મને)
ત્યાં સુધીમાં
કેટલાય કૂદકા
લગાવી ચૂક્યા'તા
હનુમાનજી.
- મુકેશ દવે
dt.11/04/2017
બાળપણમાં
ચડ્ડી પહેરતાં
શરમાતું
બાળપણ
મોટપણમાં
બર્મૂડો પહેરવામાં
કેવું
ગૌરવ અનુભવે !!!!!
- મુકેશ દવે

Dt.10/04/2017

મંગળવાર, 21 માર્ચ, 2017

ઉતાવળી પ્રસૂતા (અછાંદસ)


નથી થતી
સહન આ વેણ...
કરો
જલ્દી હૉસ્પિટલાઈઝ..
કરી નાખો
સિઝેરિયન......

અરે પણ !!!
આઠ માસે !!!
કાં.. તો
સંતાન માયકાંગલું...
કાં... તો......!!!!!!!

આછાંંઆછાં
દેખાય છે
મને
પ્રસૂતામાં કવિ
અને
નવજાતમાં કવિતા.
- મુકેશ દવે
Dt.21/03/2017

શુક્રવાર, 24 ફેબ્રુઆરી, 2017

અછાંદસ -

આવું તે કેવું કૌતુક !!!!
૧૦'બાય ૧૦'ની ઓરડીમાં ઘોડા દોડે ?
આંસુનાં એક ટીપાંથી સાગર ખારો થાય ?
ભમરો તડકો લઈને ઊડે ?
માછલીની આંખમાં દરિયો ઘૂઘવે ?
પાંપણના પછવાડે નદીઓ વહે ?
જામને અડકો કે કલમને પકડો ને હાથ બળે ?
ચાંચમાં આકાશ લઈને પંખી ઊડે ?
રાખમાંથી કોઈ સજીવન થઈ બેઠું થાય ?
કાનથી કવિતા વાંચી શકાય ?
સૂર્ય ખૂદથી દાઝે ?
ચશ્માના લેન્સ સાફ કરીએ તો રાતરાણીની સુગંધ આવે ?
ઝાકળબૂંદમાં સૂરજ ડૂબે ?
પોતાના ખભે પોતાની જ લાશ ઉંચકાય ??
શ્વાસનું હાડપીંજર હોય ?
મૃગજળમાં નાવડી તરે ?
પંખીને જોઈને દરિયો ઊડે ?
મ્હેંક પર લીસોટો કે ઘસરકો પડે ?
તરણું ઝાકળની ઝાંઝરી પહેરે ?
આ બધું કૌતુક કરવું
ના જાદુગરના ખેલ ..
એ તો
શબ્દસોદાગરના ખેલ....
ભૈ
કવિ થઈ જન્મવું પડે
કે જન્મીને
કવિ થવું પડે .....
- મુકેશ દવે
અમરેલી તા.૨૫/૦૨/૨૦૧૭

ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2017

ગીત - શબ્દોનું વાવેતર

ગીત - શબ્દોનું વાવેતર
વીંખી-ફેંદી હૈયાસ્પર્શ્યું લોક લોકનું જીવતર,
દલડે-દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર.

અશ્રુજળના સિંચન સીંચી
હેતે ધરતાં છાંયું જી,
ટેરવેથી ટશરોને ફોડી
લોહીભીનું ગીત ગાયું જી,
હૃદયે હૃદયે મ્હોરી ઊઠ્યાં શમણાંના લ્હેરાતાં ખેતર.
દલડે-દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર.

