રવિવાર, 9 ઑક્ટોબર, 2016

પરદેશી બાવળના કાંટા - ગીત

પરદેશી બાવળના કાંટા - ગીત

આપણે પરદેશી બાવળના કાંટા,
લીલીછમ્મલાગણીનીગૂંથેલીચાદરમાં ઘચ્ચ દઈ પાડીએ ફાંટા.
આપણે પરદેશી બાવળના કાંટા.

નીજનીય ડાળખીથી અળગા થઈ જઈએ ને
રસ્તે વેરાઈ ખટકીએ,
સેવાની ચાદરમાં મેવાની ગંધ લઈ
મોટપ ઓઢીને ભટકીએ,
ખોબાઓ ધરીએ ને ઝોળી લઈ દોડી
કંઈક મેળવવા થઈએ ભૂરાંટા.
આપણે પરદેશી બાવળના કાંટા.

સાધુતાની ઢગલીમાં સૂનમૂન સંતાઈએ ને
ભરોસાના પગમાં ખૂંચીએ,
ચપટી ભભૂત લઈ; ફૂટેલી ટશરોને
ફૂંકીફૂંકીને વળી લુછીએ,
ભલે ભગવા સજાવીએ ને ધૂણો ધખાવી
ભોળા હૈયામાં મારીએ આંટા.
આપણે પરદેશી બાવળના કાંટા
- મુકેશ દવે

ગુરુવાર, 25 ઑગસ્ટ, 2016

પ્રતિકાવ્ય - આજના રાધા-કાન

(મુર્ધન્ય કવિ શ્રી પ્રિયકાંત મણિયારને પ્રસિદ્ધ રચના " આ નભ ઝૂક્યું તે કાનજી..." પર પ્રતિકાવ્ય દ્વારા વર્તમાન કાન-રાધાની પ્રસ્તુતિનો પ્રયત્ન.)

આજે જૂઓ આ કાનજી ને આધુનિક આ રાધા રે,
સીધોસાદો કાનજી ને ચપ્પટચાલાક રાધા રે.

બિલ ચૂકવે તે કાનજી ને શોપિંગ કરે તે રાધા રે,
વૈતરું કરે તે કાનજી ને મોજ ઉડાવે રાધા રે.....આજે.

પાટલી છે તે કાનજી ને વેલણ ફરે તે રાધા રે,
ખાંડણી રૂપે કાનજી ને દસ્તા રૂપે રાધા રે......આજે.

પોતા મારે તે કાનજી ને પગલાં પાડે તે રાધા રે,
બાબો રમાડે કાનજી ને ટીવી જૂએ રાધા રે....આજે.

ટિફીન ખાતો કાનજી ને હોટલમાં જમે રાધા રે,
ગાડી લૂછે તે કાનજી ને રોફ જમાવે રાધા રે......આજે.

આંખો ઝૂકે તે કાનજી ને આંખો બતાવે રાધા રે,
બેવડ વળી ગ્યો કાનજી ને મોં મચકોડે રાધા રે...આજે.

અંદર સળગે તે કાનજી ને કાંડી ચાંપે રાધા રે,
ટમટમ દીવો કાનજી ને હેલોઝન તે રાધા રે....આજે.

ખળખળ ઝરણું કાનજી ને ધોધ પડે તે રાધા રે,
શાંત સરોવર કાનજી ને ત્સુનામી તે રાધા રે.....આજે.
- મુકેશ દવે

ગીત : વાંસળીના સૂર્

વાંસળીના સૂર મારા હૈયામાં ઉતરીને સામટું ગોકુળ લઈ દોડે,
વાછરુંવછોઈ ઓલી ભાંભરતી ગાયો શી લાગણીઓ ખીલા વછોડે

ધમની ને શીરાઓ રાસલીલા લેતી
ત્યાં પ્રગટે નરસિંહની મશાલ,
મીરાનાં ઝાંઝરિયા છમછમછમ બાજે ને
અંતરમાં ગૂંજે કરતાલ,
આખુંય આકાશ હવે મારામાં ઉતર્યું ને પ્રસર્યું છે વૈકુંઠની જોડે... વાંસળીના સૂર.

ફૂંફાડા દેતો એ કાલીનાગ જંપ્યો
ઓલ્યા કંસનેય લાગી સમાધિ,
તનમનમાં નેહની નદી એવી ફૂટી કે
પ્રીતથી છલકાઈ ગયો જલધિ,
ધર્મક્ષેત્ર-કુરૂક્ષેત્ર સઘળું છું હું; એના ગીતાજ્ઞાન સંશયો ફોડે....વાંસળીના સૂર.
- મુકેશ દવે.

શનિવાર, 30 જુલાઈ, 2016

ગઝલ - પી ગયો છું

ખરેખર ખોટું ખોટું નહીં; સાચું પી ગયો છું,
ભરી ખોબો ખોબો હું આંસુ પી ગયો છું.
હું સાવ અહીં અમસ્તુ ઝૂમ્યા નથી કરતો,
નજરમાં ઘૂંટી અફીણ; ખાસ્સુ પી ગયો છું.
નઠારી યાદના પ્યાલા ભર્યા હતા કડવા,
છતાંયે મોઢું કરીને ત્રાંસુ; પી ગયો છું.
દુ:ખ પાક્યા પછીનું મીઠુંય લાગે સુખ,
હજુ તો દુ:ખેય હતું સાવ કાચું; પી ગયો છું.
અગત્સ્ય પી ગયેલા દરિયો લોહી તરસ્યો,
'મુકેશ' જીવતર હતું પ્યાસુ પી ગયો છું.
- મુકેશ દવે
 ૨૭/૦૭/૨૦૧૪

સોમવાર, 27 જૂન, 2016

વરસાદી વ્યથા (અછાંદસ)

સાચ્ચે જ
જેની બીક હોય તે જ થાય.
એટલે જ હું નહોતો વરસતો.
જેનો ડર હતો
એ જ થઈને રહ્યું.......
મારા વરસવાની સાથે જ

કવિઓ
તૂટી પડ્યા
મારા પર કવિતા લખવા....
પણ શું કરુ ?
મોરના ગહેકાટ માટે મારે વરસવુ પડ્યુ,
ઢોરના વલખાટ માટે મારે વરસવુ પડ્યુ.
- મુકેશ દવે.

શુક્રવાર, 24 જૂન, 2016

પિતા - અછાંદસ

જેની
હાજરી
મધ્યાહ્નનો તપ્ત સૂર્ય
અને
ગેરહાજરી
અમાસનો નર્યો અંધકાર
એટલે
પિતા.............

- મુકેશ દવે

વિગતનું વળગણ - ગીત


*ગીત*
લૂમોઝૂમો મૂછો માથે લૂખ્ખેલૂખ્ખો તાવ દઈને બેઠો છું,
ખૂલ્લંખૂલ્લા ઓટા માથે મારું આખું રાજ લઈને બેઠો છું.

ફાટેલ કોટના કાણેથી ટપકે
સિંદૂરી ગાથાઓ,
માથા વગરના ધડે વધેર્યા
શ્રીફળ સમ માથાઓ,
તાતી તગતગતી તલવારે લોહીઝર્યો ઈતિહાસ ધરીને બેઠો છું.
લૂમોઝૂમો મૂછો માથે લૂખ્ખેલૂખ્ખો તાવ દઈને બેઠો છું,

પાદર - ખેતર - ગામસીમાડે
થઈને ઊભો ખાંભી,
સેંથીમાંથી પ્રગટી જ્વાળા
આભને જાતી આંબી,
ઘરચોળાની ભાતો ફેંકી મીંઢોળબંધ સખાત કરીને બેઠો છું.
લૂમોઝૂમો મૂછો માથે લૂખ્ખેલૂખ્ખો તાવ દઈને બેઠો છું,

- મુકેશ દવે
તા.૨૫/૦૬/૨૦૧૬

ગુરુવાર, 21 એપ્રિલ, 2016

વણ ઉકલ્યો માણસ (અછાંદસ)

ભૂમિતિના
પ્રમેય
ખૂબ અઘરા લાગતા,
ના શીખ્યો
છેવટ લગી
ઉકેલતા....
આજે
તેથી જ
નથી
ઉકેલી શકતો
અઘરા માણસને.
- મુકેશ દવે

ગુરુવાર, 31 માર્ચ, 2016

પ્રૌઢનો બળાપો (ગીત)

પ્રૌઢનો બળાપો (ગીત)
************************
હજુ અડાબીડ જુવાનિયો; રોમરોમ મારામાં થરકંતો થનગન નાચે હો જી,
ને તારામાં માંદિયલ ઝમકુ ડોશીડી ડગુમગુ થૈને પીડાઓમાં રાચે હો જી.
ફાગણના વાયરાની વાસંતી મ્હેક પર સવાર થઈને
હું ઘૂમુ છું બાગેબાગે,
'ને ચૈતરી બપોર સમો કાળઝાળ તારો આ તડકો મારી
શીતળતા સામટી તાગે,
તું કોરી અષાઢી બીજ જેવું ચમકે ને મારામાં ધોધમાર ભાદરવો ભાસે હો જી.. હજુ અડાબીડ જુવાનિયો; રોમરોમ મારામાં થરકંતો થનગન નાચે હો જી.
હું લીલી નાઘેરની લીલી વનરાઈ અને લીલાછમ્મ
મોતીનું લહેરાતું ખેતર,
ઝાંઝવા પીધેલા સહરાના રણ જેવી સુકીભઠ્ઠ વાડીમાં
કેમ બોલે મોરલા ને તેતર ?
તું હૃદયે લખેલાં મારા સળગતાં સપનાને અભણ જણ થઈને વાંચે હો જી
હજુ અડાબીડ જુવાનિયો; રોમરોમ મારામાં થરકંતો થનગન નાચે હો જી,
-* મુકેશ દવે

ગુરુવાર, 18 ફેબ્રુઆરી, 2016

હનુમાન પ્રતીક્ષા ( અછંદસ)

હનુમાન પ્રતીક્ષા ( અછંદસ)
*******************

હનુમાન જયંતીથી
આકર્ષિત
અમરેલીનો લાઠી રોડ
આગલી સાંજથી જ
કેટલીક આસ્થા.
કેટલીક મોજ....થી
સભર
પગપાળા
ભુરખિયા હનુમાન તરફ
વેગે ધસી રહ્યો છે....
પગપાળાની ગતિ કરતાં
ધૂમ સ્ટાઈલ ગતિથી
કૌવત બતાવતા
ત્રીપલસવારી બાઇકો
ચાલી જતી આસ્થાને કચડતા
સર્પાકારે ઘૂમી રહ્યાં છે....
રસ્તાની બન્ને બાજુના
ઓટલાની આંખો
નફટાઈ ભરેલ લોલૂપતા છલકાવી રહી છે,,,,
માર્ગમાં
આંતરે-આંતરે
ઊભા થયેલા
ખાણી-પીણી-સારવાર સ્ટૉલ
પૂણ્યની જોળી છલકાવવા
થનગની રહ્યા છે...
મંદિરના
ગર્ભગૃહની આગળ
મોટા ખાલી તાંસ
લક્ષ્મીજીથી
છલોછલ થવાના શમણે છે....
અને
હનુમાનજી.....????

માનવલીલાને
ઊકેલવા
મથે છે
કોઈ
રામરંગ્યા
હૈયાની
પ્રતીક્ષામાં..........
- મુકેશ દવે

હું અને તું - રિવ્યુ

કવિશ્રી Paras S. Hemaniનો પ્રથમ કાવ્ય સંગ્રહ "હું અને તું" માં ડોકિયું કરવાનો અવસર મળ્યો.
પારસભાઈએ જીવનની વિટંબણાઓ,સંઘર્ષો અને વિરોધાભાસ જેવા પાસાઓને બરાબર પારખીને તેમના લઘુ કાવ્યો અને ગઝલમાં ઇમેજાવ્યા છે.... ચાલો માણી જ લઈએ.
(૧)
ચાર માણસોનું કુટુંબ
મંદીમાં
ખાવા ધાન નથી
ને
ભાડાના મકાનનું નામ
"લીલાલહેર" છે !
(૨)
હૉસ્પિટલથી
કાયમ દૂર રહેવું
એવું
ગયા જન્મે નક્કી કરેલું
છતાં
આ જન્મ
હૉસ્પિટલમાં જ થયો !!
(૩)
આલીશાન બંગલામાંથી
પપ્પાની કાર ઑફિસ તરફ ચાલી ગઈ
મમ્મીની કાર ક્લબ તરફ જવા નીકળી
હવે હાશ થી હોય એમ
બધો સ્ટાફ આડો અવળો થી ગયો,
આયા મોબાઈલમાં વ્યસ્ત થી ગઈ
બાળ
રમકડું પડતું મૂકી સૂઈ ગયું
ભૂખ્યું અને ભીનું....!!!
(૪)
તળાવની પાળે
સ્વપ્ન જોયા'તા

દહેજની હોળીમાં
સળગી ગયાં !
(૫)
હૉસ્પિટલમાં આરામ શોધતો 'લાચાર' દર્દી...!!
(૬)
નગ્ન બાળકોને
જોઈ
થયું કે
કાશ!
ઈશ્વર
કાપડનો
વેપારી હોત તો !!!
(૬)
"તાકીદે રક્તદાન કરવા જઈ રહેલા
માડીજાયાનું રક્ત પી જતો અકસ્માત !!!"
(૭)
રૂમની
ચાર દીવાલો વચ્ચે
પલંગ પર પડેલ
લક્વાગ્રસ્ત શરીરમાં
ચેતનાનો સંચાર દેખાયો,
વિલમાં
ફેરફાર કરાવવાની
મથામણમાં
આજનું જનરેશન.
(૮)
રડી લઈએ તો હળવા થવાય
ફરી
એ જ
દુ:ખનો
સામનો કરવા !!!
(૯)
૨૫ X ૨૫ નો ડ્રોઈંગ રૂમ
૨૦ X ૧૪ નો ફેમીલી રૂમ
૨૫ X ૨૫ નું રસોડું
૨૦ X ૧૬.૫ ના ૩ બેડરૂમ
૧૦ X ૧૨ ના બાથરૂમ
અહાહાહા !!!
ત્યાં જ
સસ્ફળો જાગે
૬ X ૮ ની ઓરડીમાં ટૂંટિયું વાળીને
સૂતેલો માણસ !!
(૧૦)
આંખોના
તળાવમાં
તરતા-તરતા
પૂરો થાય
પિયર-પ્રવાસ.
(૧૧)
સપનાઓ
રંગીન
આવે છે...
પણ

માણસ
રતાંધળો છે.
(૧૧)
દેહ પર
અપૂરતા
કપડાં
હોવા છતાં
શરીર ઢાંકવા
પ્રયાસ કરતી
ગરીબ સ્ત્રી
આજે
ટીવીમાં
હિરોઈનને
એકીટશે તાકી જ રહી..!!
(૧૨)
આથમણી દિશા
ફરીવાર
ગોરજથી ઊભરાઈ ગઈ
કતલખાનામાં
આજે
બંધનું
એલાન હતું !!!
(૧૩)
બંગલો તોડી
ફ્લેટની સ્કીમ મૂકાતા
રડતો ઝરુખો.
(૧૪)
આંખોમાં નિષ્ફળતાના
વાવેતર
અર્થાત આંસુ !!!!
(૧૫)
સખાવત કેવી
બેખબર હોય !!!!!
(૧૬)
ઘડિયાળને કાંટે
દોડતો
માણસ
પરિવારમાં
જ મહેમાન !!!!!
(૧૭)
જાહોજલાલીમાં
આખી જિંદગી જીવ્યા
વરસોના વરસો....
આજે એ
હિંચકે ઝૂલે છે

વૃદ્ધાશ્રમમાં,
વાર-તહેવારે
કોઈ ખબર અંતર
પૂછી જાય છે.
(૧૮)
સપનાંઓ
તો
ઘ...ણાં છે
પણ
ઊંઘવાનો
સમય ક્યાં ??

(૧૯)
કેટલાંયે
સપનાંઓ
બાજુમાં
મૂકી દીધેલી
ફાઈલ નીચે કચડાઈ જતા હોય છે !
(૨૦)
બંને
દીકરા ને વહુઓ
મિલકતો માટે લડી પડ્યા
જર-જમીન-ઝવેરાતના ભાગ થયા
પણ
લાચાર પિતાને
વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા
માટે
સર્વ સંમતિ છે !!!!
(૨૧)
અરજદારોની લાંબી કતાર હતી,
ઑફિસરોની હાજરી પાંખી હતી,
ઉપરથી
ભાદરવાની કાળઝાળ ગરમી હતી,
ને
એક ગરીબની ઠંડા પીણાંની લારી હતી,
કેટલાં વર્ષો પછી
આજ
એના ઘેર
ઉજાણી થઈ !!

(૨૨)
સાચે જ
સ્ત્રીનું જીવન


લે
આજીવન
અગ્નિ સાથે દોસ્તી...

થોડ શે'ર:-
(૧)
પૂછવું શું એને 'પારસ' સુખ વિષે
જેની હરપળ રાહમાં વીતી ગઈ
(૨)
રોજ બેસે બધા ભાર લઈને અહીં
જિંદગી એટલે હાંફતી જાય છે.
(૩)
કેટલા આયાસ 'પારસ' મેં કર્યા ઉકેલવા
જિંદગીના પ્રશ્ન સામે ધૂંધવાતો જાઉં છું.
(૪)
પથ્થરોનો કદી તો પડશે ખપ
બે'ક આંસુનું દાન કરવા દે.
(૫)
વ્હેમ પાછા કેટલા તાજા થયા
હાથ જૂની ડાયરી આવી ગઈ
(૬)
વિપદાઓ આવે ત્યારે સામટી આવે
શી ખબર કે ક્યારે ને ક્યા નામથી આવે
(૭)
જેએ સમયને હાથતાળી આપતો,
એ જ માણસ કેટલો મૂંઝાય છે !
- શ્રી પારસ હેમાણી

ગમતીલું શમણું - ગીત

ગીત :-

આંખ્યુંમાં આંજ્યું એક ગમતીલું શમણું
ને સાહ્યબો મારો એવો કંઈ હલક્યો
કે એવો કંઈ છલક્યો જાણે
બેઉ કાંઠે ઊછળતું - ઘૂઘવતું પૂર..!!!

સાહ્યબાની મેડીએ ટમટમતો દીવો;
હું બારણાંની આડશે ઊભેલી,
ઢાળેલા ઢોલિયાની મખમલ્લી ચાદરના
ગીત ગાઉં એકલી અટૂલી,
ધીમા ધીમા પગરવનું કાને અથડાવું પછી;
ધડકંતી છાતીમાં કળાયેલ મોરલા
એવું તો ટહુક્યા ને એવું તો ગહેક્યા કે
મેઘલી રાતમાં વરસે ચકચૂર...... આંખ્યુંમાં૦

ઊગમણી દશ્યમાં ફાટ્યો છે પોહ
તોય હું નીંદર વીંટાળીને સૂતી,
ઘોળી ઘોળીને ઘૂંટ્યા રાતના ઉજાગરાને
ઘટ્ટક-ઘટ્ટક કરી પીતી,
પાંપણના કાંગરેથી બોલતા બપૈયાના
'પિહૂ પિહૂ' ભણકારા એવા તો ખટક્યા
કંઈ એવાએવા ડંખ્યા કે
નિંદરને શમણું બેઉ ફૂટીને ચૂર... આંખ્યુંમાં૦
- મુકેશ દવે

અમે તો જીવીએ પુરાંત સાથે,-ગીત


કોઈ જીવે છે ખોટ ખાતાં; કોઈ જીવે છે લમસમ,
કોઈ જીવે છે લગભગ જેવું અંદાજા સંગાથે,
પણ અમે તો જીવીએ પુરાંત સાથે.

અંધારી કાજળકાળી કાળી રાતે
જ્યોતિ થઈ પથરાયા,
સૂકાં તરસ્યાં રણ વચાળે
નદી બની રેલાયા,
બળબળતી બપ્પોરી લૂમાં છાંયો ધરીએ માથે..... 

એમ અમે તો જીવીએ પુરાંત સાથે.

વાવ્યું એટલું ઊગી નીકળ્યું
નેહના પાણી પીને,
ભરુંસાનું ખાતર નાખ્યું
મ્હોર્યું રાત્રિ - દિને,
લણ્યું એટલું ખૂબ વાવલી વહેંચ્યું છૂટા હાથે.

 એમ અમે તો જીવીએ પુરાંત સાથે.

વગર મૂડીનો વેપાર માંડ્યો
વેચ્યા ફોરમ ફાયા,
ખોબે ખોબે દીધે રાખ્યું
જોખ કરે રઘુરાયા,
રોકડ ક્યાંયથી આવે નહીં 'ને માંડ્યું ના કોઈ ખાતે.....

તોય અમે તો જીવીએ પુરાંત સાથે.
- મુકેશ દવે

ચીંથરેહાલ હાથ (અછાંદસ) :-

ચીંથરેહાલ હાથ (અછાંદસ) :-
******************************

લાચારીભરી
દૃષ્ટિ
હથેળીમાં મૂકી
લંબાયેલા
ચીંથરેહાલ હાથમાં
રૂપિયાનો સિક્કો પડતાં
લાચારી
ખૂશી થઈને
ક્ષણિક ચમકી ગઈ
આંખમાં....
અને
સિક્કો
ચાલ્યો ગયો
સાંધેલા ખીસ્સાની
સમૃદ્ધિમાં વધારો કરવા,
પણ....!
હાથ
તો
ફરી;
બીજી દિશાઓ તરફ
વલખતો - ટળવળતો
ચીંથરેહાલ
ભટકતો રહ્યો.......!!!!!!

-મુકેશ દવે

સૂર પ્યાલો - ગઝલ

તારથી તંબૂર પર એવો ટપકતો હોય છે,
સૂરનો પ્યાલો ભજન થૈને છલકતો હોય છે.

દ્વાર નવમાં શોધવા એને જ ભટક્યા છો કરો,
દ્વાર દસમે એ મલપતો ને મલકતો હોય છે.

શબ્દને સાધ્યો ભલે; આરાધવો સાથે પડે,
હાથમાં આવી પછી કેવો છટકતો હોય છે !

એમ ના સહેલું કદી પણ બ્રહ્મ પાસે પ્હોચવું,
નાદ એથી નાભિ લગ ઊંડે ગરકતો હોય છે.

રત્ન સુખનું ભીતરે કાયમ ચમકતું ને છતાં,
શોધવા માટે 'મુકેશ' ક્યાં ક્યાં ભટકતો હોય છે.

મુકેશ દવે
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

અને તું - રિવ્યુ

કવિશ્રી Ashok Jani "આનંદ" સાહેબના ગઝલ સંગ્રહ "... અને તું" માં ડૂબકી મારવાનો અવસર મળ્યો. હકારાત્મક દૃષ્ટિકોણ અને હકારાત્મક જીવન માટેના નિર્દેશોથી ભરપૂર ગઝલ સંગ્રહ છે
પહેલાના વખતમાં કાંટો વાગે ત્યારે ગામના વાળંદ પાસે જતાં. એ ચીપિયા વડે આસ્તે આસ્તે કાંટા ફરતી ચામડી દૂર કરે અને પછી સટ્ટ દઈ કાંટો ખેંચી કાઢે...
અશોકભાઈની રચનાઓમાં આ જ વિશેષતા... હળવી રીતે વાત રજૂ કરે અને પછી ઊંડેથી એકાદ સંવેદન ખેંચી લાવે... આ જ ચમત્કૃત્તિ શૅ'રમાં ગઝ્લિયત ભરી દે છે.જૂઓ :-
*
આજે પણ રુંવાડે દીવા પ્રગટે,
બચપણની ઘટના એકાદ અને તું.
*
આઈનો રોજ પૂછ્યા કરે છે મને,
બહાર ઊભો બીજો કોણ છે શખ્સ આ.
આંખ બંધ થઈ ગઈ તોય દેખાય છે,
કોણ ચીતરી ગયું આંખમાં દૃશ્ય આ.
*
શ્વાસોના જુઓ સૂમસામ ખાલી શહેરમાં,
તું આવી ને વસંત પાલખી જો નીકળી
*
હળવી ક્ષણ જ્યાં મળશે ઊઠાવી લે,
હલકો કરશે તારા હૈયાનો બોજ.
*
ચાખ્યા તું કરજે ફળ મીઠાં કાયમ મજા લઈને અલ્યા,
આ જે ઊગ્યો આંબો નથી પણ મિત્રતાનું ઝાડ છે.
*
નથી હું પાર્થ-સુત, ના કૃષ્ણ મારા થાય છે મામા,
છતાં સાતે આ કોઠેથી નીકળતા આવડી ગયું છે.
*
એકાદ-બે મોતી મઝાના જો મળે તો રાજીપો,
જિન્દગીભર કેટલી તેં છીપો ચાળી હશે.
*
જો પ્રતીક્ષા બારીએ ડોકાય છે,
પણ ઉદાસી બંધ રાખે બારણું.
*
ચાલો ઉદાસીને હવે ખંખેરીએ,
પીંછાની જેમ કોઈના સ્પર્શ્યાની વાત છે.
*
સતત પંપાળી પંપાળીને જે મોટો કર્યો છે એ,
અહં નામનો સિક્કો હવે ક્યાં જઈ વટવું હું.
*
ક્યાં ક્યાં સુધી ગયા'તા બંસીન સૂરની પાછળ,
ભીના એ સૂરમાં છૂપો ચિત્કાર પણ હતો, ને !
*
ટાઢ, તડકો, વરસાદ, કાંટા ઝાંખરા,
આ બધાંથી પણ કદી રસ્તો અમે બાંધ્યો હતો.
*
જાતને હું છેતરું તો ક્યાં સુધી?
એક અંદર આંખ છે શું થઈ શકે?
*
સાવ કોરી સ્લેટમાં માંડ્યો'તો એ,
જિંદગીના દાખલાનું શું થયું ?
*
હવે કોલાહલોનું આ નગર એકાંતને ઝંખે,
અહીં એક આમ માણસ રોજ હપ્તેથી મરાયો છે.
*
આંખની ભીનાશ મિત્રો જોઈ ના લે એટલે,
મેં સતત વરસાદને વરસાવવાની હઠ કરી.
* હાથમાં લથબથ મળે છે રોજ એ તો,
છપું વાંચી રક્તની આદત પડી છે.
*
વ્યથા સાથે અમારી આમ તો પહેચાન જૂની છે,
તમે જોઈ શકો તો શબ્દમાં ડૂસકાંઓ સૂતા છે.
*
એટલે ના નજર મિલાવી મેં,
ક્યાંક મર્યાદા લોપાતી'તી લ્યો.
*
જાવું છે સામે પાર આ આંશી તુફાનમાં,
કરવું શું મારે આ છિદ્રાળુ નાવનું.
*
સાંભળી શકશો મને પણ બેસૂરાને,
કોઈ તૂટેલી વીણાના તાર જેવો.
*
યાદ મારા મનના પુસ્તકમાં રહે,
ડાયરીની ઓશિયાળી એ નથી.

*પછેડી વ્યથાની ઓઅઢી લઈને,
સહુને સુખોની સખાવત કરી છે.

* તમે આઈનો થઈને આવ્યા અને,
મને ખૂદને મળવાનો મોકો મળ્યો.
*
આમ તો સંબંધના બસ વિસ્તરે છે વર્તુળો,
તોય નાની ચાપ આ ત્રિજ્યા વિનાની થઈ ગઈ.
*
કાગડા-ચકલાં ખભા પર બેસીને કિલ્લોલતાં,
ચાડિયા માફક હવે ના ખોડ ખેતરમાં મને.
*
ચાલો પેલા બાળકની આંખોમાં જઈને રમીએ
એની આંખે વિસ્મય જેવું ટપકે કેવું છે !
*
ચોતરફથી ઉત્તરો પડઘાય છે,
પણ હવે લ્યો પ્રશ્ન જેવું કંઈ નથી

* આમ તો ચર્ચાઉં છું કાયમ અહીં,
તોય લોકો પૂછે મારું નામ છે.

* માંડ ઠારું આંસુ છાંટી આ ભભૂકતી આગને,
ત્યાં ફરી સળગ્યાં કરે છે જો ખરી છે વેદના.
*
ના નથી ગાદી ને તકિયા ના પલંગો પણ,
આ પછેડી ચી અને બસ એ જ ચાદર છે.
*
બાગમાં મહેંકી જવું ગમતું મને,
શીશીમાં પુરાઉં એવો હું નથી.
*
એકલી ભીંતો ચણીને શું કરું ?
બારણું, બારી ને છત પણ જોઈએ.
*
દોસ્ત, તારી આવડતની દાદ દું,
ઘોળીને પી જાય તું આઘાતને.
*
યાદની બે-ચાર ખીંટી મનભીંતે ખોડાઈ છે,
થઈને પહેરણ કોઈ ખૂદને ટાંગવામાં વ્યસ્ત છે.

*
છમ્મ દઈને સાવ ઠંડી પાડવા,
વાસના બેહદ જરા ભડકાવી જો.
*
પથ કદી હોતો નથી, કંડારવાનો હોય છે,
એટલે જીવન ઘણા કેડી બની અંકાય છે.
*
કેટલા યુગથી બનાવી માણસો થાક્યો હશે,
કોઈ નવતર આપણે ઈશ્વર બનાવી જોઈએ.
*
મનમાં છો તિરાડ હતી પણ,
ચહેરા પર તો આદર રાખ્યો.

.

માણસ ક્યાં ખોવાયો છે - ગઝલ

ભૈ માણસ માણસ વચ્ચે ક્યાં ખોવાયો છે !
એ તો પોતે પોતાનામાં અટવાયો છે.

મારું-તારું-સઘળું કૈં ના હો સહિયારું,
ખૂદના દોરેલા કૂંડાળે રોપાયો છે.

નિસ્બત ન્હોતી એને શર્મગર્દીની સાથે,
જાતે ખૂલ્લી હાટે ખૂલ્લો વેચાયો છે.

ઝાકળબૂંદે આખેઆખું સરવર પીવા,
કોઈ પૂછે - "ઘાંઘો છે કે રઘવાયો છે ?"

ખાવા-પીવા-હરવા-ફરવા માટે રળવું ?
'મુકેશ' તેથી માણસ થૈને પસ્તાયો છે.

- મુકેશ દવે
(ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા)

જિંદગી - ગઝલ

જિંદગી જલ્દી થતી સાચ્ચે જ પૂરી હોય છે,
ને છતાંયે કામના કાયમ અધૂરી હોય છે.

તો જ સુખની બહુ થશે કિંમત અહીયાં એટલે,
એટલાં તો કષ્ટ આ જીવને જરૂરી હોય છે.

જિંદગી રસસ્વાદથી ભરપૂર છે - માણી જુઓ,
મીઠડી આરંભથી, છેલ્લે જ તૂરી હોય છે.

ભ્રમરોને શી ગતાગમ હોય ? શું છે ખીલવું ?
ફૂલ થાવાને કળી કેટલુંય ઝૂરી હોય છે !

રોશની મોટા મહેલોની બહુ ગમતી ભલે,
કિન્તુ એની ભીતરે કાળી મજૂરી હોય છે.
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)(રમલ ૨૬)
- મુકેશ દવે

લઘુ કાવ્ય - સજોડે

એ યજમાન મિત્રએ મને કહ્યું -
"તું સજોડે કેમ ન આવ્યો ?"
ને
જવાબમાં મેં
પગમાં પહેરેલ જોડાં બતાવ્યાં.
- મુકેશ દવે

કુંવારો વલખાટ (ગીત)

કુંવારો વલખાટ (ગીત)
********************

મારા ભેરૂડા કો'ક મીંઢોળ બંધાવે; કો'ક પારણું ઝૂલાવે,
આમ વળગી ગ્યા અંઈ ને તંઈ,
તીં મારે પૈણવા વલખવાનું નંઈ ??

ઝાંઝરનો ઝણકારો; કંગનનો ખણકારો;
મને દોમદોમ વહાલા લાગે,
ભીંતે ચીતરેલ મોર; ટોડલાના પોપટડા,
આમ તેમ ઊડવા લાગે,
છબછબિયાં કરતાં સૌ રહભર તરબોળ ને
મુજે ભણકારાય હાંભળવા નંઈ ?.........તીં મારે૦

ગંજીફાના મ્હેલમાં ચારચાર રાણીયું
હવે પત્તેય રમવાનું બંધ,
ચોપડી ખોલું ને હોય પ્રેમની કહાણી
હવે એનેય વાંચવાનું બંધ,
પણ ભૂંડ્યા હોણલાં તો આંખ્યું મીંચુને ત્યાં
તોફાની ટોળી શા ડેકરો મચાવે અંઈ........... તીં મારે૦
- મુકેશ દવે

તા.ક. મારું આ ગીત કવિશ્રી Jogi Jasdanwalaને ખાસ અર્પણ

સંજુ વાળાને

ગુજરાતી સાહિત્યના સર્જક, ઉત્તમ ભાવક,
આસ્વાદક અને ગુર્જરી કાવ્યોના રક્ષક
શ્રી સંજુ વાળાસાહેબ ને........
મારી
ભીની લાગણી અર્પણ :-

ગીતોમાં તમારી જમાવટ ગમે છે.
છપ્પામાં તમારી અખાવટ ગમે છે.

હોય શબ્દ શૂરો ને ભાષા છે બળકટ,
એમાં ઊર્મિઓની મિલાવટ ગમે છે.

દૂહા છંદ ગીતો ને લખો ગઝલ વા,
કવિતા પ્રતિની એ રખાવટ ગમે છે.

ભારોભાર ભજનો હૃદયમાં ભર્યા છે,
છતાં અનુગુર્જરીની સજાવટ ગમે છે.

પહોંચ ઊંચે તોય ધરા પર પગ છે,
શીખવતા જવાની એ ફાવટ ગમે છે.
- મુકેશ દવે

દેશભક્તિ (અછાંદસ)

હે
જીવ !!!
ચાલ,
આજે - આજ પૂરતી
ઉભરાઈને......છલકાઈને.....
નીચે ઢોળાઈ રહેલી
દેશભક્તિને
ભરી લે
ખોબે ખોબે....,
એને
ફરકાવી લે
રાષ્ટ્રધ્વજને બદલે
અને
ફૂલોને બદલે
ધ્વજદંડ ફરતો
અગ્નિ પ્રગટાવી
સૂકવી દે - બાળી દે,
નહીં તો
આવતી કાલથી જ
વાસી થઈ
ગંધાઈ ઉઠશે
છલકાઈને ઢોળાયેલી
દેશભક્તિ....

