બુધવાર, 29 એપ્રિલ, 2020

પરિચય - એમ્તિયાઝ કાઝી, માણાવદર

અમરેલીનો અણચાખ્યો કવિ
રજુ કર્તા :- ઈમ્તિયાઝ કે કાઝી - માણાવદર.
**************************************************************************
આજે એક એવા કવિની વાત કરવી છે , જેની કવિતા હજુ સુધી કોઈ પણ સામયિકમાં સંગ્રહમાં પ્રસિદ્ધ નથી થઈ, કે કવિએ એ માટે ક્યારેય ઈચ્છા વ્યક્ત નથી કરી કે પ્રયત્નો નથી કર્યા !
હા, સાહિત્યસર્જનનો જે મૂળ હેતુ છે કે નિજાનંદ માટે લખવું અને પછીથી એ પ્રસિદ્ધિના કોઈ પણ ભાવ વગર વહેંચી દેવું. કવિએ આ ધર્મ પિછાણ્યો છે અને નિભાવી જાણ્યો છે.
અમરેલી જિલ્લાનું આ રતન હાલમાં લીલીયા તાલુકાના ક્રાંકચ ખાતે માધ્યમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવે છે, અને એક સુંદર અને સુઘડ વ્યક્તિત્વનું આચરણ આજીવન કર્યું છે. ક્રાંકચ બોલવામાં અને લખવામાં જેટલું અઘરું છે તેનાથી વિપરીત આ કવિનું હૃદય પામવું એટલું જ સહેલું છે.
મારી વ્યક્તિગત રીતે એમની સાથે મુલાકાત 2 વખત થઈ, માણાવદર ખાતે અમોએ શૈક્ષણિક અને સાહિત્યિક શિબિરનું આયોજન કરેલું ત્યારે સહજ ભાવે તેમણે આમંત્રણ સ્વીકારેલું અને શ્રોતાઓને તેમના કાવ્યોનું રસપાન કરાવેલું. ત્યાર બાદ મારા પિતાજીના અવસાન વખતે અમરેલી જિલ્લાના કવિવૃંદ સાથે મળવાનું થયું ત્યારે.
અલબત્ત, આટલી વિસ્તૃત ઓળખાણ આપવાનો હેતુ કવિની પ્રશસ્તિના ગુણગાન ગાવા હરગીજ નથી, પણ કવિને સમજ્યા પછી કવિતાને સમજવી ઘણી સરળ થતી હોય છે. !
શ્રી મુકેશ દવે સાહિત્ય જગતમાં આમ જાણીતું અને આમ અણચાખ્યું નામ છે. આજે તેમની કવિતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ.
કવિએ તેમના કાવ્યોના માધ્યમ દ્વારા જીવાતા જીવનના દ્રશ્યોનું, માનવમનની અવ્યક્ત થયેલ સંવેદનાઓનું માત્ર નિરૂપણ જ નથી કર્યું પણ તેમને ઉજાગર પણ કર્યા છે. કવિની દ્રષ્ટિ ખૂબ તીક્ષ્ણ હોય છે, તે એવું બધું જોઈ લે છે જે સામાન્ય રીતે લોકો નથી જોઈ શકતા. સ્થૂળથી સૂક્ષ્મ સુધી તે ફરી વળે છે. કવિની દ્રષ્ટિ પાતાળમાંના પાણીથી લઈને ગગનની ગેલેક્સી સુધી હોય છે અને તેમાં ઉમેરાય છે સંવેદનાઓ. એટલે જે ભાવચિત્ર રજૂ થાય એ વાંચકોને આંખ સમક્ષ દેખાય છે.
આ કવિનો પણ વિષયવૈવિધ્ય વિશાળ રહ્યો છે. પ્રકૃતિની સુંદરતાનું વર્ણન હોય, પ્રેમને વ્યક્ત કરવાની મીઠી મૂંઝવણ હોય, ફાટફાટ થતાં જોબનિયા ને કવિએ શબ્દદેહ આપવો હોય કે જીવાતા જીવનમાં વિપરીત પરિસ્થિતિ કે દારુણ ગરીબીની વાત હોય, કવિની કલમ એ જ પ્રવાહિતાથી આગળ વધે છે. આંતરિક ભાવોને બહાર લાવવામાં કવિની કુશળતા પણ સાથે પ્રગટ થાય છે. ભક્તિ ગીત હોય કે અછાંદસ કાવ્ય , ગઝલ હોય કે ગીત તમામ સ્વરૂપોમાં માત્ર બીબાઢાળ સર્જન નહિ પણ કવિની ખુમારી , મૌલિકતા અને આત્મસૂઝના દર્શન થયાં વિના રહેતા નથી.
