શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

નમણાં અંજળ - ગીત

અંધારાના ઓળા ફેડી પાલવડે જ્યાં ફૂટી કૂંપળ,
ગઢપણના ઓવારે ઊભું હૈયું છલક્યું ખળખળ ખળખળ.

રાતીરાતી ભીંતો ભેદી
               અજવાળાં બહુ પીધાં,
ત્યજી ઓઢણી પરાવલંબી
               શ્વાસ મલીરો લીધા,
આંખો મીચી ગયા જનમના બંધન તોડે હરપળ.
અંધારાના ઓળા ફેડી પાલવડે એક ફૂટી કૂંપળ,

કલબલતરસ્યાં ઘરમાં પ્રગટ્યા
                   ઝગમગ તેજ ફુવારા,
આંસુ થઈને દડદડ વહેતી
                     નિર્મળ અમરતધારા,
ભોળપણાંનાં ઝરણાં ઝીલી ઊભાં અંજળ પળપળ
ગઢપણના ઓવારે ઊભું હૈયું છલક્યું ખળખળ ખળખળ.
- મુકેશ દવે 
 અમરેલી 
તા. ૨૨/૧૨/૨૦૧૮, શનિવાર

રવિવાર, 9 ડિસેમ્બર, 2018

પૌત્રાગમન



ઉત્કંઠાભર્યો
હું
બેઠો હતો
ઑપરેશન થિયેટર પાસે.....

ઝપાટાભેર આવીને
નર્સ બોલી ગઈ
"દીકરો"

અને......
અને....


એકાએક
ઉત્સાહભર્યો
હું
વૃદ્ધ
થઈ ગયો
મધમીઠાં
બાળપણને
મમળાવતો... મમળાવતો.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૮/૧૨/૨૦૧૮

શનિવાર

ગુરુવાર, 8 નવેમ્બર, 2018

કંગાલિયત - ગીત

ફૂત્કારે ફૂત્કારે ઝેરીલી દૂબળાયું ડંખે ને વિંધાઈ જાય હાય કાયા,
કાંચળીની જેમ હવે આયખાના ઓરતાની ઉતરી ગઈ વળગેલી માયા .

પેટે પથરાઈ ઊંડી કાળમુખી ખીણો ને
                         માથા પર કાળમીંઢ ડુંગરા,
સરવરના જળ સાવ છલી વહ્યાં ને પછી
                           આંખોમાં ખટકે છે છીપરાં,
કોઠી 'ને ધાનનાં બંધાયા વેર, થયા ચૂલાના દેવતા પરાયા.
કાંચળીની જેમ હવે આયખાના ઓરતાની ઉતરી ગઈ વળગેલી માયા .

અધપધ આ ખોરડાંને ઢાંક્યું છે આભ
                             ત્યાં ક્યાંથી હોય શીળી રે છાંયડી !!
પાઘડીમાં વલખે છે લાચારી બાપની ને
                               ખોળો લઈ વલખે છે માવડી,
આબરુની માને તો પૈણી ગ્યો શેઠ પછી દીકરીના આણાં ઠેલાયાં.
ફૂત્કારે ફૂત્કારે ઝેરીલી દૂબળાયું ડંખે ને વિંધાઈ જાય હાય કાયા.
- મુકેશ દવે 
અમરેલી 
તા. ૦૮/૧૧/૨૦૧૮, ગુરુવાર 
બેસતું વરસ

શનિવાર, 6 ઑક્ટોબર, 2018

મોજે હિલ્લોળા - ગીત

ચાલોને મનમોજી જીવડાં મોજે હિલ્લોળા ભણીએ રે,
બથમાં લઈ આખાં આ નભને પંખીટૌકા ચણીએ રે.

હોઠેથી છટકેલું ગાણું આંગળીઓમાં
                           અક્ષર થઈને ફૂટે,
હળવેહળવે હથેળીઓમાં કેસરવરણો
                           રંગ કસુંબલ ઘૂંટે,
શ્વાસેશ્વાસે લહેરી જાતાં શબ્દ કણસલાં લણીએ રે.
ચાલોને મનમોજી જીવડાં મોજે હિલ્લોળા લઈએ રે,

આંખોમાં સપનાં તો ઊગે- તૂટે -
                           ફૂટે- બટકે ને લટકે,
સાલ્લી એની જાત જ એવી તું
                           શાને એની પાછળ ભટકે ?
ભીતરમાં ઝંખનાના મૃગલાં એને શાથી હણીએ રે !
બથમાં લઈ આખાં આ નભને પંખીટૌકા ચણીએ રે.
- મુકેશ દવે
અમરેલી
તા.૦૬/૧૦/૨૦૧૮ શનિવાર

ગુરુવાર, 5 એપ્રિલ, 2018

જીવતરનું પોટકું - ગીત

જડબેસલ્લાક એવી વાળેલી ગાંઠોથી ઠાંસીઠાંસીને બાંધ્યું પોટકું,
હવે કેમ કરી ફંફોસું આયખું.

માંડમાંડ શોધેલું ચપટીક વ્હાલ અમે
            સાચવીને સાવ નીચે નાખ્યું,
કોઈએ દીધેલી થોડી દુઆની ચાદરથી
                   હળવે રહીને એને ઢાંક્યું,
સંકેલી મૂક્યું પછી આભલે મઢેલું એક અવસર ટાંક્યાનું અંગરખું.
હવે કેમ કરી ફંફોસું આયખું.

પોટલાંમાં ઠાંસી'તી ફાટેલી ઈચ્છા 'ને
                લટકી પડેલા કો'ક સપ્પના,
છાનાખૂણેથી બે'ક ટપકેલાં આંસુ જે
                અમનેય હોય થોડાં ખપ્પના,
એકએક ખેંચું તો સામટું ખેંચાઈને આવી જાય હાથમાં ઝૂમખું.
હવે કેમ કરી ફંફોસું આયખું.
- મુકેશ દવે 
અમરેલી 
તા.૦૫/૦૪/૨૦૧૮, ગુરુવાર

રવિવાર, 25 માર્ચ, 2018

લફરાળો કૂવો - ગીત

છોક્કરીની આંખમાં ભમ્મરિયો કૂવો
એમાં સરપંચનો છોક્કરો ડૂબી મૂઓ,
ગામ તળિયું ડખોળે -ગામ મીંદડીને બોળે- ગામ કૂવો ઉલેચે.

છોક્કરીની પાંપણ એ કૂવાનો કાંઠો
                  ત્યાં દીઠી પારેવડાની જોડ,
ચાંચ મૂકી ચાંચે ને ઘૂટર ઘૂ નાદે
                થઈ ઓળઘોળ થાવાની હોડ,
બાયું બેડાં ઝબોળે - બાયું આંખ્યું ઉલ્લાળે - બાયું સિંચણિયા સિંચે.
છોક્કરીની આંખમાં.......

કૂવેથી ઘોડાપૂર એવા કૈં ઉમટ્યા કે
                ગામ આખું બબ્બે વાંભ પાણી-પાણી,
છોક્કરીની ખડકીએ કાદવકિચડ અને
               સરપંચની ડેલી ધૂળધાણી - ધાણી,
લોક ધજ્જા ફરકાવે - લોક શંખલા ફૂંકાવે - લોક ઝાલરને ટીંચે.
છોક્કરીની આંખમાં..........
 -મુકેશ દવે
અમરેલી, 
તા.૨૬/૦૩/૨૦૧૮, સોમવાર

બુધવાર, 21 માર્ચ, 2018

મોજ કરી લે - ગીત

સાંઈ ! જગતમાં રૂડોરૂડો અવસર થઈને આવ્યો છે; તો મોજ કરી લે,
ગીત-ગઝલના લીલાલીલાં તોરણ બાંધી લાવ્યો છે; તો મોજ કરી લે.

માઝમ રાતે તમરાંઓના રણઝણતા આ
                તંબૂરેથી ટપકેલો આલાપ પીધો છે,
તારાઓની ફૂલછાબડી ફોરમ સાથે માથે મેલી
                              ગબ્બરગોખે રાસ લીધો છે,
રામરસને રામગરીમાં તામ્રવરણો ઘૂંટીઘૂંટી પાયો છે; તો મોજ કરી લે.