મુકેશ દવે

તાસીર જુદી છે - રિવ્યુ

"તાસીર જુદી છે" ગઝલ સંગ્રહના સર્જક અને ગુજરાતી કાવ્યજગતમાં આગવી ઓળખ ઊભી કરનાર સુ.શ્રી લક્ષ્મીબેન ડોબરિયાનો પરિચય એમની રચનાઓ થકી થયો.એમને રૂબરૂ મળ્યા વગર કહી શકુ કે; તેઓ સરળ અને સાલસ વ્યક્તિત્વના માલિક છે. તેમનું આ વ્યક્તિત્વ " સ્વની ઓળખ, ભીતરની ખોજ અને જાત સાથે વાત માટેની મથામણ"નું પરિણામ છે..જુઓ તેમની શેરિયત જ આ વાતની સાક્ષી પૂરે છે.
*
મારી બધી યે વાતની તાસીર જુદી છે,
ભીતર પડી એ ભાત જુદી છે.
*
થોડા ઘણાં તનાવથી અજવાળું થાય છે,
ખુદને કરેલી રાવથી આજવાળું થાય છે.
*
લઈ ઉછીનું દર્દ, ને ક્યારેક તું,
કાઢ મનનું માપ ચીલો ચાતરી.
*
મેં પ્રથમ આ જાતને ઓગાળી હતી,
એટલે સંબંધ તેજોમય થયો.
*
મારો મને પરિચય સ્હેજે થયો;તો જ્યારે,
રહેવાનું ઋણ કાયમી એ વાસંતી વરસનું.
આ જાત ઓગળી તો હોવાનો અર્થ જાણ્યો,
ને મૂલ્ય થ્યું સવાયું આ પ્રેમની જણસનું.
મારા સિવાય બીજું આ કોણ છે અરીસે ?
પ્રતિબિંબ શું ઝિલાયું, ત્યાં ભીતરી કણસનું ?
*
મારાથી પણ જરાક મને પર કરી શકે,
હોવું તમારું બસ મને સદ્ધર કરી શકે.
ખુલ્લું હૃદય જો રાખ તો હળવાશ લાગશે,
તાજા વિચારો ભીતરે હરફર કરી શકે.
*
તમને મળ્યા પછી હું મને ઓળખી ગઈ,
ને, આયનાની જૂઠી ચમક ઓસરી ગઈ.
*
ભીતરી અસબાબને પામી શકો,
માર્ગ ભૂલેલાના નકશા થઈ જુઓ.
*
પોતીકો છે અવાજ ને પોતીકું મૌન છે,
અજ્વાળું લઈ ઉછીનું ગુજારો નથી કર્યો.
*
લ્યો, પુરાવો મારી ઊંચી પહોંચનો,
મારાથી મારા સુધી પહોંચાય નહીં.
*
હાથ હો ખાલી ભીતરે જોજે,
મૂડી ત્યાં બેહિસાબ હોઈ શકે.
*
પડઘો પડે કે ના પડે એ વાત ગૌણ છે,
ભીતરનો આર્તનાદ છે, એ ધ્યાનમાં જ છે.
*
કોણ છું ? ના પ્રશ્નથી
ખુદને પડકારી જુઓ.
*
વિસ્તાર મારો જે થયો સંજોગવશ થયો,
મારી જ સામે લીધાં મેં પગલા સમય જતાં.
*
નામ ક્યાં સ્થાપવાનું જાણું છું ?
જાત વિસ્તારવાનું જાણું છું !
*
બસ આપણાં જ આંખકાન બંધ છે,
બાકી તો આપણાંમાં અમલદાર હોય છે.
*
જાતને થોડી પલોટી જોઈ મેં,
લાગણીની ધાર કાઢી જોઈ મેં.
*
આપવાના હોય નહિ ઓળખના પત્રો,
ભીતરી વ્વિસ્તાર માટે જાગવાનું.
*
ઓળખ મને જો મારી, મળી જાય તો પછી,
એના સુધી એ રીતથી પ્હોંચાય શક્ય છે.
*
જાત સમેટી અવસર ઉજવું,
ચાદર માટે શું કરગરવું ?
મ્હોરાને ઝળહળતું રાખી,
સ્હેલું ક્યાં છે ખુદને મળવું ?
*
રહીને સ્થિર ફરવાનો કસબ શીખી ગયા,
અમે ભીતર ઉઘડવાનો કસબ શીખી ગયા.
*
ધારણાં વિસ્તારની કરર્જે પછી,
મૂળ પહેલાં ભીતરે ગાળી તો જો.
*
ભીતરેથી રોજ માંજે છે મને,
પ્રશ્ન જાણે ઝળહળાવે છે મને.
*
'કોઈ છે' ની લાગણે થઈ,
ભીતરેથી રોશની થઈ.
*
ભૂલોને સ્વીકારું છું,
અજવાળું વિસ્તારું છું.
*
ભાત નોખી પાડવાને લ્હાયમાં,
રોજ દર્પણ માંજવાનું હોય નહિ.
*
મન તાજગીસભર અને જીવંત રહીએ શક્યું,
સમજી વિચારી એને મેં માર્યું પ્રમાણસર.
*
છોડવાનું કંઈ નથી,
ખુદને પામી લે પ્રથમ.
*
થોડો-ઘણો સમયનો તકાજો કબૂલ છે,
મારા સુધી જવાનો એ રસ્તો કબૂલ છે.
*
હાશ કરી મન હેઠું બેઠું,
ભીતરના વ્રણ તડકે મૂકી.
*
ડાળીની જેમ દ્રશ્યને તાજા જ રાખવા,
ભીતરના સૌ નકારને કોરાણે મૂકજે.
*
કોઈ ભીતરથી માર્ગ ચીંધે છે,
હું મને આસપાસ રાખું છું.
વાર વહેવારે કોરાં કાગળ પર,
ખુદને મળવાનું ખાસ રાખું છું.
*
તૂટ્યું ભરમનું દર્પણ એ ઘાત થઈ સવાઈ,
ખુદને મળું છું એવી નિરાંત થઈ સવાઈ.
*
એકલતા એ સાથ નિભાવ્યો,
ભીતરના સૌ વ્રણની સાખે.
*
ઓટ સમયની ખાળું છું,
ભરતી ભીતર લાવું છું.
નુસખા સ્થિર થવાના સૌ,
જાત વલોવી જાણું છું.
*
અહમ છોડી જરા તું વાત પોતાની કરી તો જો,
અરીસો બોલશે સાચું તું ચહેરાને ધરી તો જો.
*
જાતને પુરવાર કરવા કેટલું કરવું પડે,
ને કદીક તો સાંભળ્યું ન સાંભળ્યું કરવું પડે.
*
સાત પગલા મેં ભર્યા છે,
ખુદની દુ:ખતી રગને ઝાલી.
*
રસ્તો મળી જવાની છે સંભાવના સખત,
કોઈને ભીતરે હું, વિચારી શકું અગર.
*
પ્હેલાં તું તારી જાત સમેટીને જો પછી,
ટૂંકી પડેલી ભાગ્યની ચાદર વિશે વિચાર,
"તું કોણ છે ?" નો પ્રશ્ન સતાવે જો રાતાદિ',
ઝળહળ તને કરે છે એ જડતર વિશે વિચાર.
*
કેટલી નજદીક છું મારાથી હું,
દૂર એનાથી રહી જાણી શકી.
*
અહિં ઋણાનુબંધથી બંધાઈને,
આખરે તો જીવ ભીતરે જઈ ચડે.
*
ઉત્તર થઈને અવતરે છે શબ્દસામટાં,
પ્રશ્નો કરું છું ખુદને, સમય શારડી વિશે.
*
મારી આ તાજગીના મૂળમાં તો,
જે હૃદયમાં છે એની ઝાંય હશે.
*
તું કસોટી કરે છે તો જાણ્યું,કે,
છે શ્રદ્ધા તનેય મારામાં.
*
ઓળખ મારી આપું છું,
જાતને પારિજાત કરી.
*
મેં અહમ હળવેકથી છોડ્યો અને,
થઈ ગયા અષાઢ જે ચૈતર હતા.
*
તારો તું મોહ છોડી, ને ચાલ તારી સાથે,
હળવાશનો ઈજારો, સ્હેજે મળી જવાનો.
*
મેં મને મળવાનું બસ ધાર્યં હતું સમજણ થકી,
ટાકણું મેં પ્રેમનું માંગ્યું હતું સમજણ થકી,
*
જાણું છું હું મને શું ? આ એક પ્રશ્ન લઈને,
ખુદનો જ ન્યાય કરવા તૈનાત થઈ ગઈ છું.
*
ખુદને મળી શકો બને એવા બનાવ પણ,
તૈયારી રાખવી પડે દેવાની દાવ પણ.
*
ખુદની સાથે દ્વંદ્વ જ્યાં ચાલ્યા કરે,
મન-મગજ એવો અખાડો હોય છે.
એ મને લઈ જાય છે મારા સુધી,
ખાલીપો મારો રૂપાળો હોય છે.
*
દાદ એકાંતને હું આપું છું,
મૂડી ભીતરની બસ વધારું છું.
*
હોવું ખુદનું સાબિત કરવા,
મૃગજળ દોડે હરણાં જેવું.
*
બોલવા દે મૌનને,
ભીતરી જઝબાત પર.
*
શું વલણ જરાક બદલ્યું તો નજરમાં આવી ગઈ હું ?
આ સવાલથી મેં મારા સુધી પહોંચવા વિચાર્યું.
*
રંગ નજરમાં ખુદના આવ્યા,
પકડી મેં જ્યાં દુ:ખતી રગ.
*
હું મને એની નજરથી જોઉં છું ,
એ રીતે મારો થયો વિસ્તાર છે.
*
લ્યો, સાર મારી જાતનો આ સાંપડ્યો,
દુ:ખો સતત ને સુખ અહીં પળભર મળે.
*
ટાળે છે જ્યાં સવાલ ખૂદના તું,
ત્યાં અરીસો નહીં તું તૂટે છે.
*
થઈ શકે એકાંત જો મંદિર સમું
તુંય પણ તારાથી છૂટે શક્ય છે.
*
અન્યથી તો ઠીક, ખુદથી પર થયા,
એ રીતે સોપાન સઘળા સર થયા.
*
થાય શું એકાંતમાં આથી વધુ ?
જાતમાં ખોવાઈને જડવાનું છે.
*
આમ તો એકાંત બીજું છે જ શું ?
ખુદની સાથે જોડનારો તાર છે.
*
સંવાદ ખુદથી કર પછી ઘડતર થશે,
ઘટના હશે ઝીણી છતાં ચણતર થશે.
*
ભીતરે વિસ્તરું નિ:શેષ થઈ,
એમ તારો લગાવ આપી દે.
*
સ્થાન ખાલીપાનું રાખ્યું સવાયું કેમ કે,
હું મને જોઈ શકું છું નોખા અજવાસમાં.
*
રોજ અહીં એવી રીતે આ ચાક પર ચડવાનું
મારું સરનામું પણ મારે, રોજ મને પૂછવાનું !
- લક્ષ્મી ડોબરિયા
કશુંક કશુંક અહીં બાંધવાનું ને અહીં કશુંક કશુંક તોડવાનું,
આમ ને આમ જ ખુદ હાથે ખીલતું આ આયખું મરોડવાનું.