કવિ એટલે જ આ રીતે વ્યક્ત થાય છે.
વીંખી - ફેંદી હૈયાસ્પર્શ્યું લોકલોકનું જીવતર
દલડે દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર
તો વળી , ક્યાંક કવિ આત્મશ્લાધાના ભાવ વગર પોતાનો પરિચય આમ આપે છે.
હું જોમવંતી ગઝલ ને હું રસભર્યું ગીત છું.
ને અછાંદસમાં પ્રગટતું તાલબદ્ધ સંગીત છું.
શબ્દચિત્રોમાં કવિએ પોતાની કલા અને જીવ રેડી દઈને એમને માત્ર ચિત્રો જ ન રહેવા દેતાં કાગળ પરથી ઉતરીને નજર સામેથી પસાર થતાં બતાવ્યા છે.
બોખા મોં એ ચગળાતું આ ગળચટટું જોબન
ઓરડાનું અંધારું ઓઢી છૂટું મેલ્યું ધન
બારસાખના તોરણ સઘળાં ફૂલો થઈને ખીલે
બચલી ડોશી સો વરસની તોય હજૂએ જીવે
અન્ય એક કાવ્યમાં
પાનના ગલ્લા પર ઢાળેલાં બાંકડે
ગુટખા ને ફાકી ગોઠવાયા
ટીવીમાં ગુંજતા નાચતા એ ગીતમાં
હવાતીયાં મારે ભૂરાયા
છલકતું બેડું એક નીકળ્યું ન નીકળ્યું ને
બાંકડો થયો તાતા થૈ
મૂઈ નજરુંને લગીરે શરમ આવી નૈ
કવિ માનવમનમાં ડોકિયું કરવાની ક્ષમતા ધરાવે છે , તો સાથે સાથે વિશ્વની લટાર લગાવી પોતાને થયેલા સારા નરસા અનુભવોને પોતાના પર સવાર થયા દીધા વગર પોતાના ધર્મને બરાબર પીછાણે છે.
આપણે કવિઓ , એક વહેતી નદી
કવિતા આપણું નીર, નિર્મળતા આપણું ખમીર
અને ક્યારેક તો સંસારની આ બધી દોડધામ અને ભાગદોડને ત્યજી ઘરે જવાની વાત કેવી સરળ રીતે કરે છે.
ચાલો મૂકીએ આ જંજાળ, ઘર ભણી જઈએ
કોઈ તો રાખે છે સંભાળ, ઘર ભણી જઈએ
અહીં કોઈ તો રાખે છે સંભાળ શબ્દપ્રયોગ પણ માર્મિક ટકોર સ્વરૂપે પ્રયોજાયો છે. કે જ્યારે જગત સ્વાર્થી બનીને માત્ર ઉપયોગ કરવામાં માનતું હોય ત્યારે આ વિશ્વમાં એક તો એવું જણ છે જે ઘરે રાહ જુએ છે.
પ્રતીક્ષામાં ઊભું બારણું, સ્મિત વેરી આંગણે
કેવા રાખીને ખુલ્લા વાળ, ઘર ભણી જઈએ
પ્રેમને આ કવિ કેટલી સરળ રીતે કવિતાઓમાં ઝીલે છે. જૂઓ
રોટલો વાસી હો તોય મીઠો હશે
માતના હાથમાં તાંસળી હોય છે
તો વળી,
વૃક્ષો સઘળાં માનો ખોળો
કલરવને સંભાળી બેઠાં
તો વળી, ક્યાંક
આંખમાં એવું શું ખટકે ?
હૈયું આખેઆખું બટકે !
ગઝલમાં ટૂંકી બહેરમાં પણ કવિ કેટકેટલું કહી દે છે.
કવિની આ શબ્દયાત્રા માત્ર સ્થૂળ બનીને રહી જતી નથી , પરંતુ એ વિશ્વયાત્રાએ નીકળેલા પ્રવાસીની યાત્રા બની રહે છે. આપણે ક્રમશ: આ યાત્રાને પુસ્તક પરબ માણાવદરના પ્લેટફોર્મ પર માણીશું. કવિની જ એક પંક્તિ દ્વારા વિરામ લઈએ.
મારું તારું સૌનું તારણ હોય છે
જન્મ એ મૃત્યુનું કારણ હોય છે
ઈમ્તિયાઝ કે કાઝી
માણાવદર.
તા. ૩૦/૦૪/૨૦૨૦, ગુરુવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો