સોમવાર, 29 ઑગસ્ટ, 2022

ગીત : ક્યાં લગી ?

 સૂનાં હૈયામાં ઉમટ્યાં તોફાન, તોફાન અમે ક્યાં લગી ઝેલશું ?
કોરી આંખોથી વ્હેતાં થ્યાં ગાન, ગાન અમે ક્યાં લગી ઝીલશું ?

દસેદસ દશ્યથી અંધારા ઊમટે,
અંધારે આથડતો દરિયો કંઈ ઊછળે,
ભાંગી નાવડી ને તૂટ્યાં સુકાન, સુકાન અમે ક્યાં લગી ઝાલશું ?
સૂનાં હૈયામાં ઉમટ્યાં તોફાન, તોફાન અમે ક્યાં લગી ઝેલશું ?

સુસવાટે સુસવાટે વાયરો વિંઝાય છે,
નાનેરી ઝૂંપડીમાં દીવડો મૂંઝાય છે,
ભાંગ્યા હિંડોળે થાતાં બેભાન, બેભાન અમે ક્યાં લગી ઝૂલશું ?
સૂનાં હૈયામાં ઉમટ્યાં તોફાન, તોફાન અમે ક્યાં લગી ઝેલશું ?
- મુકેશ દવે
અમરેલી
તા.૨૮/૦૮/૨૦૨૨ રવિવાર