ગઢ ગિરનારી- શગ દાતારી- ચેત મછંદર
                             બોલીને તું અલખ જગા દે,
અલખ ને તારે હાથવેંતનું છેટું છે તો -
                             ચોરે બેસી ચલમ જલા લે,
દામોદરમાં ડૂબકી દઈને રાગ કેદારો ગાયો છે; તો  મોજ કરી લે.
- મુકેશ દવે 
અમરેલી 
તા.૨૨/૦૩/૨૦૧૮, ગુરુવાર

બુધવાર, 14 માર્ચ, 2018

નેહાબેન પુરોહિત દ્વારા આસ્વાદ


“આમ તો એક ગૃપમાં કવિ મિત્રો રમૂજમાં મને જુદાજુદા નામ નલઈ બોલાવે.. ત્યારે હું કહું કે ભગવાનની જેમ જ મારા અનેક નામ છે . હરીને ગમે તે નામે ભજો તો એ આવી મળે એમ મારામાં નામના સંબોધન ને કારણે કશો ફેર ન પડે મિત્રો માટે લાગણી મુખ્ય- નામ નહીં…
આમ “હું ને હરિવર સરખા” – આ ધૃવ પંક્તિ મનમાં ઘૂમરાતી હતી- ગીત લખવા ઉશ્કેરતી હતી..
પણ પોત અને સંવેદનો અને રૂપકો કેમ ગૂંથવા ? એની મથામણ ચાલતી હતી.
છેવટે ઈશ્વરના માનવ તરીકેના સંવેદનો અને મૂલ્યો ઉજાગર કરવા તેવું નક્કી કર્યું પણ, એ માટેના ચમત્કૃતિ સભર રૂપકો નીપજાવી શકતો ન હતો અને બીજી તરફ ગીત ઝડપથી સર્જવાની ઉતાવળ રોકાતી ન હતી… છેવટે સરળ બાનીમાં ઉમદા ભાવો ગૂંથી આ ગીત વહેતું કર્યું ત્યારે નિરાંત થઈ.
હવે આ ગીત મૂલ્યાંકન માટે ભાવકોને હવાલે.”
હું ને હરિવર સરખા.
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
રાજમહેલને છોડી હરિવરવનવનમાં જઈ ભટક્યા,
હું પણ મારી બ્હાર જ ભટકું , અંદરના સુખ ખટક્યા,
નિયતીના હાથે ફરતા રહેલા સુખદુ:ખના આ ચરખા,
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
મારા હૃદયમાં હરિવર વસતા, દાનવ સાથે લડતા,
હરિના શરણે રહી હું લડતો , પડકારાઓ કરતા,
જીવનના આ સમરાંગણમાં ગાતા જઈએ કરખા,
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
કોઈપણ નામ લઈને પોકારો હડી કાઢતા હાજર,
નામમોહને ત્યાગી દઈએ પ્રેમસુધારસ ખાતર,
લાગણીઓ બસ ફાલેફૂલે નામના ક્યાં છે અભરખા ?
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
અમારા દ્વારે આવે સુદામો ચપટીક તાંદુલ લઈને,
પદ-મોભાનો અંચળો ફેંકી ભેટીએ આદર દઈને,
નેહક્યારી ખીલે લહેરાતી; નિશદિન બરસે બરખા.
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.

કાવ્યપત્રીનાં ત્રીજા હપ્તા માટે પોતાની કાવ્યાવતરણ વખતની આ વાત કહી રહ્યા છે અમરેલીના કવિ મુકેશ દવે .
ભાગ્યે જ કોઇ કવિ મળે જેણે કૃષ્ણને પોતાના શબ્દોથી ન ભજ્યા હોય. હું તો ત્યાં સુધી કહીશ કે પ્રત્યેક વ્યક્તિમાં મીરાં ને નરસૈયો સુષુપ્ત અવસ્થામાં હોય જ છે. કૃષ્ણ સાથે એકરૂપતા અનુભવવા જેવી ભાવાવેશની ચરમસીમા બીજી કઈ હોઇ શકે !
ગઝલમાં શેરનાં બે મીસરાની હૂંફમાં તર્કનો આધાર લઇ એક સંવેદન સેવાતું હોય છે. પણ કૃષ્ણ કંઇ તર્કથી પામી શકાય એવું તત્વ નથી. એટલે જ કવિની આ સંવેદના ગીતનાં વાઘા પહેરી અવતરી હશે.
પોતાની સંવેદનાને ગાઢી કરવા માટે કવિએ ગુજરાતી ભાષા પર વ્રજબોલીનાં છાંટણા કરવાનો પ્રયોગ પણ સફળ રીતે કર્યો છે.
હું ને હરિવર સરખા..
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા !
‘હું’ શબ્દ એકલો આવે ત્યારે હુંકાર જ પડઘાય, પણ હરિવર સાથે જોડાય ત્યારે ગૌરવપૂર્ણ વિનમ્રતા છલકી રહે છે. ‘હું’ ને પ્રતિક સ્વરુપે લઈ કવિ સમગ્ર જનસમુદાયની વાત કાગળ પર ઉતારી રહ્યાં હોય એવું પ્રતિત થાય છે.
ઈશ્વરનાં વિરાટ સ્વરુપનું વર્ણન કરવા આપણે સક્ષમ નથી. સાથે જ એની સાપેક્ષે વામન હોવા છતા આપણું વ્યક્તિત્વ એટલું જટિલ બનતું જાય છે કે કોણ ક્યારે કેવું વર્તન કરી બેસે એનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. આ હકીકત જાણવા છતાંય આપણે માનવથી લઈ ઈશ્વર સુધીને સમજવાને બદલે પારખું લેવાની ચેષ્ટા કરી લેતાં હોઇએ છીએ. આ વાત ઉજાગર કરવા કવિ લખે છે કે –
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા !
રાજમહેલને છોડી હરિવર વનવનમાં જઈ ભટક્યા,
હું પણ મારી બ્હાર જ ભટકું , અંદરના સુખ ખટક્યા,
નિયતીના હાથે ફરતા રહેલા સુખદુ:ખના આ ચરખા,
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.

પાંડવોએ જીવનનાં ઘણાં વર્ષો વનવાસી થઈને વિતાવ્યાં. વનવાસ દરમ્યાન દરેક મુશ્કેલીઓમાં કૃષ્ણ ખડેપગે એમની સહાયતા કરવા તત્પર રહ્યા છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. કવિ અહીં પોતાના ભૌતિક સુખો પ્રત્યે અરૂચી દાખવી જાત વળોટી જવાની વાતનો અણસાર આપતા દેખાય છે. નિયતીનું કામ ભવોભવનાં કર્મોને અનુરૂપ સુઃખદુઃખનો ચરખો ફેરવીને જિવનનો તાર વણ્યા કરવાનું છે. આટલી સરળ અને સહજ સ્વીકાર્ય વાત પણ લોકો પોતાના મત પ્રમાણે જુદીજુદી રીતે પારખું કરતા રહે છે.
મારા હૃદયમાં હરિવર વસતા, દાનવ સાથે લડતા,
હરિના શરણે રહી હું લડતો , પડકારાઓ કરતા,
જીવનના આ સમરાંગણમાં ગાતા જઈએ કરખા,
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
આખા ગીતમાં હરિવર જેવા થવાની વાત કરતા કવિ અહીં પાર્થની અસર પણ ચાહે છે એવું આ અંતરામા સ્પષ્ટ દેખાઈ આવે છે. મનનાં કામ, ક્રોધ, મદ, મોહ જેવા અસૂરો સાથે તો જ લડી શકાય, જો સાક્ષાત હરિ હ્યદયમાં નિવાસ કરતાં હોય. એનું શરણું લઈને ગમે તેવી વિકટ સ્થિતિ સામે પડકાર ફેંકી શકાય છે. ક્ષણેક્ષણ સંગ્રામ જેવા જિવનમાં કરખા(શૌર્યગીતો) ગાતા જઈ લડતા રહેવાનું છે. ભલે પછી સહુ પોતપોતાના મત પ્રમાણે આપણને પારખ્યા કરે..
કોઈપણ નામ લઈને પોકારો હડી કાઢતા હાજર,
નામમોહને ત્યાગી દઈએ પ્રેમસુધારસ ખાતર,
લાગણીઓ બસ ફાલેફૂલે નામના ક્યાં છે અભરખા ?
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.

ભક્તિભાવની જમીન પર લખાયેલી આ રચનાનો આ અંતરો હરિવર સાથે કોપીપેસ્ટ થવાની ચરમસીમા બતાવી રહ્યો છે. ઇશ્વર જેવું થવું સરળ નથી, પણ જરૂરિયાતમંદને મદદ કરવા ‘હડી’કાઢીને હાજર થઈ જઈએ, અને એ પણ નામનાનો કોઇ મોહ રાખ્યા સીવાય, તો લાગણીઓનો વિસ્તાર તો ફેલાવાનો જ છે.
અમારા દ્વારે આવે સુદામો ચપટીક તાંદુલ લઈને,
પદ-મોભાનો અંચળો ફેંકી ભેટીએ આદર દઈને,
નેહક્યારી ખીલે લહેરાતી; નિશદિન બરસે બરખા.
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા

કવિ કવિતાને જિવવાની વાત અહીં કરી જાય છે. પણ એ કૃષ્ણપણું આજે એટલું જ પ્રસ્તુત રહ્યું છે ખરું ? કદાચ કૃષ્ણ ચપટી તાંદૂલ લઈને આવેલા સુદામાને ભેટી પડે, આદર આપે, ત્યારે બેશક સ્નેહક્યારી ખીલી જાય, પણ બધા પોતપોતાની ક્ષમતા પ્રમાણે આ ઘટનાનું મૂલ્યાંકન કરે જ, એ તો નક્કી !
સુંદર ગીત, જેમાં કવિ જાતને હરિવરમા ઢાળવાની વાત લઇને આવ્યા છે . આ કૉલમનો હેતુ એ છે કે કવિ પોતાની મનગમતી રચના આપે, અને એ કેવા સમયે, કેવા સંજોગોમાં લખાઈ એની વાત કરે. કવિતાનો લય, છંદ વગેરે શાસ્ત્રિય પાસાની ચર્ચાને અહીં સ્થાન નથી. મારો આસ્વાદ એ આ કવિતા સમજવાની મારી મથામણનું ફળ છે. અલગઅલગ ભાવકો આ આસ્વાદમાં નવા પરિમાણો ઉમેરી જ શકે.
મિત્રો, આ આસ્વાદ માટે આપનાં અભિપ્રાયોની મને રાહ રહેશે…
- નેહા પુરોહિત
khabarpatri.com માંથી સાભાર

મંગળવાર, 13 માર્ચ, 2018

ગીત - ઓલિયો મનેખ

લોહી જેનું છે વૈષ્ણવજન ને હૃદયે શંભો બિરાજે,
બજરંગી છાયા રવરવ છાયી આશ કરું ક્યાં દૂજે ?

નામ-જપમાળા કણકણ પ્રગટી
             પળપળ મનમાં બોલે,
હૈયે  રણઝણ  ઝાલર વાગે
             ભેદ ભરમના ખોલે,
ભજન ધૂનની હેલી એને ઊઠતી મૃદંગ-મંજીરા સાજે.
બજરંગી છાયા રવરવ છાયી આશ કરું ક્યાં દૂજે ?

શાતા ધરતા ઓલિયા મનેખની
                   ધજાયું ફરફર ફરકે,
થઈ પરબ ને; બની વિસામો
                  મરકમરક મુખ મલકે,
આ દર્દખોળાના દર્શન હો તો મંદિર જવું ન સૂઝે.
બજરંગી છાયા રવરવ છાયી આશ કરું ક્યાં દૂજે ?
- મુકેશ દવે 
અમરેલી 
તા.૧૩/૦૩/૨૦૧૮, મંગળવાર

બુધવાર, 7 માર્ચ, 2018

ગીત - હરિવર સાથે સામ્ય

હું ને હરીવર સરખા.
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.

