સોમવાર, 14 જુલાઈ, 2014

ગીત :- સપના વાવો.

ગીત :-
સાવ ઉજ્જડ મનોભૂમિમાં
દિગ્મૂઢ થઈને ભટકે છે લોક સપના વાવો.
ઘૂઘવતી ખારાશ તરીને
અધવચ્ચે જઈ અટકે છે લોક સપના વાવો.

ઊંઘ હોય તો શમણું આવે
મૂર્છામાં શેં આવે ?
આંખ વિખૂટી નજરું લઈને
અંધારે અથડાવે,
મૂંઢમારથી મૂર્છિત થઈને પટકે છે લોક સપના વાવો......સાવ ઉજ્જડ...

આંગળ છૂટ્યાં નખના તૂટ્યાં
લોહીભીના સગપણ,
અગમનિગમના ઓળા ફેંકી
તૂટી ગયાં કણકણ,
પડછાયાની પાછળ અંધીદોટ મૂકે લોક સપના વાવો.....સાવ ઉજ્જડ..
- મુકેશ દવે

૧૫/૭/૧૪

ગુરુવાર, 10 જુલાઈ, 2014

તો જામે - ગઝલ

કવિશ્રી મનસુખલાલ ઝવેરીની પ્રખ્યાત રચનાની પ્રથમ પંક્તિનો આધાર લઈ બનાવેલી રચના :-

શિખર ઊંચા ને મારગ આકરા હોય તો જામે.
ઉબડ ખાબડ રસ્તે કાંટા કાંકરા હોય તો જામે.

મઘમઘતી ફૂલવાડી ને મંદ પવન ના ખપે,
આસપાસ ઝાડી અને ઝાંખરાં હોય તો જામે.

સાવ હળવાફુલ થઈ જીવવામાં લિજ્જત શી ?
દુ:ખ પણ થોડાઘણાં પાધરાં હોય તો જામે.

જન્મ,મરણ,જરા,વિયોગ દેવને દુર્લભ છે,
દુન્યવી આ રીતના પાથરા હોય તો જામે.

વૈભવી મહેલમાં પણ સુખની દુર્ગંધ છૂટે,
આભ નીચે ધરાના આશરા હોય તો જામે.

- મુકેશ દવે

ગુરુવાર, 19 જૂન, 2014

મન (ગઝલ)

મન કાં મનમાં ને મનમાં સળવળે ?
વણફળ્યા શમણે શાથી ટળવળે ?

પર્વત આકાંક્ષાના ખડકો; પછી
ભીતર ને ભીતર આખા ખળભળે !

અંતરમાં આ વડવાનળ સળગતો,
ને રોમેરોમ લાવા બળબળે.

બિગડી સો બન જાયે જબ ભી કહીં,
સ્નેહ દીવા નજરોમાં જળહળે.

મારો જીવોજી નક્કી છે નદી,
એથી તો એ હંમેશા ખળખળે
(ગાગા
ગાગા ગાગાગા ગાલગા)
 - મુકેશ દવે.
તા.૧૫/૬/૧૪

હું....છું, (ગઝલ)

હું જોમવંતી ગઝલ ને હું રસભર્યું ગીત છું,
ને અછાંદસમાં પ્રગટતું તાલબદ્ધ સંગીત છું,

જાત સાથે યુદ્ધનો બહોળો અનુભવ છે મને,
સંગ્રામનિષ્કર્ષ એટલો કે- હું હાર ને જીત છું.

ભીતરમાં ઊંડાણ છે; ઘણું ઘણું સમાઈ જશે,
ખચકાટ ના રાખ; હું કાન વગરની ભીંત છું.

તૂટી જશે ને છૂટી જશે આ બંધનો રિવાજના.
જો મનભરીને પ્રગટે કે- હું જીવનની રીત છું.

જગતની ઘટ્માળોમાં ખૂબ વલોવાયો હતો,
એટલે સત્વરૂપ પ્રગટેલું એમ તો નવનીત છું.
- મુકેશ દવે

૩/૬/૧૪

મંગળવાર, 10 જૂન, 2014

ગઝલ :- વિચારોનું ધણ

વિચારોનું આ ધણ ટોળે વળી ગયું,
ને સાલ્લું મન પણ એમાં ભળી ગયું.

વરસોના તપને ભાંગતા શી વાર !
મેનકામાં જોને ઋષિમન ચળી ગયું.

ઘૂંઘટમાં છૂપાઈને બેઠું હતું જે મૌન,
કોઈ પાલવ અડક્યું ને લળી ગયું.

બારણાંની સાથે ઊઘડી ગઈ સવાર,
કોઈ મધરાતે સૂરજને છળી ગયું.

ફાટ્વાની શક્યતામાં જિંદગીનું વસ્ત્ર
બાકી હતું થીંગડું એ ય જળી ગયું.


- મુકેશ દવે
૧૦/૬/૧૪

સોમવાર, 9 જૂન, 2014

હાઈકુ :-તૂટ્યાં સપનાં


તૂટ્યાં સપનાં
સંધાયા ન સંધાય
બખિયા માર્યે.

- મુકેશ દવે

હઝલ --- આવે

*એક હાસ્ય રચના*
સ્વાદમઢ્યા કોળિયામાં વાળ આવે,
એથી તો ભલો વહેલો કાળ  આવે.

લાચારીની આ પરાકાષ્ઠા તો જુઓ !
હાથ ન પહોંચે ત્યાં ખંજવાળ આવે.

આ ભાગ્ય પણ અવળચંડુ હોય છે,
દોડવું જ નથી ને સામે ઢાળ આવે.

રોંઢા સુધી ભણ્યા હો તોય શું થયું ?
જીવનના હર પગલે નિશાળ આવે.

સંસારગાડું કોઈનું સુતરું ન ચાલે,
એમાંય ઉલ્લાળ અને ધરાળ આવે.

બેઉ છેડા જિંદગીમાં સરખા મળે,
વૃદ્ધ શરીરમાં સ્વભાવે બાળ આવે.

માત્ર ઘડિના બંધમાં કાંડું હતું ખૂશ,
મીંઢોળ સાથે ઘણી જંજાળ આવે..
-મુકેશ દવે
તા.૨૮/૫/૧૪

વનની વ્યથા(ગીત)



હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું !!!
સ્વારથની કુહાડી રોજરોજ ઉકળતા હૈયામાં સાંખુ.

દોમદોમ સાહ્યબીને મારા રખોપિયાએ
વેચી દીધાનું હું ભાખું,
ધુમ્રવતી ચીમનીઓ જાય મને ગળતી
છે એવું દેખાય ઝાંખુઝાંખુ,
દાવાનળ ભીતરમાં સળગતો જાય એવા બળબળતા નિસાસા નાખું.
હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું !!!!!!!!!!

ઝરણાંના ખળખળમાં પેસી ગ્યું શ્હેર:
ને ઝાડીમાં મયખાનું આખું,
પૂંજાભર પિકનિકમાં ખદબદતાં અંગને
કેમ કરી અળગું રાખું ?
કલબલની ચૂંદડી ઉડતીક જાય એમાં ઘોંઘાટે પાડ્યું છે બાખું,
હું વન જેવું વન તોય કેવું હળાહળ પાંખું!!!!!
--મુકેશ દવે
તા.૫/૬/૧૪

રવિવાર, 6 એપ્રિલ, 2014

ગઝલ- શાખ નીકળે

બીજ અંકુરાઈને અંતે શાખ નીકળે,
તણખો થયેલા દેહની રાખ નીકળે.

વળગાડ્યા સેવીસેવીને ડાળે પછી,
ઊડી ગયા જાયા જ્યાં પાંખ નીકળે.

દીકરાની રાહમાં આયખું થાકી ગયું
બૂઢી માંને લઈ એ બારસાંખ નીકળે.

ભાગ્યે ડૂબતા હોય છે દુ:ખના દરિયે,
પણ હર્ષ પીવાને લોક લાખ નીકળે.

ગઝલ શરૂ કરી ને એ ટપકી પડ્યા,
રે! ભાગ્ય! પ્રથમ ગ્રાસે માંખ નીકળે.

- મુકેશ દવે

રવિવાર, 30 માર્ચ, 2014

લઈને..... ગઝલ

મનમાં ઠાંસી નવાબ લઈને,
હું આવ્યો એવો રુઆબ લઈને.

ઘર ને આંગણ મ્હેકી ઊઠ્યા,
એ ડોકાયા એક ગુલાબ લઈને.

રસ્તો નફ્ફટ ઝૂમવા લાગ્યો,
એક એક ડગલે શરાબ લઈને.

તેં ના કોઈ પ્રશ્ન પૂછ્યો'તો,
ને હું આવ્યો'તો જવાબ લઈને.