ધસમસતી નદીના બેઉ કાંઠા જોડતો પૂલ તો બાંધી શકો,
એમ નથી આસાન હોતું ધબકી રહેલાં બે હૈયાને જોડવાનું.
- મુકેશ દવે

સજીવન દિન (અછાંદસ)

મારા તપથી
પ્રસન્ન થયા ભગવાન;
ને
આપ્યું સંજીવની જળ,
તથાસ્તુમુદ્રા સાથે ઉવાચ્યા વચન..
"તું છાંટીશ જેના પર જળ;
થશે તુરત સજીવન."
૩૦મી જાન્યુઆરી ને ૧૧.૧૦નો સમય.
હતી મોકાની પળ,
ફરીથી થાય ગાંધી સજીવન
તો
નવા ઈતિહાસને મળે જીવન.
ને
મેં
જળ છંટ્યું
ચોકમાં બાવલારૂપે બેસાડેલા ગાંધી પર.....
ગાંધી
સજીવન થઈ થયા ઊભા
લાકડીનો કર્યો ઘા.....
અને બોલ્યા-
"લાવ બંદૂક............"
નવો ઇતિહાસ
નિર્વાણદિન
નહીં
સજીવન દિન....
- મુકેશ દવે

(ઘણાં વરસ પહેલા સાંભળેલા હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટના વક્તવ્યથી પ્રેરિત)