શુક્રવાર, 22 જુલાઈ, 2022

ગીત - છોરો આંબાનો મૉર

છોરાનાં ખિસ્સાંમાં ચણિયા બોર; ચણિયા બોર,
છોરો કડકડતી ટાઢ્યમાં આંબાનો મૉર; આંબાનો મૉર.

છોરો ગજવે માલામાલ,
છોરી રેશમી   રૂમાલ,
છોરી પાણીપાણી થાય,
છોરો માથાબોળ ન્હાય, 
પછી બોરાં વાવ્યા 'ને છોરો થયો ગુલમ્હોર; થયો ગુલમ્હોર.
છોરો કડકડતી ટાઢ્યમાં આંબાનો મૉર; આંબાનો મૉર. 

છોરી સરવરની પાળ,
છોરો ઝળુંબેલી ડાળ,
છોરી મઘમઘતું ફૂલ, 
છોરો મ્હેંકમાં મશગૂલ, 
પછી છોરાના હૈડામાં થીજી ગયો પ્હોર; થીજી ગયો પ્હોર. 
છોરો કડકડતી ટાઢ્યમાં આંબાનો મૉર; આંબાનો મૉર.

છોરી કોયલનો કંઠ,
છોરો પીવે આકંઠ, 
છોરો ચપટી બોર આપે,
છોરી સૂંડોભરી ચાખે,
પછી છોરીની ચુંદડીમાં ગુંજ્યો કલશોર; ગુંજ્યો કલશોર.
છોરો કડકડતી ટાઢ્યમાં આંબાનો મૉર; આંબાનો મૉર.
- મુકેશ દવે
અમરેલી
તારીખ :૨૦/૦૭/૨૦૨૨, બુધવાર