પુરાંતમાં બસ આ નભ-ધરા છે,
ચાલ્યો જઈશ આ હિસાબ લઈને.
- મુકેશ દવે

વચાળે - ગઝલ

હરણ જેમ દોડ્યું હતું રણ વચાળે,
એ મન હાંફી ગયું સ્મરણ વચાળે.

જિંદગીને આકાર નવો ત્યારે મળ્યો,
ટીપી હતી રોજ એરણ-ઘણ વચાળે.

પ્રણય ત્રિકોણમાં કેન્દ્રબિંદુ ના મળે,
કોઈ એક ભીંસાય છે બે જણ વચાળે.

ઇશ માટે સ્થિતપ્રજ્ઞ થઈ બેસવું પડે,
બેસી શક્યો ના હું મીઠી ખણ વચાળે.

જન્મ-મૃત્યુ વચ્ચે હોય છે આ જિંદગી,
સામટી માપી લીધી બે ક્ષણ વચાળે.

- મુકેશ દવે

ગુરુવાર, 27 માર્ચ, 2014

નિરાશા - ગઝલ

અંગેઅંગમાં  જ્યારે  ઘેરી  વળે  નિરાશા,
વારંવાર   ત્યારે   આવી  મળે    નિરાશા.

લોહી-માંસ-હાડ-ચામ થાય છેય લથબથ,
જ્યારે  સ્વાદમાં થોડીથોડી  ભળે નિરાશા.

રાત પણ હજુ પડખાં ભર્યા કરે વલખતાં,
સાંજે  સૂર્ય સાથોસાથ  જો  ઢળે  નિરાશા.

હોવું   હોંશમાં  એને   આનંદ  ના  કહેવો,
કેફી   જામમાં   પૂરેપૂરી  ભળે    નિરાશા.

રસ્તે આંખના ચાલે છે એ અમસ્તું શાથી !
પ્રમાણ  એ  જ  કે   આંસુ  થૈ ખળે નિરાશા
(ગાગા ગાલગા ગાગા ગાગા લગા લગાગા)
- મુકેશ દવે
આંસુ
દર્દભર્યું
કોઈનું
લૂછ્યા પછી
તેની આંખમાંથી
ખરે
હર્ષાશ્રુ
તે
અમૃત.....!!!
- મુકેશ દવે
રસ્તા બધ્ધાં ઉબડખાબડ જાણે મગરમચ્છની પીઠ - આલ્લે લે.
પબ્લિક ભલેને હડદા ખાતી આપણે છે ને ઠીક - આલ્લે લે.

ચૂંટણી આવ્યે જડશું રે ભાઈ,
દંડવત પગમાં પડશું રે ભાઈ.
મીઠી વાણી બકશું રે ભાઈ,
રૂપિયા વેરી ગમશું રે ભાઈ,
થઈ છે ખૂરશી સુધી પહોંચવાની લીંક - આલ્લે લે.
પબ્લિક ભલેને હડદા ખાતી આપણે છે ને ઠીક - આલ્લે લે.

ભૂકંપમાં ભૂખ ભાંગો રે ભાઈ,
દુકાળમાં દુ:ખ કાપો રે ભાઈ,
હોનારતે હોંશ રાખો રે ભાઇ,
ખીસ્સા ઊંડા રાખો રે ભાઈ,
આપણે ક્યાં છે કોઈના બાપની બીક ! - આલ્લે લે.
પબ્લિક ભલેને હડદા ખાતી આપણે છે ને ઠીક - આલ્લે લે.
- મુકેશ દવે
ચકલી તારાં ચીંચીંકઢા ચકલીવેડાં મેલ,
માણસની જાત જેવા ખેલવાના થાય હવે રોજરોજ નવાનવા ખેલ......ચકલી૦

ખીંટી ને ગોખલા લીસીલસ્સ ભીંત
              ને આભલાંને ઓરડે પૂર્યા,
હારબંધ બેઠેલી છબીઓના દેવતાઓ
                       પોટલે બંધાઈને ઝૂર્યા,
તોરણ ને કૂંડામાં ઝૂલવાના ઓરતાને હળવેથી પાછાં ઠેલ.....ચકલી૦

ચોખાના દાણાં હવે વારતામાં ગૂમ ને
                થયા બાજરા કપાસના પૂમડાં,
ઝાડવાની જાત એવી વંઠેલી નીકળી
                      કે બંગલા બની છે રૂપકડા,
આબરૂને ચીરીને શીદને ત્યાં ન્હાવું ! ઓલી માટી ડામરની રખેલ....ચકલી૦
- મુકેશ દવે

બુધવાર, 26 માર્ચ, 2014

સમયનો આ કેવો તકાજો !!!
ખભો મારો ને મારો જનાજો !!!

