બુધવાર, 3 નવેમ્બર, 2021

ગઝલ - માણસ છું

 સાદ ન પાડો તો પણ સામેથી મળતો માણસ છું,
સબરસ જેવું જીવ્યું મારું; સૌમાં ભળતો માણસ છું.

આ હાથોને કોઠે પડ્યું; તંગીમાં કાયમ રહેવું,
સંકડામણ ક્યાંથી નડશે ? આશિષ રળતો માણસ છું.

કસકસમાં આપીને લિજ્જત; રાખ બનીને ખરતો,
ખાખી બીડી જેવો હું ઠરતો-બળતો માણસ છું.

કેમ કરીને સરવર જેવું નિશ્ચલ મારે રહેવું ?
નિર્મળ ઝરણાં જેવો મોજે ખળખળતો માણસ છું.

હૈયા પર પથ્થર મૂકીને મારાં આંસુ ખાળું,
કોઈના બે આંસુમાં હું ઓગળતો માણસ છું.
- મુકેશ દવે
અમરેલી
મૂળ ; તા..૨૯/૧૧/૨૦૧૩
સુધારો : ૨૬/૧૦/૨૦૨૧,  મંગળવાર

ગઝલ - વચાળે

 દારૂ - દારા - દામ  વચાળે,
છું નિર્લેપ તમામ વચાળે.

અવઢવ કાયમ એની એ છે
હોઠ અને આ જામ વચાળે

એક પતંગિયું આવી બેઠું,
મારાં તારાં નામ વચાળે.

ભૂખ હજી પણ ત્યાંની ત્યાં છે,
હકડેઠઠ   ગોદામ   વચાળે.

જંપ નથી આ ચંચળ મનને,
કામ અને વિશ્રામ વચાળે.

જીવણ શોધે શ્વાસ પગેરું,
આરંભ ને અંજામ વચાળે.

"મૂકેશ" કેમ કરીને બચવું ?
આંખોના ઈલ્ઝામ વચાળે
 - મુકેશ દવે
પાંધ્રો,તા.૨૧//૧૦/૨૦૨૧, ગુરુવાર

૮ગા

ગઝલ - દ્વિરૂપ

 હું દુરાચારી અને હું સંત છું,
હું જ પામર જીવ 'ને ભગવંત છું.

ભાગ્યરેખા ના ઉગાડી તેં ભલે,
ભાગ્ય મારું સર્જવા બલવંત છું.

ના હણાતો આત્મા હણવા છતાં,
એટલે તો આદિ અને બેઅંત છું.

પ્હાડ પીડાનો ઉઠાવી લાવું છું,
હું જ લક્ષ્મણ ને વળી હનુમંત છું.

હાથ જોડીને તું ઊભો દ્વાર પર,
ગર્ભગૃહે હું જ મૂર્ત્તિમંત છું.
- મુકેશ દવે
પાંધ્રો તા.૧૮/૧૦/૨૦૨૧, સોમાવાર

ગાલગાગા લાલગાગા  ગાલગા

ગઝલ -- જો લાગે

 જો કણેકણમાં સદાયે રામ લાગે,
ઝૂંપડી પણ મોટું તીરથધામ લાગે.

એક મનસૂબો અમે રોપી જવાના,
આજ વાવેલું કદી તો કામ લાગે !

જે હથેળીમાં સતત ઘૂંટ્યા કરેલું,
કો' સમે એ પણ તિરસ્કૃત નામ લાગે.

ચાહનારા આંખમાં તો સ્નેહ દેખે,
મયકશોને એ છલકતો જામ લાગે.

વાંસળી રાધાપણું ત્યારે જ રેલે,
ફૂંક એમાં પૂરનારો શ્યામ લાગે.
- મુકેશ દવે
પાંધ્રો, તા. ૧૫/૧૦/૨૦૨૧ , ગુરુવાર

ગાલગાગા ગાલગાગા ગાલગાગા

મંગળવાર, 2 નવેમ્બર, 2021

ગીત - પ્રીતોત્સુકા

 
પાલવડે ઝરણાં બાંધી ઘૂમતીતી રે લોલ,
દલ્લ મારું ખળખળતું જાય જો
ઓચિંતા સાતે સાગર ઉમટ્યા રે લોલ.

હૈયે મોજાઓ લાખ ઊછળે રે લોલ,
નજરુંમાં વાદળાં ઘેરાય જો
આંખોએ ચોમાસા આદર્યા રે લોલ
.
છાલક સોંસરવી મુને ભીંજતી રે લોલ,
અંતરમાં ઊતર્યો નિતાર જો
ઘેલા થઈને ભોગળ ખૂલિયા રે લોલ.

સણસણતા સૂસવાટા ઝીલતી રે લોલ,
હળવેથી બારણાં ભીડાય જો
બત્રીસ કોઠામાં દીવા ઝગમગ્યા રે લોલ.
- મુકેશ દવે
પાંધ્રો, તા.૦૯/૧૦/૨૦૨૧, શનિવાર

ગઝલ - તક મળે

કોઈને પણ ના તોડવાની તક મળે,
સંબંધ એવો જોડવાની તક મળે.

રાખી ભલે તું ચાલતી નીચી નજર,
મારા તરફ એ મોડવાની તક મળે.

જેવી નજરથી તું મને તાક્યા કરે,
એ તીર સામા છોડવાની તક મળે.

તું સાદ દઈ બોલાવજે ને એ પછી,
બાંહો પસારી દોડવાની તક મળે.

સદ્ભાગ્ય મારું એ હશે કે તું મળે,
દુર્ભાગ્યને તો ફોડવાની તક મળે.
- મુકેશ દવે
પાંધ્રો, તા.૦૯/૧૦/૨૦૨૧, શનિવાર

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

ગીત - જરા તું પણ

હસાતું હોય હૈયાફાટ; હસી જોજે જરા તું પણ,
રડાતું હોય ખિલખિલાટ; રડી જોજે જરા તું પણ.

કથાઓ કૈં અલગ સૂણી;
વ્યથાઓથી ઘણી ઊણી,
જગાવી પીડની ધૂણી;
ઉમટશે લાગણી કૂણી,
સહુની વારતામાં જઈ; ભળી જોજે જરા તું પણ.

કદી ઝળહળ દીવાની શગ;
કદી ઘનઘોરના હો ઢગ,
કદી માંડી શકો ના ડગ;
કદી તો વિસ્તરે છે જગ,
ઝઝૂમી અગ્નિશિખા પર; તરી જોજે જરા તું પણ.

નથી બખ્તર; નથી શિરત્રાણ;
નથી ભાલા; નથી કોઈ બાણ,
નથી સેનાની કોઈ આણ;
છતાં ચાલી રહ્યું ઘમસાણ,
લઈને બૂઠ્ઠી આ તલવાર; લડી જોજે જરા તું પણ.
- મુકેશ દવે
પાંધ્રો, તા.૦૫/૧૦/૨૦૨૧, મંગળવાર

ગીત - ખુદને ખોયા

ટોળે વળીને ભલે કૂંડાળે બેઠા પણ ટોળામાં આપણે ના હોઈએ,
આવા કેવા તે યુગમાં જીવીએ !

બોલવાનું કામ હવે ટેરવાએ ઝીલ્યું તો
હોઠ જાણે અધખૂલ્લો ઝાંપો,
દૂર લગી નજરોને કોણ હવે માંડે છે ?
આંખોમાં ઉમટ્યો અંધાપો,
પોતાની જાતમાંથી નીકળીને બ્હાર હવે આપણે જ આપણને ખોઈએ.
આવા કેવા તે યુગમાં જીવીએ !

ખુદને વિસ્તારવાનું મૂઠ્ઠીમાં મૂકી ચાલ્યાં
જગની વિશાળતાને શોધવા,
પોતીકાં ડાળપાન ઝંઝેડી નાખી મંડ્યા
ઉછીના તોરણિયાં માંડવા,
પોતાના જાળામાં ગૂંથાતા ગૂંથાતા આપણને અટવાતા જોઈએ.
આવા કેવા તે યુગમાં જીવીએ !
- મુકેશ દવે
પાંધ્રો, તા.૦૭/૧૦/૨૦૨૧, ગુરુવાર

ગઝલ - એક જણ જીવી ગયો

ભક્તિનો આધાર લઈને એક જણ જીવી ગયો,
ભીતરી શૃંગાર લઈને એક જણ જીવી ગયો.

દર્દ માંગ્યું ને છતાં થોડુંઘણું પણ ના મળ્યું,
ચેન પારાવાર લઈને એક જણ જીવી ગયો.

જે વળી જોયાં હતાં એ ના કદી પૂરાં થયાં,
સ્વપ્ન ભારોભાર લઈને એક જણ જીવી ગયો.

જ્યાં જતો ત્યાં ફૂલવાડી સામટી ખીલી જતી,
મ્હેકનો વિસ્તાર લઈને એક જણ જીવી ગયો.

