શનિવાર, 15 એપ્રિલ, 2017

ગીત - મૂઓ મૂકલો


જોજો, થઈ જાશે બૂરે હાલ, મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા,
સાવ બગડીને થૈ ગ્યો બેહાલ,મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

આકાશના તારાને તોડીતોડીને વળી
                      નદીયુંના નીરમાં ઝબોળે,
નદીઓને તેડીને કાંખમાં; દરિયા લૈ બાથમાં
                             ડૂંગરની ટોચને ખોળે,
એનો મારગ છે ભૂંડો પથરાળ,મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

ટગલીશી ડાળીએ કાગડાના માળામાં
                         ડૂબકી દઈને મોતી લાવે,
માછલીની આંખમાંથી પાંખ લઈ ઊડે ને
                          મોભારે બેસીને ગાવે,
સૌને પીરસે અક્ષરિયો થાળ,મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

સેંથીના સિંદૂરની બળબળતી આગને
                         છાતીએ વળગાડતો ઝૂમે,
ચૂડલીના ખણખણતા નિ:સાસા ચોરીને
                          ગજવે ખખડાવતો ઘૂમે,
પછી ગૂંથે છે શબ્દોની જાળ, મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.

હાથમાં કુહાડી જોઈ ઝાડવાંની આંખમાં
                             દોથો ભરીને રણ છાંટે,
લીલુડી કૂંપળને દેખે જ્યાં અમથો
                       ત્યાં ખોબેખોબેથી વન બાંટે,
એ શાનો થાશે માલામાલ ? મૂઓ મૂકલો મંડ્યો કવિતાયું લખવા.
- મુકેશ દવે
તા.૧૫/૦૪/૨૦૧૭

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો