ખીલતાં આ આયખાને આપણે બસ મોડવાનું,
વળગણોનું પોટલું બાંધી
પછીથી છોડવાનું.
દ્વારને રાખી ઉઘાડાં;
પાથરી નજરો હવે તો,
કોઈ આવી ઉંબરાને
કંકુ-ચોખા ચોડવાનું.
વેગવંતી કો' નદીને પાર કરવા પૂલ બાંધો,
એમ ક્યાં આસાન હોતું બેઉ
હૈયા જોડવાનું !
ધર્મની આડશ લઈને ચેતવો
ધૂણી પછી તો,
લોકહૈયે સાવ સ્હેલું છે
ધજાઓ ખોડવાનું.
જિંદગીના સુખ બધાંએ
મેળવીને ઝંપવા દે,
શ્વાસને છોડ્યા પછી શું
કૂદવાનું - દોડવાનું ?
- મુકેશ દવે
અમરેલી
તારીખ ;૧૬/૦૮/૨૦૨૧, સોમવાર
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા