શુક્રવાર, 30 જુલાઈ, 2021

ગીત : ચાંદ મઢેલી રાત

 

જામી ચાંદ મઢેલી રાત; એમાં ગમતીલો સંગાથ;
જાણે સરગાપુરીમાં અમે ઘૂમીએ,
ઊઠ્યો ઝાંઝરનો ઝણકાર; પગમાં પ્રગટેલો થનગાટ;
જાણે ગાંધર્વતાલે અમે ઝૂમીએ. 
 
નદીનો કિનારો ને તમરાંનું સંગીત;
બેઉ મન ડોલી રહ્યાં થઈ જઈને તલ્લીન,
હૈયાની વાણીને હૈયાએ ઝીલી તો
તાલ અનેરો વાગ્યો તાધીન્નાતાધીન,
રાખી ખભ્ભા ઉપર હાથ; મનડાં ઊડે છે સંગાથ;
જાણે નભના ખાલીપા અમે પૂરીએ........ જામી0
 
સોળે શણગાર સજી રાતરાણી મ્હેકે;
જાણે ભરી મહેફીલે છલકેલી પ્યાલી,
વરણાગી વાયરો છેડીને સરગમ;
ડાળેડાળે ઘૂમીઘૂમી દેતો જાય તાલી,
છોડી સઘળી માયાજાળ; થઈને આપસમાં ગૂલતાન;
જાણે મનના ઝૂલામાં અમે ઝૂલીએ.............જામી0
- મુકેશ દવે
અમરેલી
તા. ૩૦/૦૭/૨૦૨૧, શુક્રવાર

શુક્રવાર, 23 જુલાઈ, 2021

ગીત : આપસિદ્ધ લોલુપ સર્જક માટે નવોદિતાનું સંબોધન

 

(પ્રથમ બે પંક્તિ અમરમા ગુરુ સંત દેવીદાસના  પુણ્ય સ્મરણ સાથે)

 
મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા,
મેં તો બુદ્ધ રે જાણીને તમને સેવિયા,
તમારી આંખ્યુંમાં  જોયા કાળા નાગ;
એ જી નાગ;  આવા રે નો'તા જાણીયા.
 
ગુરુજી શબદ વરાહે તમે મને નોતરી,
ઘેલી થઈને દોડી જાણે કે તમ દીકરી,
મેલાં ટેરવે ફૂટ્યા'તા નોખા રાગ;
હે જી રાગ; સર્યાં ત્યાં સાપોલિયા.
મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા.
 
એવા દુરિજન ભોંકાયા મારી આંખમાં,
મારો ભરોસો ભાંગીને ભળતો રાખમાં,
તમારાં છાજિયાં કૂટીશું સૈયરું સાથ
હે જી સાથ;  ભર્યા હૈડે વિખોણિયાં.
મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા.
 
સખીયું સામૈયા કરો રે નોખી ભાતના,
સખીયું રંગોને ઉડાડો કાળી રાતના,
એને પહેરાવો જોડા કેરો હાર;
હે જી હાર; બોલાવો પાછળ હુરિયા.
મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા.
- મુકેશ દવે
અમરેલી 
તા.૨૩/૦૭/૨૦૨૧ શુક્રવાર

બુધવાર, 21 જુલાઈ, 2021

ગીત : તારા ગામનો વરસાદ



તારે ગામ વરસાદ પડ્યો ને વાછટ અહીંયા લાગી, 
લ્હેરાવી તેં ભીની ઝૂલ્ફો હૈયે સરગમ જાગી, 

તારા નભમાં ગાજે વાદળ; 
અહીંયા વીજ ઝબૂકે, 
તારે પાદર ગ્હેકે મોરાં; 
લળતી ઢેલડ ઝૂકે, 
તું લહેરાતું લીલું ખેતર ધનધન હે બડભાગી, 
તારે ગામ વરસાદ પડ્યો ને વાછટ અહીંયા લાગી.

તારી ભીની કાયા પરથી
વાયરો વાતો આવે, 
મ્હેક માટીની લજ્જા પામે 
સોડમ એવી લાવે, 
'તારે આંગણ હું પણ વરસુ' મંછા મીઠી જાગી, 
તારે ગામ વરસાદ પડ્યો ને વાછટ અહીંયા લાગી.

તારાં ઘરનાં નેવાં છલક્યા; 
પાળ ફળીની તૂટી, 
મેં રોપેલા બીજ અંદરથી 
મઘમઘ વેલી ફૂટી, 
નદી બની તું આવ દોડતી તારો પર્વત ત્યાગી, 
તારે ગામ વરસાદ પડ્યો ને વાછટ અહીંયા લાગી.
- મુકેશ દવે
અમરેલી
તા.૨૧/૦૭/૨૦૨૧, બુધવાર

રવિવાર, 18 જુલાઈ, 2021

ગીત - અમે પુરુષની જાત


 

અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત છતાંએ આંખોથી ના ટપકી શકીએ, 
અમે શ્રીફળની નાત અમારા જળનો છે ખખળાટ છતાંએ આછેરું ના છલકી શકીએ. 

મન ઝળુંબ્યું આભ ઘટાટોપ ગોરંભાતું જાય 
કે જાણે મેઘાડંબર વરસી પડશે, 
શ્વાસ થંભી જાયને એવા વીજ કડાકા થાય
કે જાણે ગઢની રાંગો ફસકી પડશે, 
અમે મેઘલી રાત અમારા રવરવમાં ઉકળાટ છતાંએ ઝરમરિયું ના વરસી શકીએ. 
અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત છતાંએ આંખોથી ના ટપકી શકીએ, 

પથ્થર થઈને ભફાંગ ડૂબતા વમળવમળ સર્જાય 
કે જળને રઢિયાળાં ચિતરીએ, 
ઘણાં ટાંકણાં ખમતા જાતા પીડાયું ઊભરાય 
કે સૌની આરતમાં ઉતરીએ, 
સૌને કરવાના રળિયાત મેલી સપનાઓમાં આગ છતાંએ મૂરત થઈ ના ચમકી શકીએ. 
અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત  છતાંએ આંખોથી ના ટપકી શકીએ, 
- મુકેશ દવે
અમરેલી
તા. ૧૮/૦૭/૨૦૨૧
રવિવાર

શનિવાર, 17 જુલાઈ, 2021

ગઝલ - તું_હિ_તું


हर जगह मे तुं हि तुं, हर नजर मे तुं हि तुं,
થાક ક્યાંથી લાગશે ? हर डगर मे तुं हि तुं.

એક સરખી છે બધે, સાંજ પણ તારા થકી,
રમ્ય છે સઘળી ફિઝા, हर नगर मे तुं हि तुं.

મ્હેક આવે પત્રમાં, વ્હાલથી હો તરબતર,
હર ખુશીની લ્હેર શી  हर खबर मे तुं हि तुं.

જામ ખાલી સાવ છે, ને નથી સાકી અહીં,
તે છતાંયે કેફની हर असर मे तुं हि तुं.

તું રવાનીભર ગઝલ, તું નજાકત શેરિયત,
એટલે ગમતી મને, हर बहर मे तुं हि तुं.
- મુકેશ દવે
અમરેલી
તા.૧૩/૦૬/૨૦૨૧, રવિવારે

ગુરુવાર, 1 જુલાઈ, 2021

ગીત -મારું કલ્પન

આવ, કરું વર્ણન તારું જે મારું કલ્પન દોરે છે, 
અંતરમાં અત્તરને ભરતા રમ્યભાવો ત્યાં મ્હોરે છે.. 

હોઠે નમણું સ્મિત રેલાતું; 
આંખોથી મદિરા છલકે, 
દંતશ્રેણીમાં દાડમકળીઓ; 
ગાલો પર લાલી મલકે, 
મેઘઘટા શી કાળી ઝૂલ્ફો ચંદ્રમુખ પર લહેરે છે.
આવ, કરું વર્ણન તારું જે મારું કલ્પન દોરે છે,
 
અંગભંગીની છટા નિરાળી;
જોતાં જાગી ઊઠે સ્પંદન. ,
પગની પાની ભોંયે ના છબતી 
વમળ કરે જાણે કે નર્તન,
કમર લચકતી તારી હલકને લોકની નજરો ચોરે છે. 
આવ, કરું વર્ણન તારું જે મારું કલ્પન દોરે છે, 

સાદગી-લજ્જાના આભૂષણ; 
એમાં ભળતું ગાલનું ખંજન, 
હૈયામાં તરુવરની સ્થિતિ; 
કંઠમાં છે પાંખીનું ગુંજન, 
આભ નીતરતું હો એમ વરસી ભીની પ્રીત બટોરે છે. 
આવ, કરું વર્ણન તારું જે મારું કલ્પન દોરે છે, 
- મુકેશ દવે
અમરેલી
તા. ૦૧/૦૭/૨૦૨૧, ગુરુવાર