રાજમહેલને છોડી હરિવર
            વનવનમાં જઈ ભટક્યા,
હું પણ મારી બ્હાર જ ભટકુ;
               અંદરના સુખ ખટક્યા,
નિયતિના હાથે ફરતા રહેલા સુખદુ:ખના આ ચરખા,
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.

મારા હૃદયમાં હરિવર વસતા -
                દાનવ સાથે લડતા,
હરિના શરણે  રહી હું  લડતો 
              પડકારાઓ  કરતા,
જીવનના આ સમરાંગણમાં ગાતા જઈએ કરખા*,
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.

કોઈપણ નામ લઈને પોકારો
                 હડી કાઢતા હાજર,
નામમોહને ત્યાગી દઈએ
              પ્રેમસુધારસ ખાતર,
લાગણીઓ બસ ફાલેફૂલે નામના ક્યાં છે અભરખા ?
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.

અમારા દ્વારે આવે સુદામો
             ચપટીક તાંદુલ લઈને,
પદ-મોભાનો અંચળો ફેંકી
              ભેટીએ આદર દઈને,
નેહક્યારી ખીલે લહેરાતી; નિશદિન બરસે બરખા.
સબને હમકો અપને મતમેં અલગ-અલગ સે પરખા,
હું ને હરિવર સરખા.
- મુકેશ દવે 
અમરેલી 
તા.૦૭/૦૩/૨૦૧૮, બુધવાર 

* કરખા = યુદ્ધગીત
* બરખા = વરસાદ
               

મંગળવાર, 6 માર્ચ, 2018

જોઈ હતી - ગઝલ

આંખમાંથી નીકળી એ નદી જોઈ હતી,
રક્તવરણી થૈ વહી; એ કદી જોઈ હતી ?

એટલે તો કલ્પના યુગ વિશેની થઈ શકી,
ક્ષણમાંથી નીકળી એ સદી જોઈ હતી.

પૌત્ર જોવા ટળવળી; દરબદર ભટક્યા કરી,
આંખને છલકાવતી એ અદી જોઈ હતી.

રાજ આવ્યાં ને ગયાં; જે જગે પણ વિસ્મર્યા,
ખૂનપ્યાસી - નિર્દયી એ ગદી જોઈ હતી.

ખૂબ અઘરા દાવ પણ લે અહીં આ જિંદગી,
કોઈ ના જીતી શકે એ બદી જોઈ હતી.

- મુકેશ દવે
અમરેલી

તા.૦૬/૦૩/૨૦૧૮, મંગળવાર  * અદી= દાદી મા
* ગદી = ગાદી/સિંહાસન
* બદી = ખેંચતાણની એક દેશી રમત

ગાલગાગા ગાલગા ગાલગાગા ગાલગા

બુધવાર, 21 ફેબ્રુઆરી, 2018

કવિતા ચોરનું ગીત

ચોરેલાં પીંછાંથી કળાયેલ કાગડાને મોરલો કે'વાય ?

બાવળના ઠૂંઠાંને તોરણ બાંધો ને પછી
                     કહેવું - આ આંબાનું ઝાડ !
લૂમઝૂમ કેરીઓ તોડીને જાય ભલે
                      ફરતી હોય કાંટાળી વાડ,
ચીતરેલ ચોમાસાથી કાગળ ઉભરાય કંઈ સરવર છલકાય ?
ચોરેલાં પીંછાંથી કળાયેલ કાગડાને મોરલો કે'વાય ?

તરપંખે ઈંડાને રંગી સેવ્યા ને પછી
                            આશા શું રાખવી મોરની !
ખેતરે જો થોકબંધ મ્હોરે મોલાત તંઈ
                                  જફા રે' રેઢિયાર ઢોરની,
ગળું હોય કો'કનું તો રાગડા તણાય કંઈ સરગમ ગવાય ?
ચોરેલાં પીંછાંથી કળાયેલ કાગડાને મોરલો કે'વાય ?

- મુકેશ દવે
અમરેલી
તા.૨૨/૦૨/૨૦૧૮, ગુરુવાર