બુધવાર, 22 ડિસેમ્બર, 2021

ગઝલ - દોડ્યા કરો

બન્ને ખભા પર ઊંચકીને આશ; બસ દોડ્યા કરો,
ક્યારેય ના પૂરી થવાની કાશ; બસ દોડ્યા કરો.

નિઃશ્વાસની આ ચેહ પર જોહર કરીને જીવતાં,
વેંઢારવાને જીવતી એ લાશ; બસ દોડ્યા કરો.

નાથી બળદ; સંસારગાડે જોતરી વ્હેતા કર્યા,
હાંકી રહ્યાં છે મોડિયો ને રાશ; બસ દોડ્યા કરો.

રણમાં જઈ કૂદી પડ્યાં; અંદરથી જે દાઝી ગયાં,
દાઝ્યા પછી ફૂંકીને પીવા છાશ; બસ દોડ્યા કરો.

સંસારસાગરને વલોવી રત્ન ના પામો છતાં,
ત્યાં ઝીલવાને એકઠી ખારાશ; બસ દોડ્યા કરો.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૯/૧૧/૨૦૨૧, મંગળવાર

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા