શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2017

નાદાર થયેલા સજ્જનનું ગીત ;-

હું લાચારીની રાંગ માથે સાવ અટૂલો ઊભો એકલવાયો છું,
મને લૂંટો રે, હજુ લૂંટો રે, હું ખૂલ્લેઆમ લૂંટાયો છું.

નેહ નીતરતી વડવાઈએ મેં કંઈક હરખ ઝૂલાવ્યા'તા,
મારી ઘેઘૂર ઘટાની વચ્ચમાં કલબલ માળા બંધાવ્યા'તા,
મારા ફળથી ભડભડ બળતાં ભૂખ્યાં પેટ ધરાયાં,તા,
મારી શીતળતાને રેડી બળબળતાં બહું ઠાર્યા'તા,
તેમ છતાંયે મારી કોઈ એક ડાળના હાથાથી હું કુહાડે કપાયો છું,
મને કાપો રે, હજુ કાપો રે, હું કટકેકટકે કપાયો છું.

મેં ઝલમલ અજવાળાની વચ્ચે અંધારાને તાક્યું'તું
રણઝણતું સંગીત ખોઈને ગીત ઉછીનું ગાયું'તું,
ફૂલ બીછાવેલ મારગ છાંડી અગોચરે ડગ માંડ્યું'તું,
સંબંધોની ગોખેગોખે જઈને ગજવું ઠલવ્યું'તું,
મારી દશેય આંગળના તીણાં ન્હોરે સળંગ આખો પીંખાયો છું,
મને પીંખો રે, હજુ પીંખો રે, હું રુંવેરુંવે  પીંખાયો છું.
- મુકેશ દવે
અમરેલી
તા.૨૯/૦૯/૨૦૧૭, શુક્રવાર

બુધવાર, 27 સપ્ટેમ્બર, 2017

ગઝલ - ધૂણી ધખવો


લો, આ બળબળતા સપનાની વેદી - ઘૂણી ધખવો,
હોમી દો સઘળા નિઃસાસા ફેંદી - ધૂણી ધખવો.
આવો સૌનો સાથ લઈ તોડીએ જેલ ભરમની,
મૂંઝાયો છે આતમ નામે કેદી - ધૂણી ધખવો.
લોહીના કણકણમાં વહેતું તારું નામ લઈને,
ઊગી આવ્યો હું પડળોને ભેદી - ધૂણી ધખવો.
ધસમસતી પીડાનાં ઝાળાં ઘેરે છે ચોતરફે,
ફૂલ લઈને એને નાખો છેદી - ધૂણી ધખવો.
આ પૃથ્વી, પંખી, નભ, પશુ ને સઘળું તેં તો,
કૌતુકવશ થૈ નાખ્યું એને રેઁદી - ધૂણી ધખવો.
- મુકેશ દવે
અમરેલી 
તા.૨૭/૦૯/૨૦૧૭, બુધવાર 

છંદ આવર્તન  ગા*૧૪

શનિવાર, 23 સપ્ટેમ્બર, 2017

ગઝલની પત્તર ફાડતા અ-ગઝલકારોને

તમે
શબ્દો પકડી લાવો છો
એને રદીફ કાફિયા વળગાડો છો
તો શું ગઝલ બજારું છે ?

તમે છંદે એને ચડાવો છો,
પછી કુછંદે એને ચૂંથો છો,
તો શું ગઝલ બજારું છે ?

તમે કોઈના સપના ચોરો છો,
વળી એ એંઠવાડ આરોગો છો,
તો શું ગઝલ બજારું છે ?

તમે
લીલામી પોકારો છો,
પછી મોટેથી લલકારો છો,
તો શું ગઝલ બજારું છે ?

તમે
પોતે જ તાળીઓ પાડો છો,
એને ગળે ટૂંપો લગાવો છો,
તો શું ગઝલ બજારું છે ?

તમે
એ જ રૂપને ભાળો છો
ને રૂપ બીજાં ધિક્કારો છો,
તો શું ગઝલ બજારું છે ?

તમે
અજવાળાને ઢાંકો છો,
ને અંધારા શણગારો છો,
તો શું ગઝલ બજારું છે ?
- મુકેશ દવે 
અમરેલી 
તા.૨૩/૦૯/૨૦૧૭, શનિવાર

બુધવાર, 20 સપ્ટેમ્બર, 2017

*દિશા ભટકેલ યૌવન - ગીત*



ખળખળતું મનમોજી ઝરણું ખેતર વચ્ચે નીક થઈને વહે જુઓને છે ને કળજગ !
નદી થવાનું શમણું ખેતરશેઢે ઝાકળબૂંદ બનીને રહે જુઓને છે ને કળજગ !

પથ્થર ફાડી ઊગવાની ભરી હામ છે તોયે
ડાભોળા થઈ ઊગી નીકળતા બંજર ભોંયે,
લોહી લીલપનું નસનસમાં લઈ જન્મે છે પણ જઈ પીળપને લહે
જુઓને છે ને કળજગ !

છોને ઘટમાં ઘોડા થનગન ને ખચ્ચરની અસવારી,
આતમ પાંખો ફોગટ વિંઝે ફફડે મારીમારી,
આંખો એવી ભોમને બદલે કરમફૂટલી આંગળીઓ ને ચહે જુઓને છે ને કળજગ !!

ખાબોચિયે જઈ ડૂબકી મારી શંખ છીપલાં લાવે,
સાચુકલાં મોતી ન પરખે ફટકિયા લઈ આવે,
સાતે સાગર વગર વલોણે પોતે વલોવ્યા - જઈ દુનિયાને કહે
જુઓને છે ને કળજગ !
- મુકેશ દવે

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2017

ર.પા.ના ગીતનો આસ્વાદ



આસ્વાદ- (By -મુકેશ દવે)
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું
આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં
જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
રમેશ પારેખ

