રવિવાર, 23 મે, 2021

ગઝલ - રાહ જુએ છે

 

હલેસા, નાવ 'ને વારિ હજુએ રાહ જુએ છે,

સજળ આંખે ઘરે પ્યારી હજુએ રાહ જુએ છે.
 
વળાવ્યો હોંશથી જેથી રળીને પાળશે ઘડપણ,
વળાવી નાથ - મા તારી હજુએ રાહ જુએ છે.
 
વલોવે ખૂબ, ને હૈયે અજંપો ઊમટી પડતો,
વરસવા નેહની ઝારી હજુએ રાહ જુએ છે.
 
તરસ્યું કોઈ આવીને તરસને પણ વધારી ગ્યું,
પછીથી ત્યાં જ પનિહારી હજુએ રાહ જુએ છે. 

ઉઠાવી ચંડત્રિશુળને હવે તું આવ; હે દેવા !
ફફડતી દેશની નારી હજુએ રાહ જુએ છે.
મુકેશ દવે
અમરેલી 
તારીખ ૨૧/૦૫/૨૦૨૧, શુક્રવાર

ગીત - છલકાતો નેહ

 

મારી આંખોથી છલકાતો રસરસતો નેહ તારા વક્ષના ઉભારામાં હલકે,

હોઠો પર મૂકું જ્યાં હળવા શા ફૂલ ત્યારે ખીણ મહીં ઝરણાંઓ છલકે. 
 
કાળાડિબાંગ મેઘ ઝૂલ્ફોથી ઉતરીને
લીસ્સીલસ પીઠને પસવારે,
આંગળીઓ હળુંહળું ભીંજાતી જાય
એના છલકાતા નેહને નીતારે,
રેશમની સેજ જેવી સુંવાળી કાયા પર ટેરવાંઓ મીઠુંમીઠું ટહુકે,
મારી આંખોથી છલકાતો રસરસતો નેહ તારા વક્ષના ઉભારામાં હલકે.
 
હાથની રેખાઓ એકમેકમાં ઓગળતી
ને હોવાપણાંનું ભાન ભૂલે,
શ્વાસોમાં શ્વાસ એમ ગૂંથાતા જાય પછી
દ્વાર એકાકારના ખૂલે,
ધસમસતું લોહી બધું ગાલો પર બેસીને શરમાતું શરમાતું મલકે,
મારી આંખોથી છલકાતો રસરસતો નેહ તારા વક્ષના ઉભારામાં હલકે,
- મુકેશ દવે
 અમરેલી
તારીખ ૧૯/૦૫/૨૦૨૧, બુધવાર
 

સોમવાર, 3 મે, 2021

ગીત - આંગળી પાક્યાની વેળા

 દલડાંના ધબકારા થંભાવી દેતા આ આંગળીના લવકારા વસમાં બહુ લાગે, 
ઝાટકે દીધાની જાણે સામટી પીડાઓ લ્યા ! ગભરૂડાં નખલામાં જાગે. 

કીયા તે ભવના વેર લઈ બાવળિયો
ફળિયામાં આવીને ઊગ્યો, 
મૂઓ અભાગિયો હલકટ સાવ એવો 
કે ટેરવાની લગોલગ પૂગ્યો , 
ઊંહકારા ભરતી કાળી ઓશિયાળી રાતોની નિંદરાયું દૂરદૂર ભાગે, 
ઝાટકે દીધાની જાણે સામટી પીડાઓ લ્યા ! ગભરૂડાં નખલામાં જાગે. 

અમથી શી આંગળીએ કાયાને બાન લઈ 
લીધો હાય ! કારમો ઉપાડો, 
પીડાના થેલા પર થેલા ભરીને કોઈ 
મધદરિયે જઈને ડૂબાડો, 
આંગળી પાક્યાની કેવી આકરી વેળાયું સીધી કાળજામાં સોંસરવી વાગે, 
દલડાંના ધબકારા થંભાવી દેતા આ આંગળીના લવકારા વસમાં બહુ લાગે.
મુકેશ દવે
અમરેલી
તા. ૦૩/૦૫/૨૦૨૧, સોમવાર