શુક્રવાર, 28 ઑગસ્ટ, 2020

જરાં પૂછી લો - ગીત

 

ડાળખીથી વિખૂટા થઈને શું થાય ?  જરાં પૂછી લો ખરતાં એ પાનને,

લીલપને છાંડીએ તો કેવું જીવાય ? જરાં પૂછી લો તરસ્યા વેરાનને,
 
ધરતીથી મૂળિયાને અળગા કરીને જ્યારે
આભથીય ઊંચા થઈ ગ્યા'તા,
ઓતરાદા વંટોળની હડફેટ ચડીને પછી
ઊંધમૂંધ ભોંભરિયા થ્યા'તા,
માના પાલવને ત્યજવાથી કેવું તડપાય ? જરાં પૂછી લો તૂટ્યા યુવાનને.

સપનાં પર સપનાંઓ ગોઠવતાં ગોઠવતાં

ભીંતડાંમાં જીવતર ધબકાવ્યું,
વ્હાલપનાં લીંપણને લીંપીલીંપીને વળી
ફળિયાને મઘમઘ મ્હેકાવ્યું,
પછી લાગણીનો કાળ પડ્યે શું શું કરમાય ? જરાં પૂછી લો ખભળ્યાં મકાનને.
- મુકેશ દવે
અમરેલી 
તા.૨૮/૦૮/૨૦૨૦, શુક્રવાર

સોમવાર, 17 ઑગસ્ટ, 2020

અજવાળું ખોલ - ગઝલ

તારા અંતરમાં અંધાર પડ્યો; અજવાળું ખોલ,
ને હૃદિયો માંહે ઠેબે ચડ્યો; અજવાળું ખોલ,

એમાં એનો દોષ નથી; એના સ્થાને એ ઊભો,
એ પથ્થરને તું શું કામ નડ્યો ? અજવાળું ખોલ.


તારા પગની હેઠળ જેને કચડીને રગદોળી,
ભૈ એ માટીએ જ તને ઘડ્યો; અજવાળું ખોલ.

ભીતરમાં લપાઈને બેઠો; તો પણ ઘાયલ થઈ ગયો,
તું, તું સાથે ધૂંઆધાર લડ્યો; અજવાળું ખોલ.

સૌ છે ઝળહળ ઝળહળ ને તું ડમ્મર થઈને લથડે,
એવો અંધારાનો કેફ ચડ્યો; અજવાળું ખોલ.
- મુકેશ દવે
અમરેલી
તા. ૧૭/૦૮/૨૦૨૦, સોમવાર


૧૪ * ગા

ગુરુવાર, 13 ઑગસ્ટ, 2020

ઘૂસી ગયું - ગઝલ

કેવી રીતે ? ક્યાંથી ? આ ઘરમાં ઘૂસી ગયું !!
ઈચ્છાનું એ ઝૂમ્ખું બિસ્તરમાં ઘૂસી ગયું.

પૂરો એ ભીંજાયો પનધટ જોઈ જોઈ,
જ્યારે પ્યાસુ હૈયું ગાગરમાં ઘૂસી ગયું  

માટે આજે વ્હેલો જાગી ના શક્યો હું
એવું મીઠું ! સપનું નિંદરમાં ઘૂસી ગયું,
 
ડાળે ટૌકાના ઊઠી રહ્યા છે પડઘા,
પંખીનું એક પીંછું તરુવરમાં ઘૂસી ગયું.
 
આંખો થોડી ઝૂકી, ગાલે ટશરો ફૂટી,
કોઈ કામણગારું અંતરમાં ઘૂસી ગયું.

એથી એની કાયા જીવે છે લથડાતી,
આખું ઝૂંડ ક્ષુધાનું ઉદરમાં ઘૂસી ગયું.

લાંબા જીવન માટે ઉત્પાતો કીધા'તા,
મૃત્યુ આવી આજે નસ્તરમાં ઘૂસી ગયું.
- મુકેશ દવે
અમરેલી
તા. ૧૩/૦૮/૨૦૨૦ ગુરુવાર

સોમવાર, 10 ઑગસ્ટ, 2020

તૂટી ગયેલો માણસ - ગઝલ

 



ચોળાયેલી ચાદર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે,
તકિયે છલક્યું સરવર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે.