                રમેશ પારેખ આ છ અક્ષરનું નામ બોલીએ ત્યાં આખું મોં ગીતોથી ગળચટ્ટું થઈ જાય. શ્રી રમેશ પારેખ જાતને દોર બાંધી ઉડાડનાર અને કંઈક ભાળી ગયેલો સર્જક. કવિતાના દરેક સ્વરૂપમાં ખેડાણ કરનાર આ કવિના ગીત અનોખી ભાત પાડે છે.એમના ગીતોમાં સોરઠી લય, ગ્રામ પરિવેશ, તળપદા લહેકાની તાજગીથી રમેશાઈ ખીલી ઊઠે છે. એમના ગીતોમાં ભાવક અર્થને હડસેલી લયાન્વેષમાં રત થઈ જાય છે.   આવા રમેશબ્રાંડ અનેક ગીતો લોકહૈયે સ્થાપિત થયાં છે જેમાંનું એક ગીત તે આ "ગાતાં ખોવાઈ ગયું ગીત,"
                શ્રી રમેશ પારેખનું આ નખશિખ સુંદર અને અનુભૂતિનું ગીત.એનો અર્થ કરવા બેસીએ તો અનર્થના અડાબીડ જંગલમાં ભટકી જવાનો ભય રહે. ભાષા અભિવ્યક્તિ, રૂપકપ્રયોજન અને લયથી લથબથ આ ગીત વાંચતા વેંત જ હૃદય સુધી પહોંચી જાય તેવું છે. શ્રી રમેશભાઈના સાથીદાર કવિ શ્રી અરવિંદભાઈ ભટ્ટ કહે છે કે આ ગીત કવિમુખે અનેકવાર સાંભળ્યું છે ને દરેક વખત આનંદ બસ આનંદ જ...... ગમ્યું એટલે બસ ગમ્યું, એનાઅર્થ વિસ્તારમાં પડવાનું ક્યારય મન જ ન થયું. એ આ ગીતની વિશેષતા.
                પહેલાં તો આ ગીત વાંચતા કવિશ્રી ઉમાશંકર જોષીનું "ગીત અમે ગોત્યં ગોત્યું ને ક્યાંય ના જ્ડ્યું." યાદ આવી જાય. પરંતું બન્ને ગીત જુદાંજુદાં સંવેદનોને તાકે છે. કવિશ્રી ઉમાશંકરની રચના ગીત શોધવા પ્રકૃતિ પાસે જાય છે. જ્યારે શ્રી ર.પા.ની આ રચના ગીતની દયનીય સ્થિતિનો ચિતાર આપે છે.
                કવિ ખૂબ સંવેદનશીલ છે. ગીત પ્રત્યેનો એમનો લાગાવ એટલો બળુકો છે કે ગીત ગાયેલું હોવા છતાં એને ખોઈ નાખ્યાનો વસવસો અભિવ્યક્ત કરે છે.કવિનું ગીત ગાતાગાતા કલરવની ભીડમાં ખોવાઈ ગયું છે એની શોધ કરવી છે અથવા નવું ગીત લખવાની સ્ફૂરણા પામવી છે .પ્રકૃતિમાં ગીતનું ભરોભાર અસ્તિત્વ રહેલું છે.ઝરણાંના ખળખળમાં ગીત, પવનનની મંદ ગતિમાં ગીત, વૃક્ષોના લહેરાવામાં પણ અલગ ગીત..... પ્રકૃતિના આ તમામ ગીતો કાન દઈને તલ્લીન થઈને સાંભળો તો જ સંભળાય. પંખીઓનો કલરવ તો મીઠો હોય પણ અહીં કલરવની ભીડનો નિર્દેશ કાગડાના ક્રાઉંક્રાઉંને સામે લાવી મૂકે છે જે કૃત્રિમતામાં અને માનવનિર્મિત ઘોંઘાટમાં આ ગીતો ખોવાઈ ગયાનો નિર્દેશ આ ગીત કરે છે.અને કવિની ગીતશોધનો પ્રારંભ થાય છે.
                રાત્રિનું સૌંદર્ય અને એનું ગીત માણવા કવિ ઘેઘૂર ઉજાગરો કરે છે એમને આ ગીત છટકી ન જાય એની ચીંતા છે ત્યાં પરોઢ થઈ જાય છે.અને ઉજાગરાનો ભાર આ પરોઢને ઝાંખું પાડી દે છે.એકાદા ગીતની સ્ફૂરણા માટે પંખીના માળામાં શોધવા જાય છે ત્યાં પણ ખાલી આકાશ છે પંખી નથી તો ગીત કેમ સંભવે ? માળામાં આકાશને બેસાડી શૂન્યવકાશ અને પ્રાકૃતિક અંગો અદૃશ્ય થયાનો નિર્દેશ અહીં સાંપડે છે.
                કવિની દુર્દશા જુઓ કેવી સંદિગ્ધ છે ? પ્રકૃતિનો નાશ કર્યા છતાં માણસ પ્રકૃતિનું સાન્નીધ્ય ઝંખે છે એટલે પથ્થર અને કાગળમાં તેને કંડારવાનો પ્રયાસ કરતો રહે છે. પણ આ કૃત્રિમતામાં કુદરતનું ગીત કેમ પ્રગટે ? પથ્થરમાં કંડારેલ દીવા આંગળીની ફૂંકથી ઓલવી ન શકાય,ચીતરેલાં તળાવ પાણીથી ગમે તેટલાં ફાટફાટ હોય પણ એ પી ન શકાય, દોરેલાં જંગલની લીલાશ અને ઝાકળ તરણાંને ભીંજવી ન શકે- જેવા અફલાતૂન રૂપકો દ્વારા કવિ આજની કૃત્રિમતામાં આ કુદરતી શાશ્વત ગીત ખોવાઈ ગયાનો નિર્દેશ કરે છે. જો એમ ના હોય તો કવિ કવિતાની વસૂકી ગયેલી પળને ફરી ઓધાનવતી કરી શકે  
                આમ, ગીતની દયનીય સ્થિતિનું નિરૂપણ કરતું આ ગીત નવું જ સંવેદન અને નવી જ ચેતના આપી જાય છે. એમ છતા આ ગીતને વિસારવા જતાં – આસ્વાદવા જતાં ગીત મમળાવવાની મજા ઓગળી જતી હોય એવું આટલા આસ્વાદ પરથી લાગે છે. આ ગીતને ગાવાને અને પઠવાની મોજ આસ્વાદથી ક્યાંય આગળ નીકળી ચૂકી છે.આ કવિની કલમની તાકાતનો પરચો છે, કવિએ ગુજરાતી ગીતોને વેવલાવેડાંમાથી બહાર કાઢીને આવા ગીતો દ્વારા નવી દિશા આપી છે એ બદલ ગુજરાતી ગીત સદાય એમનું ઋણી રહેશે.                    
                                                મુકેશ દવે
                                                                                ૧૫, પ્રગતિનગર, લાઠી રોડ,
                                                                                અમરેલી. ૩૬૫૬૦૧
                                                                                મો.નં. ૯૪૨૭૨૬૧૦૧૫
                                                                                       