કૌતુકછલકી આંખો દોડી
લાગણીઓને લણવા જી,
આંગળીઓને ફૂટી વાચા
ગઝલોને ગણગણવાજી,
જીભના શેઢે ટહુકી ઊઠ્યાં કોયલ મોર બપૈયા તેતર.
દલડે-દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર.
- મુકેશ દવે (અમરેલી) તા.૨૩/૦૨૨૦૧૭

ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2017

એ વાત અલગ છે - શૈલેન રાવલ

"એ વાત અલગ છે"- કવિશ્રી શૈલેન રાવલ કૃત ગઝલ સંગ્રહ સપ્રેમ મળ્યો અને એટલાં જ પ્રેમથી વાંચ્યો.પ્રકૃત્તિના ખોળે ઉછરેલ આ કવિની ગઝલોમાં કોઈ ને કોઈ શૅ'ર પ્રકૃત્તિ સાથે સંધાન લઈ આવે છે.આ પ્રાકૃત્તિક સંધાન ધરાવતા શૅ'રની સફર કરીએ - by  Mukesh Dave
*
મારું ગણું શું, સૂર્યને હું અવગણી શકું ?
ઝાકળની જાત છું,બે ઘડીનો મિજાજ છે.
*
આવશે તો મન મૂકીને આવશે;
પંખીઓ થોડા પૂછીને આવશે ?
*
ક્યાંકથી ભીની હવા આવી,
ડાળ ડાળો નાચતી થઈ ગઈ.
*
કેટલું વરસી પડાયું, પૂછવાનો અર્થ શો ?
એક ભેરુ આંગણે વરસાદ પર આવી ગયો.
*
ચાલ ખોબો ધર,તને ફૂલો દઉં,
છળ ઉગાડીને કદી જીવ્યો નથી.
*
ફૂલ, પંખી,પર્ણનો આદર કરું છું;
નોખી ઢબથી ધર્મનો આદર કરું છું.
*
સાંભળ્યું ચીં... ચીં... જરા માળા વિશે
ઓરડે પછી પડઘા કેવા પડ્યા ?
*
વાયરો ચૂમી અને ચાલ્યો ગયો,
ઝાકળી પગલાં અહીં એવા પડ્યા.
*
પછી કેમ પંખીઓ ના ચહેકે મસ્તીમાં આવી,
અરે, વૃક્ષથી નીતર્યા લાડનો મામલો છે.
*
પર્ણ હીન તો પર્ણ હીન પણ વૃક્ષ તો છે;
આંગણા માટે ગજબનો આશરો છે.
*
કૈં જ સ્પર્શી ક્યાં શકે જળ કે પછી કાદવ ?
સંત સમજણને કમળનો તર્ક તેં દીધો.
*
પળો બધી યે પતંગિયા શી,
કેમે સપને સમાઈ ભૈયા !
*
બેઉ કાંઠે રહી વાત વહેતી;
બોલ ક્યારે નદી ચણભણી છે ?
*
પાસ પાસે સાંપડે ટહુકા અને ચિત્કાર પણ;
કૈં નહીં વૃક્ષાળ વય બાબત ખૂલીને બોલજે !
*
પોતપોતાની રીતે લડતા સમસ્યાથી;
કાગડો નળ પર ઘસે છે ચાંચ વસ્તીમાં.
*
ઊભા છે ઝાંઝવાઓ માર્ગમાં મારા;
નહીંતર આખ સામે તો સરોવર છે.
*
નથી ધૂળ, વંટોળ ગ્રીષ્મનો;
નિરંતર સુગંધિત ગુલાલ છું.
*
જીવ મારો ઘણો સંતોષી છે;
ચપટી માટી મેં ગજવે ખોસી છે.
*
માણસો આસમાન લઈ જાશે;
પંખીઓની ઉડાન લઈ જાશે.
*
ફૂલ જેવા વર્ષ માણ્યા ગણગણી;
શી રીતે એ કારમી ક્ષણ તોડશે ?
*
છે હવાની એ શરારત હોય; પણ
બુદબુદા સંભાળવા સહેલા નથી.
*
એ જ રસ્તા મને દોરી ગયા
વૃક્ષ જે અત્તરના ફાયા થઈ ગયા.
*
કંટકોને નથી ખબર એની,
ફૂલ તો ઝાકળી મલમ રાખે.
*
જામતી રાતે મહેંકવાની છે;
આ ગઝલ દોસ્ત, રાતરાણી છે.
*
રોજ એ તાજા ફૂલો દીધા કરે છે;
હસ્તરેખા થોડી સુક્કી ડાળખી છે ?
*
વૃક્ષના વિચ્છેદની ઘટના પછીથી
પંખીના પડછાયા અવસાદી ફરે છે.
*
પીંજરેથી પંખી ગાયબ થઈ ગયું છે
પીંજરામાં સ્તબ્ધ આઝાદી ફરે છે.
*