કેટલી શ્રદ્ધા હશે ! મઝધારમાં ગાતો રહ્યો,
તૂટલી પતવાર લઈને એક જણ જીવી ગયો.

ભીંત પર થાપા લગાવી આંગણું સૂનું થયું,
"બાપુ !"નો ભણકાર લઈને એક જણ જીવી ગયો.

નાદ એનો જ્યાં વહે ત્યાં મુગ્ધતા વ્યાપી જતી,
વાંસળીનો ભાર લઈને એક જણ જીવી ગયો.
- મુકેશ દવે
પાંધ્રો, તા.૦૬/૧૦/૨૦૨૧, બુધવાર

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ગઝલ - ભગવંત

 જેવો ચહો એવો અહીં દેખાય છે ભગવંત,
શ્રદ્ધા હૃદયમાં હોય તો પરખાય છે ભગવંત

જીવન ભર્યું આ સૃષ્ટિમાં, સૌંદર્ય પણ દીધું,
એની નિહાળી દુર્દશા પસ્તાય છે ભગવંત.

એનાં બનાવેલાં પળેપળ છેતરે એને,
સૌનો પિતા છે; શું કરે ? ગમ ખાય છે ભગવંત.

આળોટતાં ધન પર; વટાવી નામ એનું સૌ,
સોને મઢેલા ભારથી મુંઝાય છે ભગવંત.

કરતો નથી માટે કસોટી, ભક્ત સાચા ક્યાં ?
ઢોંગીઝમેલામાં હવે અટવાય છે ભગવંત.

પામે અહીં માનવ; કરેલાં કર્મના બદલા,
દુર્ભાગ્ય માટે છતાં પંકાય છે ભગવંત.

પામી નથી શકતાં દરિદ્રો એનાં દર્શન જ્યાં,
મંદિર તણી પછવાડમાં વેચાય છે ભગવંત.

સૌમાં વહે છે એ જ પોતે લાલ શોણિત થઈ,
રંગોના વાડામાં જગે વ્હેંચાય છે ભગવંત.

અંતરથી પારાવાર જો એનું સ્મરણ થાશે,
છે ભાવનો ભૂખ્યો; ઘણો હરખાય છે ભગવંત.
- મુકેશ દવે
મૂળ : અમરેલી, તા૨૫/૦૭/૨૦૧૧
સુધારો : પાંધ્રો, તા ૦૩/૧૦/૨૦૨૧, રવિવાર

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગા

ગઝલ - પોકાર

આછોપાછો તો પણ હદપાર કરી લીધો.
છાનોછાનો તારો દીદાર કરી લીધો,

ધર્માસન હેઠળ ઝાકમઝોળ છુપાવીને,
એ રીતે શ્રદ્ધાનો વેપાર કરી લીધો.

આ ગ્રંથો તો પૂરા અમને પચતા ન્હોતા,
માટે તારા નામે પોકાર કરી લીધો.

એકે જગ્યા ક્યાં બાકી છે સજવા માટે !
અંગેઅંગે ઝખ્મોનો  શણગાર કરી લીધો.

આખું જીવન ગયું એળે; પામ્યા નહીં કશુંએ,
અફસોસ અમે એનો પારાવાર કરી લીધો.
- મુકેશ દવે
મૂળ : અમરેલી, તા.૦૩/૦૧/૨૦૧૩
સુધારો : પાંધ્રો, તા.૦૨/૧૦/૨૦૨૧, શનિવાર

 ગા-૧૨

ગઝલ - સ્મરણ વચાળે

 હરણ જેમ દોડ્યા કરે રણ વચાળે,
ને મન એમ દોડે છે સ્મરણ વચાળે.

આ જીવનને આકાર ત્યારે મળેલો,
ટિચાયેલ એરણ અને ઘણ વચાળે.

પ્રણયના ત્રિકોણે મળે કેન્દ્રબિંદુ,
તો  પીસાય એકાદ; બે જણ વચાળે.

પલાંઠી લગાવી છતાં પણ પ્રભુ હું,
ના બેસી શક્યો મીઠી આ ખણ વચાળે.

જનમ ને મરણની વચાળેનું જીવન,
નજરમાં તર્યું આખરી ક્ષણ વચાળે.
- મુકેશ દવે
મૂળ - અમરેલી તા.૨૮/૦૩/૨૦૧૪
સુધારો - પાંધ્રો તા.૩૦/૦૯/૨૦૨૧, ગુરુવાર

લગાગા લગાગા લગાગા લગાગા