બુધવાર, 19 એપ્રિલ, 2017

અછાંદસ - વતનની વાટે

વતનનાં ગામડે જઈ આવું.....
જરાંક અમથું એવું વિચાર્યું
ત્યાં તો.........!!!!!!!!!
આંબાવાડિયા સોંતી સીમ આવીને વીંટળાઈ ગઈ ગળે;
'ને કહે - લ્લે !! તું હવે ક્યાંથી મળે ???

સૂકીભઠ્ઠ નદી વહેવા લાગી કલકલ.... કલકલ.....
નદીના વહેણ વચ્ચે છીપરાં બાનો હાથ થઈ
મારાં મેલાઘેલાં લૂગડાં મંડ્યા ધોવા,
ને બાજુનાં છીંછરાં પાણી નાગોડિયા થઈ કરે છબછબિયાં,

તળાવમાં અડધી ડૂબેલી ભેંસો
તેજા ગોકળીને પીઠપર બેસાડી લલકારવા લાગી દૂહા......
અને કાંઠાના પાંચ છ ઝાડવાં મંડ્યા મોઈદાંડિયો ને ઓળકોળામડું રમવા,

ભાગી ગયેલી રૂપાળી છોકરીની વાતમાં
૧૦-૧૨ બેડાં ખાવા લાગ્યાં ડૂબકીઓ ભાડિયા કૂવામાં,

પાદરના વડલાં હેઠે ગઈકાલના છાપાં
આજના તાજા સમાચાર  ઉડાડવા લાગ્યા ગોરજમાં,

બજાર વચ્ચે કપૂરચંદની દુકાન બાવડું પકડીને કહે -
" કે'જે તારા બાપાને ખાતું ચૂક્તે નો'ય થાય;
પણ દાણા વગર કંઈ ભૂખે મરાય !!!!!

ચાર-પાંચ ભાભલાને લઈ બેઠેલો ચોક નેજવું કરીને
છમછમતા ઝાંઝરને ઓળખવાની મથામણમાં પડી ગયો,

ચોરે રામજી મા'રાજ ઝાલર વાગવાની રાહ જોતા
બેસી ગયા નીજગૃહે,

શેરીના નાકે  છીંકણીની ૫-૬ ડબ્બીઓ
ચપટી નાકે અડાડતી બેસી ગઈ,

પીયર આવેલી સૈયરોની કાંખમાં
રાસડા તાલીઓની ઝપટ દેવા લાગ્યા,

ઘરની ખડકી મારા સાંભળીને પગરવ
"આવ્યો મારો સાવજ" કહેતી ઉઘડી ગઈ

અને ત્યાં........જ.
બેસી પડ્યું મન ખીન્ન થઈને........
નથી જવું...........
પાછલા વરસોમાં જ્યારે ત્યાં ગયો ત્યારે
આમાનું કોઈ ક્યાં મળેલું ...!!!!!!!
 - મુકેશ દવે
તા.૧૯/૦૪/૨૦૧૭



શનિવાર, 15 એપ્રિલ, 2017

ગીત - મૂઓ મૂકલો


જોજો, થઈ જાશે બૂરે હાલ, મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા,
સાવ બગડીને થૈ ગ્યો બેહાલ,મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

આકાશના તારાને તોડીતોડીને વળી
                      નદીયુંના નીરમાં ઝબોળે,
નદીઓને તેડીને કાંખમાં; દરિયા લૈ બાથમાં
                             ડૂંગરની ટોચને ખોળે,
એનો મારગ છે ભૂંડો પથરાળ,મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

ટગલીશી ડાળીએ કાગડાના માળામાં
                         ડૂબકી દઈને મોતી લાવે,
માછલીની આંખમાંથી પાંખ લઈ ઊડે ને
                          મોભારે બેસીને ગાવે,
સૌને પીરસે અક્ષરિયો થાળ,મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

સેંથીના સિંદૂરની બળબળતી આગને
                         છાતીએ વળગાડતો ઝૂમે,
ચૂડલીના ખણખણતા નિ:સાસા ચોરીને
                          ગજવે ખખડાવતો ઘૂમે,
પછી ગૂંથે છે શબ્દોની જાળ, મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

હાથમાં કુહાડી જોઈ ઝાડવાંની આંખમાં
                             દોથો ભરીને રણ છાંટે,
લીલુડી કૂંપળને દેખે જ્યાં અમથો
                       ત્યાં ખોબેખોબેથી વન બાંટે,
એ શાનો થાશે માલામાલ ? મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.
- મુકેશ દવે
તા.૧૫/૦૪/૨૦૧૭
ગઈ રાતે
હનુમાનજી આવ્યા
સપનામાં....
ગદા મૂકી
બાજુ પર...
ભગવાન રામ સામે
જોડેલ હાથમુદ્રામાં
બેઠા હોય તેમ બેસીને
બોલ્યા કરગરતા..
"વત્સ,
સવારથી જ
ઊજવાશે
મારો બર્થ ડે
વોટ્સએપ અને ફેસબક પર...
હું થાકી જઈશ- તૂટી જઈશ
એક વૉલ પરથી બીજી વૉલ પર,
એક ઍકાઉન્ટ પરથી બીજા ઍકાઉન્ટ પર....
ઠેકડા મારી મારીને......
પ્લીઝ..!!
કહી દે લોકોને...
મને લેવા દે શ્વાસ....
તારી પાસે મારી એક જ આશ..."

હાય રે !!!!
હું આજે જ
જાગ્યો મોડો(ફટ્ટ છે મને)
ત્યાં સુધીમાં
કેટલાય કૂદકા
લગાવી ચૂક્યા'તા
હનુમાનજી.
- મુકેશ દવે
dt.11/04/2017
બાળપણમાં
ચડ્ડી પહેરતાં
શરમાતું
બાળપણ
મોટપણમાં
બર્મૂડો પહેરવામાં
કેવું
ગૌરવ અનુભવે !!!!!
- મુકેશ દવે

Dt.10/04/2017