ગુરુવાર, 22 ડિસેમ્બર, 2022

ગીત : જંગલમાં અતિક્રમણ

બંદૂકમાંથી છૂટેલી એ ગોળીનો ધણણાટ આખાં જંગલમાં,
થરથર કંપી આકુળવ્યાકુળ પાંખોનો ફફડાટ આખાં જંગલમાં.

ડાળેડાળે કંઈ પાંદડાં ખૂદની મોજે
હર્યાભર્યાં લહેરાતાં જીવે,
આખો દિવસ સૂરજ સાથે ગોઠ ને
રાતે ચાંદાનું અજવાળું પીવે,
ત્યાં અચાનક કુહાડીની ધાકથી ફફડી ખરવાનો ખખડાટ આખાં જંગલમાં.

પળપળ અહીંયા જન્મમરણના ખેલને જોતો
નફ્ફટ થઈને વાયુ ઘૂમે,
રોજ અહીં તો જીવન માથે દસેદશ્યેથી
કાળમુખાળું મોત ઝળુંબે,
તે છતાંયે શોખજણ્યાં એ લોહી તરસતાં બાણોનો ગભરાટ આખાં જંગલમાં.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા.૨૧/૧૨/૨૨, બુધવાર

શનિવાર, 17 ડિસેમ્બર, 2022

ગઝલ - સાધુ

એની   વાણીમાં  જાદુ  છે,
પણ એ અલગારી સાધુ છે.

ભિક્ષાપાત્ર અખૂટ રહે પણ,
ખપ  પૂરતું  એણે  ખાધું  છે.

અંગે   ભસ્મ  ઘરેણું   એનું,
ખુદ  ઈશ્વર  એનું  નાણું છે.

મિલકતમાં તો જીરણ કંથા,
શંખ, ચલમ ને બસ વાજુ છે.

આંખે છલક્યો જાય અમીરસ,
ને   અંગારા   પર   કાબુ    છે.

આંખો  મીંચી   બ્રહ્માંડ  જુએ
તો,  સઘળું   આજુ-બાજુ   છે.

શ્વાસોમાં   આરાધ  અલખનો,
ભવભવનું   સાચું   ભાથું   છે. 
- મુકેશ દવે
પાન્ધ્રો
તા.૧૫/૧૨/૨૦૨૨, ગુરુવાર

૮ગા

બુધવાર, 14 ડિસેમ્બર, 2022

ગઝલ : પડઘા

સુખ છલોછલ ઘરમાં વરસી રહ્યા જ્યાં તડકા,
એટલે અંદરથી દાઝી ગયાં સૌ અડધાં.

મંચ પર જ્યાં મારો કિરદાર આવ્યો ત્યાં તો,
કોઈ આવી સહસા પાડી ગયેલું પડદા.

એવી ચમકી ઊઠી'તી આંખ એને જોતાં,
પ્રાણ ફૂંકતા થાતાં જાણે સજીવન મડદાં.

હો ગરીબી તો પણ વસતો સુદામો હૈયૈ,
શામળો દોડીને આવે લઈને પગ અડવા.

નાભિથી ઊઠે ઘેરો નાદ તો;  હે ઈશ્વર !
તારા ધામે એના ઊઠી જવાના પડઘા.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા.૧૩/૧૨/૨૦૨૨, સોમવાર

ગાલગાગા ગાગા ગાગાલગાગા ગાગા

ગીત - દલ્લ લળીલળી જાય

નમણાં શા ચહેરાની મૃગલાં શી આંખો પર પાંપણ ઢળે તો અલ્યા શું શું રે થાય ? શું શું રે થાય ?
બીજું શું થાય ? અલી, ભોળુંભટ્ટ દલ્લ પીટ્યું ઢળીઢળી જાય; લળીલળી જાય.

ઝેરીલી નાગણ શી ગાલોને ચૂમે
એ વાંકી લટોનો ડંખ વાગે,
કાળઝાળ ઝેર એનું રગરગમાં વ્યાપે તો
અધરોનાં ઓસડિયાં માંગે,
તીખી નજરથી તાક્યાં તીરછાં એ તીરોમાં કામણ ભળે તો અલ્યા શું શું રે થાય ? શું શું રે થાય ?
બીજું શું થાય ? અલી, ભોળુંભટ્ટ દલ્લ પીટ્યું ઢળીઢળી જાય; લળીલળી જાય.

સાતસાત સૂર ભલા કંઠમાં હો બેઠા ને
અધરો પર સરગમ બિરાજે,
પગરવના તાલે વળી હિલ્લોળતા અંગોનું
નર્તન છુપાવ્યું લોકલાજે,
ઝાંઝરીના છમછમથી રણઝણતી રાતોનાં સપનાં ફળે તો અલ્યા શું શું રે થાય ? શું શું રે થાય ?
બીજું શું થાય ? અલી, ભોળુંભટ્ટ દલ્લ પીટ્યું ઢળીઢળી જાય; લળીલળી જાય.
- મુકેશ દવે
અમરેલી
તારીખ :૧૭/૧૧/૨૦૨૨,ગુરુવાર