લઈ ઠાઠ એવો એ આવ્યાં,
નવાબો સરીખા નવાજો.

બંધનોમાં એવાં મેં જકડ્યા,
આંસુરૂપે આ ટપક્યો મલાજો.

મને ના આ ભીડમાંઅડક્યા,
ચહુબાજુના ઢગલો અવાજો.

ખબર નો'તી કે ઠગશે કિનારો,
નહીં તો દરિયે ડૂબાડત જહાજો.
- મુકેશ દવે

સોમવાર, 24 માર્ચ, 2014

૨૦મી માર્ચ :-

આખું વિશ્વ
ચકલીઓના
ચીં ચીંથી
છલોછલ
થઈ ગયું.
.............
૨૧મી માર્ચ :-

બધી જ
ચકલીઓ ચીં ચીં લઈને
ગાયબ થઈ ગઈ......!!!!!!
ઘરના
મુખ્ય પ્રવેશદ્વારના ઓટલે
બેઠો હતો એક કવિ
કવિતા ઠોલતો ઠોલતો
બારણું ખૂલ્લું મૂકીને....
એક ખસુરિયું કૂતરું
દબાતા પગે અને પૂંછડીએ
ખૂલ્લા બારણેથી ઘૂસ્યું
ઘર ફંફોસવા.....
પછી
વીલાં મોઢે અને
ઉપહાસભરી નજરે
કવિને જોતુંજોતું
આવ્યું બહાર. .....
કવિ કહે -
"કાં મળ્યું કંઈ ?????
આપઘાત કરે ઊંદર
અને ગળાફાંસો ખાતાં માંજર અહીં
હું અમસ્તો બેઠો હોઈશ બહાર !!!!!"
અને
કૂતરું
દયાભરી નજર નાખી
ચાલ્યું ગયું બારોબાર.
- મુકેશ દવે
મારી
બાળ મનોભૂમિમાં
કોઈ
રોપી ગયુ'તું
કવિતાબીજ......
અને
મળ્યાંએવાં હવા-પાણી
કે
એ ફણગાયું
"વટવૃક્ષ થવાના શમણે...."
પણ,
અચાનક  !!!!
સંસારકૂંડામાં
આરોપાયું
દીવાલોની વચ્ચે
મૂળિયાંઊંડા ઉતરે એ પહેલાં.......
અને
આજે......!!!! ?????
"બોન્સાઈ" બની રહ્યું !!!!!!!
- મુકેશ દવે

મંગળવાર, 18 માર્ચ, 2014

તાન્કા (1)
*****
ઊગી નીકળે
વસંતને ચોગમ
લીલો ટહુકો
રંગબેરંગી ભાત
ધીમી મહેકે રાત.


તાન્કા (2)
*****
ઘર ઓગળે
લઈને આખી રાત
પ્હેરી અંધાર
ફંફોસે છે સ્મશાન
ને મળ્યું છે પ્રભાત.
- મુકેશ દવે
ઉન્નતિના શિખર પર ચડી ગયેલો;
એથી ગબડતો હું પડી ગયેલો.

મારા મ્હેકતા દેહમાં ગયો'તો,
અંદર એક માણસ સડી ગયેલો.

ટહુકો થૈ હું રેલાયો ડાળડાળે,
જ્યાં એક ઈશારો અડી ગયેલો.

ડૂબ્યો શોધવા ગંગમાં પરંતુ,
મારામાં મને એ જડી ગયેલો.

દર્દ પણ પહોંચી ગયું અહીં તો,
છેવટ એની સાથે લડી ગયેલો.
- મુકેશ દવે
છંદોલય : ગાગા ગાલગાગા લગા લગાગા
કુસુમથી લચેલાં ચમન પર મરે છે,
ને પાંપણ ઝૂકેલાં નયન પર મરે છે.

કબર થૈ જવું કે ચિતા થૈ દહાવું,
ધજા એની ફરકે; વતન પર મરે છે.

નથી ઝૂકતો મંદિરે મૂર્તિને હું,
ભલેને તું ઇશ્વર નમન પર મરે છે.

થઈ કેદ પાંખો; હતાશા વહાવે,
નિરાધાર આંખો ગગન પર મરે છે.

