બુધવાર, 28 એપ્રિલ, 2021

🌄 કાવ્ય રસ દર્શન: "અમે તો જીવીએ પુરાંત સાથે”

 

🌱સૃજન: 2️⃣6️⃣7️⃣/2️⃣1️⃣
🌄 કાવ્ય રસ દર્શન: "અમે તો જીવીએ પુરાંત સાથે”
✍️ કવિ: મુકેશ દવે
🌷 રસદર્શન: શરદ ત્રિવેદી
ફોટોઝ અને રજુઆત:શરદ ત્રિવેદી
💐💐💐💐 💐💐💐💐
"૩૧મી માર્ચે એક હિસાબી ગીત"
🌸🌸🌸🌸🌸🌸🌸
આજે કાવ્ય રસ દર્શન માં કવિ મુકેશ દવે ની એક રચના રજૂ કરી રહ્યો છું. આમ તો મુકેશભાઈ માધ્યમિક શાળા, ક્રાંકચ માં પ્રિન્સિપાલ છે અને શાળાના શૈક્ષણિક સત્ર જૂન થી મે સાથે વર્ષોથી સંકળાયેલા છે. પરન્તુ 31 માર્ચ એન્ડિંગ માં ઇન્કમટેક્સ માટેના નાણાંકીય વ્યહવારોનો તાળો મેળવતા મેળવતા, જીવનના હિસાબોની ગણતરી કરી નાખી અને માંડ્યું સરવૈયું. જિંદગીના લેખા જોખા કરતા કરી નાખી એક રચના.
"અમે તો જીવીએ પુરાંત સાથે"
~~~~~~
કોઈ જીવે છે ખોટ ખાતાં; કોઈ જીવે છે લમસમ,
કોઈ જીવે છે લગભગ જેવું અંદાજા સંગાથે,
પણ અમે તો જીવીએ પુરાંત સાથે.
અંધારી કાજળકાળી કાળી રાતે
જ્યોતિ થઈ પથરાયા,
સૂકાં તરસ્યાં રણ વચાળે
નદી બની રેલાયા,
બળબળતી બપ્પોરી લૂમાં છાંયો ધરીએ માથે.....
એમ અમે તો જીવીએ પુરાંત સાથે.
વાવ્યું એટલું ઊગી નીકળ્યું
નેહના પાણી પીને,
ભરુંસાનું ખાતર નાખ્યું
મ્હોર્યું રાત્રિ - દિને,
લણ્યું એટલું ખૂબ વાવલી વહેંચ્યું છૂટા હાથે.
એમ અમે તો જીવીએ પુરાંત સાથે.
વગર મૂડીનો વેપાર માંડ્યો
વેચ્યા ફોરમ ફાયા,
ખોબે ખોબે દીધે રાખ્યું
જોખ કરે રઘુરાયા,
રોકડ ક્યાંયથી આવે નહીં 'ને માંડ્યું ના કોઈ ખાતે.....
તોય અમે તો જીવીએ પુરાંત સાથે.
- મુકેશ દવે
🌸🌸🌸🌸🌸
સંસારમાં સંબંધો સાચવવા અરસ પરસ વ્યહવારો કરાતા હોય છે, જેમાં ઘણાં પ્રેમ અને લાગણીથી તો, ઘણાં ફરજ નાં ભાગ રૂપે કે રીત રિવાજો નિભાવવા માટેના. આ સંબંધોમાં ઘણાં બધાં નો તાળો મેળવાતો નથી, તે નિભાવવા પડતા હોય છે. તેમ છતાં, જીવનના એક પડાવે, શાંત ચિત્તે વિચારતા જીવનમાં આપણે બદલામાં શું મેળવ્યું તેવી ગણતરી મૂકતાં મોટાભાગે નુકશાન જ હોય છે.
કવિ પોતાના જીવનના હિસાબો તપાસતા કહે છે કે લોકોના અંધકારમય જીવનમાં એક જ્યોતિ બની, રણમાં નદીના જળ અને બળબળતી લૂ માં છાંયડો બની રહ્યા છે. પોતાની પાસે છે તેને, સ્નેહ અને ભરોસા વડે વાવ્યું, આપ્યું છે અને બદલામાં જે મળ્યું તે, ઉપરાંત પોતાનું અંગત પણ વહેચ્યું છે. સેવા માટે કોઈ મોટી મૂડી ની જરૂર નથી. જેમ એક નાનકડો અત્તરનો ફાયો ચારે બાજુ પોતાની સુવાસ, ફોરમ ફેલાવે છે તેમ સેવા દ્વારા પોતાની સુવાસ મહેક ચારે બાજુ ફેલાવવાની સુંદર વાત કહી છે. આ બધો વ્યવહાર કેમ અને કેવી રીતે થાય છે તેનો હિસાબ ઈશ્વર ઉપર છોડી દીધો છે. તેના દ્વારા બધું ચાલે છે. તેના ભરોસાને લીધે જીવન વ્યહવાર નું સરવૈયું માંડતા, હિસાબમાં પુરાંત નીકળે છે.
ભગવદ્દ ગીતામાં ભગવાન કૃષ્ણે કર્મ નો સિદ્ધાંત કહ્યો
છે. કોઈ પણ કર્મ કરો એટલે તેનું ફળ અચૂકથી મળે જ છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરો પણ તે ફળ તો તમારે ભોગવવું જ પડે. એટલે કે કરેલાં કર્મો ભોગવવા જ પડે. આ સિદ્ધાંત ઉપર જ આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત પ્રચલિત થઈ છે : જેવું કરો તેવું લણો, જેવું કરો તેવું પામો, જેવી કરણી તેવી ભરણી.
કવિએ ઉપર દર્શાવ્યું તેમ વિવિધ સતકર્મોનો ઉલ્લેખ પોતાની રચનામાં કર્યો છે અને તે બધા નો શ્રેય ઈશ્વર ઉપર છોડી દીધો છે. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી કાર્યો કર્યા છે અને તેનું સરવૈયું પણ તે જ રાખે છે. જેમાં ઈશ્વરે બદલામાં ઘણું આપ્યું છે તેવા સંતોષ સાથે તેઓ પુરાન્ત માં છે તેમ કહે છે. આમ કર્મનાં સિદ્ધાંત પોતાની રચના દ્વારા સુંદર રીતે સમજાવ્યો છે.
-શરદ ત્રિવેદી

ગુરુવાર, 15 એપ્રિલ, 2021

ગીત : જીવલાની જંજાળ

 

સાવ રે કાચા ઘરની ભીંતે મૂક્યા છે કંઈ ખોલાંપોલા દસદસ રે કમાડ,
નથી રે સાંકળ એને, નથી રે ભોગળ એને , નથી રે કોઈ આડીઊભી આડ.

ઈરે ઘરમાં જીવલો માલમ એકલો રહેતો
પ્હેરે વિધવિધ માયા,
ખટરસોમાં વરવી એકલતાને ઘૂંટી
રોદણાં કરે ગાયા,
નિજના ફળિયે ફરતાં રોપ્યા ખૂદની જેવા મૂળ વિનાના સાવ રે ઠૂંઠા ઝાડ,
સાવ રે કાચા ઘરની ભીંતે મૂક્યા છે કંઈ ખોલાંપોલા દસદસ રે કમાડ.

દસ દશ્યેથી વાયરો વાઈ ઘરમાં ઘૂસી
ઉડાડે પડાળ,
ખૂલ્લી ભીંતોની વચમાં પેલો જીવલો ઝૂરે
કોઈ બાંધો ચોફાળ.
એક પછી એક પડળ તોડી જીવલે ખોલી પોતે બાંધેલી ફરતી ઘેરી વાડ,
સાવ રે કાચા ઘરની ભીંતે મૂક્યા છે કંઈ ખોલાંપોલા દસદસ રે કમાડ.
- મુકેશ દવે
અમરેલી
તા. ૧૬/૦૪/૨૦૨૧, શુક્રવાર

ગઝલ - ગમે છે

(ઘાયલસાહેબના પુણ્યસ્મરણ સાથે)

તને આ નદીના કિનારા ગમે છે,
મને જિંદગીના ધખારા ગમે છે.

ભલેને તું પૂજે છે તુલસી કે પીપળ,
મને તો નિખાલસ જુવારા ગમે છે.

તને ચાંદનીની લહેજત છે વ્હાલી,
મને કાળી રાતે નજારા ગમે છે.

ઘણાં દર્દ ઝીલી આ જીવન સજ્યું છે,
હવે તો ઝખમના પનારા ગમે છે.

તને જે ગમે છે; મને છો ગમે ના,
પરંતુ 'તું' એકે હજારા ગમે છે.
- મુકેશ દવે
અમરેલી 
તા. ૧૫/૦૪/૨૦૨૧, ગુરુવાર

 

બુધવાર, 14 એપ્રિલ, 2021

ગીત - હે દીવા!

 

અંધારાની ક્યાંથી રે લાવું સૂઝ ?
હે દીવા ! તું હળવે ને હળવે બૂઝ.

હૈયાના ઝખ્મો ઘણાં હતા,

કોઈ દુ:ખતા ને કોઈ દુઝતાં,
ગણકારું નહીં તો આવી જાતી રૂઝ.
હે દીવા ! તું હળવે ને હળવે બૂઝ.

હો સંબંધ સંચો કિંચૂડકિંચૂડ,

ભટકી ભટકી થઈએ દિગ્મૂઢ,
એમાં સ્નેહતેલને ધીમેધીમે ઊંઝ.
હે દીવા ! તું હળવે ને હળવે બૂઝ.

વ્હાલપના તાકેતાકા લાવ્યો,

અત્તર ફોરમતા ફાયા લાવ્યો,
વ્હેંચું જથ્થાબંધ ને વ્હેંચું લૂઝ
હે દીવા ! તું હળવે ને હળવે બૂઝ.

-     મુકેશ દવે 

અમરેલી 
તા.૧૪/૦૪/૨૦૨૧, બુધવાર

સોમવાર, 12 એપ્રિલ, 2021

ગીત - દરિયો કહું કે બીજું શું ?

માછલીની આંખમાથી ઉદ્ભવતા દૃશ્યોને દરિયો કહું કે બીજું શું ?

દિનરાત ઘૂઘવતો દરિયો હોય એમ અહીં

સોળવલ્લાં સપનાઓ ઘૂઘવે,
સામટી ખારાશ બધી પેટાળે ધરબીને
મીઠાં ઝરમરિયામાં ભીંજવે,
મુગ્ધાની આંખમાંથી ઉછળતાં યૌવનને દરિયો કહું કે બીજું શું ?
માછલીની આંખમાથી ઉદ્ભવતા દૃશ્યોને દરિયો કહું કે બીજું શું ?

 

દરિયાની જેમ ઓલ્યા મનખાના મનડાને
હોય નહીં ખડકી કે ઝાંપા,
કાંઠાની ઝંખનામાં મોજાંઓ ઊછળે એમ
મનખાને હોય છે ઝૂરાપા,
વિજોગણ આંખમાંથી છલક્યા ઉજાગરાને દરિયો કહું કે બીજું શું ?
માછલીની આંખમાથી ઉદ્ભવતા દૃશ્યોને દરિયો કહું કે બીજું શું ? 
 - મુકેશ દવે
અમરેલી
ત તા.૧૨/૦૪/૨૦૨૧, સોમવાર

 

 

 

ગીત - ઈશ્વર નામે ચળવળ

 

(અગાઉ લખેલ ગઝલનો મત્લા લઈને)

ઈશ્વર નામે કાયમ અહીંયા ચાલ્યા કરતી ચળવળ,
મંદિર,મસ્જિદ,ગિરજાઘરમાં માણસ થાતો સળવળ.

સૌના લોહીનો એક રંગ તો 
         ધજાઓ શાને નોખી ? 
પોતપોતાના ચોકા વચ્ચે 
         ખૂદને લેતાં પોખી !! 
કોઈના દીવા ઠારીઠારી નિજના ઘરમાં ઝળહળ, 
ઈશ્વર નામે કાયમ અહીંયા ચાલ્યા કરતી ચળવળ.

સૌએ મેલી ચાદર ઓઢી 
        એમાં સંઘર્યાં ટોળાં 
ભોળાં ગજવાં ખાલી કરતાં 
        છલક્યાં એના ઝોળાં,
ઝાકમઝોળ માણસની સાથે ઈશ્વર મરતો પળપળ, 
ઈશ્વર નામે કાયમ અહીંયા ચાલ્યા કરતી ચળવળ.
- મુકેશ દવે
અમરેલી
તા. ૧૨/૦૪/૨૦૨૧, સોમવાર

રવિવાર, 11 એપ્રિલ, 2021

ગઝલ



ઈશ્વર નામે કાયમ કેવી ચાલ્યા કરતી ચળવળ !! 
મંદિર,મસ્જિદ,ગિરજાઘરમાં માણસ સળવળ સળવળ.

ધરણીના એ કંપન અમને વસમા ક્યાંથી લાગે ?
દેહનિચોવ્યા જીવન વચ્ચે હૈયું થાતું ખળભળ. 

કોઈ કુંવારી ચીસો જ્યારે અંધારાને ચીરે, 
મા ધરતીનાં આંસુ થઈને વ્હેતાં ઝરણાં ખળખળ.

જાત વલોવી, તનને તોડી આશાવેલી સીંચી,
તોય અમારે જીવન માટે મરતાં રહેવું પળપળ.

ઘૂળઝમેલા સાથે મૂક્યાં અલમારીમાં પુસ્તક,
અંધારામાં ડૂબ્યાં;  જે ઘર રહેતાં કાયમ ઝળહળ.
- મુકેશ દવે
અમરેલી
તા.૧૦/૦૪/૨૦૨૧
શનિવાર