સુતરના તાંતણામાં પ્રોવેલી લાગણીનું મૂલ કદી થાય ના બજારમાં,
જીવ અલ્યા ! રાખડીને મામૂલી ધાર મા.
રાખડીમાં છલકાતો બ્હેનીનો નેહ
વળી રાખડીમાં બાંધવ લહેરાતો,
સુતરના ધાગાનું એવું આ બંધન
કે લીલોછમ્મ રહેતો આ નાતો,
સાચૂકલાં મોતીની માળાની જેમ સૌ જોડાયા રે'તા
સંસારમાં,
જીવ અલ્યા ! રાખડીને મામૂલી ધાર મા.
રાખડીનું મૂલ નંદલાલાને પૂછો કે;
શાને થયો કુરુક્ષેત્રે ઊંદર,
રાખડીનું મૂલ રાણી કર્ણાને પૂછો કે;
શાને કર્યું શીલ માટે જૌહર,
રાખડી નું સત અડીખમ આવી ઊભું રે' પીંખાતી ચીસના
પોકારમાં,
જીવ અલ્યા ! રાખડીને મામૂલી ધાર મા.
-
- મુકેશ દવે
અમરેલી
અમરેલી
તારીખ :૦૯/૦૮૨૦૨૧, સોમવાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો