પોતાની મરજીના હરકોઈ સાધક છે તો શાને લમણાઝીંક હશે આ !
નોખીનોખી ફોરમના સૌ વાહક છે તો શાને લમણાઝીંક હશે આ !
સૌને દીધેલું અજવાળું ખુદને સાચું લાગે તો પણ બીજાને જૂઠ્ઠાણું છે,
સૌને કંઠે વ્હેતું ગાણું ખુદથી એ પોંખાશે તોયે બીજાને ઉખાણું છે,
અજવાળાં-અંધારાં અહીંયા વ્યાપક છે તો શાને લમણાઝીંક હશે આ !
હરિના ગાડે હરિના ધોરી, હરિનો મારગ, હરિએ દીધું લીલું ખેતર,
ખેડુ જ્યારે હરિરસ તરસે - હરિરસ વરસે, હરિરસથી મ્હોરે વાવેતર,
હરિના દ્વારે ઊભેલાં સૌ યાચક છે તો શાને લમણાઝીંક હશે આ !
- મુકેશ દવે
તારીખ -૧૨/૦૪/૨૦૨૪
શુક્રવાર
જામનગર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો