મંગળવાર, 28 સપ્ટેમ્બર, 2021

ગઝલ - અનોખી નારી

બધાં સાથે અનોખો સાવ એ સંબંધ રાખે છે,
પ્રણયપ્રસ્તાવ આવે તો હૃદયને બંધ રાખે છે.

ઘણીવારે ઘણી પીડા સહીને સાવ તૂટે છે,
છતાં ચહેરા ઊપર એ સ્મિતને અકબંધ રાખે છે.

ગળામાં લાખ ડૂમાઓ ભરેલા હોય છે તો પણ,
રણકતા કંઠમાં ટહુકા તણો અનુબંધ રાખે છે.

હઠીલી જે ઘણી મંછા હૃદયના દ્વાર ખખડાવે,
પ્રવેશી ના શકે તેવો સદા પ્રતિબંધ રાખે છે.

કદી તો લાગણીના ઓધ ઊમટતા બહુ લાગે,
એ વેળાએ ઝુકાવી આંખ ને મુખબંધ રાખે છે
- મુકેશ દવે
પાન્ધ્રો
તા.૨૮/૦૯/૨૦૨૧, મંગળવાર


લગાગાગા × ૪

સોમવાર, 27 સપ્ટેમ્બર, 2021

ગીત- પ્રીતછાંડ્યો

તરણાંને વંટોળો ફંગોળે એમ એણે ફંગોળી દીધો ગુમાનમાં,
ફટ્ રે કરમ ! હું તો ઓળઘોળ થઈ ગ્યો વેરાનમાં.

પ્રીત્યુની આશ લઈ ખેતર ખેડ્યાં ને 
એમાં વાવ્યા'તા સમણાંના બી,
કૂંણેરી પ્રીતવેલ પાંગરીને ક્હેતી કે
વ્હાલપના પાણીને પી,
હૈયામાં કોળેલાં મોતી શા મોલ ભલાં બાળીને ચાલ્યાં ગ્યાં તાનમાં.
ફટ્ રે કરમ ! હું તો ઓળઘોળ થઈ ગ્યો વેરાનમાં.

રણની રેતીમાં મેઘ ધોધમાર વરસે ને
તોય એમાં રહેતો નહીં ભેજ,
સીંચણિયાં સીંચીને કેટલાં હું સીંચું પણ 
ભીંજે નહીં સૂક્કીભઠ્ઠ  સ્હેજ,
ઝાંઝવાનાં છળથી કૈં કામણ પથરાયાં કે રહેવાયું નૈ જરાં ભાનમાં.
ફટ્ રે કરમ ! હું તો ઓળઘોળ થઈ ગ્યો વેરાનમાં.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા.૨૬/૦૯/૨૦૨૧, રવિવાર

શુક્રવાર, 24 સપ્ટેમ્બર, 2021

ગીત - હું તું ને નશો

તને નશો છે સુરાલયનો; મને નશો છે તારો,
એકબીજાને ઝૂમતાં રાખે આપસનો સથવારો.

મસ્ત સુરાહીધારા તારું
ભાન ભૂલાવી દેતી,
તારી નશીલી આંખો મારી
વાચાને હરી લેતી,
મદિરાછલકી સરિતાનો તું મનહર છો ઓવારો.
તને નશો છે સુરાલયનો; મને નશો છે તારો.

તને નશામાં સરગ મળે ને
મને તારામાં જન્નત,
તારામાં મદહોશ થઈને
કરું હું તારી ખિદમત,
તું આસવનો કુંભ છતાંયે લાગે અમરતક્યારો.
તને નશો છે સુરાલયનો; મને નશો છે તારો.

બેઉ નશામાં ઝૂમતાં જઈએ
શુદ્ધબુદ્ધ સાબૂત રાખી,
શાખ-નામને ડાઘ ન લાગે
એવી સૂરતા તાગી,
કેફ નિરંતર ચડતો રાખ્યો  મેં તારો; તે મારો.
તને નશો છે સુરાલયનો; મને નશો છે તારો.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા. ૨૩/૦૯/૨૦૨૧, શુક્રવાર

મંગળવાર, 21 સપ્ટેમ્બર, 2021

ગીત ગોરલદે

 તું તો સખી, પાંપણના ઝૂલામાં ઝૂલતી રે મારી ગમતી ગોરલદે,
તું તો સખી, અંગઅંગ ફૂલ સમુ મ્હેકતી રે મારી ગમતી ગોરલદે.

જ્યાં જ્યાં તું જાય દલ્લ દરિયો થઈ ઘૂઘવે,
લ્હેરો પર લ્હેર બની  લાગણીઓ  ઊછળે,
તું તો સખી મોજ્યુંના મેળામાં મ્હાલતી રે મારી ગમતી ગોરલદે.

બારસાંખ ઝળુંબ્યા તોરણ ઝૂલાવતા,
ઉંબરાઓ ઉમંગે સાથિયા પુરાવતા,
તું તો સખી કુમકુમની પગલીઓ માંડતી રે મારી ગમતી ગોરલદે.

ઝંઝાની ઝીંકોને પર્વત સમ ઝીલતી,
તડકાને વીણીવીણી છાયો પાથરતી,
તું તો સખી પીડાઓ પ્હેરીનેય ઝૂમતી રે મારી ગમતી ગોરલદે.
- મુકેશ દવે.
પાન્ધ્રો
તા. ર૧/૦૯/૨૦૨૧, મંગળવાર