એ રીતે લલચાવવું ફાવી ગયું છે;
ઝાંઝવાનાં જે રીતે પગલાં પડે છે.
*
અનોખા વિસ્મયો માળા વિશે જાણી,
પવન થંભી ગયો'તો ડાળખી પાસે.
*
અહીં આભ ધરતીને અર્પિત થયું છે;
ને પ્રત્યેક ઢેહું સુગંધિત થયું છે.
*
ગંધ માટીની ભરી છે ફેફસા અંદર
તો ય ખેતર કાં હજી રાશ'વા લાગે ?
*
મોસમી કલરવ સમો છું !
શબનમી પગરવ સમો છું !
*
બે'ક શબ્દોથી નવાજે તું, ખરેખર
વૃક્ષ અંગે પંખીઓ પ્રતિભાવ દેશે.
*
પૂર્વજોની હાજરી વર્તાય એના સ્પર્શમાં;
આજ ઘેઘૂર છાંયડાથી મન મનાવી જોઈએ.
*
હજુ પણ કેમ પંખી ડાળ પર પાછું નથી આવ્યું ?
સતત ચિંતિત રહેલા ઝાડવાની વાત શી કરવી ?
*
ઘાસ માફક ઝૂકવું ડહાપણ ભરેલું;
વાયરો ફૂંકાય છે માથા ફરેલો.
*
એ નદીથી પણ બચે એવું નથી
ઝાંઝવાનો ગાળિયો છે ડોકમાં.
*
શક્ય ક્યાં છે ખુશ્બૂ બંધાય એ;
જ્યાં સુધી હળવે હવા ચાલ્યા કરે.
*
જે નદીના ગાન સામે આંગળી ચીંધે;
એ ધરમ ને ધ્યાન સામે આંગળી ચીંધે.
*
લ્હેરખીએ કાનમાં કીધું;
આજ ટહુકા ઘેરથી આવે.
*
એક ખિસકોલી તરત પાછી ફરી ગઈ,
તરફડે છે સ્પર્શ સૂના બાંકડામાં.
*
વૃક્ષ માફક જીવવું ફાવી ગયું એને
ઝકળી સંગાથ નિર્વિવાદ રાખે છે.
*
તરસ મારી ફક્ત ખોબે ચડે છે
નદીઓ પણ તને ઓછી પડે છે.
*
એક તો દેણું ઘટી શકતું નથી
ને વળી વરસાદપણ માઠો પડે.
*
પવનને પૂછવું પડશે; કે ડાળી ને -
ખરેલા પાંદડા શું ગણગણી આવ્યા ?
*
જીવવા માટે જરૂરી હોય છે,
બે'ક મિત્રો વૃક્ષ સરખા રાખીએ.
*
કૈં નદી માગી નથી, સાચું કહું ?
માત્ર મેં ખોબો ધર્યાનું આળ છે !
*
તને કેમ ખાલી જણાયો ?
મેં તડકેથી ખોબો ભર્યો છે.
*
છીનવી લીધાં નદી - સરવર, ઘણું યે,
ને હવે એ ઝાંઝવા - રણ છીનવે છે !
*
શી રીતે માપસર જીવવાનું ?
શીખવે પાનખર જીવવાનું !
*
પંખીઓને આશરો દેતી,
ડાળખી દીવાસળી થઈ ગઈ.
*
આભ ખોયું, બારણાંથી દૂર થઈને શું મળ્યું ?
એકદમ તાજી હવાથી દૂર થઈને શું મળ્યું ?
*
ગામડાની એ હવા પાછળ મૂકી આવ્યો
ગોઠિયાને આવ-જા પાછળ મૂકી આવ્યો.
*
આંગણું તો ખીલશે
ત્યાં પારેવું જોઈએ.
*
સૂર્ય ભીંજાતો રહ્યો
આંખથી આંસુ ઢળ્યું.
*
બે'ક ટહુકાને સ્પર્શી શકાય
શીત દાયક મલમ લાગશે.
*
પંખીએ પાંદડાને કહ્યું
પાનખરમાં મારું શું થશે ?
*
ચાંદની ઊતરી આંખમાં
સ્વપ્ન સહુ રાતરાણી થશે.
*
ફૂલ માફક ખીલવાનું હોય છે,
એટલે પથરાળમાં રહેવું પડે.
*
માણસો જાણે કુહાડીના ફણાં,
લીલકાતી નાતમાં સોપો પડ્યો.
*
સાંભળું તો સાંભળું કોને હવે ?
ક્યાંકથી ટહુકો ભળ્યો છે ગાનમાં.
*
કંટક વચ્ચે શ્વાસ ભર્યા છે
ફોરમનો આસ્વાદ કરું છું
*
એમને વૃક્ષો દુઆ દેશે
પંખી પ્રેમીઓ નગરમાં છે !!!
*
પંખીઓ ચહક્યા અને અજવાસનો મહિમા થયો
જોતજોતામાં આખિલના વ્યાપનો મહિમા થયો.
- શ્રી શૈલેન રાવલ

