શુક્રવાર, 24 ફેબ્રુઆરી, 2017

અછાંદસ -

આવું તે કેવું કૌતુક !!!!
૧૦'બાય ૧૦'ની ઓરડીમાં ઘોડા દોડે ?
આંસુનાં એક ટીપાંથી સાગર ખારો થાય ?
ભમરો તડકો લઈને ઊડે ?
માછલીની આંખમાં દરિયો ઘૂઘવે ?
પાંપણના પછવાડે નદીઓ વહે ?
જામને અડકો કે કલમને પકડો ને હાથ બળે ?
ચાંચમાં આકાશ લઈને પંખી ઊડે ?
રાખમાંથી કોઈ સજીવન થઈ બેઠું થાય ?
કાનથી કવિતા વાંચી શકાય ?
સૂર્ય ખૂદથી દાઝે ?
ચશ્માના લેન્સ સાફ કરીએ તો રાતરાણીની સુગંધ આવે ?
ઝાકળબૂંદમાં સૂરજ ડૂબે ?
પોતાના ખભે પોતાની જ લાશ ઉંચકાય ??
શ્વાસનું હાડપીંજર હોય ?
મૃગજળમાં નાવડી તરે ?
પંખીને જોઈને દરિયો ઊડે ?
મ્હેંક પર લીસોટો કે ઘસરકો પડે ?
તરણું ઝાકળની ઝાંઝરી પહેરે ?
આ બધું કૌતુક કરવું
ના જાદુગરના ખેલ ..
એ તો
શબ્દસોદાગરના ખેલ....
ભૈ
કવિ થઈ જન્મવું પડે
કે જન્મીને
કવિ થવું પડે .....
- મુકેશ દવે
અમરેલી તા.૨૫/૦૨/૨૦૧૭

ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2017

ગીત - શબ્દોનું વાવેતર

ગીત - શબ્દોનું વાવેતર
વીંખી-ફેંદી હૈયાસ્પર્શ્યું લોક લોકનું જીવતર,
દલડે-દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર.

અશ્રુજળના સિંચન સીંચી
હેતે ધરતાં છાંયું જી,
ટેરવેથી ટશરોને ફોડી
લોહીભીનું ગીત ગાયું જી,
હૃદયે હૃદયે મ્હોરી ઊઠ્યાં શમણાંના લ્હેરાતાં ખેતર.
દલડે-દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર.

કૌતુકછલકી આંખો દોડી
લાગણીઓને લણવા જી,
આંગળીઓને ફૂટી વાચા
ગઝલોને ગણગણવાજી,
જીભના શેઢે ટહુકી ઊઠ્યાં કોયલ મોર બપૈયા તેતર.
દલડે-દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર.
- મુકેશ દવે (અમરેલી) તા.૨૩/૦૨૨૦૧૭

ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2017

એ વાત અલગ છે - શૈલેન રાવલ

"એ વાત અલગ છે"- કવિશ્રી શૈલેન રાવલ કૃત ગઝલ સંગ્રહ સપ્રેમ મળ્યો અને એટલાં જ પ્રેમથી વાંચ્યો.પ્રકૃત્તિના ખોળે ઉછરેલ આ કવિની ગઝલોમાં કોઈ ને કોઈ શૅ'ર પ્રકૃત્તિ સાથે સંધાન લઈ આવે છે.આ પ્રાકૃત્તિક સંધાન ધરાવતા શૅ'રની સફર કરીએ - by  Mukesh Dave
*
મારું ગણું શું, સૂર્યને હું અવગણી શકું ?
ઝાકળની જાત છું,બે ઘડીનો મિજાજ છે.
*
આવશે તો મન મૂકીને આવશે;
પંખીઓ થોડા પૂછીને આવશે ?
*
ક્યાંકથી ભીની હવા આવી,
ડાળ ડાળો નાચતી થઈ ગઈ.
*
કેટલું વરસી પડાયું, પૂછવાનો અર્થ શો ?
એક ભેરુ આંગણે વરસાદ પર આવી ગયો.
*
ચાલ ખોબો ધર,તને ફૂલો દઉં,
છળ ઉગાડીને કદી જીવ્યો નથી.
*
ફૂલ, પંખી,પર્ણનો આદર કરું છું;
નોખી ઢબથી ધર્મનો આદર કરું છું.
*
સાંભળ્યું ચીં... ચીં... જરા માળા વિશે
ઓરડે પછી પડઘા કેવા પડ્યા ?
*
વાયરો ચૂમી અને ચાલ્યો ગયો,
ઝાકળી પગલાં અહીં એવા પડ્યા.
*
પછી કેમ પંખીઓ ના ચહેકે મસ્તીમાં આવી,
અરે, વૃક્ષથી નીતર્યા લાડનો મામલો છે.
*
પર્ણ હીન તો પર્ણ હીન પણ વૃક્ષ તો છે;
આંગણા માટે ગજબનો આશરો છે.
*
કૈં જ સ્પર્શી ક્યાં શકે જળ કે પછી કાદવ ?
સંત સમજણને કમળનો તર્ક તેં દીધો.
*
પળો બધી યે પતંગિયા શી,
કેમે સપને સમાઈ ભૈયા !
*
બેઉ કાંઠે રહી વાત વહેતી;
બોલ ક્યારે નદી ચણભણી છે ?
*
પાસ પાસે સાંપડે ટહુકા અને ચિત્કાર પણ;
કૈં નહીં વૃક્ષાળ વય બાબત ખૂલીને બોલજે !
*
પોતપોતાની રીતે લડતા સમસ્યાથી;
કાગડો નળ પર ઘસે છે ચાંચ વસ્તીમાં.
*
ઊભા છે ઝાંઝવાઓ માર્ગમાં મારા;
નહીંતર આખ સામે તો સરોવર છે.
*
નથી ધૂળ, વંટોળ ગ્રીષ્મનો;
નિરંતર સુગંધિત ગુલાલ છું.
*
જીવ મારો ઘણો સંતોષી છે;
ચપટી માટી મેં ગજવે ખોસી છે.
*
માણસો આસમાન લઈ જાશે;
પંખીઓની ઉડાન લઈ જાશે.
*
ફૂલ જેવા વર્ષ માણ્યા ગણગણી;
શી રીતે એ કારમી ક્ષણ તોડશે ?
*
છે હવાની એ શરારત હોય; પણ
બુદબુદા સંભાળવા સહેલા નથી.
*
એ જ રસ્તા મને દોરી ગયા
વૃક્ષ જે અત્તરના ફાયા થઈ ગયા.
*
કંટકોને નથી ખબર એની,
ફૂલ તો ઝાકળી મલમ રાખે.
*
જામતી રાતે મહેંકવાની છે;
આ ગઝલ દોસ્ત, રાતરાણી છે.
*
રોજ એ તાજા ફૂલો દીધા કરે છે;
હસ્તરેખા થોડી સુક્કી ડાળખી છે ?
*
વૃક્ષના વિચ્છેદની ઘટના પછીથી
પંખીના પડછાયા અવસાદી ફરે છે.
*
પીંજરેથી પંખી ગાયબ થઈ ગયું છે
પીંજરામાં સ્તબ્ધ આઝાદી ફરે છે.
*
એ રીતે લલચાવવું ફાવી ગયું છે;
ઝાંઝવાનાં જે રીતે પગલાં પડે છે.
*
અનોખા વિસ્મયો માળા વિશે જાણી,
પવન થંભી ગયો'તો ડાળખી પાસે.
*
અહીં આભ ધરતીને અર્પિત થયું છે;
ને પ્રત્યેક ઢેહું સુગંધિત થયું છે.
*
ગંધ માટીની ભરી છે ફેફસા અંદર
તો ય ખેતર કાં હજી રાશ'વા લાગે ?
*
મોસમી કલરવ સમો છું !
શબનમી પગરવ સમો છું !
*
બે'ક શબ્દોથી નવાજે તું, ખરેખર
વૃક્ષ અંગે પંખીઓ પ્રતિભાવ દેશે.
*
પૂર્વજોની હાજરી વર્તાય એના સ્પર્શમાં;
આજ ઘેઘૂર છાંયડાથી મન મનાવી જોઈએ.
*
હજુ પણ કેમ પંખી ડાળ પર પાછું નથી આવ્યું ?
સતત ચિંતિત રહેલા ઝાડવાની વાત શી કરવી ?
*
ઘાસ માફક ઝૂકવું ડહાપણ ભરેલું;
વાયરો ફૂંકાય છે માથા ફરેલો.
*
એ નદીથી પણ બચે એવું નથી
ઝાંઝવાનો ગાળિયો છે ડોકમાં.
*
શક્ય ક્યાં છે ખુશ્બૂ બંધાય એ;
જ્યાં સુધી હળવે હવા ચાલ્યા કરે.
*
જે નદીના ગાન સામે આંગળી ચીંધે;
એ ધરમ ને ધ્યાન સામે આંગળી ચીંધે.
*
લ્હેરખીએ કાનમાં કીધું;
આજ ટહુકા ઘેરથી આવે.
*
એક ખિસકોલી તરત પાછી ફરી ગઈ,
તરફડે છે સ્પર્શ સૂના બાંકડામાં.
*
વૃક્ષ માફક જીવવું ફાવી ગયું એને
ઝકળી સંગાથ નિર્વિવાદ રાખે છે.
*
તરસ મારી ફક્ત ખોબે ચડે છે
નદીઓ પણ તને ઓછી પડે છે.
*
એક તો દેણું ઘટી શકતું નથી
ને વળી વરસાદપણ માઠો પડે.
*
પવનને પૂછવું પડશે; કે ડાળી ને -
ખરેલા પાંદડા શું ગણગણી આવ્યા ?
*
જીવવા માટે જરૂરી હોય છે,
બે'ક મિત્રો વૃક્ષ સરખા રાખીએ.
*
કૈં નદી માગી નથી, સાચું કહું ?
માત્ર મેં ખોબો ધર્યાનું આળ છે !
*
તને કેમ ખાલી જણાયો ?
મેં તડકેથી ખોબો ભર્યો છે.
*
છીનવી લીધાં નદી - સરવર, ઘણું યે,
ને હવે એ ઝાંઝવા - રણ છીનવે છે !
*
શી રીતે માપસર જીવવાનું ?
શીખવે પાનખર જીવવાનું !
*
પંખીઓને આશરો દેતી,
ડાળખી દીવાસળી થઈ ગઈ.
*
આભ ખોયું, બારણાંથી દૂર થઈને શું મળ્યું ?
એકદમ તાજી હવાથી દૂર થઈને શું મળ્યું ?
*
ગામડાની એ હવા પાછળ મૂકી આવ્યો
ગોઠિયાને આવ-જા પાછળ મૂકી આવ્યો.
*
આંગણું તો ખીલશે
ત્યાં પારેવું જોઈએ.
*
સૂર્ય ભીંજાતો રહ્યો
આંખથી આંસુ ઢળ્યું.
*
બે'ક ટહુકાને સ્પર્શી શકાય
શીત દાયક મલમ લાગશે.
*
પંખીએ પાંદડાને કહ્યું
પાનખરમાં મારું શું થશે ?
*
ચાંદની ઊતરી આંખમાં
સ્વપ્ન સહુ રાતરાણી થશે.
*
ફૂલ માફક ખીલવાનું હોય છે,
એટલે પથરાળમાં રહેવું પડે.
*
માણસો જાણે કુહાડીના ફણાં,
લીલકાતી નાતમાં સોપો પડ્યો.
*
સાંભળું તો સાંભળું કોને હવે ?
ક્યાંકથી ટહુકો ભળ્યો છે ગાનમાં.
*
કંટક વચ્ચે શ્વાસ ભર્યા છે
ફોરમનો આસ્વાદ કરું છું
*
એમને વૃક્ષો દુઆ દેશે
પંખી પ્રેમીઓ નગરમાં છે !!!
*
પંખીઓ ચહક્યા અને અજવાસનો મહિમા થયો
જોતજોતામાં આખિલના વ્યાપનો મહિમા થયો.
- શ્રી શૈલેન રાવલ

મંગળવાર, 14 ફેબ્રુઆરી, 2017

આજે
વેલેન્ટાઈન ડે...
સૌએ
ખૂબ ગાયો પ્રેમ...
વોટ્સએપ પર,
ફેસબૂક પર,
ગૃપમાં
અરે !!
વૈયક્તિક રૂપે પણ...
પ્રેમ ..
પ્રેમ...
અને
પ્રેમ જ.
અતિરેક પ્રેમનો..
ઊકરડો થઈ
ગંધાઈ ઊઠ્યો...
એમાં
આટલાં બધાં
કીડાઓ ખદબદતાં હશે.. !!
ખબર પડી
આજે.
કાલિદાસે
ખોટો ગાયો
વસંત વૈભવ.
હવે તો
ઉબકાઈ ગયો
આ શબ્દથી
અને
નરી નફરત,
હા !
નફરત થઈ ગઈ
પ્રેમથી.....
કાશ !
હીર-રાંઝા,
શીરી-ફરહાદ
જીવિત હોત તો...??
હવે
કદાચ
નહીં લખુ
પ્રેમના ગીત
- મુકેશ દવે.
તા.૧૪/૨/૨૦૧૭

રવિવાર, 12 ફેબ્રુઆરી, 2017

ગીત
*મોડા જાગેલા કવિમિત્ર ડૉ. Anil Valaને..*


હવે તો મહૂડો ઉતારો રાજ.

ઝગમગ ઓરતા લઈને બેઠો
સૂરજડાડો મોભે,
ચોળાયેલી ચાદર થઈને
શમણાં કયાંથી થોભે !
ડગમગતા ડગલાં મથે છે સ્થિર થવાને કાજ,
હવે તો મહૂડો ઉતારો રાજ.

છતી આંખે અંધાપો ઝૂરે
દેખ્યાઓનો દેશ,
રાતી આંખ્યું નફ્ફટ નકટી
ભજવે વરવો વેશ,
પાંપણ પર વળગેલું ઘારણ ઝટ ઉતારો આજ,
હવે તો મહૂડો ઉતારો રાજ.
- મુકેશ દવે
તા.૧૩/૦૨/૨૦૧૭

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2017

*ગીત* બચલી ડોસી


બચલી ડોસી સો વરસની તોય હજુએ જીવે,
ઝળેલ સાડલે બખિયા મારી જીવતર આખું સીવે.

ઘાઘરી-પોલકું મીંડલે વીંટી
ઝૂલે આંબા ડાળે,
શૈશવ આખું છબ્બો છબ્બો
પાંચીકે ઉછાળે,
નોંધારી ભીંત્યુંને ટેકો આપ્યો'તો એક દીવે,
બચલી ડોસી સો વરસની તોય હજુએ જીવે.

બોખાં મોંએ ચગળાતું આ
જોબનિયું ગળચટ્ટું ,
ઓરડાનું અંધારું ઓઢી
ધનને મેલ્યું છૂટૂં
બારસાંખના તોરણ સઘળાં ફૂલો થઈને ખીલે,
બચલી ડોસી સો વરસની તોય હજુએ જીવે.

દાણા-છાણાં વીણીવીણી
સેવી નીજની આંખો,
ઊડી ગઈ ગઢપણની આશા
ફૂટી જ્યાં બે પાંખો,
થૂ-થૂ-થૂ-થૂ ખારી-કડવી એકલતાને પીવે,
ઝળેલ સાડલે બખિયા મારી જીવતર આખું સીવે.
- મુકેશ દવે
તા.૧૦/૦૨/૨૦૧૭

શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

અમર થવાના
હવાતીયા મારતી ધર્મશાળાઓ
ફક્ત ચોડ્યા કરે છે પોતાના નામ.

બસસ્ટોપના
બાકડા,દીવાલો અને જાજરૂ
ધુળેટી રમે છે પાનની પિચકારીથી.

દોડધામ કરતા
વાહનો,ઓફિસો અને કોલેજો
હડતાલ પાડે છે તૂટી જઈ, સળગી જઈ.

ખાઉધરા
ભ્રષ્ટાચારી ગોડાઉનો
ભરે રાખે છે પોતાના ફૂલેલા પેટ.

નિરાશ થયેલ
કૂવા,તળાવ અને રેલ્વેલાઇનો
ક્યારેક આપઘાત કરી લે છે.

અને બિચારાં
આપણે - માણસ !
ક્યાં રોકી શકીએ છીએ આ બધાને ?
- મુકેશ દવે(અમરેલી)
એક સ્વજનને શબ્દાંજલિ......

સાવ અચાનક અમ હૈયે સૂનકાર તું મૂકી ગયો,
અરે ! તેં ઉજાળેલાં જીવનમાં અંધકાર તું મૂકી ગયો.

કોણ કોને આપે દિલાસો તું નથીના અહેસાસમાં,
કંપતા રોમ-રોમમાં હાહાંકાર તું મૂકી ગયો.

પંથ પાડ્યા તેં નવા હાસ્યથી: પરિશ્રમ તણાં,
રે ! અમારાં ડગમગુ ડગે ઝબકાર તું મૂકી ગયો.

'મયૂર' તારી કળા સોળે કળાએ ખીલી'તી ત્યાં,
ઓચિંતી સંકેલી લઈની ચિત્કાર તું મૂકી ગયો,

તું નથી એ કલ્પના કરવીય ખૂબ મુશ્કેલ છે,
સ્મરણમાં કેટ-કેટલા આકાર તું મૂકી ગયો.
- મુકેશ દવે
 ગીત
ભર બજારે ગામ વચાળે દોડી જાતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
ભર બપોરે ખેતર શેઢે પહોંચી જાતો ગામગપાટો હુમ્બાહુમ્બ.

કૂવા થાળે જળ નીતરતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
નદીયું નાળે ડૂબકા ખાતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
તળાવ પાળે ગહેક્યા કરતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
તળાવ પાળે,નદીયું નાળે,કૂવા થાળે નામ રાખુ ગામગપાટો હુમ્બાહુમ્બ.

મેડીયુંમાળે રાત રે'તો ગામગપાટો હુમ્બાહુમ્બ.
ડુંગરગાળે હાંક દેતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
વિહગમાળે હાંફ લેતો ગામગપાટો હુમ્બાહુમ્બ.
વિહગમાળે,ડુંગરગાળે,મેડીયુંમાળે ગામ આખું ગામગપાટો હુમ્બાહુમ્બ.
- મુકેશ દવે
સંબંધ એવો પીઠીમાં ઘૂંટ્યો હતો,
કે રંગ એનો ક્યારે ન છૂટ્યો હતો.

કૂંપળ અહીં ફૂટી ડાળને એમજ,
ને ઠાઠ વૃક્ષોનો તોરણે ઝૂલ્યો હતો.

એ છેક સાથે આવ્યાં હતા મંઝિલે,
મેં તો અમસ્તો માર્ગ જ પૂછ્યો હતો.

સહવાસ મળ્યો તો જિંદગીમાં એનો,
દૂર્ગમ આ રસ્તો એમ ખૂટ્યો હતો.

અમસ્તું નથી પૂજન થતું એમનું,
ઇતિહાસ થૈ ખાંભીમાં એ ખૂંપ્યો હતો.
-----મુકેશ દવે

૩/૧૨/૧૧
 
ગાગાલગાગા ગાગાલગાગા લગા
ઓસરી
(ગાગાલગાગા ગાગાલગાગા ગાગાલગાગા લગા)

હો ક્યાંક ઊંચી ને ક્યાંક નીચી પડથાર છે ઓસરી.
તો ક્યાંક દાતા ને ક્યાંક ભિક્ષુક પળવાર છે ઓસરી.

યુદ્ધો અને વિશ્રામો અહીં આવે છે પરોણા બની,
ક્યારેક પુષ્પોની માળ તો કો'દિ તલવાર છે ઓસરી.

આ પૂર્વજો તસ્વીરે મઢાઈની ભીંત પર ચૂપ છે,
ઘૂઘરસમી થઈ આ બાળકોની વણઝાર છે ઓસરી.

સુખદુ:ખ ભલે બેઠાં ટોડલે તોરણ થૈ સદા અહીં,
થોડા હરખ ને થોડા રુદનની ઘટમાળ છે ઓસરી.
------ મુકેશ દવે ૧૨/૦૧/૨૦૧૨
વરસોથી પીડા દેતી એવી જ એક ક્ષણ હોય
ઊપર ઘૂઘવે દરિયા ભીતર અફાટ રણ હોય.

-- મુકેશ દવે
ગીત
ખેતરમાં ઝોક* અને ઘરમાં ઉજાગરા,
સપનાના થોકબંધ ફરકે ધજાગરા.

આંખે નિ:શ્વાસ આંજી ઢોલિયો ઢાળેલો,
વિરહથી લથબથ ધાબળો ઠાંસેલો,
ના પાંપણથી રોકાયા આંસુઓ કહ્યાગરા,
ને સપનાના થોકબંધ ફરકે ધજાગરા.

સીમનું એકાંત આખું ચાંદનીમાં વલખે,
મળે ઝરમર મલકાટ એવી આશાને ભરખે,
કેમ હૈયાના ખૂણલા થાશે હર્યાભર્યા !
જોને ખેતરમાં ઝોક* અને ઘરમાં ઉજાગરા
---- મુકેશ દવે
ગાગાલગા ગાગાલગા ગાગાલગા
સંબંધ એવો જોડવાની તક મળે
ક્યારે ન એને તોડવાની તક મળે.
- મુકેશ દવે
આપણે કવિઓ
એક વહેતી નદી.
કવિતા આપણું નીર,
નિર્મળતા આપણું ખમીર.
ક્યારેક સુકાઈ જઈએ;
તો વળી ક્યારેક પૂરપાટ વહીએ...
કેટલાંય બેડાં છલકતાં જાય
તો કેટલાંય ખાલી ખખડતાં જાય,
કોઈ નીર ભરી જાય,
તો કોઈ મેલ ઠાલવી જાય..
કોઈ બાંધીને ખેતરે સીંચે;
તો કોઈ ઊર્જા બનાવી ખેંચે.
કંઈ માછલીઓ ક્રિડા કરે;
તો કંઈ શિકાર થાય.
પણ
આપણે શું ?
નિસ્પૃહિતા આપણી ધરોહર
આપણે તો બસ વહેવાનું
કલકલવાનું
આપણે કવિઓ
એક વહેતી નદી.
કવિતા આપણું નીર,
નિર્મળતા આપણું ખમીર.

- મુકેશ દવે
૩૦/૪/૧૨
પોથી માહ્યલાં પંડિત નીકળ્યા,
મૂર્તિ થયાને ખંડિત નીકળ્યા.

વિશ્વાસ મૂકીને સૂઈ ગયા'તા,
એ રખોપિયા ભયભીત નીકળ્યા.

દર્દ બધાયે દીલમાં દબાવી,
સૌ મુખ હાસ્યથી મંડિત નીકળ્યા.

લોહીઝાણ હૃદયમાં ન્હોર મારતા,
દુશ્મન નહિ પણ મીત નીકળ્યા.
- મુકેશ દવે

૧/૮/૧૨
એવું છે થોડું કે; આ લતનો નશો છે,
કોણ જાણે કેવી હાલતનો નશો છે !
-
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

- મુકેશ દવે
મારી પૂર્વે
મૂર્ધન્ય વડીલ કવિશ્રીઓ છે.
જેમણે શબ્દને સાધ્યો છે,
શબ્દને બાંધ્યો છે,
શબ્દને પાકટ બનાવ્યો છે
તેથી જ
તેમની મરજી મુજબ જ
શબ્દનું અર્થ-ભાવ પ્રગટ્ય થાય છે.
અને મારી ઉત્તરે
તરવરતા યુવાકવિઓ છે.
જેમણે શબ્દને પડકાર્યો છે,
તેમાં તરવરાટ ભર્યો છે.
તેથી જ...
શબ્દ તેના મૂળ અર્થને છોડી
ક્યાંય આગળ નીકળી ગયો છે.
આ બંને વચ્ચે
હું
અધકચરો બેઠો છું
નથી બારીક થઈ ગળે ઉતરી શકતો.
બસ...
પાનમાં ચવાયેલ સોપારી જેમ જ
થૂંકાયા કરું છુ.
બસ હાંશ એટલી કે,
આમાંનો હું કંઈ એકલો જ નથી.
--મુકેશ દવે (અમરેલી)

૨૪/૧૨/૨૦૧૨
અય દોસ્ત ! તારો જરી દીદાર કરી લીધો,
એટલે દરિયો વિકટ અમે પાર કરી લીધો.

ધર્માસનેય બેસવાનો ફાયદો જુઓ જરા,
કેવો એમણે શ્રદ્ધાનો વેપાર કરી લીધો.

તાગ નથી નીકળી શક્યો આ જિંદગી કેરો,
બસ અમે થોડો આ એનો સાર કરી લીધો.

ના એકેયે જગા બાકી રહી ગઈ સુસજવામાં,
આંગેઅંગમાં જખ્મોનો શણગાર કરી લીધો.

કશું ના દઈ શક્યા'તા ને; કશું પામી શક્યા'તા ના,
બસ એટલો તો વસવસો પારાવાર કરી લીધો.

- મુકેશ દવે (અમરેલી)

૩/૧/૧૩
સાવ નથી રેઢી પડી રસ્તામાં ગરીબી,
ને તોય મળી ગઈ સસ્તામાં ગરીબી.

આ મહેલ-મંદિરની જાહોજલાલી જૂઓ,
એમણે પૂરી રાખી ખિસ્સામાં ગરીબી.

દુ:ખ,ભૂખ,લાચારી ને ભય સાથેના,
બહુ ખૂબ ખીલી રહી રિશ્તામાં ગરીબી.

એને ક્યાં પડી છે છતાં જીવ્યા કરે છે,
તો પણ રહે સતત ચર્ચામાં ગરીબી.

બાદબાકી નથી કરી શકતાં કદીએ,
હાજર હોય જ એ દરેક મુદ્દામાં ગરીબી.

- મુકેશ દવે (અમરેલી)

૭/૧/૧૩
ગળથૂથી અને ગંગાજળ
આ બે વચ્ચેનો સમય
તે
જીવન.
મુકેશ દવે
મારા જીવનનો આરંભ એવા ઢંગથી થયો,
એટલે તો અંત એનો કેવા જંગથી થયો !

શરૂઆત ભલે થઈ હશે ગઝલની પ્રણયથી,
મારી ગઝલનો મત્લા પ્રણય-ભંગથી થયો.

દુશ્મનો જ આપે પીડા એવુંય ના રહ્યું,
દેખાય જે મારો ઘાવ; મિત્ર-રંગથી થયો.

કોઈ નડતા હોય છે અવકાશીગ્રહો સિવાય,
પ્રભાવ ક્યાં એના પરે; કોઈ નંગથી થયો ?

પગમાં હતી મેંદી કે ના દોડી શક્યાં; છતાં
આભાસ આ મેળાપનો અંગેઅંગથી થયો.
મુકેશ દવે (અમરેલી)

૩૦/૧/૧૩
સંસારરથ પર લાંબી મઝલ કાપનારા વીર યોદ્ધાઓને સાદર અર્પણ
એક હઝલ

પ્રથમ દશકે બહુ વા'લી લાગી,
અંતે રામનામ શુ તાલી લાગી*.

આવી હતી ગૃહ લક્ષ્મી બનીને,
ને કરવા ખીસ્સા ખાલી લાગી.

રૌદ્ર સ્વરૂપની ઝાંખી થઈ દ્વારે,
પત્ની નહીં;પણ મા કાલી લાગી.

વિષ્ણુચક્રનો જ અહેસાસ થયો,
એક ફરફરતી જ્યાં થાલી**લાગી.

સંસાર નાટ્યનું આ કેવું મંચન !
પત્ની-લીલા બહુ નિરાલી લાગી.

-- મુકેશ દવે (અમરેલી)
૧/૨/૧૩
* રામનામ શુ તાલી લાગી= વૈરાગ્યના અર્થમાં
**થાલી = થાળી

લાગણીને છંછેડી છે હવે,
આંસુઓની કૈં બેડી છે હવે.

થાય ના પંથ જો બેઠા રહે,
થોડું ચાલી જો કેડી છે હવે.
- મુકેશ દવે (અમરેલી)
સમયનું કામ જ ચાલવાનું,
અમારું આમ જ ચાલવાનું.

- મુકેશ દવે (અમરેલી)
મુશ્કેલીનો પહાડ ખસતો થયો,
એક ડગલું ચાલ્યા ને રસ્તો થયો.

રાત્રિના સ્વપ્ન જેવું અલ્પ જીવન,
તેંત્રીસ કરોડ શ્વાસમાં વસતો થયો.

એક ભેંસની કિંમત લાખની થઈ,
માણસ જેવો માણસ સસ્તો થયો.

- મુકેશ દવે (અમરેલી)

માણસ પાસે વાણી - ગઝલ


લ્યા, માણસ પાસે વાણી છે,
માટે  દુષ્ટ થતું પ્રાણી છે.

આપી દીધો પેટે ખાડો,
એને પૂરવાની ઘાણી છે.

ખૂબ મથે  મેળવવા એને,
લક્ષ્મી સાચી રાણી છે.

બહુ દીધું, ના માંગુ ચોથું,
એ વાત હવે જુનવાણી છે.

જીવન એથી જીવ્યા જેવું,

પગમાં ઊતર્યું પાણી છે.
-મુકેશ દવે

૧૪/૨/૧૩
ચાલો મૂકીએ આ જંજાળ,ઘર ભણી જઈએ.
કોઈ તો રાખે છે સંભાળ ,ઘર ભણી જઈએ.

પ્રતીક્ષામાંઊભું બારણું; સ્મિત વેરી આંગણે;
કેવા રાખીને ખૂલ્લા વાળ, ઘર ભણી જઈએ.

કિલ્લોલને ઉચકવા બે ખભા ખૂબ આતુર છે,
તો પહોંચી જાઓ તત્કાળ,ઘર ભણી જઈએ.

પૃથ્વીનો છેડો ઘર ને સૌથી મોટું છે તીરથ,
તો લો શાના છીએ કંગાળ,ઘર ભણી જઈએ.

હોય સૂકો રોટલો; પણ પ્રેમ મસળીને કર્યો,
ભૈ એને જ ગણો રસથાળ,ઘર ભણી જઈએ.
- મુકેશ દવે

૧૮/૨/૧૩
પ્રણયના રંગમાં રંગાઈને બાગી થઈ ગયો.
બાકી રહ્યાં સંબંધમાંસાવ ત્યાગી થઈ ગયો.

અડક્યું જરી સ્મિતથી તીરછી નજરનું તીર,
ને કામણગારી નારનો અનુરાગી થઈ ગયો.

જોતો હતો સ્વપ્નો લઈ રંગીન દુનિયાને,
ખૂદને રહી ના ખબર; ને બહુરંગી થઈ ગયો.

પ્રણયની અસર જુઓ કેવી અજબ થઈ !
સીધોસાદો આ છોકરો વરણાગી થઈ ગયો.

નજરનો જામ વસમો હજુ માંડ પીધો'તો,
દુનિયાની નજરમાં એ હતભાગી થઈ ગયો.
- મુકેશ દવે

૨૬/૨/૧૩
ઓ સમય તું પણ વાર કરી લે,
ઘા ભલેને દસ - બાર કરી લે.

ત્રાંસકે મારી જાત ધરી છે,
પાર આ કે ઓ - પાર કરી લે.

હું તને ક્યારે કેદ કરું છું ?
પાંખ છે ને ? વિસ્તાર કરી લે.

જીતવું મુશ્કેલ લાગે તને તો,
હારનો તું સ્વીકાર કરી લે.

હું જ ખુદ ફરુ છુ થઈને કફન,
મોત પણ છો ને પડકાર કરી લે.
- મુકેશ દવે

૨૭/૨/૧૩
આ જગતમાં અવસર થઈને આવ્યો છે તો મોજ કરી લે.
ગીત - ગઝલના તોરણ બાંધી લાવ્યો છે તો મોજ કરી લે.

માઝમ રાતે તમરાંઓના તંબુર સાથે આલાપ પીધો છે
રામરસને રામગરીમાં તામ્રવર્ણો ઘૂંટ્યો છે તો મોજ કરી લે.
મુકેશ દવે
વાતમાંથી વાત નીકળે
એમ જો આઘાત નીકળે.

કોઈ ખૂણો ડૂસકાં ભરે
આંખમાંથી રાત નીકળે.

શબ્દને ફોલી જુઓ જરી,
આખી કવિની નાત નીકળે.

સૌ બિબાઢાળ મળે અહીં,
કોઈ નોખી ભાત નીકળે.

સૌ જનાજો કેમ તાકતા !
જાણે કે બારાત નીકળે.

- મુકેશ દવે

૫/૩/૧૩
માણસ માણસને નડતો હોય છે
કોઈ દુ:ખતી નસ અડતો હોય છે.

કોઈની ચડતીમાં પાળો બની,
ખૂદ બંધ આંખે ચડતો હોય છે.

આખેઆખું ઊંટ થ્યું ગાયબ,
ને પૂણી પાછળ રડતો હોય છે.

અધ્ધર અધ્ધર હાંવા મારે ભલે,
અંદર અંદરથી જડતો હોય છે.

લાલચ આખેઆખી નાખી ખભે,
કોઈના ઠેબે દડતો હોય છે.

હાથે કર્યા હૈયે વાગ્યા પછી,
મોટેમોટેથી રડતો હોય છે.

-- મુકેશ દવે

૬/૩/૧૩
મારી અરધી સદીની જીવનયાત્રા પૂરી.
ક્સોટીઓય થઈ ખરી,
લાયકાત કરતાં પણ વધુ આપ્યું ઈશ્વરે.....
સંસ્કારી અને ભક્તિભર્યું ખાનદાન,
કર્તવ્યનિષ્ઠ શિક્ષક મા- બાપ અને પરિવાર ,
સુશીલ અને વ્યવહાર કુશળ પત્ની,
આગ્નાંકિત,ડાહ્યાં અને તેજસ્વિ પુત્ર-પૂત્રી,
મોભાદાર અને પવિત્ર આચર્યપદ,
સ્થિર અને સલામત નોકરી,
ખભેખભો મિલાવી કામ કરતા સહકર્મચારી મિત્રો,
લંગોટિયા મિત્રો
અને આ ફેઈસબૂકના માધ્યમથી સહજ પ્રાપ્ત
દુનિયાભરમાં પથરાયેલ મિત્રો.....
આથી વિશેષ જોઈએ પણ શું ???
બહુ દીધું નાથ ! હવે માંગુ પણ શુ ???

-મુકેશ દવે ૯/૩/૧૩

ગઝલ- મિત્રોય એવા

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

મિત્રોય એવા ખૂબ મળતા હોય છે,
ઠંડા કલેજે સાવ; છળતા હોય છે.

ખાલી જગા રાખી છે હૃદયમાં અહીં,
ને ત્યાં ગયા વિણ પાછાં વળતા હોય છે.

હા, સૂર્ય સામે ઊગવું - લિજ્જત છે,
પણ તોય સાંજે દોસ્ત; ઢળતા હોય છે.

આંખો જરી મીંચુ ને સ્વપ્ન ખૂલતાં,
જ્યાં આંખ ખોલું; આંસુ ખળતાં હોય છે.

હું રાખમાંથી ઊભો છું સ્વયં બળે,
એ રાખને માટે જ બળતા હોય છે.
-મુકેશ દવે

૧૩/૩/૧૩
હસાતુ હોય હૈયાફાટ; હસી જોને,
રડાતુ હોય ખખડાટ; રડી જોને.
- મુકેશ દવે

અનિર્ણિત શબ્દયુદ્ધ (અછાંદસ)



રોજ રાત્રે
અધખૂલી આંખે
પથારીમાં પડુ છું
ને મન
શબ્દ-સંગ્રામગ્રસ્ત
થઈ જાય છે.
કેટલાંય શબ્દોનું આક્રમણ,
ઘડીક કતારબંધ ગોઠવાય
તો ફરી એકબીજાને હડસેલે,
કેટલાય ઘાયલ થાય,મરે
અને મેદાન છોડી ભાગે પણ ખરાં.
કલાકો સુધી ચાલે આ ઘમસાણ
અને હું
તંદ્રાઈ જાઉં
પછી નિંદ્રાઈ જાઉ.
વહેલી સવારે
મોબાઈલનો ઍલાર્મટોન સૂંઘીને
કાન મને જગાડે
મારી આંખો પર
શબ્દોના ક્ષિત-વિક્ષિત શબોના ઢગલાનું ભારણ હોય,
ચિત્તમાં શબ્દરક્તની નદીઓ વહેતી હોય,
તેને ખંખેરતો જાગુ છુ
ફરીથી રાત્રિનું
આ અનિર્ણિત ઘમસાણ જોવા.
- મુકેશ દવે

૮/૪/૧૩

પ્રચ્છન્ન યુવાની (અછાંદસ)



મારા મસ્તિષ્કના
છૂટાછવાયા
કેશપ્રદેશના શેઢે
અચાનક એક
શ્વેતકેશનું ઝૂંડ ઘૂસી આવ્યું
ને
મારી કાનભંભેરણી કરવા લાગ્યું
કે-"ઘડપણ ઓરૂં આવ્યું રે (૨)
હું થોડો
દશરથરાજા છુ કે
તેની વાત માનુ !!!!
મેં ખીસ્સામાંથી
સટ્ટાક દઈને
અઢારમું વરસ કાઢ્યું.
હેબતાઈ ગયેલું
એ ધોળું ટોળું
ગોદરેજની હેરડાઈમાં કૂદી પડ્યું.
ડૂબકી ખાઈને;
કાળુંધબ્બ થઈને;
બહાર આવતાં કહે-
"રંગ છે પ્રચ્છન્ન યુવાનીને. "
- મુકેશ દવે

૨૦/૪/૧૩
એક ગાંડાનો બફાટ
( તા.ક.- આ મારો પોતાનો બફાટ ન ગણવો.)

પૂંછડી...... કૂતરાંની પૂંછડી,
પૂંછડી કૂતરાંને હલાવે કે નહીં ?
હલ્લાવે........ હલ્લાવે .....
સાડીસાતવાર હલ્લાવે,
જો જમીનની ફળદ્રુપતા સારી હોય;
અને પૂંછડીની ગુણવત્તા સારી હોય
તો
પૂંછડી કૂતરાને હલ્લા.......વે
પણ
એમાં હું કે તમે
શું કરી શકવાના હતાં હેં ???
એ પ્રશ્ન તો પૂંછડી અને કૂતરાનો છે.
આપણો પ્રશ્ન તો છે -
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી; તે સીધી થાય ????
લે,
હુંય ગાંડો થઈ ગ્યો કે શું !!
હું કે તમે પણ સીધા નથી થતાં
તો
પૂંછડી શાની થાય .........!!!! ????

- મુકેશ દવે
૨૩/૦૪/૧૩
Facebook સંજીવની (અછાંદસ)

( "લઈને.... અગિયારમી દિશા"ના ૧૧ કવિઓએ પોતાના આત્મવૃતાંતમાં કંઈક મારા જેવી આ અનુભૂતિ વ્યક્ત કરી છે..... તેમને સાદર અર્પણ)

સંસારના
શક્તિબાણથી
મૂર્છાગ્રસ્ત થયેલા
કવિને
વેંઢારતો
હું
ભટકતો રહ્યો
છેલ્લા પચ્ચીસ વર્ષથી.........
મૂર્છામાંથી બહાર લાવે
તેવા
હનુમાનજીની શોધમાં.......

અચાનક પ્રગટી
અનેક
કવિઓ મિશ્રિત
સંજીવની
Facebook
થઈને........
એની સુગંધમાત્રથી
કવિ
થવા લાગ્યો.
જાગૃત......

છતાં પણ
ઘાતક શક્તિ
એની અસર
એમ જલ્દી
કેમ છોડે !!!

કવિને
મૂર્છિત કરી દે
છે
વારંવાર...
અને
હું
તેને
Facebook સંજીવની
ચખાડી દઉ....

- મુકેશ દવે (અમરેલી),૪/૫/૧૩
સાત
સમંદરની
ખારાશ ભરીને
ઘૂઘવતું
એક બૂંદ
એટલે
આંસુ.
મુકેશ દવે
૧૮/૫/૧૩
વેકેશન એટલે
આનંદના વાઘા પહેરી
ખિસ્સાં ખાલી કરવાનો
સમયગાળો...

(હા,બહાર ફરવા જાઓ તોય ખિસ્સાં ખાલી થાય ને મોજ સિવાય કંઈ હાથમાં ન આવે.
અને
ઘરે રહો તો મહેમાનો.................હં.)
મુકેશ દવે
હે
દોસ્ત !
હું
તને
સાત સમંદર
પાર કરીને
મળવા આવીશ.......
........
જો
વરસાદ નહીં હોય તો !!!!!!!!!!!!!

- મુકેશ દવે
તા.૧૧/૬/૧૩
ગામના
પાદરમાંથી નીકળતી
પાક્કી સડકના કાંઠે
આવેલ મકાન પર
વિક્રેતાઓ
ઓઇલ પેઈન્ટથી
પીળા બેક-ગ્રાઉન્ડ પર
કાળા - ધોળા -લાલ અક્ષરે
જાહેરાત
ચીતરીમારે
ક્યારેક તો
એવું લાગે કે,

ઘર છે કે
એ એજન્સીનું ગોડાઉન !!!!!?????
પછી
કૂછડો લઈ;
ચૂનો ચોપડી
ફરીથી
ઘર ઉપસાવવાનો પ્રયત્ન કરીએ
તોય
ફરી એ જ પરંપરા......!!!
પણ,
આ વાત
ત્યારે જ સમજાય
જ્યારે
facebookમાં
તમારી Timeline પર
થયેલી
Tagsને
Remove કરો.......

- મુકેશ દવે

૧૧/૬/૧૩

ગીત - ચોમાસુ આવ્યું

ચોમાસુ આવ્યું ને, ચોમાસુ જામ્યું ને,
ચોમાસુ થઈ ગ્યું પલાણ તારા શ્વાસમાં,
પછી લીલાં ખેતર થઈ, લીલા જંગલ થઈ,
લીલા ઉભરાણ મારા શ્વાસમાં.

લીલા અજવાસમાં લીલુંછમ્મ તરણું
ઊગી ગયાનું સૌ જાણે,
લીલુછમ્મ સરવર આંખોમાં રમતું ને
તૂટી ગયાનું સૌ જાણે,
છોને આંખોને બંધ કર; આંખો ઉઘાડ તોય
લીલા ચરિયાણ તારા શ્વાસમાં,
પછી લીલા ભમરાણ મારા શ્વાસમાં.

ભીના વંટોળમાં આખુંએ આભ જઈ
ભીના ગુલાબને સૂંઘે,
ગૂણગૂણના સાદમાં આખું ગુલાબ લઈ
ડાળડાળ ભ્રમરો ગૂંજે,
ઓલી છૂટતી - વછૂટતી ભીનેરી મ્હેંકના
લીલા લખાણ તારા શ્વાસમાં,
પછી ભીના ઉભરાણ મારા શ્વાસમાં.
- મુકેશ દવે

- મુકેશ દવે
તા. ૩૦/૦૯/૧૯૮૪
જૂના ફિલ્મી ગીતો આંખ મીંચીને સાંભળવા
નવા ફિલ્મી ગીતો કાન બંધ કરીને જોવા
- મુકેશ દવે
ન આઝાદી કાળ જોયો છે, ન દેશ પ્રત્યે પ્યાર જોયો છે,
આપણે તો બસ ચોતરફ નર્યો ભ્રષ્ટાચાર જોયો છે.
- મુકેશ દવે

એક અ - છાંદસ ..... દોડ.

એક અ - છાંદસ ..... દોડ.

કોઈ
પુખ્ત વ્યક્તિને
દોડતી જોઈ
મારું બળપણ
હસી પડતું'તું ખડખડાટ.....!!!!!!
મોટાથી દોડાતું હશે....!!! ?????
દોડવું એ તો બાળકોનો
અબાધિત અધિકાર.....!!!
મોટાં દોડે
તે કઢંગુ લાગે ....!!!!!!!!!
આજે ????
હું
હાંફી રહ્યો છું
દોડતા - દોડતા...
જિંદગીના ટ્રેક પર સતત દોડવું પડે છે

બાળપણને નહોતી ખબર......
આજેય
મને
દોડતો જોઈ
આશ્ચર્ય અનુભવતું
હસતું હશે
કોઈ
બાળક.........મારી જેમ જ.
-મુકેશ દવે

 તા.૧૬/૯/૧૩
મારું એક તારણ :-
સરકારી કચેરીઓમાં,નાણાંકીય લેવડ દેવડ સંસ્થાઓમાં
જે કર્મચારી- અધિકારી
મોટી ઉંમરે,
નિવૃત્તિનાઆરે આવે ત્યારે
કે-
અનિચ્છાએ ફરજિયાતપણે પણ
કમ્પ્યુટર શીખવું પડ્યું હોય કે ઓપરેટ કરવું પડતું હોય
ત્યારે તે
કી-બોર્ડ પર એક આંગળીથી જ બધાં કેરેક્ટ ટાઈપ કરતો હોય છે.
આજ દારૂ -દામન - દામ વચાળે,
સાવ નિર્લેપ છું આ ગામ વચાળે.
-મુકેશ દવે
અહો .... આશ્ચર્યમ !!!!!
આજકાલ
ટી.વી. પરના
રિયાલીટી ડાન્સ શૉની
વરવી વાસ્તવિકા :-
દીકરી અર્ધ વસ્ત્રાવસ્થામાં
નાચતી(!!) હોય
અને
તેનો નઘરોળ ઢગો બાપ....સીટીઓ વગાડતો
તેને પોરસ ચડાવતો હોય ........!!!!!!!

- મુકેશ દવે

ગઝલ - માણસ છું

સાદ પાડો કે ન પાડો; તોય હું મળતો માણસ છું.
સૃજનતાનું મ્હોરું પહેરી સૌમાં ભળતો માણસ છું.

સમાધિ લઈ બ્રહ્મ ન પામુ તો પણ સંત થવાયું,
પૃથ્વી પરની મેનકાઓમાં જો ચળતો માણસ છું.

આ હાથને કોઠે પડ્યું છે ભીડમાં* કાયમ રહેવું,
વૈતરું કરીને ગધ્ધા જેવું માંડ રળતો માણસ છું.

ફૂંક - ફૂંકમાં લિજ્જત મળે ને સામે ખરતી રાખ,
સાવ ખાખી બીડી જેવો સળંગ બળતો માણસ છું.

ના તો હું નદી થઈને નિરવ શાંત રહી શકુ છું,
નર્યું નફ્ફટ ઝરણું થાતો હું ખળખળતો માણસ છું.

ભીડમાં* = આર્થિક ભીંસમાં 

- - મુકેશ દવે 
તા.૩૦/૧૧/૧૩
મુ.શ્રી ભરત ત્રિવેદીકૃત "અછાંદોત્સવ" વાંચીને.......
*********************************

વાયરલ જ્વરગ્રસ્ત
હું
પથાર્યવસ્થામાં
'અછાંદોત્સવ'ની
આરપાર ઉતરી જાઉ છું,
ધારદાર શબ્દો-
એક્યુપંક્ચરની સોય થઈ
ગમતીલું ભોંકાય છે,
રૂયાટાં ગોદડાંનું આવરણ
હટી જાય છે ને-
ગલુડિયું
ઘરને બદલે મને શોધી કાઢે છે,
વંદો-દીપડો-ચકલી-બકરી-મકોડો ને કાગડો
મને
ભીષ્મકાલીન અશ્વ પર બેસાડી
વતનની સૅર કરાવે છે,
રણ ટપકતી આંખે ઊંટ
મારા કોફી ટેબલ પર બેસી જાય છે ને-
વાસનાના સાપોલિયાં રમાડતા બાપને લઈ
દીકરો અદૃશ્ય થતો જાય છે,
નળની નીચે ખાલી બાલદીમાં
ટપટપ સંગીત છલકવા લાગે છે,
છીપલી આખા દરિયાને ભરી લાવી છે
મારા પલંગને હાલકલોલક કરવા...
બારીમાંથી આખું શહેર મારા ઘરમાં ઘૂંસી આવ્યું છે,
ઢેફું ખાતાં દાદી
બોખાં મોઢે તુલસીક્યારો પૂજે છે,
મારો આત્મારામ
આ ઉત્સવમાં રમમાણ થયો છે.
........................................
"કહું છું ગોદડાં કાં કાઢી નાખ્યા ??
તાવથી ધગધગો છો ને બેઠા કાં થયા ??"
શ્રીમતિની શબ્દ-બૂલેટથી
તાવભર્યો દેહ ઢંકાય છે ગોદડાંઓથી
ને
મન:પટ પર
શ્રી ભરત ત્રિવેદીને
મરક મરક હસતા
ઉતાવળે શબ્દોનાં પોટલાં લઈ
જતા જોઈ રહુ છું.......... !!!!!!!!!!!!

- મુકેશ દવે
અમરેલી
તા.૦૧/૦૧/૨૦૧૪
છંદ રેણકી ૧ :
અષાઢ ઉચ્ચારમ્ , મેઘ મલ્હારમ્ , બની બહારમ્ , જલધારમ્
દાદુર ડક્કારમ્ , મયુર પુકારમ્ , તડિતા તારમ્ , વિસ્તારમ્
ના લહી સંભારમ્ , પ્યારો અપારમ્ , નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…

શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ બરસે,અંબરસેં
તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયાં પરસે સાગરસેં
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં, લગત જહરસેં દુઃખકારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…

ભાદર ભરિયા, ગિરિવર હરિયા,પ્રેમ પ્રસરિયા તન તરિયા
મથુરામેં ગરિયા, ફેરન ફરિયા, કુબજા વરિયા વસ કરિયાં
વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા, મન નહિ ઠરિયા હું હારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…

આસો મહિનારી, આસ વધારી, દન દશરારી દરશારી
નવનિધિ નિહારી,ચઢી અટારી, વાટ સંભારી મથુરારી
ભ્રખુભાન દુલારી, કહત પુકારી, તમે થીયારી તકરારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…
છંદ રેણકી: ૨

તવ ડમક ડમક દાદુરદ્રાંવ ડમકત ડેહકત મોર મલ્હાર ગીરા
તવ પિયુપિયુ શબ્દ પુકારત ચાતક કિયુંકિયું કોકિલ કંઠ ગીરા
તવ ઘડડ ઘડડ નભ હોત કડાકા ને ગણણ ગિરિવર શિખર દડે
તવ રૂમ્જુમ રૂમ્જુમ બરસત બરખા ને ઘરર ઘરર ઘનઘોર ગજે …

પતંગની જાત - અછાંદસ

વ્યથા(અછાંદસ)

આ પતંગની જાત,
છેક સાવ કજાત.
એય અમારી જેમ ગગનવિહારી જમાત.
અમારા મલકમાં કરે ઘૂંસપેઠ,
સાથે છૂપા ચાઈનીઝ હથિયાર,
મચાવે હાહાકાર.
એનો છૂપો દોર;
કાપે અમારી જીવનદોર.
એ ઊંચે ચડતા પોતાના
જાતભાઈને જ કાપે,
પછી અમારી શી વિસાત !!
અરે ! માણસ જેવી ચાલાક જાત !
એનાય
આંગળા કાપે,
ગળા કાપે
ને ધાબેથીય પછાડે,
ત્યાં અમ ભોલુડાની દશા અમાપ,
અમારી પાંખોને બદલે આંખોમાં ફડફડાટ.
છતાં પણ
તે પંખી થોડા છે !!!
અમારી જેમ મુક્ત ક્યાં છે ?
એને તો પવન અને દોરનો સહારો જોઈએ,
કોઈનો ઈશારો જોઈએ,
કપાયા પછી પણ એનું ના ચોક્કસ ઠામ.
તે ગમે ત્યાં કરે ઘાત.
આ પતંગની જાત,
છેક સાવ કજાત.
- મુકેશ દવે (અમરેલી)

૧૪/૦૧/૧૩
 અછાંદસ
પતંગ
એક કપાયો
હાલકડોલક થાતો થાતો
ઉપરથી નીચે આવ્યો..
ફળિયામાં બેઠાબેઠા
અખબારમાંની
અવસાન નોંધ વાંચતા
વૃદ્ધના કાને અથડાઈને
પડ્યો તેના ખોળામાં....
- મુકેશ દવે

૧૪/૧/૧૪

પતંગબાજો....!!! અછાંદસ


પતંગબાજો....!!!
પતંગને ચગાવે
ખૂબ ઊંચે ચડાવે
છૂટ્ટો દોર દઈ લડાવે.....
ને
તે કપાયા પછી ????
પોતાનો
દોર બચાવવા
મચી પડે....!!!!!
- મુકેશ દવે

૧૪/૧/૧૪

અજન્મા કવિતાની પીડા- ગીત

કાં મને ના રોજ કવિતા પ્રસવે ?
અંદર અંદર કવિતા જેવું
                   જીણુંજીણું ફરકે,
ઊન્ડેઊન્ડે એવું સ્પંદન
                 ભીનુંભીનું અડકે,
 વેણુની આ અણકથ પીડા;
                  રુંવેરુંવે પજવે,
 તોય મને ના રોજ કવિતા પ્રસવે.

કાં તો મારૂ મન છે બંજર;
              કેમે ફણગો ફૂટે ?
વાંઝણનાર સમી આંગળને;
                લોહીની ટશરો છૂટે,
કલ્પન મારાં ખાલી ખોખાં;
                કવિપણાને લજવે,
એમ મને ના રોજ કવિતા પ્રસવે
- મુકેશ દવે
તા.૨૦/૧/૧૪
જખ્મોનો
સાગર ભરી
ટપકેતું
એક બૂંદ
એટલે
 આંસુ.
- મુકેશ દવે
૩૧/૧/૧૪
વસંતનો ખરો વૈભવ મહાકવિ કાલિદાસે નિરૂપ્યો છે અને મહાનાયક કૃષ્ણએ જીવ્યો છે..... એની બરોબરી અસંભવ છે.
- મુકેશ દવે
એ લોકો...
કોઈના ઘરમાં
કાંડી ચાપે છે
પછી
દૂર બેઠાંબેઠાં તાપે છે.
નિજાનંદી કવિતા
....................
જ્યારે કોઈ 
કવિતા રજુ કરવા
કોઈ ન બોલાવે મુશાયરામાં,

સામયિકના તંત્રી કે સંપાદક
સાથે બિડેલા કવરમાં 
સાભાર પરત કરે કવિતા,
અરે ! મિત્રોય
દૂર ભાગવા લાગે
હાથમાં કાગળ જોઈને ,

છતાં
નકટા થઈને
વહાવીએ શબ્દસરીતા
તે જ...... તે...જ..
નિજાનંદ  કવિતા.
મુકેશ દવે
૧૫/૨/૧૪
હું જ મારી કેડી ને હું જ મારો રસ્તો,
હુંપણાના વ્હેમમાં હું જ થયો સસ્તો.
- મુકેશ દવે

હઝલ - ઘરઘરમાં

એ ખરાં રાજાધિરાજ હોય છે ઘરઘરમાં,
શ્રીમતિનું સઘળું રાજ હોય છે ઘરઘરમાં.

સ્વાદભર્યા શમણે દોડતા આવો ભલે ,
ત્યાં દાળશાક ખારાજ હોય છે ઘરઘરમાં.

ત્સુનામી દરિયા વગર પણ આવી શકે,
મેડમ જરીકે નારાજ હોય છે ઘરઘરમાં.

ચંગીઝ કે ઔરંગઝેબ પણ ઝાંખા પડે છે,
જ્યારે ગૃહદેવી કારાજ*હોય છે ઘરઘરમાં.

રળતવ્યસ્થળે જણ ખૂબ લીલોછમ્મ હોય,
ને સાંજે સાવ તારાજ હોય છે ઘરઘરમાં.
- મુકેશ દવે તા.૧૩/૦૪/૧૪
*કારાજ= જુલ્મી
મારું,તારું,સૌનું એક તારણ હોય છે,
જન્મ એ જ મૃત્યુનું કારણ હોય છે.

શબ્દો જ સાલ્લા ખૂટલ નીકળે છે,
બાકી સૌમાં બેઠેલ ચારણ હોય છે.
- મુકેશ દવે તા.૨૧/૫/૧૪

અળાયું - ૨ શૅ'ર

લૂમ્મોઝૂમ્મો અળાયું વલૂર્યા કરો,
દોથો ભરી પાવડર પૂર્યા કરો.

આ કાળઝાળ ધખધખે ભૈ તોબા !
હવે ઠંડકભર્યું ચોમાસુ ઝૂર્યા કરો
- મુકેશ દવે
૦૧/૦૬/૧૪

મારી મસ્તી - ૧ શૅ'ર

મને મારી મસ્તી અહીં લઈ આવી,
"બસ મોજ કર".- કહી લઈ આવી.
- મુકેશ દવે

અધુરું ગીત- લાઈક કરું

હું તને Like કરું; તુંય કરે Like,
પછી કોમૅન્ટ પર કોમૅન્ટની રેસ લાગે કંઈક,
હે...જી... આ તો Facebookનો વાટકી વહેવાર છે.

ગઝલ - તો જામે

કવિશ્રી મનસુખલાલ ઝવેરીની પ્રખ્યાત રચનાની પ્રથમ પંક્તિનો આધાર લઈને બનાવેલી રચના :-

શિખર ઊંચા ને મારગ આકરા હોય તો જામે.
ઉબડ ખાબડ રસ્તે કાંટા કાંકરા હોય તો જામે.

મઘમઘતી ફૂલવાડી ને મંદ પવન ના ખપે,
આસપાસ ઝાડી અને ઝાંખરાં હોય તો જામે.

સાવ હળવાફુલ થઈ જીવવામાં લિજ્જત શી ?
દુ:ખ પણ થોડાઘણાં પાધરાં હોય તો જામે.

જન્મ,મરણ,જરા,વિયોગ દેવને દુર્લભ છે,
દુન્યવી આ રીતના પાથરા હોય તો જામે.

વૈભવી મહેલમાં પણ સુખની દુર્ગંધ છૂટે,
આભ નીચે ધરાના આશરા હોય તો જામે.
- મુકેશ દવે

૧૧/૦૭/૧૪

ઉલ્લાળિયો પ્રવાહ :-

ઉલ્લાળિયો પ્રવાહ :-
મુરબ્બી કવિ :- તું ઘણું સારું લખે છે.

હું :-                 જી આભાર.
મુરબ્બી કવિ :- પણ છંદમાં કેમ નથી લખતો ??
હું :-                 છંદમાં જ લખુ છું.
મુરબ્બી કવિ :- શુ ખાક છંદમાં લખે છે !!! આ જો પહેલી પંક્તિ લગાગાગા ગાલ લગાગા છે ....................                          અને  બીજી ગાલગાલ લગાલ ગાલ છે. ત્રીજી એનાથીય જુદી
હું :-                  એ જ તો ... હું વિવિધલક્ષી છંદમાં લખુ છું.
મુરબ્બી કવિ :- એટ્લે ?????
હું :-                  આપની જેમ એકજ છંદમાં આખી કવિતા નથી લખતો પણ મારી દરેક પંક્તિના                                           છંદમાપ  અલગ અલગ હોય છે........

- મુકેશ દવે
તા.૧૪/૦૭/૧૪

અછાંદસ - શ્રાવણારંભે

હે ભોળાનાથ !
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ.

આજથી એક માસ સુધી
અમે માનવો ભક્તિના સમરાં કાઢી
તમારે મંદિરીયે ધસી જવાના.

નમ:શિવાય અને ઘંટારવના નાદથી શોર બકોર કરવાના.

બિલ્વપત્ર અને પુષ્પોના ઢગ નીચે તમને ઢાંકી દેવાના.

દૂધ અને જલની ધારામાં મૂંઝવી દેવાના.

મંદિરે ને મેળે ગંદકીના ગંજ ખડકવાના.
શું તમે આ બધું સહી શકવાના ???
- મુકેશ દવે
૨૮/૭/૧૪

રસોઈ શૉ -

ગુજરાતી ટી.વી.ચેનલો પર
રસોઈ શૉમાં
કૂકિંગ એક્સપર્ટ બહેનો
વાનગી કેવી સ્વાદીષ્ટ બનાવે છે ? એ તો એ બહેન અને ઍંકર જાણે !!!
પણ.....
ભાષાની ખીચડી સરસ બનાવી જાણે છે.
પહેલા આદુ મરચાની પેસ્ટ કરો,
એમાં થોડું મીઠું એડ કરો
કૂકરમાં બધું મીક્સ કરી,
પાંચેક મિનિટ બોઈલ કરો.

ગઝલ - મિત્રોય મળતા હોય છે

મિત્રોય એવા ખૂબ મળતા હોય છે,
ઠંડા કલેજે સાવ; છળતા હોય છે.

ખાલી જગા રાખી છે હૃદયમાં અહીં,
ને ત્યાં ગયા વિણ પાછાં વળતા હોય છે.

હા, સૂર્ય સામે ઊગવું - લિજ્જત છે,
પણ તોય સાંજે દોસ્ત; ઢળતા હોય છે.

આંખો જરી મીંચુ ને સ્વપ્ન ખૂલતાં,
જ્યાં આંખ ખોલું; આંસુ ખળતાં હોય છે.

હું રાખમાંથી ઊભો છું સ્વયં બળે,
એ રાખને માટે જ બળતા હોય છે.
-મુકેશ દવે
ગાગાલગા ગાગાલગા ગાગાલગા

શબ્દાર્થ :- "બુદ્ધિજીવી"

શબ્દાર્થ :-
"બુદ્ધિજીવી" = બુદ્ધિની મદદથી જીવનારા(મધ્યમપદલોપી સમાસ)
પરંતુ
કેટલાંક વિદ્વાનો (!!!!)"
બુદ્ધિ વગર જીવનારા" એવો અર્થ પણ કરે છે.

કાવ્ય ગોષ્ઠી - વ્યંગ્ય

 એક ફેસબૂકિયા ભાવકે
કાવ્ય ગોષ્ઠીનું
કર્યું આયોજન.
નિમંત્ર્યા
મારા જેવા ૧૦ ફેસબૂકિયા
મુર્ધન્ય (!!??) કવિઓ જી રે..
*ભાવક :-*
રજુ કરે
પોતાની ૫ - ૫ કવિતા
દરેક કવિઓ જી રે..
*ઉત્સાહી કવિ :-*
બસ !!
અમે તો
લાવ્યા
બબ્બે ડાયરી ભરીને કવિતાઓ,
ઓછી પડે આ પાંચ હો જી રે... .
*ભાવક :-*
અમને તો
વધુ પડે તમારી
એક એક કવિતા
ને...
નામાંકિત કવિઓ પડે મોંઘા જી રે.
*ડાહ્યો કવિ(મારા જેવો) :-*
અલ્યા બહું ખેંચમાં
તૂટી જશે હો જી રે.....
આપણને તો સૌ
લાઈક કરે વાંચ્યા વગર હો રાજ,
સાંભળશે તો ખરા અહીં હો રાજ!!!!
ઠપાકારો ને !!!!
પાંચ તો પાંચ. હો જી રે........
-મુકેશ દવે
તા.૧૯/૦૮/૨૦૧૪

અછાંદસ -વત્સલમૂર્તિ

જ્યારે
ભૂખથી રડતાં
પોતાનાં બાળકને
ખોળામાં લઈ
પછી

બાળક અને પોતાની આબરુને
સાડીના પાલવ વડે ઢાંકીને
વાત્સલ્ય નીતરતી ઢળેલી આંખો વડે
અમૃતપાનથી તૃપ્ત થતાં બાળકને
નિહાળી રહેલ
એ માતા
(કુરૂપમાં કુરૂપ સ્ત્રી પણ)
દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હોય છે
ત્યારે

સૌંદર્યવતિ વત્સલમૂર્તિને
હું મનોમન દંડવત કરી લઉ છું.
- મુકેશ દવે

તા.૨૨/૦૮/૨૦૧૪

ગઝલ - પાડ તાલી

તને  ગમે મારી થોડી વ્યથા તો પાડ તાલી,
પછી સાંભળી શકે આખી કથા તો પાડ તાલી,

ઘણું દુષ્કર હોય છે આ રૂઢિઓમાં જીવવાનું ?
હવે તોડી શકે સઘળી પ્રથા તો પાડ તાલી,

બકા-બંટી- પિન્ટુ-ચિન્ટુ નામથી શું વળે ?
નીપજે સમ જો ડાલામથા તો પાડ તાલી.

પગલું ઉઠાવ હશે તિમિરગ્રસ્ત સર્વ રસ્તા,
પછી તું જ તારો દીવો થા તો પાડ તાલી.

લખી તો જોજે એકાદી ગઝલ મારા ઉપર,
'મુકેશ' નાચી શકે તાથૈતાથા તો પાડ તાલી.
- મુકેશ દવે

તા.૨૨/૦૮/૨૦૧૪

ગઝલ - પ્રૌઢા

એકને ભણાવ્યું; ને બીજું ભણે છે,
મા હજુય એના શમણાં લણે છે.

જાત પૂરી દીધી ભીંતકોચલામાં,
પ્રૌઢા ઊંબરને લક્ષ્મણરેખા ગણે છે.

પીંડલે જિંદગીનો નિચોડ બાંધી ,
રોટલી સાથે હવે સ્મરણો વણે છે.

સંબંધો ગૂંથવામાં હોમી દીધેલું,
આખું શરીર પંડ- પીડા જણે છે.

અસ્તિત્વને માટે મથી ખૂબ લીધું,
હાર અંતે પામી એ ખૂદને હણે છે.
- મુકેશ દવે

તા.૦૮/૦૯/૨૦૧૪

ગઝલ- આંખમાં શું ખટકે

આંખમાં એવું કૈ ખટકે ?
હૈયું આખેઆખું બટકે !

કૂદકા તેથી લગાવું !
ઝૂમખું લાલચનું લટકે.

એક સુખ ને બીજું સપનું
હાથમાં આવે ને છટકે.

આસપાસે છે છતાં પણ,
મોજની ખોજે સૌ ભટકે.

વીંટળાયા મોહપાશો,
નાખ તોડી એક ઝટકે.
- મુકેશ દવે

તા.૧૯/૦૯/૨૦૧૪

ગઝલ - હું જ મારો રસ્તો

હું જ મારો રસ્તો ને હું જ મારી કેડી,
જાય જો તૂટી આ હું પણાની બેડી.

ઝખ્મ વીના આખું અધુરું જીવન લાગે,
કષ્ટ જો આવે; દોડી લઉં હું તેડી.

એમની કૃપાથી પંગુ હું પ્હોંચ્યો'તો,
ખૂબ ઊંચી મારા સંત કેરી મેડી.

સાધુ ધર્મ સ્તંભ ને ધરમની ધ્વજા,
ખૂદ રોપાયા ત્યાં ભૂમિ બંજર ખેડી.

રોમરોમ મારા સુરભિત થૈ ઊઠ્યા,
ભાંગતી રાતે જ્યાં ભજન હેલી છેડી.
- મુકેશ દવે

તા.૦૭/૧૦/૨૦૧૪

ગીત- નજરુંને શરમ આવી નૈં

લાલલીલી ઓઢણી ફરકંતી દીઠી ન દીઠી ને
દોડતીક પહોંચી ગઈ તૈં,
મૂઈ નજરુંને લગીરે શરમ આવી નૈં....!!

પાનના આ ગલ્લા પર ઢાળેલા બાંકડે
ગુટખા ને ફાકી ગોઠવાયા,
ટીવીમાં ગુંજતા નાચતા એ ગીતમાં
હવાતીયાં મારે ભૂરાયા,
છલકંતુ બેડુ એક અમથું જ્યાં હલક્યું ને
આખોયે બાકડો તાતાથૈ.
મૂઈ નજરુંને લગીરે શરમ આવી નૈં....!!

ચોક વચ્ચે ખાંસતી મોતીયાળી આંખોને
ઝાંઝરીનું છમછમ સંભળાયું,
નેજવાની નીચેથી ઝલામલા થાતું એક
ચીપડાળ કૌતુક પટકાયું,
પગલીએ પગલીએ પગેરું દબાવતી
ડગમગતી લાકડી ગૈ...
મૂઈ નજરુંને લગીરે શરમ આવી નૈં....!!
- મુકેશ દવે
- મુકેશ દવે
૧૩/૧૦/૧૪

૨ શૅ'ર - હું સંત છું

હું દુરાચારી અને હું જ સંત છું,
હું પામર જીવ ને હું ભગવંત છું.

હથેળીમાં ઉગાડી મેં કર્મરેખા,
પરિણામોમાં ઉપસતો હું ખંત છુ.
-મુકેશ દવે
૨૭/૧૨/૨૦૧૪

વૃત્તિ હોય છે - ૨ શૅ'ર

હા,જેવી જેની વૃત્તિ હોય છે,
એવી એની આકૃતિ હોય છે.

ઇશનો મૂળ ગ્રંથ મા-બાપ ને,
સંતતિ એની આવૃતિ હોય છે.( અપૂર્ણ)
-મુકેશ દવે
તા.૦૩/૦૧/૨૦૧૫

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2017

સંત સાહિત્યમાં પ્રખ્યાત (સંકલિત)


સાખીઓ = કબીરસાહેબની
પદો = મીરાંબાઇનાં
રવેણીઓ\રમૈની =કબીરસાહેબની
ભજનો = દાસી જીવણનાં
આગમ = દેવાયત પંડિતનાં
પ્યાલા = લખીરામના
કાફી = ધીરાની
ચાબખા = ભોજાભગતના
છપ્પા = અખાના
કટારી = દાસી જીવણની
ચુંદડી = મૂળદાસની
પંચપદી = રતનબાઇની
પ્રભાતિયાં = નરસિંહ મહેતાનાં
દોહે = કબીરસાહેબ, રહિમ અને તુલસીદાસના
ચોપાઇઓ = તુલસીદાસની

કળિયુગની એંધાણી - ધીરો ભગત

ધીરાભગતની કળીયુગ વાણી (રચનાકાળ ઈ.સ.૧૭૫૩):-
(ધીરાએ પોતાના ભજન કાવ્યમાં ભવિષ્ય વિશે જે-જે લખ્યું તે હવે સાચુ પડી રહ્યું છે)

એવી કલયુગની છે આ એંધાણી રે
કલયુગની એંધાણી રે…
ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ…

વરસો વરસ દુકાળ પડે..
અને વળી સાધુ કરશે સૂરાપાન
આ બ્રાહ્મણ માટી ભરખશે
અને ગાયત્રી ધરે નહીં કાન
હે જી બાવા થાશે વ્યાભિચારી…

શેઢે શેઢો ઘસાસે…
વળી ખેતરમાં નહીં રહે ખૂંટ
આદિ વહાણ છોડી કરે
અને બ્રાહ્મણ ચઢશે ઊંટ
એવી ગાયો ભેંસો જોશે રે
એ દુજાણામાં અજિયા(બકરી) રહેશે.

કારડીયા તો કરમી કહેવાશે
અને વળી જાડેજા ખોજશે જાળા
નીચને ઘેર ઘોડા બંધાશે.
અને શ્રીમંત ચાલશે પાળા
મહાજન ચોરી કરશે રે
અને વાળંદ થાશે વેપારી…

પુરુષો ગુલામ થશે.
રાજ તો રાણીઓના થશે
અને વળી પુરુષ થશે ગુલામ
આ ગરીબની અરજી કોઈ સાંભળશે નહીં.
અને સાહેબને કરશે સલામ…..

ઓલા વાણિયા વાટુ આ લૂંટશે રે
રહેશે નહીં કોઈ પતિવ્રતા નારી
છાશમાં માખણ નહીં તરે
અને વળી દરિયે નહીં હાલે વહાણ
આ ચાંદ સૂરત તો ઝાખા થશે

બોની રોતી જાશે રે
અને સગપણમાં સાલી રહેશે
એ ધરમ કોઈનો રહેશે નહી.
અને એક પ્યાલે વરણ અઢાર
આ શણગારમાં જો બીજું કોઈ નહીં રહે
અને સોભામા રહેશે વાલ(વાળ)

એવો દાસ ધીરો એમ આ કહે છે રે
કીધુમાં આ વિચાર કરી
એવી કળયુગની એંધાણી રે..
એ ન જોઈ હોઈ તો,
જોઈ લ્યો ભાઈઓ…

ગઝલ - અન્વર સાહેબ

પ્રખ્યાત ભજનિક સ્વ.કાનદાસ બાપુએ ગાયેલી એક ગઝલ
આ રચના દાસ સતાર સાહેબના ગુરુ અન્વર સાહેબની છે
( ભાઈ Hiteshkumar Trivediની માહિતી)
मैं नजर से पी रहा हूं ये शमा बदल ना जाए,
ना झुकाओ तुम निगाहें कहीं रात ढ़ल ना जाए,

मेरे अश्क भी हैं इसमें ये शराब उबल ना जाए,
मेरा जाम छूने वाले तेरा हाथ जल ना जाए,

मेरी जिंदगी के मालिक मेरे दिल पे हाथ रखना,
तेरे आने की खुशी में मेरा दम निकल ना जाए,

मुझे फूंकने से पहले मेरा दिल निकाल लेना,
ये किसी की है अमानत कहीं साथ जल ना जाए,

मैं बना तो लूं नशेमन किसी शाहे गुलिस्तां पे,
कहीं साथ आशियां के ये चमन भी जल ना जाए। -

સાધુ ચરિત (ભઝલ) - તુલસીદાસ

સાધુ ચરિત (ભઝલ) - તુલસીદાસ
**************************************
તુલસી મગન ભયો, રામગુન ગાય કે
રામગુન ગાય કે ગોપાલ ગુન ગાય કે..... ટેક૦

કોઈ ચઢે હાથી ઘોડા, પાલખી મંગાય કે,
સાધુ ચલે નંગે પાંવ ચિટીયાં બચાય કે.... તુલસી૦

કોઈ ઓઢે શાલ દુશાલા, અંબર મંગાય કે,
સાધુ ઓઢે ભગવી ચદર,ભભૂતિ લગાય કે.... તુલસી૦

કોઈ ખાવે શીરાપૂરી, હલવા મંગાય કે,
સાધુ પાવે લૂખાસૂખા, પ્રભુ કો ધરાય કે...... તુલસી૦

કોઈ ભયે ન્યાલ; ધન માલ ખજાના પાય કે,
ન્યાલ ભયો તુલસી,ચિત્ત નામમેં લગાય કે... તુલસી૦
(નોંધ :- હાસ્યયુક્ત ગઝલને હઝલ કહીએ તો ભજનયુક્ત ગઝલ એટલે ભઝલ.)

કરમન કી ગત ન્યારી - મીરાબાઈ

મીરાંબાઈ નો કેવો સચોટ નિચોડ....!!!!!
*********************************************

કરમન કી ગત ન્યારી ઓધવજી કરમન કી ગત ન્યારી … ટેક૦

નીરમલ નીર કા નાના સરોવર સમુંદર હો ગઈ ખારી,
બગલે કો બહોત રૂપ દિયા હૈ કોયલ કર દી કારી ......કરમન કી ગત ન્યારી0

સુંદર લોચન મૃગ કો દિયા હૈ બન બન ફિરત દુ:ખારી,
મૂરખ રાજા રાજ કરત હૈ પંડિત ભયો રે ભિખારી .. કરમન કી ગત ન્યારી 0

વૈશ્યા કો પાઠ પીતાંબર દિનો સતી કો ના મિલા સારી,..
સુંદર નાર કો વાંઝણ કર ડાલી ભૂંડણ જણ જણ હારી .. કરમન કી ગત ન્યારી 0

લોભી કો ધન બહોત દિયા હૈ દાતા કો મિલા ના જુવારી,
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર ચરન કમલ બલિહારી… કરમન કી ગત ન્યારી 0
- મીરાંબાઈ

ભઝલ :-નાઝિર દેખૈયા

ભઝલ :-
[ ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે. ] શ્રી Janak M Desai sirના આભારસાથે

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે

સદા યે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો ,
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં,
કમળ બિડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે

ધરાવાસી ન હો જેમાં કરું શું હું એ જન્નત ને
ન જેમાં હોય ગુલ બુલબુલ, ન મુજને એ ચમન દેજે

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે

ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ 'નાઝિર'ની
“રહે જેનાથી અણનમ શીશ મુજને એ નમન દેજે'' …............- નાઝિર દેખૈયા