શનિવાર, 2 મે, 2020

આસ્વાદ - ઈમ્તિયાઝ કાઝી


આંખમાં એવું શું ખટકે ?
હૈયું આખેઆખું બટકે !
ઠેકડા તેથી લગાવું !
ઝૂમ્ખું લાલચ કેરું લટકે.
એક સુખ ને બીજું સપનું
હાથમાં આવે ને છટકે.
આસપાસે છે છતાં પણ,
મોજની ખોજે સૌ ભટકે.
વીંટળાયા મોહપાશો,
નાખ તોડી એક ઝટકે.
- મુકેશ દવે
ટૂંકી બહેરની ગઝલમાં ઓછા શબ્દોમાં કાંઈક કહેવું એ પ્રમાણમાં વધુ કઠીન હોય છે. કવિ સંદેશો લાવનાર ટપાલી નથી કે સીધેસીધો ખુલ્લેઆમ સંદેશો આપીને ચાલ્યો જાય ! કવિ તો અદ્રશ્ય વાઇરસની જેમ આંતરમનમાં ઘૂસીને પોતાના શબ્દોનું કામણ એવું તો પાથરે કે ક્યારેક આંખોમાં બારે મેઘ ખાંગા થાય, તો ક્યારેક વલોણાની જેમ હૈયું ઘમરોળાય, તો ક્યારેક ઘંટીના બે પડ વચ્ચે દાણા દળાય એમ ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે આખેઆખો માણસ દળાય.
અહીં કવિ પ્રથમ શેરમાં જ આંખમાં કાંઈક ખટકવાની વાત કરે છે. આંખ અને હૈયાને સીધો જ સંબંધ છે. કણાની જેમ ખટકવું એવો રૂઢિપ્રયોગ પણ છે. મૂળે તો આંખ કોઈનું કંઈ સાચવતી નથી, એ હૃદયથી બિલકુલ વિરુદ્ધ રીતે વર્તે છે ! ઉદાસી હોય કે ઉલ્લાસ આંખમાંથી છતાં થયાં વિના રહેતા નથી અને હૃદય એવું છે કે ન જાણે કંઈ કેટલીય ગાથાઓને પોતાના ઊંડાણમાં સમાવીને એમ જ ધબકતું હોય છે ! હોઠ પર આવતાં સુધી કેટકેટલાં વર્ષો વીતી જતાં હોય છે, પણ આંખોનો હિસાબ તો સાવ રોકડો જ. એમાં ઉધાર જરાય ન ચાલે.
એટલે જ એક શેરમાં શૂન્ય કહે છે,
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનું રાજ્યાભિષેક છે.
એટલે કવિનો અભિપ્રેત સંભવિત એવો હોય શકે છે કે કોઈક બાબત એવી છે કે જે ઊંડે સુધી ખૂંચ્યા કરે છે , અને વાત માત્ર આંખોમાં ખટકવા સુધી સીમિત ન રહેતાં હૈયું આખેઆખું બટકતું હોય એવું અનુભવાય છે. તૂટવું અને બટકવું બન્ને બાબતો જૂદી છે. પીડા અનુભવવાની સ્થિતિ હજી ચાલુ હોય , ચોમેરથી અતીતના ઓછાયા આવીને અસ્તિત્વ પર એકસામટા એટેક કરે ત્યારે બટકવાની ઘટના સર્જાય. દર્દને વ્યક્ત થવા કવિ આંખ અને હૈયા પાસેથી કેવું ખૂબીથી કામ લઈ લે છે.
બીજા શેરમાં કવિ મિજાજ બદલીને જૂના સમયથી આવતી લૂચ્ચા શિયાળની વાત સાથે સંદર્ભ જોડી દે છે. દ્રાક્ષ માટે શિયાળ ઠેકડા લગાવે છે , પણ અંતે નિરાશ થઈને તે દ્રાક્ષને ખાટી કહે છે. માણસ પણ લોભ અને લાલચમાં ઠેકડા લગાવતો હોય છે , પણ અંતે હાથ કાંઈ આવતું નથી. શિયાળને તો બહુ વહેલું જ્ઞાત થઈ જાય છે કે આમ ઝાઝીવાર ઠેકડા લગાડવામાં ભલીવાર નથી, એટલે એ તો દ્રાક્ષને ખાટી કહીને પોતે વહેલું છૂટી જાય છે, પણ એક માણસ છે કે લાલચના ઝૂમખાંને કોઈ કાળે છોડવાનું નામ નથી લેતો !
ત્રીજા શેરમાં કવિ સુખને સપનાં સાથે સરખાવે છે. મીઠી ઊંઘમાં કોઈ મધુર સ્વપ્ન જોતાં હોઈએ અને એવું બને કે અચાનક આંખ ખુલી જાય ! સુખનું પણ એવું જ છે.
કવિ મનોજ ખંડેરિયાએ સિફતપૂર્વક કહ્યું છે કે,
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
સુખની શોધમાં બહાર ભટકતાં માણસને અંતે સમજાય છે કે સુખ તો ભીતર પડેલું હોય છે. એને શોધવાનું નથી હોતું, અનુભવવાનું હોય છે. પછીના શેરમાં કવિ એ વાત સ્પષ્ટ કરે છે. પ્રકૃતિનો એક અવિચળ નિયમ છે કે અહીં કશું કાયમ રહેતું નથી. પ્રભાત પછી સવાર અને મધ્યાહ્ન પછી સાંજ પડવાની જ છે.
બેફામ શું કહે છે,
તોય બેફામ કેટકેટલું થાકી જવું પડ્યું.
આમ તો રસ્તો હતો ઘરથી કબર સુધી,
જેઓ શોધવામાં રહ્યા છે તેઓ થાક્યા છે, અને જેમને ભીતરમાં એ અનુભૂતિ થઈ ગઈ છે તેઓ જીવી ગયાં છે . કહેવાય છે કે સિકંદર વિશ્વવિજેતા બનવાના સ્વપ્ન સાથે નીકળ્યો હોય છે ત્યારે ભારત આક્રમણ વખતે માર્ગમાં તેની મુલાકાત એક ફકીર સાથે થાય છે. ફકીરના તેજ અને આનંદને તે લાચાર બનીને નિહાળે છે. કહેવાય છે કે આ મુલાકાતની સિકંદર પર ભારે અસર થાય છે. તેના મૃત્યુ વખતે તે પોતાના બન્ને હાથ જનાજા ની બહાર રાખવાની વસિયત કરે છે.
છેલ્લા શેરમાં કવિ બધાં મોહપાશોને એક ઝાટકે તોડી નાખી આંતરમનમાં ડોકિયું કરવાનું કહે છે, એ માત્ર સલાહ નથી. પણ અનુભવોની એરણ પરથી મળેલો જ્ઞાનબોધ છે.
ગની દહીંવાળાએ કહ્યું છે,
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે , મુજ શત્રુઓ જ સ્વજન સુધી
કવિનું ભાવવિશ્વ ઠરેલ છે. અનુભવોની આંખોએ ઘણું જોયું છે, તુલસીદાસ જ્યારે મોહાંધ હોય છે ત્યારે સાપને નિસરણી સમજીને ચડે છે, પણ મોહપાશ છૂટતાં અમર રચનાઓનું સર્જન થાય છે.
ઈમ્તિયાઝ કે કાઝી
પુસ્તક પરબ માણાવદર
તા. ૦૧/૦૫/૨૦૨૦, શુક્રવાર