ગુરુવાર, 14 સપ્ટેમ્બર, 2017

નેતાજી આવ્યા( શ્રી ર.પા.ના છંદે અછાંદસ)


લોકલાડિલા નેતાજી આવ્યા છ,
શેરી,ગલી,બજાર,રસ્તા ચોખ્ખાચણાક થઈ બેસી ગ્યા છ,
ઊબડખાબડા રસ્તાઓએ ડામરના આછાં વસ્ત્રો ધારણ કર્યા છ,
(હડદોલા વગર વાહન હાંકવાની સાલ્લી મજા નથી આવતી)
સડકની બન્ને બાજુએ ઘાસઝૂંડ દંડવત કરી ગ્યા છ,
ગાયો નેતાજીના કટઆઉટ થઈ વિજપોલ પર ગોઠવાઈ ગૈ છ,
તંત્ર શીર્ષાસન કરી બેઠું છ,
રોશનિયું બોશનિયું હિલ્લોળા લે છ,
નગર નવોઢા બની ગ્યું છ,
રૂટ પરના લારીગલ્લાં ભૂખ્યા ઘરમાં આરામ કરે છ,
કાર્યકરું હરખપદુડા થઈ હડિયાપાટી કરે છ,
ઉદઘાટનું અને સભાયું ધનધન થઈ ગ્યા છ,
ને
ભાંગતી રાત્યે હરખઘેલીપ્રજાને નેતાજી ટાટા કરી ગયા છ.

અને સવારથી
આઠ દિ'નો સામટો કચરો નગરચર્યા કરવા નીકળી પડ્યો,
ગાયો રસ્તા પર અડિંગો જમાવી બેઠી,
ખાડાખબડા જાયુંભાયું સાથે રસ્તાને હિલ્લોળવા લાગ્યા,
બેનર ધજાયું થઈ ફરફરવા લાગ્યા.........
હાંશ !!!!!
હવે કંઈક જીવવાની મોજ આવી.
- મુકેશ દવે
અમરેલી 
તા.૧૪/૦૯/૨૦૧૭, ગુરુવાર

રવિવાર, 10 સપ્ટેમ્બર, 2017

સાલ્લું
જન્મ્યા પછી
ઘણાં લેબલ ચોંટાડી
જીવવું પડતું હોય છે
મરતાં લગી.....
- મુકેશ દવે
તા.૧૦/૦૯/૨૦૧૭, રવિવાર
(કવિશ્રી Vinu Bamaniaની કવિતા પરથી)

શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017

ખોંખારો ખા - ગીત



તું લમણા ઉપર હાથ મૂકીને બળબળતા નિ:સાસા નાખ'છ ? ખોંખારો ખા.
નડિંગ-ધડિંગની જેમ જીવીને પગ ઉપર ચ્યમ પગને રાખ'છ?ખોંખારો ખા.

અગમનિગમના આટેપાટે એમ ચડ્યો
કે ભ્રમણાની આંટીમાં ઊંધેકાંધ પડ્યો,
તું નવગ્રહને વીંટીમાં વીંટી બહુ  નડ્યો
પછી ખોબા જેવો દરિયો પામીનેય રડ્યો,
હસ્તરેખની થાળી પકડી ટાઢાવાસી ભાગ્યરોટલા શું ચાખ'છ ? ખોંખારો ખા.

રંગબેરંગી ફૂલ ભરેલી છાબડિયું તું લેતો આવ્યો
તોય કશી ના મનમોહક કે મદભરેલી  ફોરમ લાવ્યો,
પૂનમની રઢિયાળી રાતે મનભરીને તનેય ચાહ્યો
પણ શીતળતાનાં સરવરકાંઠે બેસીને તું કેમ ન નાહ્યો ?
સામે ખુલ્લું આભ હોય ત્યાં ફરફર ફૂટેલી પાંખોને શું કામ વાખ'છ ? ખોંખારો ખા.
- મુકેશ દવે (અમરેલી)
તા.૦૮/૦૯/૨૦૧૭
શુક્રવાર


ડો.અનિલવાળા સાહેબનો વિશેષ આભાર 


બુધવાર, 6 સપ્ટેમ્બર, 2017

નવોઢાનું હૈયું - ગીત


સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું ગભરું હૈયું,
ફૂલપથારી પર બેસીને હલક્યું ગભરું હૈયું.

બંધ બારણે નજરને ટાંગી
            સાંકળ થઈને ખમકે,
ધીમાધીમા પગરવ ભાળી
              પાંપણ હેઠળ ચમકે,
ભોગળરવમાં ઘૂંઘટ આડે મલક્યું ગભરું હૈયું.
સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું ગભરું હૈયું.

શરમશેરડા ગાલે ટહુકી
         પાનીલગ જઈ ઊતર્યા,
મણમણ તાળાં જીભે લાગ્યા
               વેણ એકે ન ઊચર્યા,
ભીનાઊના ધસમસ શ્વાસે થડક્યું ગભરું હૈયું.
સાજ સજેલા ખોરડા વચ્ચે ધબક્યું ગભરું હૈયું.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૬/૦૯/૨૦૧૭
બુધવાર

સોમવાર, 4 સપ્ટેમ્બર, 2017

સમયની કમાલ (ગઝલ)

સમય તું પણ ભલા કેવી કમાલ કરે છે !
સજાવ્યા બાદ તું અમને હલાલ કરે છે.

નથી જોતા અમારે તો કશા વિખવાદો,
તું આવીને અહીં સઘળી બબાલ કરે છે.

અમારે તો સદા તૈયાર રહેવું પડે છે,
ન ઉત્તર હોય છે એવા સવાલ કરે છે.

મને તો થાય તુજમાં મા તણાં દરશન પણ,
પહેલાં માર મારીને વહાલ કરે છે.

બધે હો ઘોર અંધારું; વળી ન કૈં સૂઝે,
તિમિર આ દૂર કરવાને મશાલ કરે છે.
- મુકેશ દવે (અમરેલી)
તા.૦૪/૦૯/૨૦૧૭

સોમવાર

(લગાગા ગાલગાગા ગાલગાલ લગાગા)

શનિવાર, 2 સપ્ટેમ્બર, 2017

વિદાય લેતી કન્યાનું ગીત

આંખોમાં મૈયર આંજી નીકળી રે લોલ,
પાછળ વળગ્યો આંગણાનો સાદ જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

 હેતભર્યું પારણિયું ઝૂલતું રે લોલ,
હાલરડાં કાંઈ ઓળઘોળ થાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

પગલી થઈને ઝાંઝર છમકતાં રે લોલ,
પિતાની આંગળીઓ છલકાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

પાંચીકા ફળિયું ઉછાળતાં રે લોલ,
છબ્બોછબ્બો સખીએ ઘેરાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

રાખડીબંધ હાથને તેડિયો રે લોલ,
કાંખે બેઠો જવતલિયો મલકાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

અક્ષર પાટીના બધાં ઉકલ્યા રે લોલ,
મલક આખો ઝળહળ થાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

થનગતી પાંખ ફૂટી સામટી રે લોલ,
પિયૂડાના દેશમાં મંડરાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

કંકુ છાંટેલ કાગળ મોકલ્યો રે લોલ,
ઢબૂક્યો કાંઈ હૈયા માહેં ઢોલ જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.

રઢિયાળો સાફો આવી મલપતો રે લોલ,
મંગલિયાંમાં  ડૂસકાં સમાય જો,
ખડકીમાં પાલવ અટવાઈ ગયો રે લોલ.
- મુકેશ દવે (અમરેલી)
તા.૦૧/૦૯/૨૦૧૭ શુક્રવાર