બુધવાર, 20 ડિસેમ્બર, 2017

વિગતનું વળગણ

ગીત*
લૂમોઝૂમો મૂછો માથે લૂખ્ખેલૂખ્ખો તાવ દઈને બેઠો છું,
ખૂલ્લંખૂલ્લા ઓટા માથે મારું આખું રાજ લઈને બેઠો છું.

પ્હેરણના કાણેથી ટપકે
સિંદૂરી ગાથાઓ,
ધડે ઉતારી લીધાંઅરિદળનાં
અગણિત માથાઓ,
તાતી તગતગતી તલવારે લોહીઝર્યો ઈતિહાસ ધરીને બેઠો છું.
લૂમોઝૂમો મૂછો માથે લૂખ્ખેલૂખ્ખો તાવ દઈને બેઠો છું,

પાદર - ખેતર - ગામસીમાડે
થઈને ઊભો ખાંભી,
સેંથીમાંથી પ્રગટી જ્વાળા
જતી આભને આંબી,
ઘરચોળાની ભાતો ફેંકી ખૂણામાં મીંઢોળ થઈને બેઠો છું.
લૂમોઝૂમો મૂછો માથે લૂખ્ખેલૂખ્ખો તાવ દઈને બેઠો છું,
- મુકેશ દવે