મંગળવાર, 14 ફેબ્રુઆરી, 2017

આજે
વેલેન્ટાઈન ડે...
સૌએ
ખૂબ ગાયો પ્રેમ...
વોટ્સએપ પર,
ફેસબૂક પર,
ગૃપમાં
અરે !!
વૈયક્તિક રૂપે પણ...
પ્રેમ ..
પ્રેમ...
અને
પ્રેમ જ.
અતિરેક પ્રેમનો..
ઊકરડો થઈ
ગંધાઈ ઊઠ્યો...
એમાં
આટલાં બધાં
કીડાઓ ખદબદતાં હશે.. !!
ખબર પડી
આજે.
કાલિદાસે
ખોટો ગાયો
વસંત વૈભવ.
હવે તો
ઉબકાઈ ગયો
આ શબ્દથી
અને
નરી નફરત,
હા !
નફરત થઈ ગઈ
પ્રેમથી.....
કાશ !
હીર-રાંઝા,
શીરી-ફરહાદ
જીવિત હોત તો...??
હવે
કદાચ
નહીં લખુ
પ્રેમના ગીત
- મુકેશ દવે.
તા.૧૪/૨/૨૦૧૭

રવિવાર, 12 ફેબ્રુઆરી, 2017

ગીત
*મોડા જાગેલા કવિમિત્ર ડૉ. Anil Valaને..*


હવે તો મહૂડો ઉતારો રાજ.

ઝગમગ ઓરતા લઈને બેઠો
સૂરજડાડો મોભે,
ચોળાયેલી ચાદર થઈને
શમણાં કયાંથી થોભે !
ડગમગતા ડગલાં મથે છે સ્થિર થવાને કાજ,
હવે તો મહૂડો ઉતારો રાજ.

છતી આંખે અંધાપો ઝૂરે
દેખ્યાઓનો દેશ,
રાતી આંખ્યું નફ્ફટ નકટી
ભજવે વરવો વેશ,
પાંપણ પર વળગેલું ઘારણ ઝટ ઉતારો આજ,
હવે તો મહૂડો ઉતારો રાજ.
- મુકેશ દવે
તા.૧૩/૦૨/૨૦૧૭

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2017

*ગીત* બચલી ડોસી


બચલી ડોસી સો વરસની તોય હજુએ જીવે,
ઝળેલ સાડલે બખિયા મારી જીવતર આખું સીવે.

