મંગળવાર, 30 એપ્રિલ, 2024

ગીત - પાદરનો વડલો


પરોઢ સાથે શિતળ વાયુ વાય ઘટોઘટ ગામને પાદર વડલા હેઠે,
પ્રાગડટાણે કલબલટાણું થાય લગોલગ ગામને પાદર વડલા હેઠે.

દી ચડેને ગામઆખાના વાવડ આવી ઠલવાતા જાય બ્હેરા કાને,
પનિહારીનાં ઠૂમકઠૂમક ઝાંખાપાંખાં જાય ઝીલાતાં નેજવાધારે, 
નિશાળિયાના દે-દેકારા થાય અડોઅડ ગામને પાદર વડલા હેઠે.

ધોમધખેલો વગડો આવી પાણી પી'ને ટાઢા છાયે સીમ વાગોળે,
જોડિયો પાવો વડવાયુના ઝૂલે ઝૂલી મીઠુંમીઠું વાય ભાગોળે,
વ્હેતી લૂમાં પિયાવાની શિતળ માણ્યું તરસ્યાં પંથીઓને ખોળે,
ગંજીફાઓ પત્તાં ચીપ્યે જાય ચપોચપ ગામને પાદર વડલા હેઠે.

ગોધૂલિની ડમરી થઈને બાળખેલંદા હડી કાઢતા મંદિરદ્વારે,
કેફ તરસતાં લથડે પગલાં પાદર છોડી આથડતાં કોઈ અવડ ઓવારે,
ભૂતાવળની સજીવ થાતી દંતકથાઓ કાચાપોચા જણને ડારે,
ઘૂવડ-ભેરબ-વડના વાગોળ પાંખોમાં અંધાર ભરીને આંખ પસારે,
પાછલા પ્હોરે મોરપગાના ભાગ વડોવડ ગામને પાદર વડલા હેઠે.
- મુકેશ દવે
જામનગર
તા.૨૩/૦૪/૨૦૨૪, મંગળવાર
હનુમાન જયંતી

શનિવાર, 13 એપ્રિલ, 2024

ગીત - શાને લમણાઝીંક !

પોતાની મરજીના હરકોઈ સાધક છે તો શાને લમણાઝીંક હશે આ !
નોખીનોખી ફોરમના સૌ વાહક છે તો શાને લમણાઝીંક હશે આ !

સૌને દીધેલું અજવાળું ખુદને સાચું લાગે તો પણ બીજાને જૂઠ્ઠાણું છે,
સૌને કંઠે વ્હેતું ગાણું  ખુદથી એ પોંખાશે તોયે બીજાને ઉખાણું છે,
અજવાળાં-અંધારાં અહીંયા વ્યાપક છે તો શાને લમણાઝીંક હશે આ !

હરિના ગાડે હરિના ધોરી, હરિનો મારગ, હરિએ દીધું લીલું ખેતર,
ખેડુ જ્યારે હરિરસ તરસે - હરિરસ વરસે, હરિરસથી મ્હોરે વાવેતર,
હરિના દ્વારે ઊભેલાં સૌ યાચક છે તો શાને લમણાઝીંક હશે આ !
- મુકેશ દવે
તારીખ -૧૨/૦૪/૨૦૨૪
શુક્રવાર
જામનગર