ગુરુવાર, 5 એપ્રિલ, 2018

જીવતરનું પોટકું - ગીત

જડબેસલ્લાક એવી વાળેલી ગાંઠોથી ઠાંસીઠાંસીને બાંધ્યું પોટકું,
હવે કેમ કરી ફંફોસું આયખું.

માંડમાંડ શોધેલું ચપટીક વ્હાલ અમે
            સાચવીને સાવ નીચે નાખ્યું,
કોઈએ દીધેલી થોડી દુઆની ચાદરથી
                   હળવે રહીને એને ઢાંક્યું,
સંકેલી મૂક્યું પછી આભલે મઢેલું એક અવસર ટાંક્યાનું અંગરખું.
હવે કેમ કરી ફંફોસું આયખું.

પોટલાંમાં ઠાંસી'તી ફાટેલી ઈચ્છા 'ને
                લટકી પડેલા કો'ક સપ્પના,
છાનાખૂણેથી બે'ક ટપકેલાં આંસુ જે
                અમનેય હોય થોડાં ખપ્પના,
એકએક ખેંચું તો સામટું ખેંચાઈને આવી જાય હાથમાં ઝૂમખું.
હવે કેમ કરી ફંફોસું આયખું.
- મુકેશ દવે 
અમરેલી 
તા.૦૫/૦૪/૨૦૧૮, ગુરુવાર