તિરસ્કૃત આંસુ જઈ ઘર નિહાળે,
સહી ભૂખ પોષ્યા;જતન પર મરે છે.

ઘણાં જલિયાં બાગોય સ્મારક બને છે,
ગુલામી સહીને દમન પર મરે છે.

છંદ આવર્તન : લગાગા લગાગા લગાગા લગાગા
- મુકેશ દવે
રાય - નિંદા - બોધ ઠલવે કાનમાં.
જ્ઞાનનો સૌ ધોધ ઠલવે કાનમાં !

લાગણીનું દિલમહીં પૃથક્કરણ,
ને થયેલી શોધ ઠલવે કાનમાં.

મસ્તકે જો ફાટતા જ્વાળામુખીઓ,
ધગધગા થૈ ક્રોધ; ઠલવે કાનમાં.

આંખને બસ કામ છે જોયા કરે,
ચોતરફની નોંધ ઠલવે કાનમાં.

જિંદગીની પીડથી નિર્લેપ ના,
આંસુનો ઓધ ઠલવે કાનમા.
- મુકેશ દવે
તા.૦૯/૦૩/૨૦૧૪


ગાલગાગા ગાલગાગા ગાલગા ( આ ગઝલ શ્રી સંજુભાઈ વાળાને અર્પણ
જેમણે મારા જન્મદિવસની યાદગીરી રૂપે એક કવિતા લખવા પ્રેર્યો.)
અછાંદસ
...............
મારી શાળામાં
યોજાયો મુશાયરો;
મારી જ પ્રેરણાથી.
હું જ એનો સંચાલક અને શાયર....
સાંભળીને મારી પંક્તિઓ
ભાષા શિક્ષક બોલે "વાહ !!"
પછી
વિદ્યાર્થીઓની તાલીઓનો ગડગડાટ !!!!!!!
આ તાલીઓનો તાલ
મને લઈ ગયો
મારા વિદ્યાર્થીકાળમાં.
૮મું-૯મું ભણતો
હું
સહાધ્યાયીઓ સાથે
બેઠો છું ટાઉનહૉલમાં,
નામાંકિત કવિઓ
વહાવ્યે જાય છે કવિતાઓ,
ને
મારી નજર
તાક્યે રાખે છે
અમારા ભાષા શિક્ષક,
એ બોલે "વાહ !"
અને હું
ટાઉનહૉલ સાથે
તાલીના તાલ મેળવુ...............

"કરેલાં કરમના બદલા........"
પંક્તિ
આજે
ગળે ઉતરી ગઈ.

પગ જો પગથી ચૂકે ને વળી પડાય છે,
દોષ એમાં કેમ આંખનો ગણાય છે ?

બેઊનો બસ આવો જ સંબંધ હોવો ઘટે,
કાચ ખૂંચે હાથ ને આંખથી રડાય છે.

ઈંટ - પથ્થર - ચૂનાની હો શી જરૂર ?
દીવાલો એના વગર કેટલી ચણાય છે !

દેશ - પરદેશ વચ્ચે એટલી દૂરી નથી,
એક ઘરમાં હો છતાં રોજ ના મળાય છે.

હું મારા મહીં ખૂબ ઊંડો ઉતરી ગયો છું,
સાદ ના દે દોસ્ત ! પાછું ના ફરાય છે.

- મુકેશ દવે
તું ભલેને આજે પ્રગટાવ હોળી,
કેસુડાનું શીતળ જળ થઈ ઠારજે હૈયાહોળી.....તું ભલેને.

કોઈને હૈયે ઘાવ પડ્યા છે,
કોઈ-કોઈને ખૂદના નડ્યા છે,
કોઈના અંદર ખૂણા રડ્યા છે,
કોઈને નિરાધાર ઘડ્યા છે,
રવરવમાં ઠંડક ભરી દેતી કસુંબી દેજે ઘોળી,
કેસુડાનું શીતળ જળ થઈ ઠારજે હૈયાહોળી.....તું ભલેને.

કોઈ સૂના ઘરની ભીંત રડે છે,
દૂર ક્ષિતિજે અંધાર ચડે છે,
ભાવી થઈ ભેંકાર અડે છે,
મનમાં કંઈ દાનવ લડે છે,
આ પીડબંકાને દોખજમાંથી કાઢજે ખોળી ખોળી,
કેસુડાનું શીતળ જળ થઈ ઠારજે હૈયાહોળી.....તું ભલેને.

- મુકેશ દવે