ધોમધખેલા તડકામાં એ પરસેવાને વાવ્યા કરતો,
છાયો ધરતું તરુવર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે.
 
ચકમકતાં વસ્ત્રોની હેઠળ વીત્યો વૈભવ ઢાંકી ફરતો,
ઝીરણશીરણ અસ્તર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે.

રણ સંગ્રામો ખૂબ જીત્યો પણ જીવન જંગે લથડી પડતો,
ખીંટીટાંગ્યું બખ્તર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે.

સંધ્યા ઢળતાં ઝાલર ટાણે ઝાલર ઝાલી આરત ધરતો,
મૂર્તિ થયેલો ઈશ્વર કહે છે; આ માણસ તો તૂટી ગયો છે.
- મુકેશ દવે
અમરેલી
તા.૧૦/૦૮/૨૦૨૦, સોમવાર

ગા X 16

મંગળવાર, 4 ઑગસ્ટ, 2020

ખરે - ગઝલ

મેળાપની જ્યાં પળ ખરે,
એકાંત થઈ વાદળ ખરે

જો પાનખર આવી ચડે
તો કેટલાં આંગળ ખરે ?

તારા નયનનું છું હરણ,
પણ ઝાંઝવાનું જળ ખરે.

વરસાદ અફવાનો પડે
ને ગામમાં અટકળ ખરે.

નભ યાદનું ખોતર જરાં,
શબ્દો બધા કોમળ ખરે.
- મુકેશ દવે
હાથબ બંગલા
તા.૦૩/૦૯/૧૯૮૪, સોમવાર

ગાગાલગા ગાગાલગા

સોમવાર, 3 ઑગસ્ટ, 2020

વરસાદી ગીત

વિંઝાતા વાયરાની ફૂંકાતી લ્હેરે મન આમતેમ ડોલતું ઊડે,
વાદળાંની દોડ સંગ ફંગોળી હિંચકો ઉછળતી મોજે અંગ ઝૂલે.

ખેતરના શેઢામાં રોમરોમ કંપેલો
આમતેમ દોડે છે તડકો,
વાયરાનો સ્પર્શ અંગમાં રેલાવીને
ઠાવકી મોલાત કરે લટકો,
વાદળાની આડશમાં સૂરજ સંતાઈને રમણીની જેમ કંઈક રૂઠે.
વાદળાંની દોડ સંગ ફંગોળી હિંચકો ઉછળતી મોજે અંગ ઝૂલે.

સૂકીભઠ્ઠ નદીઓમાં જોબન વરસ્યું
ને ઓલા ભીંજાતા કાંઠાઓ ઝૂમ,
વરણાગી નદીઓએ મેલી મરજાદ
પછી દરિયાની બાહોંમાં ગૂમ,
નદીઓએ વિંટાળીને મસ્તીના ઘેનમાં દરિયો દરિયાવ દિલ ભૂલે.
વાદળાંની દોડ સંગ ફંગોળી હિંચકો ઉછળતી મોજે અંગ ઝૂલે.
- મુકેશ દવે
હાથબ બંગલા
તા.૦૨/૧૨/૧૯૮૫, રવિવાર

રવિવાર, 2 ઑગસ્ટ, 2020

ઊડે કબૂતર - ગીત


ઝાકળિયું સવાર પહેરી આભ લઈને ઊડે કબૂતર ફરફર ફરરર,
કેસરવરણી શાલ ઓઢી સવાર થઈને ઊડે કબૂતર ફરફર ફરરર.

ટહુકાયેલું વન તરીને ઝરણું નાચે ઝૂમકઝૂમ,
હાર સમાણી નદી વીંટાળી દરિયો કરતો બૂમાબૂમ,
દરિયો ઊંચકી વાદળ ફરકે
પાંખોમાં વાદળ ભરીને ઊડે કબૂતર ફરફર ફરરર.

ખડકી ખોલી ઝાંકુ ને ત્યાં નજર-નજર ટકરાતી,
જરાં મલકાતી જરાં કતરાતી જરાંજરાં શરમાતી,
તને દીધેલાં ફૂલની સાથે
થડકંતું આંગણ ઊંચકીને ઊડે કબૂતર ફરફર ફરરર.
-મુકેશ દવે
ખડસલી
તા. ૨૭/૦૮/૧૯૮૪, સોમવાર

રંગભીની છોળ્યું - ગીત


એને ઊગ્યું છે ગાલે ગુલાબ કે રંગભીની છોળ્યું ઊડી,
એને અંબોડે ઘટાટોપ આભ કે રંગભીની છોળ્યું ઊડી.

આખાય આભ સાથે ઊગતી સવાર
એના અધરો પર આવીને બેઠી,
મંજરીની મ્હેકભરી ટહુકાભર કોયલડી
રણઝણતા કંઠમાં પેઠી,
એની ચાલમાં છે ફાગણિયો ફાગ, કે રંગભીની છોળ્યું ઊડી,
એને ઊગ્યું છે ગાલે ગુલાબ કે રંગભીની છોળ્યું ઊડી,

છૂંદણાંમાં બેઠેલા મોરલાઓ ટહુક્યા
ને આંખોમાં મૃગલાઓ ઠેકે,
ચૂંદડીમાં ઝળકે છે લાખલાખ સૂરજ
ને કમખાના ફૂલડાંઓ મ્હેકે,
એને સંભળાતો સાજણનો સાદ,કે રંગભીની છોળ્યું ઊડી,
એને ઊગ્યું છે ગાલે ગુલાબ કે રંગભીની છોળ્યું ઊડી.
- મુકેશ દવે
ખડસલી
તા.૨૪/૦૮/૧૯૮૪, શુક્રવાર
Modify 
અમરેલી
તા. ૦૭/૦૮/૨૦૨૦, શુક્રવાર

શનિવાર, 1 ઑગસ્ટ, 2020

રણ હશે - ગઝલ

આ પણ હશે; તે પણ હશે,
ઈચ્છા બધી નાગણ હશે.

ઘર છીપલાંથી હો મઢ્યું,
દરિયા લગી આંગણ હશે.

દૃશ્યો બનીને હું ખરું,
પણ આંખ પર પાંપણ હશે.

લે, શ્વાસને હોઠે પકડ,
છાતી હતી ત્યાં રણ હશે,

લાવે નિશાચર મ્હેંક તો,
રાતો બધી ફાગણ હશે.
- મુકેશ દવે
હાથબ બંગલા 
તા.૨૬/૦૮/૧૯૯૪, રવિવાર. 

ગાગાલગા ગાગાલગા

પ્યાલી ધરી - ગઝલ

પ્રભાતે સૂર્યને તાળી ધરી,
દિશાએ હોઠ પર લાલી ધરી.

ગયો ઊડી અચાનક ગૂંજરવ,
કુસુમને ઝૂલવા ડાળી ધરી.

સમયનું ઘેન ચડવાનું સતત,
પળોના જામની પ્યાલી ધરી.

પવનને કેદ ના કરશો તમે,
હથેળી એમ સુંવાળી ધરી.

નિશાચર ઘૂઘવે અંધારને,
ભયાનક રાત જ્યાં કાળી ધરી.
- મુકેશ દવે
હાથબ બંગલા
તા.૧૬/૦૮/૧૯૯૪, ગુરુવાર

લગાગા ગાલગાગા ગાલગા

તોય શું ! - ગઝલ

જન્મને મોતની હો ખબર તોય શું!
મોતને હો દહન - હો દફન તોય શું !

ઝાંઝવાં સીમમાં તો ઝરે આભથી,
મૃગની પ્યાસ પર હો નજર તોય શું !

સ્વપ્ન તારાં મહીં ખંડિયેરો થતાં,
હું અહીં યાદનું હો નગર તોય શું !

જોઉ છું ને ઢળે પાંપણો એમની,
આંખમાં પ્રીતની હો અસર તોય શું !

શાહ ઘૂંટ્યા કરે ગઝલને તાજ પર,
ત્યાં અધર મૌનથી હો સભર તોય શું !
- મુકેશ દવે
હાથબ બંગલા
તા.૧૮/૦૪/૧૯૮૫, ગુરુવાર


ગાલગા ગાલગા ગાલગા ગાલગા