ઘાઘરી-પોલકું મીંડલે વીંટી
ઝૂલે આંબા ડાળે,
શૈશવ આખું છબ્બો છબ્બો
પાંચીકે ઉછાળે,
નોંધારી ભીંત્યુંને ટેકો આપ્યો'તો એક દીવે,
બચલી ડોસી સો વરસની તોય હજુએ જીવે.

બોખાં મોંએ ચગળાતું આ
જોબનિયું ગળચટ્ટું ,
ઓરડાનું અંધારું ઓઢી
ધનને મેલ્યું છૂટૂં
બારસાંખના તોરણ સઘળાં ફૂલો થઈને ખીલે,
બચલી ડોસી સો વરસની તોય હજુએ જીવે.

દાણા-છાણાં વીણીવીણી
સેવી નીજની આંખો,
ઊડી ગઈ ગઢપણની આશા
ફૂટી જ્યાં બે પાંખો,
થૂ-થૂ-થૂ-થૂ ખારી-કડવી એકલતાને પીવે,
ઝળેલ સાડલે બખિયા મારી જીવતર આખું સીવે.
- મુકેશ દવે
તા.૧૦/૦૨/૨૦૧૭

શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

અમર થવાના
હવાતીયા મારતી ધર્મશાળાઓ
ફક્ત ચોડ્યા કરે છે પોતાના નામ.

બસસ્ટોપના
બાકડા,દીવાલો અને જાજરૂ
ધુળેટી રમે છે પાનની પિચકારીથી.

દોડધામ કરતા
વાહનો,ઓફિસો અને કોલેજો
હડતાલ પાડે છે તૂટી જઈ, સળગી જઈ.

ખાઉધરા
ભ્રષ્ટાચારી ગોડાઉનો
ભરે રાખે છે પોતાના ફૂલેલા પેટ.

નિરાશ થયેલ
કૂવા,તળાવ અને રેલ્વેલાઇનો
ક્યારેક આપઘાત કરી લે છે.

અને બિચારાં
આપણે - માણસ !
ક્યાં રોકી શકીએ છીએ આ બધાને ?
- મુકેશ દવે(અમરેલી)
એક સ્વજનને શબ્દાંજલિ......

સાવ અચાનક અમ હૈયે સૂનકાર તું મૂકી ગયો,
અરે ! તેં ઉજાળેલાં જીવનમાં અંધકાર તું મૂકી ગયો.

કોણ કોને આપે દિલાસો તું નથીના અહેસાસમાં,
કંપતા રોમ-રોમમાં હાહાંકાર તું મૂકી ગયો.

પંથ પાડ્યા તેં નવા હાસ્યથી: પરિશ્રમ તણાં,
રે ! અમારાં ડગમગુ ડગે ઝબકાર તું મૂકી ગયો.

'મયૂર' તારી કળા સોળે કળાએ ખીલી'તી ત્યાં,
ઓચિંતી સંકેલી લઈની ચિત્કાર તું મૂકી ગયો,

તું નથી એ કલ્પના કરવીય ખૂબ મુશ્કેલ છે,
સ્મરણમાં કેટ-કેટલા આકાર તું મૂકી ગયો.
- મુકેશ દવે
 ગીત
ભર બજારે ગામ વચાળે દોડી જાતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
ભર બપોરે ખેતર શેઢે પહોંચી જાતો ગામગપાટો હુમ્બાહુમ્બ.

કૂવા થાળે જળ નીતરતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
નદીયું નાળે ડૂબકા ખાતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
તળાવ પાળે ગહેક્યા કરતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
તળાવ પાળે,નદીયું નાળે,કૂવા થાળે નામ રાખુ ગામગપાટો હુમ્બાહુમ્બ.

મેડીયુંમાળે રાત રે'તો ગામગપાટો હુમ્બાહુમ્બ.
ડુંગરગાળે હાંક દેતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
વિહગમાળે હાંફ લેતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
વિહગમાળે,ડુંગરગાળે,મેડીયુંમાળે ગામ આખું ગામગપાટો હુમ્બાહુમ્બ.
- મુકેશ દવે
સંબંધ એવો પીઠીમાં ઘૂંટ્યો હતો,
કે રંગ એનો ક્યારે ન છૂટ્યો હતો.

કૂંપળ અહીં ફૂટી ડાળને એમજ,
ને ઠાઠ વૃક્ષોનો તોરણે ઝૂલ્યો હતો.

એ છેક સાથે આવ્યાં હતા મંઝિલે,
મેં તો અમસ્તો માર્ગ જ પૂછ્યો હતો.

સહવાસ મળ્યો તો જિંદગીમાં એનો,
દૂર્ગમ આ રસ્તો એમ ખૂટ્યો હતો.

અમસ્તું નથી પૂજન થતું એમનું,
ઇતિહાસ થૈ ખાંભીમાં એ ખૂંપ્યો હતો.
-----મુકેશ દવે

૩/૧૨/૧૧
 
ગાગાલગાગા ગાગાલગાગા લગા
ઓસરી
(ગાગાલગાગા ગાગાલગાગા ગાગાલગાગા લગા)

હો ક્યાંક ઊંચી ને ક્યાંક નીચી પડથાર છે ઓસરી.
તો ક્યાંક દાતા ને ક્યાંક ભિક્ષુક પળવાર છે ઓસરી.

યુદ્ધો અને વિશ્રામો અહીં આવે છે પરોણા બની,
ક્યારેક પુષ્પોની માળ તો કો'દિ તલવાર છે ઓસરી.

આ પૂર્વજો તસ્વીરે મઢાઈની ભીંત પર ચૂપ છે,
ઘૂઘરસમી થઈ આ બાળકોની વણઝાર છે ઓસરી.

સુખદુ:ખ ભલે બેઠાં ટોડલે તોરણ થૈ સદા અહીં,
થોડા હરખ ને થોડા રુદનની ઘટમાળ છે ઓસરી.
------ મુકેશ દવે ૧૨/૦૧/૨૦૧૨
વરસોથી પીડા દેતી એવી જ એક ક્ષણ હોય
ઊપર ઘૂઘવે દરિયા ભીતર અફાટ રણ હોય.

-- મુકેશ દવે
ગીત
ખેતરમાં ઝોક* અને ઘરમાં ઉજાગરા,
સપનાના થોકબંધ ફરકે ધજાગરા.

આંખે નિ:શ્વાસ આંજી ઢોલિયો ઢાળેલો,
વિરહથી લથબથ ધાબળો ઠાંસેલો,
ના પાંપણથી રોકાયા આંસુઓ કહ્યાગરા,
ને સપનાના થોકબંધ ફરકે ધજાગરા.

સીમનું એકાંત આખું ચાંદનીમાં વલખે,
મળે ઝરમર મલકાટ એવી આશાને ભરખે,
કેમ હૈયાના ખૂણલા થાશે હર્યાભર્યા !
જોને ખેતરમાં ઝોક* અને ઘરમાં ઉજાગરા
---- મુકેશ દવે
ગાગાલગા ગાગાલગા ગાગાલગા
સંબંધ એવો જોડવાની તક મળે
ક્યારે ન એને તોડવાની તક મળે.
- મુકેશ દવે
આપણે કવિઓ
એક વહેતી નદી.
કવિતા આપણું નીર,
નિર્મળતા આપણું ખમીર.
ક્યારેક સુકાઈ જઈએ;
તો વળી ક્યારેક પૂરપાટ વહીએ...
કેટલાંય બેડાં છલકતાં જાય
તો કેટલાંય ખાલી ખખડતાં જાય,
કોઈ નીર ભરી જાય,
તો કોઈ મેલ ઠાલવી જાય..
કોઈ બાંધીને ખેતરે સીંચે;
તો કોઈ ઊર્જા બનાવી ખેંચે.
કંઈ માછલીઓ ક્રિડા કરે;
તો કંઈ શિકાર થાય.
પણ
આપણે શું ?
નિસ્પૃહિતા આપણી ધરોહર
આપણે તો બસ વહેવાનું
કલકલવાનું
આપણે કવિઓ
એક વહેતી નદી.
કવિતા આપણું નીર,
નિર્મળતા આપણું ખમીર.

- મુકેશ દવે
૩૦/૪/૧૨
પોથી માહ્યલાં પંડિત નીકળ્યા,
મૂર્તિ થયાને ખંડિત નીકળ્યા.

વિશ્વાસ મૂકીને સૂઈ ગયા'તા,
એ રખોપિયા ભયભીત નીકળ્યા.

દર્દ બધાયે દીલમાં દબાવી,
સૌ મુખ હાસ્યથી મંડિત નીકળ્યા.

લોહીઝાણ હૃદયમાં ન્હોર મારતા,
દુશ્મન નહિ પણ મીત નીકળ્યા.
- મુકેશ દવે

૧/૮/૧૨
એવું છે થોડું કે; આ લતનો નશો છે,
કોણ જાણે કેવી હાલતનો નશો છે !
-
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

- મુકેશ દવે
મારી પૂર્વે
મૂર્ધન્ય વડીલ કવિશ્રીઓ છે.
જેમણે શબ્દને સાધ્યો છે,
શબ્દને બાંધ્યો છે,
શબ્દને પાકટ બનાવ્યો છે
તેથી જ
તેમની મરજી મુજબ જ
શબ્દનું અર્થ-ભાવ પ્રગટ્ય થાય છે.
અને મારી ઉત્તરે
તરવરતા યુવાકવિઓ છે.
જેમણે શબ્દને પડકાર્યો છે,
તેમાં તરવરાટ ભર્યો છે.
તેથી જ...
શબ્દ તેના મૂળ અર્થને છોડી
ક્યાંય આગળ નીકળી ગયો છે.
આ બંને વચ્ચે
હું
અધકચરો બેઠો છું
નથી બારીક થઈ ગળે ઉતરી શકતો.
બસ...
પાનમાં ચવાયેલ સોપારી જેમ જ
થૂંકાયા કરું છુ.
બસ હાંશ એટલી કે,
આમાંનો હું કંઈ એકલો જ નથી.
--મુકેશ દવે (અમરેલી)

૨૪/૧૨/૨૦૧૨
અય દોસ્ત ! તારો જરી દીદાર કરી લીધો,
એટલે દરિયો વિકટ અમે પાર કરી લીધો.

ધર્માસનેય બેસવાનો ફાયદો જુઓ જરા,
કેવો એમણે શ્રદ્ધાનો વેપાર કરી લીધો.

તાગ નથી નીકળી શક્યો આ જિંદગી કેરો,
બસ અમે થોડો આ એનો સાર કરી લીધો.

ના એકેયે જગા બાકી રહી ગઈ સુસજવામાં,
આંગેઅંગમાં જખ્મોનો શણગાર કરી લીધો.

કશું ના દઈ શક્યા'તા ને; કશું પામી શક્યા'તા ના,
બસ એટલો તો વસવસો પારાવાર કરી લીધો.

- મુકેશ દવે (અમરેલી)

૩/૧/૧૩
સાવ નથી રેઢી પડી રસ્તામાં ગરીબી,
ને તોય મળી ગઈ સસ્તામાં ગરીબી.

આ મહેલ-મંદિરની જાહોજલાલી જૂઓ,
એમણે પૂરી રાખી ખિસ્સામાં ગરીબી.

દુ:ખ,ભૂખ,લાચારી ને ભય સાથેના,
બહુ ખૂબ ખીલી રહી રિશ્તામાં ગરીબી.

એને ક્યાં પડી છે છતાં જીવ્યા કરે છે,
તો પણ રહે સતત ચર્ચામાં ગરીબી.

બાદબાકી નથી કરી શકતાં કદીએ,
હાજર હોય જ એ દરેક મુદ્દામાં ગરીબી.

- મુકેશ દવે (અમરેલી)

૭/૧/૧૩
ગળથૂથી અને ગંગાજળ
આ બે વચ્ચેનો સમય
તે
જીવન.
મુકેશ દવે
મારા જીવનનો આરંભ એવા ઢંગથી થયો,
એટલે તો અંત એનો કેવા જંગથી થયો !

શરૂઆત ભલે થઈ હશે ગઝલની પ્રણયથી,
મારી ગઝલનો મત્લા પ્રણય-ભંગથી થયો.

દુશ્મનો જ આપે પીડા એવુંય ના રહ્યું,
દેખાય જે મારો ઘાવ; મિત્ર-રંગથી થયો.

કોઈ નડતા હોય છે અવકાશીગ્રહો સિવાય,
પ્રભાવ ક્યાં એના પરે; કોઈ નંગથી થયો ?

પગમાં હતી મેંદી કે ના દોડી શક્યાં; છતાં
આભાસ આ મેળાપનો અંગેઅંગથી થયો.
મુકેશ દવે (અમરેલી)

૩૦/૧/૧૩
સંસારરથ પર લાંબી મઝલ કાપનારા વીર યોદ્ધાઓને સાદર અર્પણ
એક હઝલ

પ્રથમ દશકે બહુ વા'લી લાગી,
અંતે રામનામ શુ તાલી લાગી*.

આવી હતી ગૃહ લક્ષ્મી બનીને,
ને કરવા ખીસ્સા ખાલી લાગી.

રૌદ્ર સ્વરૂપની ઝાંખી થઈ દ્વારે,
પત્ની નહીં;પણ મા કાલી લાગી.

વિષ્ણુચક્રનો જ અહેસાસ થયો,
એક ફરફરતી જ્યાં થાલી**લાગી.

સંસાર નાટ્યનું આ કેવું મંચન !
પત્ની-લીલા બહુ નિરાલી લાગી.

-- મુકેશ દવે (અમરેલી)
૧/૨/૧૩
* રામનામ શુ તાલી લાગી= વૈરાગ્યના અર્થમાં
**થાલી = થાળી

લાગણીને છંછેડી છે હવે,
આંસુઓની કૈં બેડી છે હવે.

થાય ના પંથ જો બેઠા રહે,
થોડું ચાલી જો કેડી છે હવે.
- મુકેશ દવે (અમરેલી)
સમયનું કામ જ ચાલવાનું,
અમારું આમ જ ચાલવાનું.

- મુકેશ દવે (અમરેલી)
મુશ્કેલીનો પહાડ ખસતો થયો,
એક ડગલું ચાલ્યા ને રસ્તો થયો.

રાત્રિના સ્વપ્ન જેવું અલ્પ જીવન,
તેંત્રીસ કરોડ શ્વાસમાં વસતો થયો.

એક ભેંસની કિંમત લાખની થઈ,
માણસ જેવો માણસ સસ્તો થયો.

- મુકેશ દવે (અમરેલી)

માણસ પાસે વાણી - ગઝલ


લ્યા, માણસ પાસે વાણી છે,
માટે  દુષ્ટ થતું પ્રાણી છે.

આપી દીધો પેટે ખાડો,
એને પૂરવાની ઘાણી છે.

ખૂબ મથે  મેળવવા એને,
લક્ષ્મી સાચી રાણી છે.

બહુ દીધું, ના માંગુ ચોથું,
એ વાત હવે જુનવાણી છે.

જીવન એથી જીવ્યા જેવું,

પગમાં ઊતર્યું પાણી છે.
-મુકેશ દવે

૧૪/૨/૧૩